સ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે (mumbai samachar) 16-1-18

03:19




સ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે

 પતંગ આકાશે ઊડાડવાની મજા આવે છે કે સામા પુરુષની પતંગ કાપવાની મજા આવે છે? આ સવાલ ક્યારેય તમને થયો છે?




હજી વાસી ઉતરાણ ગુજરાતમાં ઉજવાઈ રહી હશે. મુંબઈમાં પણ અનેક રસિયાઓએ શનિ-રવિની રજામાં પતંગ ચગાવવાની મજા લીધી જ હશે. પતંગ ચગાવવામાં હવે સ્ત્રીઓ પણ પાછળ નથી, પરંતુ તેમની સંખ્યા ઓછી છે. વળી ફિરકી પકડવાની મજા આવે છે એવું કેટલીય યુવતીઓએ કહ્યું ત્યારે નવાઈ લાગતી હતી પણ પછી તેઓ ખુલાસો કરે છે કે ફિરકી પકડવાનું કામ પણ મહત્ત્વનું છે એ સિવાય પુરુષોને પતંગમય જોવાનો આનંદ પણ અનેરો હોય છે. ખેર, પણ પુરુષોને પતંગ ચગાવવાની તૈયારીઓ કરતાં જોયા છે? લડાઈ માટે હથિયારો સજાવતાં યોદ્ધાથી તેઓ કંઈ કમ નથી હોતા. પતંગને હથિયાર માની આકાશી યુદ્ધમાં તેઓ ઓતપ્રોત થઈ જાય છે. તે વખતે પુરુષની તન્મયતા અને પૌરુષીય અહમ્ કેટલીય યુવતીઓને પ્રેમમાં પાડી દે છે. મસ્ક્યુલિન એટલે કે પૌરુષીય ગુણો જ પુરુષના અસ્તિત્વ માટે મહત્ત્વના બની જતા હોય છે. જે પુરુષને તારેય છે અને મારેય છે. નવરાત્રી બાદ ઉત્તરાયણ પછી પ્રેમમાં પડનારાની સંખ્યામાં વધારો થાય છે. કોઈ તે વિશે સંશોધન કરી શકે છે. પુરુષ એકબીજા સાથે યુદ્ધ ને લડાઈ કરવા જે રીતે તૈયાર થાય છે તે રીતે પ્રેમ કરવા તૈયાર થાય ખરો? 

સ્ત્રી બીજી સ્ત્રીની સાથે પ્રેમમાં હોઈ શકે છે અને તેઓ લેસ્બિયન ન હોય તે શક્ય છે. પુરુષ બીજા પુરુષના પ્રેમમાં હોય તો તેને સમલૈંગિંક (ગે) જ માની લેવામાં આવે છે. પુરુષને બીજા પુરુષ માટે મિત્રતાનો ભાવ હોય છે પણ તેને સમભાવ થતો હશે કે નહીં તેવો વિચાર મનમાં ઘોળાતો હતો કે જેકસન બ્લિસનો એક આર્ટિકલ એ વિશે વાંચવામાં આવ્યો. તેમાં એણે લખ્યું છે કે પુરુષોને બીજા પુરુષો માટે લાગણી થાય તો તેને સેક્સુઅલ જ માની લેવાની ભૂલ કરવામાં આવે છે. પુરુષોને અન્ય માટે લાગણી રાખવી કે દાખવવી નબળા વ્યક્તિત્વની નિશાની માનવામાં આવે છે. બીજા પુરુષનો પતંગ કાપી લેવામાં જે આનંદ મળે છે તેનો અનુભવ ઉત્તરાયણમાં ગુજરાતના કોઈપણ શહેરમાં જઈને જોઈ શકાય છે. સ્ત્રીઓને બીજી સ્ત્રી માટે સહજ સહાનુભૂતિ કે લાગણી થઈ આવે છે. અજાણી સ્ત્રીઓ પણ પ્રવાસ દરમિયાન સહજ લાગણીથી વાતે જોડાય છે. એવી લાગણીઓ પુરુષને થતી હશે કે નહીં તે સવાલ જરૂર થતો હતો. કેટલાકને આ વિશે પૂછ્યું ત્યારે એમણે જવાબ આપતા પહેલાં સહેજ વિચારવું પડ્યું. પછી જે જવાબ મળ્યા તેમાં એક કોઈ ગરીબ કે દુખી પુરુષને કે યુવાનને જોઈને દયા આવી શકે. બડ્ડી એટલે કે સરખા મિત્રભાવે વાત કરીએ પણ લાગણી .... કમઓન હું ગૅ નથી, તરત જ બચાવ થાય. તો બીજો જવાબ મળે કે અમે પુરુષ છીએ મહિલાઓ થોડી જ છીએ કે લાગણીઓના પૂર આવે આંખે. પુરુષો એકબીજા સાથે વાત કરે, સમય પસાર કરે પણ લાગણીઓ વ્યક્ત કરવાનું તેમને આવડતું નથી. 

