ઈતિહાસ જીવંત રાખવો જરૂરી છે? (mumbai samachar)

11:01









આજે બે મુદ્દાઓ બાબતે લખવું છે. દુનિયાભરમાં સ્ત્રીની લૈંગિકતા(યોનિ-વજાઈના)ને સદીઓથી સતત અબ્યુઝ કરવામાં આવે છે. આપણે ત્યાં યોનિની પૂજા કરવામાં આવે છે પણ તે ધરાવનાર સ્ત્રીના વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં નથી આવતો. બે વરસ પહેલાં કોલકતામાં બોલપુરના એક વિસ્તારમાં જવાનું બન્યું હતું. ત્યાં એક ડુંગર પર ફાંટને રંગીને વજાઈનાનો આકાર આપવામાં આવ્યો હતો અને લોકો તેને પૂજતા હતા. વજાઈના એ સ્ત્રીનું અંગ છે તેને પવિત્ર કે અપવિત્રના નામે સ્ત્રીનું શોષણ કરવું કે પછી સ્ત્રીને પોતાની જાગીર માનતા પિતૃસત્તાક માનસિકતા આજના આધુનિક યુગમાં પણ વધુ દેખાઈ રહી છે. એક તો આજના ટૅકનોલૉજીના યુગમાં ભારતમાં સતી પ્રથાને ગ્લોરિફાય કરતી કથા પરથી ફિલ્મનું બનવું, તેમજ તે ફિલ્મમાં સતી સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે કહીને આતંકવાદ ફેલાવવો વિચાર કરવા પ્રેરે છે કે આપણે કેવો વિકાસ કરી રહ્યા છીએ જેમાં સ્ત્રીઓનું સતત શોષણ જ થતું રહે. બીજું અમેરિકામાં વીસ વરસથી સત્તાસ્થાને બેસેલો ડૉકટર ૧૫૦થી વધુ છોકરીઓની જાતીય સતામણી કરતો રહે અને તેના વિરુદ્ધ કોઈ સત્તાધીશોએ ફરિયાદ ન સાંભળી. સ્વરા ભાસ્કર નામની અભિનેત્રીએ પદ્માવત ફિલ્મ જોયા બાદ સંજય લીલા ભણસાળીને સરસ પત્ર લખ્યો છે તેમાં કેટલાક મુદ્દાઓ લખ્યા છે કે જેમાં એ સવાલ કરે છે કે સંજય ભણસાળી આ ફિકશન વાર્તાને ટ્વિસ્ટ આપી શક્યો હોત પણ તે જોહરને ગ્લોરિફાય કરે છે. વળી મોતને ભેટવા માટે પણ પત્નીએ પતિની પરવાનગી લેવાની તે દૃશ્ય પણ મૂકવામાં આવ્યું છે. શું આ બધાની અસર સમાજ પર નથી થતી? કુટુંબની, પુરુષની, સમાજની આબરૂ સ્ત્રીની પવિત્રતા પર જ નિર્ભર હોય એવું શું કામ? જે વાચકોને રસ હોય તેઓ ગૂગલ કરીને સ્વરાનો એ પત્ર વાંચી શકે છે. આ પહેલાં પણ મેં આ કોલમમાં સવાલ ઉઠાવ્યો હતો કે સંજય ભણસાળી કેમ સ્ત્રીઓની મહાનતા, ત્યાગ અને સમર્પણની ગાથા ગાતી જ ફિલ્મો બનાવશે. તેણે પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ લખીને નવો ચીલો ચાતર્યો પણ તેની ફિલ્મોમાં સ્ત્રીઓ પરંપરાગત વેશ સજે અને સ્ત્રી તરીકે ત્યાગ અને સમર્પણની દેવી બનીને જ ઊભરે છે. સ્ત્રી એક વ્યક્તિત્વ તરીકે ક્યારેય તે ઉપસાવી શકતો નથી. ખેર, સતી અને પવિત્રતાના ખોટા ખ્યાલોનો વિરોધ હું મારી રીતે નોંધાવી શકું, લેખ લખીને અને ફિલ્મ ન જોઈને.

કલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ એ હું ચોક્કસપણે માનું છું. તે છતાં મારા જેવી અનેક સ્ત્રીઓને ફિલ્મ પદ્માવત બાબતે ચાલી રહેલાં તોફાનોએ દુ:ખ પહોંચાડ્યું છે. એક તરફ પુરુષ સ્ત્રીની પવિત્રતાની માન્યતાને મહાન બનાવીને ચિત્રણ કરે. હા, તે ફિલ્મ પહેલાં લખે કે અમે સતીપ્રથાને સમર્થન નથી આપતા, પણ એવું ય દરેક ફિલ્મની આગળ લખવામાં આવે છે કે આ ફિલ્મ દ્વારા ધૂમ્રપાનને સમર્થન નથી આપવામાં આવતું. તે છતાં સિગરેટો ખુલ્લેઆમ વેચાય છે અને લોકો પીવે જ છે. બસ એટલું જ મહત્ત્વ છે એ ફિલ્મ પહેલાં લખાયેલા વાક્યનું. બીજું કરની સેના પણ વિરોધ કરે છે તે જોહર કે સતીપ્રથાનો વિરોધ દર્શાવવા માટે નહીં, પણ સતી તરીકે સ્ત્રીની પવિત્રતાને સાચવી રાખવા માટે. અમેરિકાના ડૉકટર લેરી વિરુદ્ધ જુબાની આપતી સ્ત્રીઓએ કહ્યું કે હું બાળકી હતી ત્યારે તમે કરેલી જાતીય સતામણીના ઉઝરડાઓ છતાં હું આજે પીડિતા તરીકે નહીં પણ પીડાઓને જીતનાર વ્યક્તિ તરીકે જીવું છું. તમે હજી બીજી કોઈ છોકરીની સતામણી ન કરી શકો એ માટે મારે બોલવું જરૂરી છે. એક ડૉકટર તરીકે તમારી પાસે હું મારી પીડાથી મુક્ત થવા આવી હતી પણ તમે મને વધુ ઊંડી પીડાઓ આપી. બાળકી તરીકે હું નબળી હતી, પણ આજે સ્ત્રી તરીકે હું સબળા છું.

અમેરિકામાં એક સ્પોર્ટસ ડૉકટર લેરી નાસરને ૧૭૫ વરસની જેલની સજા થઈ છે. તેણે છેલ્લાં વીસેક વરસમાં ૧૫૦ જિમ્નેસ્ટ છોકરીઓની જાતીય સતામણી કરી હતી. લેરી મિશિગન યુનિવર્સિટીમાં પણ ફરજ બજાવતો હતો. હજી ગયા અઠવાડિયે એ ડૉકટર લેરી નાસરે જજ રોઝમેરીને પત્ર લખ્યો કે મારાથી છોકરીઓની વીતક કથા સાંભળી શકાતી નથી. માનસિક ત્રાસ થાય છે એટલે મને એ સાંભળવાથી મુક્તિ આપો. એ અરજી વિશે ન્યાયાધીશ રોઝમેરીએ કોર્ટમાં કહ્યું કે મિ. લેરી નાસર તમને કોઈ પણ તકલીફ હશે તો એ માટે તમને સારવાર મળશે પણ આ બધી છોકરીઓ જે માનસિક તકલીફમાંથી પસાર થઈ છે તેની સામે તમારી તકલીફની કોઈ ગણતરી જ ન થઈ શકે. તમારે આ લોકોની વીતકકથા સાંભળવી જ પડશે. તમારાં જ કુકર્મોની વાત છે. એવું ન માનશો કે મી ટુ કેમ્પેઈન પછીથી આ પ્રકરણ બહાર આવ્યું છે. લગભગ દોઢેક વરસ પહેલાં લેરી મહાશયની પોલ આખરે ખુલ્લી પડી હતી. નવાઈ એ લાગે કે આ આખુંય પ્રકરણ આટલા વરસ સુધી દબાઈને રહ્યું કારણ કે છોકરીઓએ સીધી કે આડકતરી રીતે લેરી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદો કરી હતી તે બહેરા કાનોએ જ અથડાઈ હતી. અમેરિકા જેવા વિકાસશીલ દેશોમાં પણ જાતીય સતામણીની ફરિયાદો એટલી સહેલાઈથી લોકો સ્વીકારતા નથી. સત્તાસ્થાને બેઠેલા પુરુષો નિર્ભયતાથી પોતાની વાસનાઓનો ખેલ એટલે જ રમી શકે છે. છેલ્લાં પંદરેક વરસથી આ માણસે ૧૫૦ જેટલી છોકરીઓની મજબૂરીનો લાભ ઉઠાવીને જાતીય સતામણી કરી છે. આ ૧૫૦ નો આંકડો કદાચ નાનો હોઈ શકે કારણ કે એટલી જ છોકરીઓએ પોતે લેરીની જાતીય સતામણીનો ભોગ બની હોવાનું કબૂલ્યું છે. શક્ય છે કે હજી બીજી ઘણી છોકરીઓ કે સ્ત્રીઓ હોય જેમણે ફરિયાદી તરીકે હજી ય નામ ન લખાવ્યા હોય. આટલો લંપટ માણસ વીસ વરસ સુધી અમેરિકાની જિમ્નેસ્ટિક ટીમનો ડૉકટર રહી શકે તે અન્ય સત્તાધીશોની રહેમ નજર હોય તો જ શક્ય બને. એટલે અમેરિકન જિમ્નેસ્ટિક સંસ્થાના દરેક અધિકારી ડિરેકટરે આખરે રાજીનામાં આપી દીધાં છે. આ આખુંય પ્રકરણ હજી પણ બહાર ન આવ્યું હોત પણ દાઢેક વરસ પહેલાં એક અખબારમાં ખોટો રિપોર્ટ છપાયો હતો તેના વિરોધમાં એક ઈમેલ આવ્યો અને લેરી મહાશયની લંપટલીલાઓ ખુલ્લી પડી. એ અખબારમાં છપાયું હતું કે ડેનહોલ્ડરની પણ બાળપણમાં કોચ દ્વારા જાતીય સતામણી થઈ હતી. આ છપાયું દોઢ વરસ પહેલાં તે સમયે ૩૨ વરસની ડેનહોલ્ડર એટર્ની તરીકે કામ રહી હતી અને ત્રણ બાળકોની માતા બની ચૂકી હતી. હવે તેનામાં હિંમત હતી જાતીય સતામણી કરનારનું નામ ખુલ્લેઆમ લઈ શકવાની. તેણે એ અખબારને પત્ર લખ્યો કે તમે ભલે ગમે તેટલી તપાસ કરીને રિપોર્ટ લખ્યો હોય પણ મારા વિશેની માહિતી ખોટી છે. મારી મજબૂરીનો ફાયદો કોચે નહોતો ઉઠાવ્યો પણ ડૉ. લેરીએ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેણે એ અખબારને ઓન કેમેરા પોતાની જાતીય સતામણીની વાત વિગતે કહી અને બૉમ્બ ફુટ્યો. તપાસ શરૂ થઈ. કેસ થયો. છ મહિના સુધી તો ડેનહોલ્ડર એકલી જ ફરિયાદી હતી ડૉ. લેરીના કરતૂતોની, પણ પછી ધીમે ધીમે બીજી સ્ત્રીઓ પણ આગળ આવી. ન્યાયાધીશ અને રમતગમતની દુનિયાને આઘાત લાગે એટલો મોટો આંકડો થતો ગયો.

