બધું જે દેખાય છે તેવું હોતું નથી

22:19



ટ્રેનની મુસાફરી ગજબની હોય છે. તેમાં તમે સમાજનો સાચો ચહેરો જોઈ શકો છો. અમે મૈત્રિણીઓ મુસાફરી કરી રહ્યા હતા. અમારી સાથે ડબ્બામાં બે પરિવાર પણ હતા. પતિ-પત્ની, બે બાળકો અને એક માજી જે કદાચ પતિ મહાશયના મા હશે. પત્ની સમર્પિત ગૃહિણી હતી તે દેખાઈ રહ્યું હતું. અમારા વિચારો અમારી પરિસ્થિતિમાંથી આવ્યા હતા. દરેકની સામાજિક, આર્થિક અને માનસિક પરિસ્થિતિ જુદી હોઈ શકે. હું જે વિચારું છું સામી વ્યક્તિ માટે એ વ્યક્તિ એ રીતે ન યે વિચારતી હોય તે અનુભવે સમજાય પણ નિરીક્ષણ કરવાની આદત જતી નહોતી. 

ગૃહિણી સતત પીરસી રહી હતી ત્યારે છોકરાઓને વઢી રહી હતી.સરખાં બેસો , ઢોળશો બધું ... અરે હાથ આમ ન અડાય... લે વળી સેનિટાઈઝરથી હાથ સાફ કર.... પછી જ જમ. આટલું તો પૂરું કરવાનું જ છે. તને ભાવતો જામ પણ છે... થેપલાં સાથે ખાવા માટે.... પછી તો માગીશ તો હવે નહીં આપું હો... વગેરે વગેરે ને વચ્ચે પતિની સાથે .....તમને શું આપું?સૂર બદલીને પૂછી લેતી. અરે તમે કેમ ઓછું ખાધું?આ સાંભળીને અમને થયું બિચારાએ ક્યાં ઓછું ખાધું છે ... ક્યારનો નાસ્તા કરી રહ્યો હતો દર અર્ધા કલાકે ડબ્બામાં જેટલા નાસ્તા વેચવાવાળા આવ તે દરેક પાસેથી એમણે ખાધું હતું ... અને રાતના નવ વાગ્યે પાંચેક થેપલા , શ્રીખંડ, શાક, અથાણાં અને ઢોકળા તો ખાઈ જ રહ્યો હતો. વળી ભાઈનું પેટ પણ ખાસ્સુ મોટું હતું. ખેર, ડિનર પત્યું કે બધા શાંત બેઠાં હતા સૂઈ જતાં પહેલાં. છોકરાઓ મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા અને પેલા ભાઈ મોબાઈલમાં મેસેજીસ વાંચી રહ્યા હતા. પ્રૌઢા શાંતિથી પોતાના વિશ્ર્વમાં ખોવાયેલી હતી. અને પેલી ગૃહિણીઓ હવે થોડી નવરી પડી અને આસપાસ, આજુબાજું કોણ શું કરી રહ્યું છે તેનો અંદાજ લગાવતી વાતોએ ચડી. ઉપરની બર્થ પર સૂતા સૂતા સંભળાતું હતું. 

