વિવેક કઈ બલાનું નામ છે?

22:23





બાળક નાનું હોય અને છણકા કે ગુસ્સો કરે ત્યારે જાતીય ભેદભાવનો મૂળભૂત ફરક દેખાશે. છોકરીને તેના વર્તનમાં ક્ધટ્રોલ કરવાનું એટલે કે સંયમથી વર્તવાનું કહેવામાં આવશે જ્યારે છોકરાઓ તો એવા જ હોય કહીને ગર્વ લેવાતો જોવા મળશે. એ બાળકો મોટા થાય ત્યારે પણ એ ભેદભાવ રહેતો જ હોય છે. છોકરો ગમે ત્યારે ઘરની બહાર જઈ શકે, ગમે ત્યાં એકલો પણ જઈ શકે. છોકરીને બંધનો હોય. અમુક વાગે તેણે ઘરમાં આવી જ જવાનું. અમુક કપડાં ન પહેરાય કારણ કે પુરુષની નજર બગડે. બહાર જવું હોય તો દસ સવાલો પુછાશે. આ ફરક વિશે તેઓ દલીલ કરશે કે છોકરીઓ સાથે આજકાલ કેવું બને છે એટલે ચિંતા થાય જ.

છોકરીઓની છેડતી કે બળાત્કાર કરનારા પણ કોઈકનો દીકરો, ભાઈ, પતિ કે પિતા હોય છે. તેઓ જાણે છે કે તેમનાથી વિવેકભાન રહી શકતું નથી એટલે પોતાના ઘરની સ્ત્રીઓ પર બંધનો લાદવામાં આવે છે. માતાને પણ ખબર હોય છે કે પિતા, ભાઈ કે પુત્ર પુરુષ છે અને સ્ત્રીની બાબતે સંયમ કે વિવેક તેમનાથી જળવાતો નથી. એ માતામાં હિંમત નથી હોતી પુરુષને કહેવાની એટલે પોતાની દીકરીને કહે છે. એવું જ ઈચ્છે છે પુરુષ પિતા કે ભાઈ પણ કે સ્ત્રીઓ સંયમમાં અને તેમના કાબૂમાં રહે . હવે મુંબઈ જેવાં શહેરોમાં ઊચ્ચવર્ગમાં સ્ત્રીઓ પણ મુક્ત જીવન જીવતી થઈ છે અને તેમની ઈચ્છાઅનિચ્છાનો આદર થાય છે, પરંતુ તે માટે સ્ત્રીએ પોતાની કંપની પસંદ કરતી વખતે ધ્યાન રાખવું પડે છે. બાકી મોટાભાગના સમાજમાં પિતૃસત્તાક માનસિકતા હોવાથી છેડતી કે બળાત્કારમાં બધો વાંક સ્ત્રીના વર્તનનો કે વસ્ત્રોનો જ હોય છે એવી માન્યતા સ્ત્રી-પુરુષના મનમાં ઘર કરી ગઈ છે. કેટલાય એવા કિસ્સાઓ બને છે કે જેમાં પિતાએ પોતાની પુત્રી પર નજર બગાડી હોય. કાકા, મામા,ભાઈઓ અને આડોશીપડોશીઓ તો એવું કરતાં જ હોય છે. તેમને મન તો જે બાળકી તેમની સામે સ્ત્રી બને તેમના પર એમનો અધિકાર હોય છે. તેની સામે સ્ત્રીઓ કેટલા છોકરાઓ પર બળાત્કાર કરે છે? મારી નાખે છે?