જેકસન બ્લિસ આવો જ પોતાનો એક અનુભવ ટાંકીને પુરુષ અફેકશન એટલે કે સહજ લાગણીની વાત કરે છે. તે કૉલેજમાં હતો તે સમયે એક વખત મેટ્રો સ્ટેશનમાં ટ્રેન પકડવા જઈ રહ્યો હતો. સામેથી સફેદ વાળ ધરાવનાર એક બ્લેક પુરુષ પોતાના ચશ્માને સરખા કરતો તેની પાસે આવીને પૂછવા લાગ્યો કે તેની પાસે લાઈટ છે? તેના એક હાથમાં સિગારેટ હતી. 

જેકસન કહે છે કે તેણે સિગારેટ છોડી દીધી હતી પણ સેમિસ્ટર પરીક્ષાનું ટેન્શન અને વાંચનના સમય દરમિયાન તે એકાદ બે સિગારેટ પી લે છે એટલે તેની પાસે લાઈટર હતું. તેણે ગુનાહિત ભાવ અનુભવતા લાઈટર કાઢી એ પ્રૌઢની સિગારેટ સળગાવી દેવા ક્લિક કર્યું. પણ હવા ખૂબ હોવાથી તે બુઝાઈ જતું, વારંવાર મળતી નિષ્ફળતાથી તે ફ્રસ્ટ્રેટ થવા લાગ્યો. પણ પછી તેણે એ વ્યક્તિના હાથની સાથે પોતાનોય એક હાથ આડો ધરી દીધો જેથી હવાથી બચીને સિગારેટ સળગાવી શકાય. તેણે એ સ્પર્શમાં ઋજુતાનો અનુભવ કર્યો. પ્રૌઢે એક ઊંડો કશ ખેંચીને હળવાશ સાથે તેણે ધુમાડાને બહાર ફેંક્યો અને પછી મારી સામે જોઈને પ્રેમાળ સ્મિત સાથે આભાર દીકરા કહ્યું ને અમે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા. અચાનક જેકસનની આંખમાં આંસુ આવ્યા. તેને નવાઈ લાગી કે કેમ તે ઈમોશનલ થઈ રહ્યો છે. હોઈ શકે કે તેણે હજી પરીક્ષાની પૂરતી તૈયારી નહોતી કરી કે પછી તે એની ગર્લફ્રેન્ડની સાથે ઝઘડો કરીને જઈ રહ્યો છે તેને લીધે ઈમોશનલ થઈ રહ્યો છે. તે એસ્કેલેટર ચઢીને ટ્રેનમાં બેઠો ત્યાં સુધીય આંખમાંથી આંસુ થમતા નહોતા. પ્રવાસીઓની નજરથી બચવા તેણે બારી બહાર જોયા કર્યું. તેને લાગ્યું કે શિકાગો જેવા શહેરમાંથી આવતા તેના જેવા ગરીબ વિદ્યાર્થીને ઈંગ્લેન્ડમાં અજાણ્યું અને એકલતાનો અનુભવ થતો હશે. અંતે તેને સમજાયું કે કોઈ પ્રૌઢ પુરુષ તરફથી તેને સહજ લાગણી અનુભવે વરસો વીતી ગયા છે. તેના જેવા અનેક છોકરાઓ હશે જેમણે કોઈ પુરુષ તરફથી લાગણીનો અનુભવ કર્યો નહીં હોય. પુરુષો એકબીજા પ્રત્યે લાગણી પ્રદર્શિત કરતાં ખચકાતા હોય છે. કોઈ તેનો ખોટો અર્થ કરી શકે છે. લાગણીઓ વ્યક્ત કરતી એ પુરુષની નબળાઈ ગણાય છે. લાગણીઓની અપેક્ષા રાખવી તે પણ નબળાઈની નિશાની ગણાય છે. 

