સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં (મુંબઈ સમાચાર)

04:36





આધુનિક કપડાં કે શિક્ષણ દ્વારા સ્ત્રીને સમાનતા આપવામાં આવતી નથી. ઘર હોય કે બહાર હોય સ્ત્રીને સમાન અધિકારની વાત કરવાની નહીં એ વણલખ્યો નિયમ છે.


એક સમાચાર વાંચવામાં આવ્યા કે ચીનમાં સ્ત્રીઓને પુરુષોને સમર્પિત થવાનું શીખવતી દરેક સંસ્થાઓ બંધ કરવામાં આવી. ચીનમાં સ્ત્રીઓ માટે ખાસ શિક્ષણ આપતી સંસ્થાઓ ચાલતી હતી. સ્ત્રીએ સ્ત્રી તરીકે કેવી રીતે વર્તવું તે શીખવાડવામાં આવતું. કઈ રીતે પતિને કેવી રીતે ખુશ રાખવો તે. ચીનમાં છેલ્લા કેટલાક સમયથી સમર્પિત પત્ની થવાના ક્લાસીસ ચાલી રહ્યા હતા. તેના વીડિઓ પણ પ્રચલિત હતા. ચીનની સરકારે એ બંધ કરાવ્યા કારણ કે તે સમાજવાદી વિચારધારાની વિરુદ્ધ કામ કરી રહ્યા હતા.
ચીનમાં આઈકિયા  આંતરરાષ્ટ્રિય ચેઈન ધરાવતાં ફર્નિચરની જાહેરાત બેન કરવામાં આવી. કારણ કે એ જાહેરાતમાં દર્શાવાતું હતું કે છોકરીને કોઈ બોયફ્રેન્ડ ન હોય તો તે યોગ્ય નથી. લગ્ન ન થયાં હોય તેવી છોકરીઓને લેફ્ટઓવર માનવામાં આવે છે. એટલે આવી પ્રથાને બઢાવો આપતી જાહેરાત વિરુદ્ધ સ્ત્રી સંગઠનોએ અવાજ ઊઠાવ્યો. છોકરીએ લગ્ન કરવાના જ અને લગ્ન ટકાવવાની જવાબદારી પણ સ્ત્રીની જ હોય છે. એવું ચીનમાં જ નહીં વિશ્વભરમાં છે. ભારતમાં પણ દરેક ઘરમાં એવી સ્કૂલ છે જે છોકરીને લગ્ન બાદ કેવી રીતે વર્તવું તે શીખવાડે છે. લગ્ન બાદ તેણે પોતાની લાઈફસ્ટાઈલ બદલી નાખવી પડે છે. છોકરાના જીવનમાં પણ લગ્નબાદ ફરક પડતો જ હોય છે પણ તેની સ્વતંત્રતા છીનવાતી નથી. જ્યારે સ્ત્રીની સ્વતંત્રતા લગ્ન પહેલાં ય સીમિત હોય છે અને લગ્નબાદ પણ પતિની અને તેના સાસુસસરાની માનસિકતા પર નિર્ભર હોય છે.   
એક સગાની દીકરીના લગ્ન નક્કી થયા. તેમના ઘરે મળવા ગઈ તો જે સંવાદ સાંભળવા મળ્યા તે માની શકાય તેમ નહોતા. દીકરીની મા કહી રહી હતી કે તમે સમજાવો આ છોકરીને કે સુખી થવું હોય તો મારી સામે જે રીતે સવાલજવાબ કરે છે તે રીતે પતિની સામે સવાલજવાબ ન કરે. મિત્રો સાથે બહુ રખડવાનું ય બંધ કરવું પડશે. અને વહેલાસર એટલે કે પતિના ઊઠ્યા પહેલાં ઊઠી જવું જોઈશે. અહીં તો ઓફિસ જવાના કલાક પહેલાં માંડ ઊઠે છે. કેમનું થશે આ છોકરીનું મને તો ડર લાગે છે. તેની સાસુ પણ સાથે જ રહેવાની છે. કપડાં પહેરવા ઓઢવામાં તેમની કોઈ રોકટોક નથી પણ મોડે સુધી સુવાનું તો તેના ઘરવાળા કેમ સહન કરશે?