સંયમ અને વિવેકની વાત આવે એટલે જેમની માનસિકતા પિતૃસત્તાક હોય છે તેઓ દલીલો કરશે કે માનવીય સ્વભાવ કુદરતે એવો જ ઘડ્યો છે કે પુરુષ સંયમ કે વિવેક રાખી જ ન શકે. અથવા તો વિવેક કોણ રાખશે? એવા પ્રશ્ર્નો પુછાય. અરે ભાઈ શરૂઆત તમારાથી કરો તો સમાજ બદલાશે. તમે સવાલ પૂછો છો કારણ કે સંયમ રાખવાનો પ્રયત્ન કરતા જ નથી. લાગ મળે તો સ્ત્રીને ભોગવવા તૈયાર જ હોવ છો. મોટાભાગના સંપ્રદાયો પણ સ્ત્રી પર પ્રતિબંધ મૂકશે. સ્ત્રી માત્રને જોવાથી તેમનો સંયમ છૂટી જતો હોય તો સાધુ બનવાનો અર્થ જ નથી હોતો. મન પર તમે કાબૂ નથી કરી શકતા તો સ્ત્રી સામે હોય કે ન હોય તેનાથી ફરક પડતો જ નથી. આવા સાધુઓ કરતાં તો સામાન્ય પુરુષો સારા કે જે પોતાના પર સંયમ રાખી શકે છે. સત્ય નગ્ન છે. કપડાં પહેરેલી સ્ત્રી પણ જો પુરુષને વિચલિત કરી શકે છે તો સ્ત્રીની આંશિક નગ્નતા પણ પુરુષથી સહન ન થઈ શકે કારણ કે તેને વિવેકભાન રાખવાનો ક્યારેય પ્રયત્ન કર્યો જ નથી. એ માનસિકતાને ઉછેરવા જ કેટલીક મહિલાઓ નગ્નતાને સત્ય તરીકે સામે મૂકે છે.

કલાક્ષેત્રે નગ્નતાને નવો આયામ આપવામાં આવે છે. લગભગ દરેક કલાકાર નગ્ન નારીના સૌંદર્યના સત્યને પામવાનો પ્રયત્ન કરતો હોય છે. પણ સભ્ય સમાજમાં તેનો સ્વીકાર સહજતાથી થતો નથી. એટલે જ આજે કેટલીક નારીઓ નગ્નતાનો ઉપયોગ સમાજ સુધી સત્યને પહોંચાડવા માટે કરે છે અથવા પોતાની ઓળખને સાબિત કરવા માટે પણ કરતી હોય છે. હાલમાં જ કેટલીક ઘટનાઓ બની જેમાં મહિલાઓએ લોકો સુધી નગ્નતા દ્વારા પોતાનું સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સત્ય તો કેટલે અંશે પહોંચ્યું તે તો ખબર નહીં, પરંતુ નગ્નતાના સમાચાર લોકો સુધી જરૂર પહોંચ્યા.ભારતમાં કોચીમાં એક મોડેલે કાસ્ટિંગ કાઉચના વિરોધમાં પોતાના કપડાં ઉતાર્યા હતા. તો અમેરિકન છોકરીએ બ્રાનો વિરોધ કર્યો હતો. ગયા વરસે આફ્રિકામાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણી અને બળાત્કારના વિરોધમાં નગ્ન થઈને વિરોધ કર્યો હતો. ૨૦૦૮માં મણિપુરમાં માતાઓએ બળાત્કારના વિરોધમાં ભારતીય લશ્કર સામે કપડાં ઉતાર્યા હતા. આ બધા વિરોધોનું નગ્ન સત્ય એ હતું કે મહિલાઓની ફરિયાદને કોઈ સાંભળતું નહોતું. આ દરેક બાબતો વિવેકની વાતો કરનાર પુરુષ યાદ નથી રાખતો.

તો લગભગ સાતેક વરસ પહેલાં મહિલા દિને યુ ટ્યૂબ, ફેસબુક અને ટ્વિટર પર ન્યુડ ફોટો રિવોલ્યુશનરી કેલેન્ડરની જાહેરાત થઈ હતી. તેમાં યુરોપમાં વસતી અનેક ઇરાનીઅન મહિલાઓએ પોતાના નગ્ન શરીરને પ્રદર્શિત કરતા કહ્યું કેઅમારા અવાજને કે સ્વતંત્રતાને કચડી નહીં શકો. અમારી નગ્નતા એ પોલિટિકલ ઇસ્લામને નકાર છે,મારા વિચારો, મારું શરીર, મારી પસંદગી.

