કપડાં અને પર્યાવરણને કોઈ સંબંધ ખરો? (મુંબઈ સમાચાર)

10:54






ઈન્ટ્રો – ખરીદીની મોસમ હવે બારેમાસ રહે છે. પણ શું મન થાય ત્યારે કપડાં ખરીદવા જરૂરી છે?

લગ્નસરાની સિઝન આવી. એક બહેનપણીને કહેતાં સાંભળી કે આ વખતે ચાર લગ્નમાં જવાનું છે. બધા નજીકના સગામાં છે. નવી સાડીઓ, નવા કપડાં, ઘરેણાં, પર્સ ખરીદવા પડશે. હજી ગયા વરસે જ તેણે લાખેક રૂપિયાની સાડી લીધી હતી એક લગ્ન માટે. આ વરસે એ સાડીઓ ન ચાલે? એકાદવાર જ પહેરી હશેને... તરત જ મેડમ બોલ્યા, તારે સારું છે લેખિકા છો તે કોઈ પૂછે નહીં. અમારે તો દસ જણા માથું ખાઈ જાય. ફલાણાના લગ્નમાં તે આ જ સાડી પહેરી હતીને.. વળી ફેશન પણ તો બદલાય. હવે કોઈ બનારસી સાડી નથી  પહેરતું નહીં તો પાંચેક બનારસી સાડી પડી છે. એમાંથી હવે હું ડ્રેસ જ બનાવીડાવી દઈશ. એકાદ પ્રસંગમાં ચાલી જશે. એ ડ્રેસ સિવડાવવાના ય બે હજાર આપવા પડશે.  સાંભળીને થયું લેખિકા હોવાથી શું થાય, ઉપભોક્તાવાદનો કેફ અમને પણ અસર કરે છે. ક્યારેક જાગૃતિ હોય તો ક્યારેક અમે પણ સરી પડીએ દેખાદેખીના ચક્કરમાં.
બીજી એક મૈત્રિણીની વાત કરવી છે બહાર નીકળે એટલે જેટલી દુકાન જુવે તેટલીવાર ખરીદી કરવાની ટેવ. દરેક સાડી કે ડ્રેસ તે માંડ એકાદબે વાર પહેરતી હશે. ગમ્યું એટલે ખરીદી જ લેવાનું. એ મિત્ર પોતે કમાય છે એટલે તેના પોતાના પૈસાથી ગમે તે કરે આપણે શું એવું પણ કહી શકાય. તો પછી પુરુષો જ્યારે અબ્યુઝ કરે સ્ત્રીઓને ત્યારે આપણે ય કહી શકીએ કે આપણે શું, કોઈપણ જાતના અબ્યુઝ માટે આપણે સૌ જવાબદાર છીએ જ.  મેં જ્યારે એક બહેનપણીને કહ્યું કે તું ઘણી સાડી ખરીદે  છે તો મોટાભાગની સાડીતો તું એકાદવાર જ પહેરતી હોઈશ. તો મને તું ન પહેરતી હોય તે  સાડી પહેરવા આપજે તો તેને નવાઈ લાગી. પહેરેલી સાડી તું પહેરશે? મેં કહ્યું હા કેમ? તારી પાસે એવી કેટલીય સાડી છે જે તે એકાદવાર જ પહેરી હશે. મારે પણ તેને એક જ વાર પહેરવી છે. તેને ખ્યાલ આવ્યો કે અચ્છા લગ્નસરાની સાડીની વાત કરતી હતી. ઠીક તેને વાંધો ન હતો આપવાનો પણ તેને મને આપતાં શરમ આવતી હતી. શરમ મને આવવી જોઈતી હતી પણ  નહોતી આવતી. કારણ કે જો પૃથ્વીમાતાની ચિંતા થતી હોય તો નકામા કપડાંની ખરીદી ઓછી કરવી પડશે. આજે આપણી આસપાસ જોઈશું તો બે દુકાનો સૌથી વધુ દેખાશે. કપડાંની અને ખાવાની. સ્ત્રીઓને આદત હોય છે કે સેલ હોય કે સસ્તુ મળતું હોય તો જરૂર ન હોય તો પણ ખરીદી લેવું. લગ્નસરામાં નવા કપડાં ન ખરીદવા ઈચ્છતાં લોકો માટે ભાડે કપડાં લેવાનો ય ટ્રેન્ડ પ્રચલિત છે. આપણી આસપાસ જોઈશું તો બધા ય એક સરખા કપડાં પહેરીને ફરી રહ્યા છે. ફેશન બદલાય એટલે નવા કપડાં લેવાના જ નહીં તો તમે આઉટડેટેડ ગણાઓ. કપડાંની સાથે માનસિક રીતે નવા વિચારોને અપનાવવાનો કે નવું વાંચવાનો ટ્રેન્ડ પણ નથી રહ્યો. જે બધા કરે તે આપણે કરવાનું.
