બંધબારણે ચીસો પણ દબાય છે (mumbai samachar)

01:14






ટ્રિપલ તલાકનો મુદ્દો એટલો બધો ચર્ચાયો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલાં નિવેદન પ્રત્યે સામાન્ય માણસોનું ધ્યાન ગયું જ નહીં. વળી તેને પિતૃસત્તાક સમાજ સાથે સંબંધ હોવાથી પણ તેને નજરઅંદાજ કરવામાં આવે છે એવું કહી શકાય. મેરિટલ રેપ એટલે કે પતિ દ્વારા પત્ની પર થતાં બળાત્કારને ગુનાહિત માની શકાય નહીં એવું સુપ્રીમ કોર્ટે ઈન્ડિપેન્ડટ થોટ વિરુદ્ધ યુનિયન ઈન્ડિયાના કેસમાં ચુકાદો આપતા કહ્યું. આ વાત છે ઓગષ્ટના પહેલાં અઠવાડિયાની. ઈન્ડિયન પીનલ કોડ ૩૭૫માં ૨ એક્સેપ્શનમાં બદલાવ લાવવાની ના પાડી દીધી છે. આ સેકશન એક્સેપ્શન પતિને પ્રોટેક્ટ કરે છે. આ સેકશનમાં કહેવાયું છે કે પતિ પોતાની પત્ની જે ૧૫ વરસથી નાની ન હોય તેની સાથે ઈન્ટરકોર્સ એટલે કે સેક્સ કરે તો તે બળાત્કાર ન ગણી શકાય. પણ એ જ એક્સેપ્શનમાં એવું પણ કહેવાયું છે કે પુરુષ જો ૧૮ વરસથી નાની સ્ત્રી સાથે તેની સંમતિ કે સંમતિ વિના સેક્સ કરે તો તે બળાત્કાર કહેવાય. અર્થાત જો સગીરા પરિણીત હોય તો તે બળાત્કાર ન કહેવાય. ઈન્ડિપેન્ડટ થોટ જેમણે ૨૦૧૩માં અરજીમાં માગણી કરી હતી કે દરેક સગીરાને સલામતી મળવી જોઈએ પછી તે પરિણીત હોય કે ન હોય તેમને લગ્ન કર્યા હોય કે ન કર્યા હોય. 

આપણે ત્યાં સ્ત્રીએ લગ્નની સંમતિ આપી એટલે સેક્સની પણ સંમતિ આપી એવું માની લેવામાં આવે છે. ઉપરોક્ત સેકશન વિશે વાત થઈ તે તો માઈનર એટલે કે સગીરાના સંદર્ભમાં છે. પણ મેરિટલ રેપ વિશે આપણે ત્યાં ગંભીરતાથી વિચારાતું નથી. હકિકતમાં તો ભારતમાં સૌથી વધુ છોકરીઓના બાળવિવાહ થાય છે. એટલે કે પંદર વરસ કરતાં મોટી હોય પણ ૧૮ વરસ કરતાં નાની હોય. અને લગ્ન કર્યા બાદ આ બાળકી જે પત્ની બને તેની સાથે સંબંધ બાંધવો પતિ માટે ગુનો નથી બનતો. સ્ત્રીઓ સૌથી વધુ ઘરમાં જ હિંસાનો શિકાર થતી હોય છે તે અનેક અભ્યાસોમાં સાબિત થયું છે. ૨૦૧૨માં નિર્ભયા કેસ થયો ત્યારબાદ સ્ત્રીઓ પર થતી સેક્સુઅલ હિંસા બાબતે આકરા નિયમો ઘડવા માટે ત્રણ જણાંની વર્મા કમિટી રચવામાં આવી હતી. તેમાં ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ સ્વ.લીલા શેઠ પણ હતા. લીલા શેઠ મેરિટલ રેપના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે જો મેરિટલ રેપનો કાયદામાં સમાવેશ થાય તો અનેક સ્ત્રીઓને હિંસક પતિ સામે રક્ષણ મળી શકે. જો કે મોટાભાગના માનવું છે કે આવો કાયદો લાવવાથી તેનો દુરુપયોગ થઈ શકે અને લગ્ન સંસ્થા સામે ખતરો ઊભો થાય. વળી આ બળાત્કાર સાબિત કરવાનું મુશ્કેલ બને. 

