ફેઈલ થવું જરૂરી છે (સાંજ સમાચાર 13-03-18)

05:10







 વિદ્યાર્થીઓ અને માતાપિતાએ યાદ રાખવું જોઈએ કે પરિક્ષા માત્ર જીવન નથી

હાલમાં જ એક વોટ્સ એપ્પ મેસેજ મળ્યો જે અહીં ટાંકુ છું. શિમલાની નામાંકિત શાળામાં અભ્યાસ કરતા એક બાળકનું બોર્ડની પરિક્ષાનું પરિણામ આવ્યું. બાળક એના પરિણામ આવ્યું તે દિવસે આ બાળકના પિતા બાળકને લઈને એક આલિશાન હોટેલમાં પહોંચ્યા.
પિતાએ દીકરાને કહ્યું, બેટા, આજે  તારી પરિક્ષાનું પરિણામ આવ્યું છે માટે હું તેને પાર્ટી આપવા માટે આ હોટલમાં લાવ્યો છું છોકરાને પરિક્ષાના પરિણામની ખૂબ ચિંતા હતી પણ પિતાની આ વાત સાંભળીને એનું ટેન્શન ઓગળી ગયું. પરીક્ષાનું પરિણામ સારું હોય તો જ પપ્પા આવી મોટી પાર્ટી આપે એ વિચારથી છોકરો મોજમાં આવી ગયો. પિતાની સાથે એ મોજથી જમ્યો.
જમી લીધા પછી પિતા ઉભા થઈને દીકરાની પાસે વ્યા. દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા બહુ પ્રેમથી કહ્યું, બેટા, તું તારી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે. પણ તું કોઈ જાતની ચિંતા કરતો નહીં, હું તારી સાથે જ છું. મને પણ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ મળી છે પણ મેં સખત પુરુષાર્થ કરીને મારી નિષ્ફળતાઓને સફળતાઓમાં બદલી નાંખી છે. બેટા, તારી આ નાની એવી નિષ્ફળતાને તું ઈચ્છે તો ખૂબ મહેનત કરીને સફળતામાં બદલી શકે છે. તું બોર્ડની પરિક્ષામાં નાપાસ થયો એટલે કંઈ જીવનની પરિક્ષામાં નાપાસ થયો એમ નથી. બસ મહેનત કરતો રહેજે અને ભૂલ સુઘારતો રહેજે.
 છોકરો તો પિતાની સામે જોઈ જ રહ્યો. પિતાના મુખમાંથી નીકળતો એક એક શબ્દ બાળકના હૃદય સુધી પહોંચતો હતો. પરિક્ષાના નબળા પરિણામનું દુખ ક્યાં જતું રહ્યું એ બાળકને ખબર પણ ના પડી. પિતાના આ વર્તનથી બાળક મજબૂત તો થયો પણ સાથે પિતા પ્રત્યેનો એનો પ્રેમ અને આદર બમણા થઈ ગયા. આ બાળક એટલે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપણ ખેર.
ગરમીની સાથે ફુલોને ખીલવાની મોસમ પણ શરૂ થાય. પરંતુ, આસપાસ જોવાની ફુરસદ કોને છે? હવે તો પરિક્ષાની મોસમ પણ  શરૂ થઈ. બોર્ડની પરિક્ષા સમયે ખીલતાં ફુલો જેવા બાળકો સ્ટ્રેસના મારને કારણે કરમાઈ જાય છે. જે ઉંમરે બેફિકર બનીને વનવગડામાં ભમવાનું હોય. કુદરત પાસેથી શીખવાનું હોય તે સમયે બોર્ડની પરિક્ષામાં અમુક ટકા લાવવાના જ કારણે કોલેજમાં પ્રવેશ માટે અમુક ટકા જરૂરી હોય છે. વાત