તે સિવાય પણ સસ્તું મળે તો બલ્કમાં ખરીદી કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગરીબો પણ હવે પહેરેલા કપડાં નથી પહેરતાં કારણ કે તેમને સસ્તાંમાં કપડાં મળી રહે છે. ચર્ચગેટ પર સાંજે ત્રીસ રૂપિયામાં ફેક્ટરીનો ડિસ્કાર્ડ કરેલો માલ વેચાય છે. તેમાંથી કપડાં ખરીદવાની લાલચ પસાર થતી સ્ત્રીઓ રોકી શકતી નથી. ગાંધીજીના સમયમાં લોકો પાસે બે કે ચાર જોડી જ કપડાં રહેતા. ગાંધીજીને અનુસરનારા પરિવાર આજે પણ ઓછામાં ઓછા કપડાંમાં જીવે છે. હેન્રી ડેવિડ થોરોએ પણ સાદું જીવન જીવવાની હિમાયત કરી હતી. તેણે એ રીતે જીવીને વોલ્ડન નામે પુસ્તક લખ્યું હતું. ગાંધીજી પણ તેના પ્રશંસક હતા. ઉપભોક્તાવાદને પરિણામે આજે દુનિયાભરમાં કપડાંનું ઉત્પાદન અને વેચાણ વધ્યું છે. દેશની આર્થિક પ્રગતિ માટે ઉપભોક્તાવાદ જરૂરી છે, પરંતુ એ જ બાબત પૃથ્વીના વાતાવરણ માટે યોગ્ય નથી. જેમ વપરાશ વધુ કરીશું એમ પૃથ્વી પર પ્રદુષણનો વધારો કરીશું. ડેટા દર્શાવે છે કે છેલ્લા પંદર વરસમાં કપડાંનું ઉત્પાદન બમણું થઈ ગયું છે.એક સમય હતો કે  લોકો કપડાંને ફેંકી દેતા પહેલાં કે બીજાને આપી દેતાં પહેલાં લગભગ ફાટી જાય કે થાય જ નહીં ત્યાં સુધી પહેરતાં કે તેનો બીજી રીતે ઉપયોગ કરતાં. આજે લોકો કપડાંનો ઉપયોગ  64 ટકા કે તેનાથી પણ ઓછી વખત કરે છે. ગાંધીજી ખાદીના હિમાયતી હતા કારણ કે તે કપડાંનું ઉત્પાદન ખાદીની જેમ પ્રદુષણ વિના નથી થતું. તેને માટે કેમિકલનો પણ ભરપુર ઉપયોગ થાય છે અને ફેક્ટરીમાંથી પ્રદુષણ પણ ફેલાય છે. જે પાણી તેમ જ હવાને પ્રદુષિત કરે છે. ઉપરાંત અઢળક પાણી વપરાય છે ઉત્પાદન વખતે. જ્યારે કેટલાય ગામોમાં સ્ત્રીઓ કિલોમીટર ચાલીને પીવાનું પાણી ભરે છે. દલીલ એમ પણ થઈ શકે કે આપણે અહીં વાપરીએ તેમાં એમને શું ફરક પડે? ફરક પડે છે. પૃથ્વી એક જ છે. જેમ આપણા શરીરમાં કોઈક એક જગ્યાએ દુખે તો આખા શરીરને તકલીફ પડે એમ પૃથ્વી અને પર્યાવરણ જુદી જુદી બાબત નથી એક જ બાબત છે. એક જગ્યાએ પર્યાવરણમાં ગાબડું પડે તો આખાય વિશ્વને તકલીફ વહેલી મોડી થવાની જ.
દરેક બાબતમાં આપણે પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ ત્યારે આ બાબતમાં ય થોડું અનુકરણ કરવા જેવું છે. યા તો શક્ય હોય એટલું ઓછું ખરીદી કરીએ, જરૂરત હોય એટલું જ ખરીદીએ જેથી કરીને વધુ પ્રોડકશન એટલે કે ઉત્પાદન ન કરવું પડે. બીજું કે વપરાયેલા કપડાં ખરીદી શકાય છે. બ્રાન્ડેડ કપડાં ખૂબ મોંઘા હોય છે. તેવી જ રીતે લગ્નમાં પહેરવાના કપડાં આપણે દરરોજ પહેરવાના નથી હોતા તો એને મિત્રો કે સગાંસબંધી સાથે શેઅર