સૌથી વધારે ડોમેસ્ટિક વાયોલેન્સ એટલે કે ઘરેલું હિંસાના ગુનાઓ બને છે. ૨૦૧૩ના નેશનલ ક્રાઈમ બ્યુરોનો રેકોર્ડના(એનસીબીઆર) આંકડા જોઈએ તો ૧,૧૮,૦૦૦ ઘરેલું હિંસાના કેસ નોંધાયા હતા. જ્યારે ન નોંધાયા હોય એનો આંકડો પણ કંઈ ઓછો નહીં હોય. એવું આ ક્ષેત્રે કામ કરતાં નારી સંગઠનો અને સમાજશાસ્ત્રીઓનું માનવું છે. એનસીબીઆરના પ્રમાણે ૯૮% બળાત્કાર સ્ત્રીના નજીકની વ્યક્તિઓ દ્વારા જ થતા હોય છે. આપણે તેમાં મિત્રો, સંબંધીઓ, સહકર્મચારીઓ માની લઈએ પણ પતિ વિશે વિચારી શકતા નથી. 

એક સ્ત્રી નામે મનીષા(ખોટું નામ) ૧૮ વરસની હતી ત્યારે એરેન્જ્ડ મેરેજ થયા. પતિને તે હજી જાણતી પણ નહોતી અને પહેલીવાર જ તેને એકાંતમાં મળી રહી હતી. એટલે લગ્નની રાત્રે તે સેક્સ માટે તૈયાર નહોતી પણ તેના પતિએ તેની વાત ન માની અને તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધ્યો. 

લગ્નના છ વરસ થયા અને તેનો પતિ દારૂ પીને તેની સાથે જબરદસ્તીથી સંબંધ બાંધતો. હિંસક પણ થતો. તે ગર્ભવતી થઈ અને ડોકટરે થોડો સમય સંબંધ બાંધવાની ના કહી હતી, પણ તેનો પતિ માનવા તૈયાર નહોતો. તેનો ગર્ભ પડી ગયો. કસુવાવડના ત્રીજા જ મહિને તે ફરીથી ગર્ભવતી બની. 

બીજી એક સ્ત્રીની વાત છે તેના લગ્નને ત્રણ વરસ થયા. તેને નોકરી મળી પણ પગાર બધો તેનો પતિ લઈ લેતો. બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા માટે તેણે પતિ પાસે પૈસા માગ્યા તો માર પડ્યો અને તેનું નાક તોડી નાખ્યું. અને તેના પર બળાત્કાર કર્યો. તે ડોકટર પાસે ગઈ ટાંકા આવ્યા. તે નજીકના પોલીસ સ્ટેશને ગઈ. પોલીસોએ સહાનુભૂતિપૂર્વક સાંભળ્યું, ચા પીવડાવીને તેને ઘરે જઈને એડજસ્ટ કરવાનું કહ્યું. તેના કોમ્પ્રોમાઈઝ કરવાથી પતિની હિંસા ઓર વધી. હિંસક બળાત્કારનો તે ભોગ બનતી. માતાપિતાએ સમાજ શું કહેશે છૂટી થઈશ તો કહી તેને હજી કોમ્પ્રોમાઈઝ કરવાની સલાહ આપી. પણ તેણે હિંમત કરીને જુદી રહેવા લાગી અને છૂટાછેડાનો કેસ કર્યો. છૂટા થયા બાદ તેની નોકરી કાયમી થઈ. તેણે પીએચડી પણ કર્યું અને સુખી થઈ. તેનું કહેવું હતું કે સ્ત્રીએ પોતાના જીવનની જવાબદારી લેવી જોઈએ. કોઈ બીજું તેની સહાય કરી શકતું નથી. 

