સંબંધોમાં સીમાની પેલે પાર જઈ શકાય? (mumbai samachar)

04:38





મિત્રો સાથે કોફીબારમાં બેઠા સહજ વાતચીત થતી હતી તેમાં કંગના રનૌત અને રિતિક રોશન વિશે ચર્ચા ઉપડી અને સહસા જ એક મૈત્રિણીએ મને સીધું જ પૂછ્યું કે, તને શું લાગે છે આ બન્નેમાં કોણ સાચું બોલે છે? મને તો લાગે છે કે પુરુષો હંમેશાં સ્ત્રીઓનો ઉપયોગ જ કરતા હોય છે.’

એ મૈત્રિણીએ સવાલ સાથે પોતાનો અભિપ્રાય આપીને તેની સાથે સહમત થવા મને જાણે આમંત્રણ આપ્યું. મારે જવાબ આપતાં પહેલાં વિચાર કરવો પડ્યો, કારણ કે સ્ત્રી પુરુષોના સંબંધમાં દરેક વખતે એકને એક બે એવું સીધું ઈક્વેશન ન હોય તે શક્ય છે. તરત જ મને મોનિકા લેવેન્સ્કી અને ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખના અફેર સ્કેન્ડલનો બહુ ગાજેલો કિસ્સો યાદ આવી ગયો. મોનિકા પોતે કહે છે કે, હા તેના પાવરફુલ બોસે તેનો ફાયદો ઉઠાવ્યો પણ તેમના સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા. ૨૦૧૬માં વેનિટી ફેરને તેણે આપેલી મુલાકાતમાં કહ્યું હતું. ધારો કે મોનિકાએ અમેરિકન પ્રમુખ નહીં પણ કોઈ બીજા પુરુષ સાથે સંબંધો બાંધ્યા હોત અને એ વ્યક્તિની પત્નીને ખબર પડી હોત અને ડ્રામા રચાયો હોત વગેરે વગેરે પણ આપણને મોનિકા કોણ છે તેની ખબર ન હોત.

ધારો કે એ જ રીતે કંગનાએ કોઈ બીજી ઓછી લોકપ્રિય કે જાહેરજીવનમાં ન હોય તેવી વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો હોત તો આજે છે તે ચર્ચામાં મીડિયાને રસ ન પડ્યો હોત. કંગનાએ રિતિકને એક્સ કહ્યો છે. અર્થાત કે તેમની વચ્ચે સંબંધો નથી રહ્યા. તો પછી તેને જાહેરમાં લાવવાની શું જરૂર હતી? હા, જરૂર હોય જો સામી વ્યક્તિએ નો મીન્સ નો સાંભળ્યા છતાં તેના પર જાતીય સંબંધ બાંધવાની છૂટ લીધી હોય. શારીરિક કે માનસિક હરેસમેન્ટ થયું હોય. જેમ આદિત્ય પંચોલીના કિસ્સામાં થયું હતું. અહીં એકવાત જરૂર પૂછવાની મન થાય કે સ્ત્રી જ્યારે પુખ્ત હોય અને પરિણીત પુરુષ સાથે સંબંધ બાંધે છે સહમતીથી તો પછી પાછળથી બ્લેમગેમ રમવાનો શો અર્થ છે? અહીં ૧૯૯૪માં બનેલી અંગ્રેજી ફિલ્મ યાદ આવે છે ડિસ્કલોઝર. માઈકલ ડગ્લાસ અને ડેમી મુરનો બેનમૂન અભિનય હોય છે. માઈકલ ડગ્લાસ પર સેક્સુઅલ હરેસમેન્ટનો કેસ દાખલ થાય છે. હકીકતમાં માઈકલ ડગ્લાસ પોતે સેક્સુઅલ હરેસમેન્ટનો ભોગ બન્યો હોય છે. તે લડી લે છે. તેની બોસ જે તેની એક્સ ગર્લફ્રેન્ડ છે તે પોતાની સત્તાનો ઉપયોગ કરી પરિણીત માઈકલ સાથે ફરીથી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. માઈકલ દાદ નથી આપતો એટલે અહંકારગ્રસ્ત માનુની માઈકલ પર સેક્સુઅલ હરેસમેન્ટનો કેસ કરી દે છે. પુરુષ માટે પોતે નિર્દોષ છે તે સાબિત કરવું મુશ્કેલ હોય છે. રિતિક રોશન વિરુદ્ધ છેલ્લાં બે વરસમાં કંગના ઘણું કહે છે. રિતિક તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતા એવું સ્ટેટમેન્ટ આપ્યા બાદ ચૂપ જ રહે છે, કારણ કે તેને ખબર છે કે વાત જેમ આગળ ચર્ચાશે તેમ તેની હેડલાઈન્સ બનશે. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ત્રી-પુરુષો એકબીજા સાથે સહજતાથી વર્તતા હોય છે. તેમાં પણ ફિલ્મોમાં તો પ્રેમીનો રોલ કરવાનો હોય છે. એકબીજાની ખાસ્સુ નજીક આવવાનો મોકો હોય છે. તેમાં અનેકવાર પરસ્પર સહમતીથી કેટલાક સંબંધો બંધાતા હશે. કારણ કે આખરે તો એ લોકો પણ માણસો જ છે. બન્ને વ્યક્તિઓ પછી એકબીજાના વ્યક્તિત્વના આદર સાથે પોતપોતાની દુનિયામાં પરત ફરતી હશે. દીપિકા પાદુકોણ અને રણબીર કપુરના સંબંધો હતા અને તેને માટે દીપિકાએ ક્યારેય ખેદ નથી વ્યક્ત કર્યો કે ન તો રણબીરને જાહેરમાં ઉતારી પાડ્યો છે. એવું જ કેટરિના કૈફ અને કરિના કપુર વિશે ય કહી શકાય.