કમાલ છે પેલી બાઈ તો શું પહેરીને ટ્રેનમાં અવાય કે ન અવાય તેનું ભાન નથી. શું નું શું લોકો ખાય છે હે ભગવાન.... નોન વેજ ડબ્બામાં શું કામ લાવતાં હશે ...કેટલી વાસ મારે છે. સારું છે અમે પહેલાં જ જમી લીધું. આમ તો બધી જ તૈયારી બરાબર હતી પણ છાશ રહી ગઈ. તાજા ઢોકળા ઉતારીને ભરવામાં જ સમય ઘણો ગયો. પહેલાંથી ન બનાવ્યા એમાં...લોકો પણ ટ્રેનમાં હાથ હલાવતા આવી જાય. ( અમારી સામે જોઈને કદાચ કહેતી હતી) આળસુઓ... ઘરેથી થોડું બનાવીને ન લવાય?બહારથી ખાવાનું મંગાવીને ખાય. બળ્યું એમાં શું ભલીવાર હશે....જો કે સ્વીટ, ફરસાણ બધું ધરાવતી થાળી હતી પણ ઘરેથી ઊંચકી લાવવામાં જે મજા છે. હું તો બહારગામ જાઉં એટલે ગુજરાતી જમવાનું જ બનાવું. એમને રસ્તામાં એ જ ફાવે. આ કામ કરતી એકલી ફરતી સ્ત્રીઓ હોય જ આળસુ... થોડું ખાવાનું ઊંચકતા કેટલો સમય લાગે. જો ને મેં બાઈને થેપલા બનાવતાં શીખવાડી દીધું છે અને શાક પણ તે સમારી આપે. ઢોકળા ઉતારવાના હોય. તે થાળી મૂકી દઉં કે તે સરસ કાપીને ડબ્બામાં ભરી આપે. આવતે વખતે થોડો હાંડવો પણ લઈ લઈશ સવારે ખાવા માટે. ખાખરા તો ત્રણેક જાતના લીધા જ છે સવારે નાસ્તો કરવા માટે પણ એમને તો ગાંઠિયા કે ફાફડાં તળેલા દેખાશે તો એ ય ને લેવા દોડશે. ચા બનાવવા માટે ઈલેક્ટ્રિક કિટલી લઈ અવાય હવે તો ... મોબાઈલ ચાર્જ કર્યા કરતાં ચા બનાવી લેવાય. હવે તો રેડમેઈડ ચા ના પેકેટ મળે છે બસ પાણી જ ગરમ કરવાનું રહે. જોને આંખો દી તેમને મોબાઈલમાં કામના મેસેજ આવતા હોય. થાકી જાય વારે વારે ચા મળે તો સારું રહે. (કહેતાં તેમણે પોતાનો મોબાઈલ જોયો. પણ કોઈ મેસેજ નહોતો.) આમ બૈરા એકલા ફરવા કેમના નીકળતા હશે?ઘરનો પુરુષ સાથે હોય તેમાં ય પતિ તો કેટલા નચિંત રહેવાય. આપણે તો બસ ખાવાનું લેવાનું, બેગ પેક કરવાની અને હાલતા થવાનું કોઈ ફિકર જ નહીં. જ્યાં લઈ જાય ત્યાં જવાનું ઝાઝું વિચારવાનું જ નહીં. આ ચોપડાઓ વાંચીને જ બૈરાંઓની બુદ્ધિ બગડે છે. વધુ ભણેલા અને વાંચતા બૈરાઓ કોઈનામાં ભલીવાર ન હોય. ઘર સંભાળતા તો આવડે જ નહીં. પેલા બહેને કોટનની સાડી પહેરી લાગે છે. લાગે સારી પણ પ્રવાસમાં તો પોલિયેસ્ટર જ સારું. મેં તો બધી સાડી ને કપડાં સિન્થેટિક્સ જ લીધા છે. અમુક સ્ત્રીઓમાં તો અક્કલ તો હોય જ નહીં. વ્યવહારુ અક્કલ જોઇએ ઘર અને વર ચલાવવા માટે.

બસ આનાથી વધારે આ ગૃહિણીના વિચારો જાણવાની જરૂર ન લાગી. કદાચ વાંચીને મારી પણ બુદ્ધિ બગડી ગઈ છે. પેલી ગૃહિણીનો વર ક્યારનો ફોન પર કોઈની સાથે ચેટ કરતો હોય તેવું લાગ્યું. તેમના પુરુષો શું કરે છે તે જાણવાની ઉત્કંઠા થઈ. સામેની બર્થ પર સૂતેલી મારી મિત્રને કહ્યું કે નીચે જોઈને કહે કે પુરુષો શું કરે છે. જાણવા મળ્યું કે બિઝનેસની વાતો કરવાની સાથે એક પુરુષ પોતાની કોઈ ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો હતો. ડાર્લિગ તુમ સાથ હો યહાં તો અચ્છા હૈ. મીસિંગ યુ. ક્યાં કરું બોરિંગ વાઈફ કે સાથ ફસ ગયા હું. તું તો મત પૂછ ખાના ખાયા કે નહીં. પતા તો હૈ વાઈફ સાથ હૈ તો ખાને કી ક્યા કમી હૈ. ક્યું આજ તુમ ખાના બના રહી હો .... રસોઈયા નહીં આયા ક્યા?ક્યું નાજુક હથેલી જલા રહી હો જાન, બહાર સે મંગા કે ખા લો દો દિન. તુમ્હારે લિયે ક્યાં લાઉ .....(ચેટ ચાલુ જ રહી અડધી રાત સુધી પણ અમને ઊંઘ આવી ગઈ વહેલી.... વિચારો અને પ્રવાસે થકવી દીધા હતા)

બીજે દિવસે મિત્રો ટ્રેનના અનુભવની વાત કરી રહ્યા હતા ત્યાં સખીએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો. આજના જમાનામાં ય ક્યાં સ્ત્રીઓને કોઈ ચોઈસ છે. દીપિકા પદુકોણ કે કરિના કપુરની પાસે પણ ચોઈસ છે ખરી?તેમણે પણ તો પોતાનું કમનીય ફિગર જાળવવું પડે છે નહીં તો તે ઈન્ડસ્ટ્રીમાંથી આઉટ થઈ જાય.જોઈ છે કોઈ જાડી સ્ત્રી મોડેલ તરીકે કે હીરોઈન તરીકે? વિદ્યા બાલન સિવાય...પુરુષોને જાડી સ્ત્રી ગમતી નથી એટલે જ પાતળી પોતાની દરેક એસેટ્સ દેખાડતી સ્ત્રીઓ ગમે છે. હા એ સ્ત્રી પોતાની પત્ની ન હોવી જોઈએ. 

