ટેકનોલોજી લાવ્યું ડિજિટલ ડ્રગ (saanj samachar)

05:17






ઈન્ટ્રો – ફેસબુક પર લાઈકનું બટન લોકોના મગજમાં કેમિકલ લોચા ઊભા કરી શકે છે....

ટેકનોલોજી પહેલાંની દુનિયા યાદ કરવી આપણને આજે મુશ્કેલ લાગે છે તો યુવાનોને માટે ટેકનોલોજી વિનાની દુનિયાની કલ્પના પણ મુશ્કેલ છે, કારણ કે તેમણે જન્મતાંવેંત જ ટેકનોલોજીની દુનિયામાં પગ મૂક્યો છે. અહીં એક જાહેરાત યાદ આવે છે જેમાં માના ગર્ભમાંથી નીકળીને બાળક સીધું ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગે છે. સારું છે બાળક પેદા થતાં જ પ્રાણીઓના બાળકની જેમ કલાકેકમાં ચાલવા નથી લાગતું, નહીં તો આ જાહેરાત કાલ્પનિક ન રહેતાં હકીકત બની જાત. ટેકનોલોજી સૌપ્રથમ બટનરૂપે આપણા જીવનમાં પ્રવેશી એવું એડમ ઓલ્ટરે વરસેક પહેલાં જ પ્રસિદ્ધ થયેલાં તેના પુસ્તક ઈરેસિસ્ટેબલમાં લખ્યું છે. તેનું કહેવું છે કે આપણે જે કોઈ બાબત કરીએ તેમાં મગજને સામે કશુંક વળતર મળે તો તેની આદત પડવા માંડે છે. એટલે કે માનસિક આનંદ કે સુખની લાગણી અનુભવાય તો તેને વારંવાર કરવાની ઈચ્છા થતી હોય છે. ડ્રગની જેમ જ એ બાબત કરતી સમયે આપણા મગજમાં રાસાયણિક સ્ત્રાવ એટલે કે ડોપામાઈનની વધઘટ રોમાંચક સાહસો કરવા પ્રેરે છે.

તમે જ્યારે લિફ્ટમાં કોઈ બાળક સાથે જાઓ ત્યારે શું થાય છે? એ બાળકને લિફ્ટના બટન દબાવવા હોય છે. તેને એક જ બટન દબાવવાનું કહીએ તો તેને સંતોષ ન થાય. થોડુંપણ તોફાની બાળક હોય તો તે બે ચાર કે પછી બધા જ બટન દબાવી દેશે. એ લિફ્ટના બટનમાં જો બટન દબાવવાથી લાઈટ થતી હોય તો બાળકના રોમાંચને ખાળવું મુશ્કેલ બને છે. અને વળી જો એ બટન દબાવવાથી લાઈટની સાથે તેમાં બીપ કે એવો જ કોઈક અવાજ થાય તો તેને ઓર મજા આવે છે. આપણને યાદ છે કે જ્યારે મોબાઈલ નહોતા તે પહેલાં ચકરડાંવાળા ફોન બાદ બટન દબાવવાના ફોન આવ્યા અને તેમાં પણ લાઈટ થાય એવા કોર્ડલેસ હતા અને આજે પણ છે. એ ફોનમાં બટન દબાવવાની બાળકોને ખૂબ મજા આવતી હોય છે. તે સમયે બાળકની આંખો અને ચહેરા પર રોમાંચ જોવાનો તો આપણને પણ આનંદ આવતો હોય છે. ત્યારબાદ બટનવાળા મોબાઈલ આવ્યા અને તેમાં પણ લાઈટ આવતી. યાદ છે કેટલીક વખત આપણા ફોનની રિંગ વાગતી ત્યારે તેને ઉપાડ્યા બાદ સામેથી બાળકના ન સમજાય એવા અવાજો સંભળાય અને આપણે હલ્લો હલ્લો કરતાં રહીએ. થોડીવારે સમજાય કે સામે બાળકે રમતમાં બટનો દબાવ્યા છે અને ફોન લાગી ગયો હોય છે, કારણ કે આપણને ખબર છે કે બાળકોના હાથમાં જો તે બટનવાળો મોબાઈલ આવી જાય તો શું થાય. ખેર, મોટા થઈને પણ એવો રોમાંચ મેળવવાની ઘેલછા દૂર થતી નથી. જો કે હવે તો મોબાઈલની સ્ક્રીન લોક થઈ શકે છે એટલે બાળકો દ્વારા રોંગ નંબર લાગવાના લગભગ બંધ થઈ ગયા છે.