કરી શકાય. તેમાં પૈસાની ય બચત થશે અને એ કપડાં બનાવવા પાછળ ખર્ચેલા પૈસા પણ વસુલ થશે. વળી પર્યાવરણને ય ફાયદો થશે. આજથી વીસેક વરસ પહેલાં મોટાભાગના ઘરોમાં વરસમાં એક જ વાર કપડાં સીવડાવવામાં આવતા. તે પણ દિવાળીના દિવસોમાં. લગ્નની સાડીઓ પણ એકની એક વારંવાર પહેરવામાં આવતી. ઘરચોળું કે સેલું એ બે જ સાડી હોય. ઘરેણાં પણ જે પોતાની પાસે હોય તે જ પહેરાય. ખોટા ઘરેણાં પહેરવાનો ચાલ નહોતો.
વિદેશમાં પર્યાવરણપ્રેમીઓ ગર્વ સાથે સેકન્ડ હેન્ડ એટલે કે વપરાયેલા કપડાં ખરીદીને પહેરે છે. કપડાં બનાવવાની સાથે તેને ટ્રાન્સપોર્ટ કરવા પાછળ પણ પ્રદુષણ ફેલાય.  13 મોટી નોર્ડિક એક્સપોર્ટરસ ઓફ યુઝડ ક્લોથ ધ્વારા અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું કે વપરાયેલાં કપડાંને એક્સપોર્ટ કરવાને કારણે
190000 (એકલાખ નેવું હજાર) ટન સીઓટુ, કાર્બન પેદા થતું અટકાવી શકાયો. 18 કરોડ ગેલન પાણીની બચત થઈ શકી જે નવા કપડાં બનાવતાં વપરાયું હોત.
વપરાયેલા કપડાં પહેરવા કે વસ્તુઓ વાપરવી અનેક લોકોને ગમે એવી બાબત નથી. એવું તો થઈ જ શકે કે તમે દસ જોડી પર્સ કે વીસ જોડી જૂતાં ખરીદવાને બદલે ફક્ત એક કે બે જ પર્સ કે જૂતા રાખી શકો. એક ખતમ થાય કે ફાટે ત્યારે જ બીજું ખરીદો. કપડાં પણ જાળવીને વારંવાર પહેરો. વચ્ચે એક હોટલમાં રહેવાનું થયું ત્યાં પલંગ પર એક લખાણ મૂક્યું હતું કે આ ચાદર ધોઈને તાજી પાથરી છે. તમે બે દિવસ કે ત્રણ દિવસ રહેવાના હો તો પર્યાવરણને માટે તેને બદલવાનો આગ્રહ ન રાખો.
ટુવાલ પણ તમે રોજ ધોવા ન નાખો તો ચાલી શકે છે. વાત તો સાચી છે, જો આપણે જ એ ચાદર વાપરવાના હોઈએ તો તેને રોજ જ ધોવાની જરૂર નથી હોતી સિવાય કે તે મેલી થઈ હોય. આપણી આસપાસના પર્યાવરણ માટે આપણે જવાબદારી નહીં લઈએ તો એ પ્રદુષિત પર્યાવરણ આપણને જ નુકસાનકારક બની શકે છે. ઉપભોક્તાવાદ પર નિયંત્રણ કરવાથી પૈસાની બચતતો થાય જ છે પણ સૌથી મોટો ફાયદો પર્યાવરણને થાય છે. સસ્તામાં મળે છે એટલે વધુ કપડાં, વધુ વસ્તુઓ ખરીદતાં પહેલાં બે વાર વિચાર કરીશું તો સરવાળે આપણને જ ફાયદો છે. પહેલાં ભારતમાં દરેક કપડાંનો પૂરો ઉપયોગ કરવામાં આવતો. સુતરાઉ સાડીઓ હોય તો ફાટે કે ઘસાય ત્યાં સુધી પહેરાય. પછી તેમાંથી ગોદડીઓ બને કે પડદાં બને કે પછી સેનેટરી નેપકિન તરીકે પણ વપરાય.

અમેરિકામાં હવે લોકો બ્રાન્ડેડ કપડાં સેકન્ડહેન્ડ ખરીદતાં ગૌરવ અનુભવે છે. એક એવી દુકાન ધર્મશાલામાં ખુલી હોવાનું જાણવામાં આવ્યું છે. સાંભળ્યું છે કે મુંબઈમાં પણ બ્રાન્ડેડ ઓછા વપરાયેલા કે એકાદવાર પહેર્યા હોય એવા કપડાંનું સેલ પણ લાગતું હોય છે. ઓનલાઈન તેના વિશે માહિતી મળી રહે છે.  

You Might Also Like

0 comments