૨૦૧૩ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારત સહિત છ પેસેફિક એશિયન દેશોમાં ૧૦૦૦૦ પુરુષોનો સર્વે કરાવ્યો. તેમાં મોટાભાગના પુરુષોએ પોતાની પત્નિ પર બળાત્કાર કર્યાનું કબૂલ્યું હતું. આપણે ત્યાં એવી પણ માન્યતા છે કે મર્દાનગી તો જ પુરવાર થાય જો પુરુષ પોતાની પત્નીને દાબમાં રાખે. તેને ડરાવીને રાખે. ૨૦૧૪માં યુનાઈટેડ નેશન પોપ્યુલેશન ફંડ અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન વિમેન દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં પૌરુષ્ય એટલે સ્ત્રીને દાબમાં રાખવી. તેની સાથેના અંગત સંબંધમાં દરેક નિયમ તે જ નક્કી કરે. તેમાંથી ૬૦% પુરુષોએ કબૂલ્યું કે તેઓ સ્ત્રી ઉપર હિંસાનો ઉપયોગ કર્યો છે. લાફો મારવો, લાતો મારવી, ચોટલાથી પકડવી, બાળવું વગેરે ૨૦૦૫-૬માં થયેલા નેશનલ હેલ્થ ફેમિલી સર્વેમાં પણ જાણવા મળ્યું હતું કે પરિણીત મહિલાઓ પર હિંસા તેના પતિ દ્વારા જ થતી હોય છે. હિંસાનો ભોગ બનનાર ચારમાંથી એક જ સ્ત્રી કોઈની મદદ માગે છે.લગ્નજીવનમાં થતી સેક્સુઅલ હિંસા વિશે સ્ત્રીઓ ભાગ્યે જ કોઈને વાત કરે છે કે પછી મદદ માગે છે, જ્યારે શારીરિક હિંસા માટે તેઓ કુટુંબની અન્ય વ્યક્તિઓની મદદ માગે છે. આમ પણ સ્ત્રીની ના સાંભળવા તેમાં પણ પત્નીની ના સાંભળવી પુરુષોને ગમતી નથી હોતી. સ્ત્રીની ના હોય તે છતાં જબરજસ્તીથી સંબંધ બાંધવો તે બળાત્કાર જ ગણી શકાય. ખેર, પણ આપણે ત્યાં બંધબારણે થતી હિંસાને મોટાભાગે દબાવી રાખવામાં આવે છે. 

અહીં તો સ્ત્રીની ઉંમર જે અઢાર વરસથી નાની હોય તેની સાથે થતાં અન્યાય બાબતે વિરોધ છે, પણ કેટલાકની દલીલ છે કે મેરિટલ રેપનો કાયદો ઘરની શાંતિ ડહોળાવી શકે છે કે પુરુષને અન્યાય કરી શકે છે. હકીકત એ છે કે હજી આજે પણ દર સો બળાત્કારે માત્ર ૬ બળાત્કારના કિસ્સા વિશે ફરિયાદ નોંધાવાય છે. તેમાં પણ આ બળાત્કારની ફરિયાદમાં પતિ સિવાય અન્ય વ્યક્તિઓએ જ કર્યા હોય છે તે જ હોય છે. આપણે લગ્નને પવિત્ર માનીએ છીએ પણ તેમાં પતિ દ્વારા થતાં હિંસક અત્યાચાર અને બળાત્કારનો આપણને વાંધો નથી હોતો. આ તે કેવી વાત? હવે આ વિશે વિચારવાની જરૂર નથી લાગતી? ટ્રિપલ તલાક કે જેમાં એક ઝાટકે સ્ત્રીથી છેડો ફાડી નાંખે છે તે વિશે વિચારનાર સમાજે હવે રોજે રોજ હિંસાથી રહેંસાતી સ્ત્રીઓ વિશે પણ વિચારવું જોઈશે. 

ઘર બહાર સ્ત્રીની સલામતી વિશે આજે આપણે જાગૃત થઈને પગલાં લઈ રહ્યા છીએ પણ જ્યાં ઘરની ચાર દીવાલો વચ્ચે સ્ત્રીની સલામતી ન હોય તેના વિશે વાત કરતાં પણ આપણે ત્યાં સંકોચ અનુભવાય છે ત્યાં ન્યાયની પુકાર કોણ સાંભળે? શું એવો રસ્તો ન નીકળી શકે જેમાં સ્ત્રીને ન્યાય મળે અને પુરુષને અન્યાય પણ ન થાય? 

You Might Also Like

0 comments