પુખ્ત સ્ત્રી તરીકે પોતાના એક્સ સાથે સહજ આદરથી ડિસટન્સ જાળવવું જરૂરી છે. મને અહીં એક જ વિચાર આવે કે કંગના સારી અભિનેત્રી છે. તેણે પોતાનો કારકિર્દી પોતાની પ્રતિભાથી ઘડી હોય તો સેક્સુઅલ વાયલન્સના પુરાવા ન હોય તો ખોટી રીતે કોઈ પુરુષને જાહેરમાં ઉતારી પાડવો યોગ્ય નથી. આ મારો અંગત અભિપ્રાય છે. બીજાનો અભિપ્રાય જુદો હોઈ શકે અને તેનો હું આદર કરૂં છું. વળી મોનિકા લેવિન્સ્કીને યાદ કરીએ તો એણે પોતે જ કહ્યું છે કે એણે ઓફિસમાં એકવાર બિલ ક્લિન્ટનને કહ્યું હતું કે મને તમે ગમો છો તેણે અંગ્રેજીમાં ક્રશ શબ્દ વાપર્યો છે. આવું કહેતી સમયે મોનિકાએ બિલની આંખોમાં આંખ પરોવી હશે. અમેરિકન પ્રમુખ આખરે પુરુષ છે. ૨૨ વરસની યુવાન સ્ત્રી તેને આમંત્રણ આપતી હોય તો ક્ધટ્રોલ નહીં થયો હોય. વળી મોનિકા પોતે જ કહે છે કે તેમની વચ્ચે જે સંબંધ બંધાયો તે સહમતીથી હતો. બિલ ક્લિન્ટન પ્રતિભાશાળી પુરુષનો સ્વામી છે અને સ્ત્રીઓ પણ પુરુષો પ્રતિ આકર્ષાતી હોય છે તે સહજ છે. પણ, સ્પર્શ કરવાની પહેલ પુરુષ કરતો હોય છે. પોતાને ગમતો પુરુષ પહેલ કરે તે સ્ત્રીઓને પણ ગમતું હોય છે.

અલબ્રાઈટ કોલેજના સાયકોલોજીના પ્રોફેસર ડો ગ્વેન્ડોલિન સીડમેન સ્ત્રી પુરુષ રિલેશનશિપનો અભ્યાસ પણ કરે છે તેમણે વેસ્ટર્ન ઈ.એરોસન-વી અબ્રાહમના અભ્યાસ ઈમ્પોર્ટન્સ ઓફ ફિજિકલ એટ્રેકટિવનેસ ઈન ડેટિંગ બીહેવીઅરને ટાંકતા સાયકોલોજી ટુડેના પેપરમાં લખ્યું છે કે સ્ત્રી અને પુરુષ બન્ને સામી વ્યક્તિના દેખાવથી પ્રભાવિત થઈને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. ગ્વેન્ડોલિન આખાય તેમના પેપરમાં સ્ત્રી સંબંધે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓને અભ્યાસપૂર્ણ પુરાવાઓ આપીને તોડે છે. જેમ કે સ્ત્રીને કેઝયુઅલ સેક્સમાં રસ હોતો નથી. તેને પ્રેમમાં જ રસ હોય છે. અભ્યાસમાં જાણવા મળે છે કે પુરુષો સેક્સુઅલ પાર્ટનર વિશે વધુ પડતું વધારીને કહે છે જ્યારે સ્ત્રીઓ લગભગ ન બોલવાનું પસંદ કરે છે. એનો અર્થ એ કે પુરુષો અને સ્ત્રીઓ બન્નેને અનુકૂળ આકર્ષણ હોય તો સંબંધ બંધાય છે. પણ સોશિઅલ એટલે કે સામાજિક સ્ટિગમાને લીધે સ્ત્રીઓ પોતાનું મન કળવા દેતી નથી.