બીજો એક કિસ્સો સાંભળવા મળ્યો હતો કે છોકરી ઘરે પાછી આવી ગઈ હતી અને પતિ પાસે જવાની ના પાડતી હતી. તેની માતા ઈચ્છતી હતી કે હું તેને લગ્ન બાદ કેવી રીતે વર્તવું તે  સમજાવું. તેની માતાનું કહેવું હતું કે તમારી સાથે તે ફ્રેન્ડલી છે તો તમે જ સમજાવો ને કે જરાતરા વાત પર આમ ઘર છોડીને પિયર ન ચાલી અવાય. એકાદ બે લાફો ગુસ્સામાં તેના પતિએ માર્યો તેમાં શું થઈ ગયું? આપણી છોકરીનો ય કંઈક વાંક તો હશે ને? ઝઘડાં તો થયા કરે. એટલે લગ્ન થોડા જ તોડી નખાય. આ આજકાલની છોકરીઓ જરાતરા કમાવા લાગે એટલે સહનશક્તિ જ ન હોય તેમનામાં. હકિકતમાં એ છોકરીનો પતિ વારંવાર હાથ ઉપાડતો હતો. ગાળો આપતો, ઉતારી પાડતો. ઓફિસથી ઘરે આવવામાં મોડું થાય તો શંકાકુશંકાઓ કરતો.  તેને નોકરી છોડી દેવા માટે ય દબાણ કરતો. ફક્ત શારીરિક જ નહીં માનસિક પ્રતારણા પણ તેના લગ્નજીવનમાં હતી. છોકરી હોંશિયાર હતી અને એમબીએ કર્યું હતું. સારા હોદ્દા પર કોર્પોરેટમાં કામ કરતી હતી. તેના પતિની ઈચ્છા હતી કે તેણે રસોયો રાખવાને બદલે પતિનું જમવાનું બનાવવું જોઈએ. રાત્રે પતિ જમતો હોય તો સામે બેસી રહેવું જોઈએ. તો જ પ્રેમ છે તેવું સાબિત થાય. અને જલ્દી મા બનવું જોઈએ. તેની બહેને લગ્ન બાદ નોકરી છોડી દીધી હતી એટલે તેની પત્નિએ પણ છોડી દેવી જોઈએ તેવું એ માનતો હતો.  
મોટાભાગનાને ઉપરોક્ત વાતમાં કશું જ ખોટું નહીં લાગે. લગ્નબાદ સ્ત્રીએ કોમ્પ્રોમાઈઝતો કરવું જ પડે ને? ચોક્કસ લગ્નબાદ કેટલીક બાબતો જતી કરવી પડે, પરંતુ તેને માટે પોતાનું વ્યક્તિત્વ જ બદલી નાખવું પડે તે યોગ્ય નથી જ. બે વ્યક્તિ લગ્નગ્રંથિથી જોડાય છે તો જીવનને વધુ ઉત્કર્ષ તરફ લઈ જવા માટે. એકબીજા માટેનો આદર અને પ્રેમ સામી વ્યક્તિને ગુલામ બનાવવા કે બદલી નાખવાનું નથી સૂચવતો. છોકરીએ લગ્નબાદ નોકરી કરવી કે નહીં તે એની મરજીની બાબત છે. તેને જો ઘર સંભાળવામાં આનંદ આવતો હોય તો તેનો આદર કરવો ઘટે પણ જો તે ભણી હોય અને તેનામાં આવડત હોય અને તેને બહાર જઈને કામ કરવું હોય તો તેની ય સ્વતંત્રતા હોવી જોઈએ. રહી વાત ઘરનું કામ કરવાની તો ઘર બન્ને વ્યક્તિનું છે. બાળક પેદા કરવા સિવાય દરેક કામ પુરુષો કરી જ શકે છે. સત્યમેવ જયતે પર કમલા ભસીન જેમણે પિતૃસત્તાક સંબંધે અને નારીવાદ વિષયે અનેક વિશ્લેષણાત્મક પુસ્તકો લખ્યા છે. કામ કર્યું છે તેમણે પોતાની વાત કરતાં કહ્યું છે કે સ્ત્રી સ્વતંત્રતામાં માનતા હોવા છતાં તેમના લગ્ન થયા છે અને બાળકો પણ છે અને તેમનો ઘરસંસાર સરસ ચાલે છે. તેમના પતિએ નોકરી નહોતી કરવી, ઘરેથી ફ્રિલાન્સ કામ કરવું હતું તો તે કર્યું અને બાળકોનો ઉછેર પણ તેમણે કર્યો.