આપણે બટન પર ક્લિક કરીએ અને કશુંક બને તે રોમાંચ આપણાં માટે વળતરરૂપ હોય છે. તેનું ઉદાહરણ, ૨૦૧૨ની સાલમાં એક જાહેરાત કંપનીએ બેલ્જિયમમાં એક ટીવી ચેનલની જાહેરાત કંઈક એવી રીતે કરી કે તે મૂકતાવેંત જ વાઈરલ થઈ ગઈ. બેલ્જિયમના ફ્લેન્ડર નામના શાંત શહેરના ચોરા પર એક મોટું લાલ બટન રાખવામાં આવ્યું. તેના પર એક મોટું તીર મૂકીને લખવામાં આવ્યું હતું કે પુશ ટુ એડ ડ્રામા. અભ્યાસકારે નોંધ્યું છે કે એ બટન દબાવવા માટે આવતા દરેક વ્યક્તિના ચહેરા પર લિફ્ટમાં બટન દબાવવા જતાં બાળક જેવો જ રોમાંચ હતો. સામાન્યપણે ખાલી રહેતા એ ચોરા પર બટન દબાવવા માટે લાંબી કતાર લાગી ગઈ હતી.

સાયકોલોજિસ્ટ લાંબા સમયથી આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે કે જુદા જુદા વળતર સામે પ્રાણીઓ કઈ રીતનો પ્રતિભાવ આપે છે. જેથી માનવીના મન પર પણ એવો પ્રયોગ થઈ શકે. આવા પ્રયોગ કરવાની શું જરૂર છે? શું એ લોકો ઈચ્છે છે કે તેઓ એનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરી શકે. જેમ કે સરકાર લોકોને સારું વર્તન અને ડોનેશન આપવા પ્રોત્સાહિત કરી શકે? માલિકો તેમના કામગારોે કામમાં સંતોષ અનુભવી શકે અથવા વધુ કામ કરવા ઉત્સાહિત થાય તે માટે કે માતાપિતા પરફેક્ટ બાળક ઉછેરી શકે?
૧૯૭૧ની સાલમાં સાયકોલોજિસ્ટ માઈકલ જેઈલરે કબૂતરો સાથે પ્રયોગ શરૂ કર્યો હતો. ચોક્કસ બટન દબાવતાં કબૂતરોની દાણાની પ્લેટ બહાર આવે તેવી રચના હતી. થોડો સમય પછી માઈકલે તેમાં ફેરફાર કર્યો કે દરેક વખતે બટન દબાવતાં કબૂતરોને દાણા ન મળે. તે સમયે કબૂતરો વધુ ઝનૂની થઈને બટન પર ચાંચ મારે. માઈકલે નોંધ્યું કે દરેક વખતે દાણા મળે જ તેના કરતાં ક્યારેક દાણા ન મળે એવી પરિસ્થિતિમાં કબૂતરોમાં ડોપામાઈનનું પ્રમાણ વધતું હતું. દર વખતે ધાર્યું વળતર મળે તે કરતાં એ જ વળતર વિશે અનિશ્ર્ચિતતા હોય ત્યારે વધારે રોમાંચ અનુભવાતો હોય છે. એડ્રેનિલ ગ્રંથિમાં સ્ત્રાવ વધે છે. એટલે કે ઉત્તેજના અને રોમાંચ વધુ અનુભવાય છે. મનને આનંદની અનુભૂતિ કરાવતું ડોપામાઈન માણસ માટે મોટામાં મોટું વળતર હોય છે.