એવામાં કોઈ સફળ સ્ત્રી જ્યારે પોતાના સંબંધોની વાત કરે તો તેને આજે અહોભાવથી જોવામાં આવે છે. અને જો એ સ્ત્રી પોતે એ સંબંધમાં પીડિતા રહી હોય તો સમાજને સહાનુભૂતિ દર્શાવીને પોતે જાતીય સમાનતાનો આદર કરે છે તે દર્શાવવું ગમતું હોય છે. ધારો કે કોઈ સામાન્ય સ્ત્રી પોતાના સંબંધોની વાત જાહેરમાં કરે તો સમાજ તેને કઈ રીતે જોશે તેની કલ્પના કરો. સ્ત્રીને સન્માન અને આદર આપવાની બાબતમાં અનેક ભેદભાવ આપણે ત્યાં પ્રવર્તે છે. તેને સમાનતા આપવાની વાત તો બહુ દૂર છે હજી. કંગના અને રિતિકના સંબંધોમાં તેમનું સેલિબ્રિટી સ્ટેટસ વધુ મહત્ત્વનું છે. બાકી સંબંધોએ દરેક વ્યક્તિની નબળાઈ રહ્યા છે અને રહેશે. સ્ત્રીઓએ સમાનતા અને આદર જોઈતા હોય તો સંબંધોને પણ પુખ્ત વ્યક્તિની જેમ સ્વીકારવા પડશે. સંબંધો બાંધ્યા પછી તેના વિશે ગુનાહિતતા અનુભવ્યા વગર તેનો સ્વીકાર કરવો. સંબંધોને સામાજિક રીતે સ્વીકારી ન શકાય કે તેનો ઉપયોગ ન કરી શકાય તો તેનો સ્વીકાર કરવો કે પછી સંબંધો બાંધવા જ નહીં. પુખ્ત સ્ત્રી જ્યારે પરસ્પર સહમતીથી સંબંધોમાં આગળ વધે છે તો એની દરેક જવાબદારી પણ સ્વીકારવા તૈયાર રહેવું જરૂરી છે. મોનિકાની બાબતમાં એ સારું હતું કે તેણે ક્યારેય બ્લેમગેમ નથી રમી. એને પોતાને સત્તાને કારણે સહન કરવું પડ્યું હોવા છતાં. ભૂલ એ જ હતી કે તેણે બિલ ક્લિન્ટન નહીં પણ અમેરિકન પ્રમુખ સાથે સંબંધો તેની ઓફિસમાં કામ કરતી વખતે બાંધ્યા હતા અને તે વિશે એણે મિત્રની આગળ દિલ ખોલીને વાત કરી હતી. એ મિત્રએ તેની વાત ટેપ કરીને જાહેર કરી એટલે જ ઈન્કવાયરી અને કેસ ચાલ્યો. એણે ક્યારેય કોઈની ય સામે બિલ સાથેના અફેરની વાત કહી જ ન હોત તો? એ જ રીતે કંગનાએ રિતિક સાથેની વાતને જાહરેમાં ચર્ચા ન કરી હોત તો? આદિત્ય પંચોલી સાથે તે લિવ ઈન રહેતી હતી ત્યારે એ સફળ નહોતી. આદિત્ય પરણિત હતો અને તેની છાપ વિશે દરેક જણ જાણતા જ હતા. કંગનાને પણ ખબર જ હશેને! બાકી હવે કંગના અને રિતિકના સંબંધોના સચ્ચાજૂઠાનો ખુલાસો તો કાયદો જ કરશે કારણ કે હવે મામલો કાયદાના હાથમાં છે.

ખેર, દિલ પર કિસીકા જોર નહીં. પણ સંબંધો ન ટકે તો તેને ખૂબસૂરત મોડ દે કે ભૂલના અચ્છા. ફરી એકવાર જો કોઈપણ સંબંધમાં (પરિણીત કે અપરિણીત) હિંસા હોય તો તેનો વિરોધ કરવો જરૂરી છે અને ફરિયાદ કરવી પણ જેથી બીજી વ્યક્તિ તેનો ભોગ ન બને. વળી અન્યાય કરનાર જેટલો જ સહેનાર પણ જવાબદાર હોય જ છે.


You Might Also Like

0 comments