એટલેથી જ પતી જતી નથી. ત્યારબાદ કોમ્પિટેટિવ પરિક્ષાની તૈયારી કરવાની. દસમાની બોર્ડ પહેલાં અને પછી ક્યારેય બાળકોને સ્ટ્રેસ રહિત વાતાવરણ મળતું નથી. ઓછા માર્ક્સ આવ્યા તો પણ ફેઈલ થયા જેટલો માતમ મનાવાતો હોય છે. દરેક પરિક્ષાઓમાં પાસ થતી વ્યક્તિઓ કેટલીક વાર જીવનની પરિક્ષામાં નિષ્ફળ જતી હોય છે. જીવન સરળ અને સીધું હોય તો તેમાં આનંદ રહેતો નથી. જેમ તમને દરરોજ કોઈ ગળ્યું જ જમવાનું આપે તો તમને મજા નહીં આવે. જીવનમાં દરેક ખટમીઠાં, કડવા-તૂરાં દરેક સ્વાદ જરૂરી હોય છે. સફળતા એટલે બોર્ડની પરિક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા તે નહીં કે કઈ કોલેજમાં અભ્યાસ કર્યો તે પણ નહીં. જીવનને ભરપૂર આનંદથી તમે જીવી શકો તે સફળતા. ઉનાળો આવતાં વૃક્ષો પર નવા પાંદડા અને ફુલો ખીલશે. કેટલાય પક્ષીઓ બોલશે. બોર્ડની પરિક્ષા આપતો બાળક જો એની નોંધ લઈ શકે તો તે સફળ જ છે. પરિક્ષાના પરિણામની ચિંતા કર્યા વિના પરિક્ષા આપી શકે તો એ સફળ જ છે. બાળકોના સ્વભાવમાં ચિંતા હોતી નથી. પરંતુ, માતાપિતા તેને સતત ચિંતા કરાવતાં હોય છે. ભણવામાં ધ્યાન આપ નહીં તો ફેઈલ થઈશ. ઓછા માર્ક્સ આવશે તો શું કરીશ? રહી જઈશ એમનો એમ. જો ફલાણાનો દીકરો કે દીકરી કેટલી મહેનત કરી હતી તે આજે સારી કોલેજમાં છે. વગેરે વગેરે ..
તમે યાદ કરો કે તમારી આસપાસ કેટલા ય બાળકો છે જેઓ ભણીને નોકરી કરે છે. બે વરસ પહેલાં કે પાંચ વરસ પહેલાં કે દસ વરસ પહેલાં  બોર્ડમાં  પ્રથમ આવનારા વિદ્યાર્થીઓ આજે ક્યાં છે તેની તમને ખબર છે? સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સ જેઓ કોલેજ ડ્રોપઆઉટ હતા. તેમના વિશે આખી દુનિયા જાણે છે. મોટાભાગની જાણીતી વ્યક્તિઓ બોર્ડમાં સારા માર્ક્સ નહોતા આવ્યા કે ન તો તેઓ એન્જિનયર કે ડોકટર બન્યા છે. અમુક જ ક્ષેત્રમાં જવાની હોડને કારણે જીવનના આનંદ કરવાના દિવસો ચિંતા અને તાણને ઉછેરવામાં જ જતા રહે છે. સ્વસ્થ અને આનંદિત મન જ નવા વિચારો કરી શકે છે. સફળ વ્યક્તિઓએ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ જોઈ હોય છે. નિષ્ફળતામાંથી પાઠ શીખી તેઓ સફળ થવાના નવા રસ્તાઓ શોધી કાઢે છે. સફળ થનારાને સફળતાનો નશો એવો હોય છે કે તેઓ કશું ય નવું કે આગવું કરી શકતા નથી. નિષ્ફળતા વ્યક્તિને નવેસરથી વિચાર કરવાનો મોકો આપે  છે. રચનાત્મક વિચાર તરફ દોરી જાય છે તે નિષ્ફળતા જ હોય છે. જે રાખ થાય છે તે જ ફિનિક્સ પંખીની જેમ ફરી ઊભું થઈ શકે છે. સંગીત જગતના દિગ્ગજો બીથોવન અને મોઝાર્ટ દ્વારા હજારો કમ્પોઝિશન થયા છે પણ માસ્ટરપીસ તો જૂજ હોય છે.