જાન્યુઆરી ૨૦૧૨માં ઇરાનીઅન અભિનેત્રી ગોલશિટે ફરહાનીએ એક ફ્રેન્ચ મેગેઝિન માટે લગભગ નગ્ન પોઝ આપ્યો હતો તે માટે તેને વખોડી કાઢવામાં આવી હતી તેના વિરોધમાં આ મહિલાઓએ નગ્ન વિરોધ કર્યો હતો. જો કે સાથે ન્યુડ કેલેન્ડરની જાહેરાત હતી જેના અંતે કહેવામાં આવે છે કે આ કેલેન્ડરની કમાણીને વિમેન રાઇટ્સ અને ફ્રિ એક્સપ્રેશન માટે વાપરવામાં આવશે.

મરિયમ નમાઝીને વિચાર આવ્યો કે સ્ત્રીઓ પર સતત લદાતા પ્રતિબંધનો વિરોધ કરવા માટે ન્યુડ કેલેન્ડર કરવું અને તે દ્વારા મહિલાઓના ફ્રિડમ ઓફ એક્સપ્રેશન અને માનવીય અધિકાર પર પ્રતિબંધનો વિરોધ કરવો. ઇજિપ્તની આલિયા મગદા એલમાડી નામની મહિલાએ પોતાના બ્લોગ પર પોતાની નગ્ન તસવીર મૂકીને ટ્વિટર પર લખ્યું કે જાતીયતાના નામે આચરાતો દંભ, હિંસા, રેસિઝમની વિરોધમાં અવાજ ઉઠાવો. આ કેલેન્ડરમાં આલિયા એલમાડી સાથે અન્ય દરેક વયની મહિલાઓએ આત્મવિશ્ર્વાસપૂર્વક પોતાની નગ્ન તસવીર મૂકવા દઈને ફ્રિડમ ઓફ એક્સપ્રેશનમાં સાથ આપ્યો છે. તસવીરોની સાથે નારીના વ્યક્તિત્વની ઓળખ આપતો સંદેશ પણ મૂકવામાં આવ્યો હતો. નગ્નતા શું કામ એ જ તો પુરુષનો વિવેકભાન ભુલાવે છે એવો સવાલ પણ પુરુષો દ્વારા થશે કારણ કે તેમને સત્ય જોવું નથી.

નગ્નતા દ્વારા સત્યને સમાજના કાન સુધી પહોંચાડવાના પ્રયત્નો પહેલાં પણ થયા છે, નગ્નતા દ્વારા રજૂ કરાયેલ સંદેશ તરત જ લોકો સુધી પહોંચે છે તેનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે. પ્રાણીઓ માટે કામ કરતી પીટા નામની સંસ્થા દ્વારા કેમ્પેન કરવામાં આવે છે કે પ્રાણીઓને મારીને તેનું ફર કે ચામડું વાપરવા કરતાં નગ્ન રહેવું સારું. આવા સંદેશ સાથે વિશ્ર્વ પ્રસિદ્ધ મોડેલ નેઓમી કેમ્પબેલ અને ક્રિસ્ટી ટર્લિગ્ટને નગ્ન પોઝ પણ આપ્યા છે. તો ઇરાક યુદ્ધના વિરોધમાં ય અનેક લોકોએ નગ્ન વોક કર્યું છે.બ્રેસ્ટ નોટ બોમ્બમુવમેન્ટને તો આખાય વિશ્ર્વની મહિલાઓએ પ્રતિસાદ આપ્યો હતો. પબ્લિસિટી સ્ટંટ માટે કપડાં ઉતારતી અભિનેત્રીની નગ્નતાને સત્ય સાથે કશી લેવાદેવા હોતી નથી. પણ જ્યારે સત્ય અને સંદેશ સાથે નગ્નતા પ્રદર્શિત થાય છે ત્યારે તેને તમે નજરઅંદાજ કરો કે વખોડો તો ય નગ્ન સત્ય તમારા હૃદય સુધી પહોંચ્યા સિવાય રહેતું નથી. જો તમે સમજવા માગો તો નહીં તો વિવેક કઈ બલાનું નામ છે એવા સવાલો પૂછ્યા કરશો અને સમાજની માનસિકતા બદલાશે નહીં. સમાજ એટલે આપણે બધા બીજું કોઈ નહીં. તમે સ્વીકાર કરો કે ન કરો પણ સત્ય હંમેશાં નગ્ન જ હોઈ શકે તેને દંભનાં વસ્ત્રો ઢાંકી નહીં શકે.

You Might Also Like

0 comments