હડકાયો કૂતરો કરડ્યો એટલે હું ફિલ્મ બનાવું છું. - કેતન મહેતા

03:05




મુંબઈના અંધેરી વિસ્તારમાં 2008ની સાલના ઊનાળાની ભરબપ્પોરે ફિલ્મકાર કેતન મહેતાની ઓફિસમાં પ્રવેશું છું ત્યારે હાશ અનુભવાય છે. એક તો ઓફિસની શીતળતા, બીજું કેતન મહેતાનો શાંત સ્વભાવ. (કેતન મહેતાને છ વરસ સુધી ફિલ્મ સેન્સરમાં અટકી રહશે તેની કદાચ કલ્પના નહોતી ત્યારે પણ લાંબાગાળા સુધી રાહ જોવાની તેમની ક્ષમતા નકારી ન શકાય.) ફિલ્મની રજુઆતની રાહ જોઇ રહેલા કેતન મહેતા વ્યસ્તતા વચ્ચે પણ સહજ શાંત હતા. ઓફિસમાં માયા મેમસાબ, મિર્ચ મસાલાના પોસ્ટર્સ સાથે રાજા રવિ વર્માના પેઇન્ટિંગ ધ્યાન ખેંચ્યા વિના ન રહે.
નવસારીમાં જન્મેલા કેતન મહેતાના પિતા ચન્દ્રકાન્ત મહેતાનું ગુજરાતી સાહિત્યમાં જાણીતું નામ છે.  ચન્દ્રકાન્ત મહેતા ગુજરાતીના પ્રોફેસર, વિવેચક હોવા ઉપરાંત અનેક બંગાળી કથાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. શરૂઆતમાં મુંબઈ અને છેવટે દિલ્હીમાં હેડ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. એટલે કેતનનો અભ્યાસ દિલ્હીમાં હિન્દીમાં થયો. કેતન કહે છે કે, સરદાર પટેલ વિદ્યાલયમાંથી શાળાનું શિક્ષણ પુરુ કર્યું અને ત્યારબાદ સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું. શાળા અને કોલેજ દરમિયાન નાટકો કરવા માંડ્યો હતો. એમ.કે.રૈના, બી.વી.કારંજ અને ઓમ શિવપુરી સાથે રંગમંચ પર કામ કર્યું હોવાથી દ્રશ્યાત્મક ક્રિએટીવીટિમાં રસ પડતો ગયો. એટલે પૂના ફિલ્મ ઇન્સટિટ્યુટમાંથી ડિપ્લોમાં કર્યો.મારા બન્ને ભાઈઓ ડોકટર થયા છે. તે સમયે એટલે કે એંશીના દાયકામાં ફિલ્મલાઈનમાં જવાનું ભાગ્યે જ કોઇ પસંદ કરતું. એટલે ઘરમાંથી થોડો વિરોધ થયો હતો. પણ મારી મક્કમતા જોઇને પિતાજીએ મને મંજુરી આપી. તે સમયે નસિરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ જેવા કલાકારો  મારી સાથે હતા એટલે તેમની સાથે મિત્રતા થઈ. કેતન મહેતા વાત કરતાં જરા અટકે છે એટલે સવાલ પૂછી લઉ છું કે,
તમે ગુજરાતીમાં ભણ્યા નથી તો તમારી પ્રથમ ફિલ્મ ગુજરાતીમાં શું કામ ? ગુજરાતી સાહિત્ય તમે વાંચ્યું છે?’ તરત જ જવાબ આપતાં કેતન મહેતા કહે છે કે, ગુજરાતી મારી માતૃભાષા છે અને ઘરમાં તો અમે ગુજરાતીમાં જ બોલતાં, બીજું કે પિતાજી ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો છે. મેં પણ ગુજરાતી સાહિત્ય પછીથી ખૂબ વાંચ્યું છે. કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, સુંદરમ વગેરે મારા પ્રિય લેખકો છે. ફિલ્મ સંસ્થામાંથી પાસ થયા બાદ મેં થોડો સમય અમદાવાદની ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું. એ માટે મારે ખેડા જીલ્લામાં પુષ્કળ રખડવાનું થતું હતું. મોટાભાગનું મારું વાંચન એ દરમિયાન થયું છે. ગ્રામીણ પ્રજા માટે અમે કાર્યક્રમો બનાવતાં એટલે ગ્રામીણ સમસ્યાઓ મારા ધ્યાનમાં આવી. ખાસ કરીને અછૂતોનો પ્રશ્ન મને મૂંઝવતો. એટલે મેં ભવની ભવાઈ બનાવવાનું નક્કી કર્યું. સાચું કહું તો જીવનના એ જે ચાર પાંચ વરસો લોકોની વચ્ચે પ્રવાસમાં ગાળ્યા હતા તે અદભૂત હતા. એ જ સમય દરમિયાન મને ભવની ભવાઈની વાર્તા મળી જે અછૂતનો વેશ તરીકે ભવાઈમાં ભજવાતી.1979ની આસપાસ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. પાસે પૈસા તો હતા જ નહીં. થોડી લોન મળી એનએફડીસીમાંથી ત્રણેક લાખ રૂપિયાની અને મારા મિત્રો નસિર અને સ્મિતા બધાએ જ વગર પૈસે મારી સાથે કામ કર્યું. મને હજી ય યાદ છે અમે બધાં જ અગાસીમાં લાઈનબધ્ધ સૂતાં. જે હવે આજે તો શક્ય જ નથી. એ બધા વગર પૈસાના દિવસો અદભૂત હતા. બીજી બાબત એ બની હતી ભવની ભવાઈ વખતે કે  મારું યુનિટ બસમાં આવવાનું હતું અને તેમને લેવા હું  વહેલી સવારે ગયો હતો ત્યારે મને કૂતરું કરડ્યું હતું. તે કૂતરું હડકાયું હતું , બસ પછી તો શું ? ફિલ્મ શૂટિંગના પ્રથમ દિવસથી ચૌદ દિવસ સુધી મારે પેટમાં ઇન્જેકશન લેવા પડ્યા. રોજ સવારે ઇન્જેકશન લઉં પછી શૂટિંગ શરૂ થાય. યુનિટમાં બધા જ મારી મશ્કરી કરતાં કે કેતન મહેતાને કૂતરું કરડ્યું છે એટલે તે ફિલ્મ બનાવી રહ્યો છે. અને કદાચ એ સાચું  ય છે કારણ આજદિન સુધી હું જે ફિલ્મો બનાવું છું તેમાં વિવાદ થાય જ છે. જો કે હું માનું છું કે વિષય ચર્ચાય તો જ ફિલ્મ બનાવવાનો મતલબ રહે છે. મારી દરેક ફિલ્મમાં કોઇને કોઇ હેતુ હોય જ છે. ભવની ભવાઈ રજૂ થઈ ત્યારે અનેક સમસ્યા હુલ્લડો થયા હતા. આમ મારી પ્રથમ ફિલ્મ ગુજરાતી હતી. બધા જ કલાકારો લાઈનો મોઢે કરી નાખતા શાળાના વિદ્યાર્થીઓની જેમ. એ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો, આંતરરાષ્ટ્રિય એવોર્ડો મળ્યા. અમે જે મહેનત કરી હતી તેનું ફળ મળ્યું એમ કહી શકાય. ખરેખર કહું તો એક ગોરિલા કાઈન્ડ ફિલ્મ બનાવવાનો અનુભવ હતો. અને પછી મેં હોલી બનાવી જે ફક્ત એંશી કલાકમાં શૂટ થઈ. તેમાં કેમેરા પોતે એક કેરેકટર તરીકે હતો. આમિર ખાન અને આશુતોષ ગોવારીકરની તે પ્રથમ ફિલ્મ હતી. એ મારા માટે સિનેમેટિક અનુભવ હતો એમ કહી શકાય.