એમાંથી કેટલીય સ્ત્રીઓએ પોતાનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરીને ફરિયાદ લખાવી હતી તો કેટલીય સ્ત્રીઓએ પોતાનું નામ જાહેર કર્યું હતું.રમતગમત ક્ષેત્રે દુનિયાભરમાં ડંકો વગાડનાર અમેરિકાની જિમ્નેસ્ટિસ જેમણે ગોલ્ડ મેડલો અને ઈનામો હાંસલ કર્યા છે તેમનાંય નામો આ યાદીમાં છે. સાત દિવસ સુધી અનેક સ્ત્રીઓએ પોતાની વિતકકથા કોર્ટમાં સંભળાવી. ડેનહોલ્ડર તેમાં સૌથી છેલ્લે હતી. ડેનહોલ્ડરે પોતાની વિતકકથા કહેતા આ બાબતે આખીય સિસ્ટમ, સમાજ અને સત્તાધીશોની નિષ્ફળતા પણ ગણાવી. કારણ કે આટલાં વરસો સુધી આ લંપટ માણસ દેશના રમતગમત ક્ષેત્રના ડૉકટર તરીકે ફરજ બજાવતો રહ્યો અને સાથે છોકરીઓનું જાતીય શોષણ નિર્ભયતાથી કરતો રહ્યો. તેને તો એમ જ હશે કે તે કદીય પકડાશે નહીં.

આ બધી સ્ત્રીઓએ લેરીની સામે જ પોતાની વિતકકથા કહેવાની હતી. સહેલું નહોતું. એ વાત કહેતાં તેઓ એ સમયની પીડાને ફરીથી જીવી રહી હતી. એ જ રીતે જેમ પદ્માવતીની કથા દોહરાવાય ત્યારે સ્ત્રીઓ પવિત્રતાની આગમાં પોતાનું વ્યક્તિત્વને બળતું અનુભવી શકે છે. સ્ત્રી માત્ર પુરુષ માટે ઉપભોગનું સાધન છે અને તે પુરુષની સત્તાના અહંકારના શોષણનો ભોગ બનતી રહી છે સદીઓથી. આજે સ્ત્રીઓ એ ઈતિહાસ બદલવા માગે છે પણ પિતૃસત્તાક માનસિકતા તેમ થવા દેવા માગતી નથી.

You Might Also Like

0 comments