પુરુષને બીજા પુરુષ પાસેથી પણ લાગણીની અપેક્ષા હોય છે પણ તેની ઈચ્છા પણ રાખવાનું તે ટાળે છે કે વ્યક્ત થવાનુંય ટાળે છે કે તેને નબળો માની લેવામાં આવે નહીં કે અન્ય અર્થો ન કાઢવામાં આવે તે માટે. જેકસન બ્લિસ આલેખે છે કે મારા પિતા અને મારી વચ્ચે ક્યારેય લાગણીઓની આપલે થઈ હોય તેવું યાદ નથી. હું લેચકી બોય હતો. (માતાપિતા બન્ને કામ કરતા હોય) દિવસમાં ચારેક કલાક ભાગ્યે જ અમે ઘરે સાથે રહેતા. અને ઘરે હોઈએ તો પણ ટેલિવિઝનની સામે બેઠા હોઈએ. હું મોટો થયા બાદ ક્યારેય પિતાને હું ભેટ્યો હોઉં તે યાદ નથી. ફક્ત હું જ્યારે ગ્રેજ્યુએટ થયો ત્યારે છેલ્લે ભેટ્યા હતા, કારણ કે એ તેમનું સપનું હતું. આટલાં વરસમાં જેકસને ક્યારેય તેની કમી પણ મહેસૂસ નહોતી કરી. 

આપણે ત્યાં પણ પુરુષોને એકબીજાની સાથે હરીફાઈ કરતાં કે એકબીજાને મિત્રદાવે પણ કાપી નાખતા (ખરેખર નહીં પણ શાબ્દિક રીતે) જોવા મળે છે. પરંતુ, એકબીજા સાથેની લાગણીઓ વ્યક્ત કરવાની આવે ત્યારે પૌરુષીય વ્યાખ્યામાં બેસે નહીં. દરેક સ્પર્શ ખરાબ જ હોય તે જરૂરી નથી. દીકરી વ્હાલનો દરિયો હોઈ શકે પણ દીકરા વિશે કેટલા પિતાઓ પ્રેમપૂર્વક લખી શકે છે? ટ્રેન્ડ શરૂ કરવા માટે નથી કહેતી. પણ કેટલીક માતાઓ દીકરા વિશે લખે છે, કારણ કે લાગણીઓ તો સ્ત્રીઓને જ હોય. પિતૃસત્તાક સમાજમાં પુરુષોને લાગણીશીલ બનવાનું નથી હોતું. તેણે લડાઈ કરવા જવાનું હોય, બહારગામ કમાણી કરવા જવાનું હોય. એ બધું બદલાયા છતાં પુરુષોની લાગણીઓ વ્યક્ત નહીં કરવાની પ્રથા બદલાઈ નથી. રોજ માતાના ખોળામાં માથું નાખીને સૂઈ શકતો પુરુષ ક્યારેય પિતાના ખભે હાથ મૂકીને કે તેમનો હાથ પકડીને બેસી શકતો નથી.

પતંગની કન્ની બાંધતા શિખવાડતા પિતા લાગણીની કન્નીઓ બાંધી શકતા નથી, કારણ કે તેણે દીકરાને પુરુષ તરીકે ઉછેરવાનો છે. દરેક પુરુષની અંદર એક ખાલીપો ઉછરતો હોય છે જે પિતાના પ્રેમથી ભરાયો નથી હોતો. પુરુષને પ્રેમ મળે છે કે વ્યક્ત કરે છે સ્ત્રીઓની સામે કે સ્ત્રીઓ સાથે. એ પ્રેમને સહજ ગણવામાં આવે છે. હૃદયમાં જે ખાલીપો રહી જાય છે વડીલ પુરુષના સ્નેહથી પુરાવો જોઈતો હતો તે નથી પુરાતો તે સમય જતાં ક્યારેક મિત્ર પુરુષની સાથે સંવાદ થાય તો તે પુરાય છે. એવા નસીબદાર પુરુષો ઓછા હોય છે. એટલે જ સતત પુરુષો બીજા પુરુષને હરીફ તરીકે જુવે છે. પતંગ સાથે બંધાતો અહમ્ અને પૌરુષત્વ હાથમાં કાપાઓ જ મૂકી જાય છે. 

પતંગ સાથે વણાયેલી જીવનની ફિલસૂફી વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં લખવા કે ફોરવર્ડ કરવા પૂરતી જ હોય છે. રોજ સવારે પુત્રને ભેટનાર પિતા પુત્રની સાથે સતત જોડાયેલો રહે છે. એ પ્રેમનું બીજ પુત્રમાં પાંગરતું બીજાને પણ છાંયો આપે છે. પ્રેમ, અનુકંપા, ક્ષમા આ બધું જીવનના ઉત્કર્ષ માટે જરૂરી છે. નહીં તો કપાયેલા પતંગની જેવી અનુભૂતિ પુરુષને સતત થતી રહે છે. પ્રેમ ન પામેલ પુરુષ પત્નીને પણ પ્રેમ વ્યક્ત કરી શકતો નથી કે સ્વતંત્રતા આપી શકતો નથી. પ્રેમનો એ ખાલીપો પૌરુષીય માનસિકતાથી પોતાને પણ દુખી કરે છે અને બીજાને પણ વાગતો રહે છે.


You Might Also Like

0 comments