કેતન મહેતાએ  આજના સ્ટાર અભિનેતા અને ફિલ્મમેકર આમિર ખાન, શાહરુખ ખાન અને આશુતોષ ગોવારીકરને પ્રથમવાર બ્રેક આપ્યો હતો. તો છ વરસ સુધી સેન્સરમાં અટવાયા બાદ  હાલમાં રજૂ થયેલી વિવાદિત ફિલ્મ રંગરસિયા બનાવી ત્યારે  પણ રણદીપ હુડા અને નંદના સેન નવોદિત કલાકારો હતા. ભારતમાં પ્રથમવાર કોઇ પેઇન્ટરના જીવન પરથી ફિલ્મ બની છે. અને તે પણ એક ગુજરાતી દિગ્દર્શક ધ્વારા. જ્યારે હોલિવુડમાં તો પ્રસિધ્ધ ચિત્રકારો પરથી અનેક ફિલ્મો બની છે.  પિકાસો, વિન્સેટ વાનગોગ, ટર્નર અને ફ્રીડા જેવા કલાકારો પરની ફિલ્મો જાણીતી છે.
કેતન મહેતાએ હોલી બાદ મિર્ચ મસાલા, સરદાર, માયા મેમસાબ, હિરો હીરાલાલ, ઓહ માય ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા બનાવી  હતી. વાત આગળ ચલાવતાં કેતન કહે છે કે, હોલી બાદ તરત જ મેં મિર્ચ મસાલા શરૂ કરી હતી. તે વખતે સ્મિતા અને નસિરૂદ્દીન શાહ ખૂબ વ્યસ્ત હતા. અને મરચાંની સીઝન તો ફેબ્રુઆરી, માર્ચમાં હોય. એટલે ખૂબ જ ઝડપથી નિર્ણય લઈને ફિલ્મ શરૂ કરવી પડી હતી. ચોટીલા પાસે એક ગામડાંમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું. ફિલ્મની વાર્તા સાંભળીને નસિર અને સ્મિતાએ ગમે તેમ કરીને મને તારિખો આપી હતી. એ ફિલ્મની વાર્તા ચુનિલાલ મડિયાની વાર્તા અબુ મકરાની પર આધારિત છે. ફક્ત ફરક એટલો જ છે કે વાર્તામાં તમાકુ ફેકટરીની વાત છે અને અહીં મરચાંની વાત છે. ફરી મારા નસીબે સફળતા નોંધાઈ અનેક એવોર્ડો મળ્યા.
કેતન મહેતા એટલા શ્રીમંત ક્યારેય નહોતા કે પોતાના પૈસા ફિલ્મ બનાવી શકે. તેમણે હંમેશા લોન લઈને ફિલ્મો બનાવી અને તેય પાછી સંવેદનશીલ વિષયો લઈને શું કામ ?

સવાલ સાંભળીને કેતન મહેતા આછું હસતાં કહે કે, હડકાયો કૂતરો કરડ્યો છેને એટલે.. સાચું કહું તો દરેક ફિલ્મકાર ફિલ્મ બતાવવા માટે જ બનાવે છે. મેં જે રીતે ઇસરો માટે કામ કર્યું હતું તેમાં અનેક અનુભવો થયા હતા. બીજું ફિલ્મ એક એવું માધ્યમ છે જેના ધ્વારા તમે લાખો લોકો સુધી તમારી વાત પહોંચાડી શકો છો. સમાજ સુધી પહોંચવા માટે સમાજની સમસ્યા એક ઉત્તમ વિષય છે. પછી તે અછૂત હોય કે સ્વાતંત્ર્યની વાત હોય. દેશના સ્વાતંત્ર્યની કે પછી સ્ત્રીના મનમાં રહેલાં સ્વતંત્રતાના પ્રદેશની. મંગલ પાંડે અને સરદાર સ્ત્રીના સ્વાતંત્ર્યની વાત હતી તો માયા મેમસાબ સ્ત્રીના આંતરમનની વાત હતી. સરદાર બનાવતી સમયે જ મને મંગલ પાંડે બનાવવાનો વિચાર આવ્યો હતો. હીરો હિરાલાલ ફિલ્મમાં રિયાલીટી શોનો પ્રયોગ કર્યો હતો. જે મારા મિત્ર નૌશિલ મહેતાનો આઈડિયા હતો. તે સમયે 1988ની સાલમાં રિયાલીટી શો કોઇ જાણતું નહોતું. મને હંમેશા નવું કરવું ગમે છે. હું સમયની આગળ વિચારી શકું છું. મારે સાયન્સ ફિકશન ફિલ્મ બનાવવી હતી.