સાયકોલોજિસ્ટ માઈકલના અભ્યાસના તારણ જેવું જ કામ દાયકા બાદ ફેસબુક પર તેનો ઉપયોગ બખૂબી થયો. ૨૦૧૨ની પહેલાં ફેસબુક પર લાઈક બટન નહોતું. ફેસબુક પહેલાં ફક્ત તમારા મિત્રને શોધવા માટે અને તે શું કરે છે તે જાણવા માટે થતો હતો. ફેસબુકે દુનિયાના કરોડો માનવીઓ પર પ્રયોગ કરવા માટે લાઈકનું બટન ઉમેર્યું. તેનું પરિણામ ગજબનું આવ્યું. ફેસબુકના વપરાશકારોમાં ત્યારબાદ ધરખમ વધારો થયો. તમે ફોટો કે સ્ટેટસ મૂકો ત્યારે તમને ખબર નથી હોતી કે કેટલી વ્યક્તિને એ ગમશે અને જો તમને કોઈ જ લાઈક ન મળે તો? તમે બતાવો કે ન બતાવો પણ એ બાબત પીડાદાયક હોય છે. એનાથી એવું સાબિત થાય છે કે તમારા કોઈ મિત્ર ઓનલાઈન નથી અથવા તમારામાં કોઈને રસ નથી કે પછી તમે જે ફોટો કે સ્ટેટસ મૂક્યા છે તેમાં કોઈને રસ નથી. તમે જે ફોટો મૂકો તેનો ફીડબેક એટલે કે તેના પર લોકોનો પ્રતિભાવ મળે તે જ તેનું વળતર હોય છે. અને તે ફીલગૂડ ફેકટર છે. એવું કહી શકાય કે આ લાઈક બટન દુનિયાનું પહેલું ડિજિટલ ડ્રગ છે. જે અજાણતાં જ આપણા ડોપામાઈનને ઉત્તેજિત કે હતાશ કરે છે. કેટલાય લોકોને ફેસબુક પર ઓછી લાઈક મળવાને કારણે વિથડ્રોઅલ સિમટમ્સ આવ્યાનું જોવા મળે છે. કેટલાક લોકો ફેસબુક છોડીને વારે વારે જતાં રહે છે. ફેસબુક એકવાર કાયમ માટે છોડવું કે ફેસબુકનો ઉપયોગ ન કરવો અલગ બાબત છે. વારંવાર ફેસબુક છોડીને વળી પાછા આવનારાઓને આ ડોપામાઈન માનસિક તકલીફો આપતું હોય છે તે વિચારવા જેવું છે.
ફેસબુકમાં લાઈક બટનની સફળતા બાદ અન્ય સોશિયલ મીડિયાએ પણ લાઈક બટન ઉમેરી દીધું. જેમ કે યુ ટ્યુબ, ટ્વિટર, લિન્કડઈન, ઈન્સ્ટાગ્રામ, ગુગલપ્લસ. જોકે આ લાઈક બટન માટે પણ અનેક વાદદલીલો થઈ રહી છે. જેમકે તમે કોઈકને લાઈક કરો છો તેનો અર્થ એવો કાઢવો કે બીજા સ્ટેટસ કે ફોટા તમને નથી ગમ્યા? તમે જેમના ફોટા અને સ્ટેટસને લાઈક નથી કરતાં તેઓ આવું ઘણું બધું વિચારતા હોય છે. તો જેમને વધુ લાઈક મળતાં હોય છે તેમનો અહમ ડોપામાઈનની જેમ હાઈ થતો હોય છે. પછી તો કેટલી લાઈક મળી તે વારંવાર ચેક કરવાની આદત પણ પડી જતી હોય છે. ...આ ડિજિટલ ડ્રગની વાત ઘણી લાંબી છે એટલે વધુ આવતા લેખમાં .....


You Might Also Like

0 comments