લગ્ન ટકાવવાની જવાબદારી માત્ર સ્ત્રીની નથી હોતી, બન્નેની હોય છે. અત્યારે સ્ત્રી-પુરુષના જીવનમાં અસમાનતા છે. નોકરી કરીને સ્ત્રી ઘરે જઈને સીધી રસોડામાં જશે અને પતિ ઘરે આવીને ટીવી સામે બેસી જશે. નોકરી પર જતાં પહેલાં સ્ત્રી ઘરના દરેક કામ કરે, નાસ્તો, રસોઈ અને ટિફિન બનાવે. જ્યારે પતિ છાપું વાંચીને તૈયાર થઈને ઓફિસે જશે. એ ઉપરાંત પુરુષ સ્ત્રી પર હાથ ઉપાડે તો તેમાં શું દરેક પત્ની સહન કરે છે.  સહન કરનારી પત્ની હોય તો જ લગ્ન ટકી શકે. આપણે ત્યાં આ માનસિકતા એટલી હદે સમાજમાં વણાઈ ગઈ છે કે હાઈકોર્ટે પણ અનેકવાર ઘરકામ ન કરવા માટે, સવારે વહેલા ઊઠવા ન માટે, ટિફિન ન બનાવવા માટે  કે પતિને પૂછ્યા વિના પિયરે માતાપિતાને મળવા જવા માટે પત્નીને કસૂરવાર ઠેરવી છે.
લગ્ન બાદ બન્નેની કેટલીક જવાબદારી અને ફરજ હોય છે જ તેની ના નથી, પરંતુ અમુક કામ સ્ત્રીના જ અને અમુક કામ પુરુષના જ  છે એવું માનવું તે સમાજમાં જાતિય અસમાનતા પેદા કરે છે. એકવીસમી સદીમાં પણ જાતિય અસમાનતા વધી રહી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તાજેતરમાં જાહેર કરેલો અભ્યાસ જણાવે છે કે દુનિયામાં જાતિય સમાનતા આવતા હજી સો વરસ લાગશે. 2016ની સાલમાં આ તફાવત દૂર થતાં 83 વરસ લાગવાના હતા. આંકડા દર્શાવે છે કે આપણી વધુને વધુ સંકુચિત સમાજ રચી રહ્યા છીએ. 144 દેશોમાં થયેલા સર્વે થાય છે. તેમાં શિક્ષણ, આર્થિક તકો , રાજકારણ અને હેલ્થ સંબંધે સ્ત્રીઓની સ્થિતિનો અભ્યાસ થાય છે. 2017માં જાણવા મળે છે કે સ્ત્રીઓને 2016ની સાલમાં 68.3 % સમાન તક મળતી હતી તો 2017માં તે આંકડો નીચે ગયો છે 68 % સ્ત્રીઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળે છે. જો સમાજ વિકાસ કરે છે તો દુનિયાની પચાસ ટકા વસ્તી મહિલાઓની છે તેને સમાન તક ન મળે તો તેનું કારણ સ્પષ્ટ છે કે સ્ત્રીઓનું શોષણ થઈ રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના જેન્ડર ગેપમાં ભારતનો રેન્ક 108માં છે. એનો અર્થ કે ભારતમાં સ્ત્રીને હજી પુરુષના પ્રમાણમાં સમાજમાં વિકાસ માટે પચાસ ટકા પણ તક મળતી નથી.
 હાલમાં થયેલી ગુજરાતની ચૂંટણીમાં ભાજપે ફક્ત 12 અને કોંગ્રેસે ફક્ત 11 મહિલાઓ ઉમેદવારને ટિકિટ આપી હતી. 6 કરોડ ગુજરાતની વસ્તીમાં 48 ટકા સ્ત્રીઓની વસ્તી પણ ફક્ત કુલ 23 મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી. સ્ત્રીઓને વિકાસની તક આપવામાં આવતી નથી કારણ કે તેમનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં હોય છે એ માન્યતા કે પ્રથામાં સમાજ બદલાવ લાવવા માગતો નથી. 2018માં શું થશે તે કલ્પના જ કરવી રહી.  

You Might Also Like

0 comments