પણ તે માટે આપણી પાસે ત્યારે  સાધનો અને સ્કીલ નહોતા. એટલે મેં માયા એકેડમી શરૂ કરી. અને સ્ટુડિયો શરૂ કર્યો જ્યાં આવું કામ થાય. કેપ્ટન વ્યોમ કરીને ધારાવાહિક બનાવી જે સાયન્ટિફિક વાર્તા ધરાવતી હતી. અને હવે હું સાયન્સ ફિકશન આધારિત ફિલ્મ પણ બનાવીશ. દરમિયાન રાજા રવિ વર્માનું પુસ્તક હાથમાં આવ્યું જે રણજીત દેસાઈએ મરાઠીમાં લખ્યું છે. એ પેઇન્ટરની જીવનકથામાં દરેક  રંગો  છે જે ફિલ્મ બનાવવા માટે જોઇએ. એક તો એ ચિત્રકારે આપણાં દેવી દેવતાઓને ચહેરો આપ્યો. ચિત્રકાર તરીકે તેણે અદભૂત ચિત્રો દોર્યા જે આજે કરોડોમાં વેચાય છે. તેના જીવનમાં ચાર સ્ત્રીઓ આવી હતી. તેણે લિથોગ્રાફનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. જેના ધ્વારા એના ચિત્રો ઘરઘરમાં પહોંચ્યા. વળી એ જમાનામાં એટલે કે આજથી સો વરસ પહેલાં તેના પર નગ્ન ચિત્રો દોરવા માટે કેસ થયો હતો અને તે કેસ જીતી ગયો હતો. આજેય પરિસ્થિતિ બદલાઈ નથી. એમ એફ હુસેન અને અન્ય ચિત્રકારોએ સમાજનો ખોફ વહોરવો પડ્યો છે. પણ રવિ વર્મા લેજન્ડ હતા. એક ફિલ્મકાર તરીકે મને એની જીવનકથામાં રસ પડ્યો. અને મેં ફિલ્મ બનાવી. જે સેન્સરમાં અટવાતી રહી છ વરસ માટે. જુઓને આજે પણ રવિ વર્માને ઓછી સમસ્યા નથી. જે નગ્નતાની સમસ્યા તેના ચિત્રોને નડી તે જ ફિલ્મને પણ નડી એમ કહી શકાય. રાજા રવિ વર્મા ચિત્રકાર હતા. તેમણે સ્ત્રીનાં સૌંદર્યને અદભૂત રીતે આકાર્યો છે. એની ફિલ્મમાં રચનાત્મક પ્રણયસીન ન આવે તો ફિલ્મ કેમ બને ? મને લાગે છે કે હજી આપણે આગળ વધવાને બદલે પાછા જઈ રહ્યા છીએ. તે સમયે રવિવર્મા કેસ જીતી ગયા હતા પણ આજે તે કદાચ હારી જાત. જો કે ત્યારે પણ કલાની કિંમત તેમણે ચૂકવી જ છે. આજે ય આપણે ત્યાં સમાજના રખેવાળો કલાને ખોટા મૂલ્યોના ત્રાજવે તોલે છે. કલા અને કલાકારની કદર કરવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. સફળતા કે નિષ્ફળતા વિશે ક્યારેય વિચારતો નથી. પણ આ ફિલ્મ વિશે ચર્ચા થાય એવું ઇચ્છું છું. જ્યારે સારા વિષયને પણ લોકો સમજી ન શકે, સ્વીકારી ન શકે ત્યારે દિલ જરૂર દુખે.

You Might Also Like

0 comments