હોલિવૂડનો અભિનેતા વિલ સ્મિથ કહે છે કે તમારે ફેઈલ થવાનો ડર લાગતો હોય તે કામ ચોક્કસ જ કરવું જોઈએ. તમને જેમાં સફળતા મળશે જ એ ખાતરી હોય તે કામ ન કરવું. કારણ કે નિષ્ફળતાનો ડર હોય ત્યાં તમે સતત સતર્ક રહેશો. તમારી બધી જ ક્ષમતાને કામે લગાવશો. તમે નપાસ થશો તો જ તમને ખબર પડશે કે તમારે ખરેખર ક્ષમતા કેળવવાની જરૂર છે. જીવનમાં જેટલી નિષ્ફળતા વહેલી આવશે તેટલી સફળતા પણ લાંબી ટકશે. નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી કે તેનાથી ભાંગી પડવાની જરૂર નથી. નિષ્ફળતા એ સફળતાનો પાયો હોય છે. અનુપમ ખેરના પિતાએ બતાવી એવી સમજદારી માતાપિતાએ બતાવવાની જરૂર છે. આજે તો આપણે નિષ્ફળતાને નાલેશી અને શરમજનક બાબત ગણવામાં આવે છે. નાપાસ થનાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે કારણ કે તેમની પાસે કશું જ આગવું કે પોતાનું નથી હોતું. પાસ થનારા વિચાર્યા વિના જ્યાં બધા જ જતા હશે તે કોલેજમાં જશે. નપાસ થનારે અટકીને જરા જૂદી રીતે વિચારવું પડશે જીવન વિશે. જૂદી રીતે વિચારનાર જ હકિકતે સફળ થતા હોય છે. બાકી તો બહુ બધા એન્જિનયર અને ડોકટર કે પ્રોફેસર પેદા થાય છે. સૌથી વધુ લોકો નોકરી કરે છે બીજાને ત્યાં. પોતાનો ચીલો ચાતરવા માટે નિષ્ફળતાને સ્વીકારવાની તૈયારી હોવી જરૂરી છે. માતાપિતાએ આ વાત સમજવાની જરૂર છે. બોર્ડની પરિક્ષાનો હાઉ વાતાવરણમાં પણ પડઘાઈ રહ્યો છે. જરૂર છે નિષ્ફળતાને પચાવવાની તૈયારી. બાળકને બાળપણથી સફળતાનું હંટર મારીને દોડાવવામાં આવે છે. બહુ બધી પ્રવૃત્તિઓ અને ટ્યુશન ક્લાસીસમાં વહેરાઈ જતા બાળપણની નિર્દોષતા કે રચનાત્મકતા માર્ક્સ આવે તો ય સફળ થઈ શકતી નથી. કશું જ ન કરવું, કે બાળકને અવકાશ આપવો કશું જ ન કરવાનો તે કોઈ ઘરમાં દેખાતું નથી. અવકાશનો અહેસાસ કોઈ બાળક પાસે નથી એટલે જ તે કશુંક નવું કે આગવું જીવન જીવી શકતો નથી. બધા જ જીવે છે એવું જ જીવન તે જીવશે. ઘેટાંનું ટોળાની જેમ આપણે ટોળાંઓમાં બાળકને ઊછેરીએ છીએ.
જેમણે ઈતિહાસમાં નામ લખાવ્યા છે તેઓ દરેકનું જીવન જોશો તો તેઓ બોર્ડમાં કેટલા માર્ક્સ લાવ્યા તે મહત્ત્વનું નથી રહેતું. તેમણે જૂદી રીતે જીવન જીવ્યું હોય છે. નિષ્ફળતાને ગળે લગાવી હોય છે. 

You Might Also Like

0 comments