અશેષને જ જો ને(મૈત્રિણીનો પતિ)... મીડિયામાં કામ કરે તેની સાથે કામ કરતી નિશાના કેટલા વખાણ કરે, બિન્દાસ છોકરી છે. પોતાના પતિને છોડી દીધો... એકલી રહે છે. બોલ્ડ છે મન થાય તેની સાથે ફરે. જિગર જોઈએ આવી રીતે જીવવા માટે. કેટલા વખાણ કરે.. પણ મારા મિત્રોની વાત આવે તો મોઢું ચઢી જાય. તેને ગમે નહીં હું પાર્ટીઓમાં ફરું તેના વિના. સીધું ના નહીં કહે પણ ટોણો જરૂર મારશે કે આજકાલ તું મારા વિના પાર્ટીઓમાં બહુ ફરે છે ને કાંઈ... વ્હોટ ચોઈસ વી હેવ..... ક્યારેય કોઈ જ ચોઈસ સ્ત્રીઓને આપવામાં આવી જ નથી. અને અમે લઈ લઈએ તો બબાલ ઊભું થાય. નિશા ક્લીવેઝ દેખાડતા ડ્રેસીસ પહેરશે અને ફોટા પાડી ફેસબુક પર મૂકશે તો વાંધો નહીં પણ હું જો જરાક બોલ્ડ ડ્રેસ પહેરું તો આવી જ બને... કહેશે તો સારી જ રીતે કે ડાર્લિંગ તને કોઈ મારા સિવાય જુવે તો ગમે નહીં. અથવા તારું ફિગર એવું નથી રહ્યું ...ઈન શોર્ટ બતાવવા જેવું... ઘરમાં પહેરને આ ડ્રેસીસ કે પહેર જ નહીં... કહી હસતા હસતાં મને જણાવી દેશે કે હું તેની મિલકત છું. પોતે અર્ધનગ્ન ફોટાઓ જોશે તેનો વાંધો નહીં. કેમ જાણે એ બીજી સ્ત્રી છે એટલે? હું જ્યારે આવા સવાલો કરું તો કહેશે કે એ લોકો બતાવે છે તો અમે જોઈએ છીએ ને? પુરુષોને સ્ત્રી સામે જોતાં રોકી નહીં શકાય.... વાહ બેટા... કેટલા ડબલ સ્ટાન્ડર્ડ... અમારે શું પહેરવું ન પહેરવું તે અમે નક્કી કરી જ ક્યાં શકીએ... પુરુષો જ નક્કી કરે. જરાપણ અંગ ન દેખાતું હોય તો પણ એક્સરે જેવી નજરોથી જોશે. 

ઑફિસમાં પણ કેટલા ભેદભાવ સહેવાના. ઑફિસ અવર્સ પછી બેસી શકે તે તો પુરુષો જ એટલે તેમને જલ્દી પ્રમોશન. પણ ઑફિસ અવર્સમાં કામ ખતમ કરી નાખે તે સારું નહીં? કામ કરવાની આવડત સારી કે સ્ત્રી કામ કરનારને પણ સ્ત્રી તરીકે જ જોવાની. માણસ તરીકે નહીં. દરેક બાબતનો સમય હોય છે. પણ આખો વખત સ્ત્રીઓને સેક્સુઅલ ઓબજેક્ટ તરીકે જ જોવાની ...માય ચોઈસ એ પણ ભારતમાં...તક મળે ગમે ત્યારે સેક્સુઅલ અબ્યુઝ કરશે. દીપિકાને કહે જુહુ બીચ પર ફિલ્મોમાં પહેરે છે એવા કપડાં પહેરીને ફરી બતાવે... એકલી સિક્યુરિટી સિવાય. પોતે કમાય નહીં, પોતાનું ઘર ન હોય અને લગ્ન કરે પછી કહી જુએ માય ચોઈસ.... સ્ત્રીઓ પણ બેવકૂફ હોઈએ છીએ આવી લોભામણી જાહેરાતો અને વાતો જોઈને જમાનો બદલાઈ ગયો વિચારીને બસ ખુશ થયા કરે. 

હકીકતમાં તો અમારી સ્થિતિ વધારે ખરાબ થઈ છે. ઘરનાને બહારના બેઉ કામ કરો. બન્ને ક્ષેત્રે જે સ્ત્રી બેલેન્સ કરી શકે તે સફળ બાકી નિષ્ફળ. પુરુષોને માટે તો એવો બદલાવ નથી આવ્યો? હું પણ આ બધુ વિચારું છું બાકી મેં જીવનમાં શું ઉખાડી લીધું?પ્રેમ લગ્ન કર્યા પણ બાંધછોડ કર્યા સિવાય છૂટકો નથી. મારી મરજી કહીને જીવવું કોઈ માટે શક્ય નથી... કદાચ પુરુષ માટે ય નહીં... પણ સ્ત્રીઓ માટે તો સીધી કે આડકતરી રીતે પહેરવું ઓઢવું, ફરવું ને સેક્સ દરેક બાબતે પુરુષોની મરજી જ ચાલે છે. પેલી ગૃહિણીના વિચારો પણ જોને પુરુષો જેવા જ કરી નાખ્યા. બહાર કામ કરતી સ્ત્રીઓ નકામી અને આળસુ...

You Might Also Like

0 comments