વેરવિખેર પુરુષની દુનિયા (mumbai samachar)

07:14





શીના બોરાનો કેસ તમને યાદ જ હશે. મીડિયામાં મહાલતી માનુની ઈન્દ્રાણી મુખરજી પર પોતાની જ સગી દીકરીનું ખૂન કરવાનો આરોપ છે. એ કહેવાતું ખૂન કરવા માટે તેણે સીધી રીતે બે પુરુષોનો ઉપયોગ કર્યો હતો. એક તો તેના ડ્રાઈવરનો અને બીજો તેના ભૂતપૂર્વ પતિનો. ત્રીજો પુરુષ હતો તેનો હાલનો પતિ પીટર મુખરજી. જેની સાથે રહેવાથી તેને પૈસો અને પ્રસિદ્ધિ મળી રહ્યા હતા. હાલ તે જેલમાં છે અને તેનો ડ્રાઈવર તાજનો સાક્ષી બનીને ઈન્દ્રાણી વિરુદ્ધ બયાન આપી રહ્યો છે. આ ડ્રાઈવરને અંગ્રેજી વાંચતા નથી આવડતું એટલે તે પોતે આપેલા નિવેદનની અંગ્રેજીમાં લખાયેલી કોપી વાંચી શકે એમ નથી.

આ ડ્રાઈવર હિન્દી માધ્યમમાં ભણ્યો છે. ભણતરની ભાષા કોઈપણ હોય પરંતુ ગણતર દ્વારા તમે હોશિયાર બની શકો છો. તેણે ડ્રાઈવરની નોકરી કરવી પડી એટલે તે કરી રહ્યો હતો. તેણે શસ્ત્રોનો પણ વ્યાપાર કર્યો છે. તેની ગુણવત્તા ડ્રાઈવર બનવાની હોવાથી તે ડ્રાઈવર બની રહ્યો. નહીં તો એ કોઈના ખૂનમાં સાથી બનવાનો ઈન્કાર કરી દે. પણ એણે એવું ન કર્યું. તે પોતાના કામથી સંતુષ્ટ નહોતો. વધુ પૈસાની લાલચમાં તેણે ખોટું કામમાં સાથ આપ્યો. અને વરસો સુધી ચુપ પણ રહ્યો. હાલમાં ગુજરાત જવાનું બન્યું ત્યારે મારી ગાડીનો બાવીસ વર્ષનો ડ્રાઈવર નવમી ફેઈલ હતો. નવમા ધોરણ સુધી પણ તે શિક્ષકો પર દાદાગીરી કરીને પહોંચ્યો હતો. તેનું દૃઢપણે માનવું હતું કે સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવાની જરૂરત જ નથી. સ્ત્રીઓને બોલવાનીય છૂટ ન હોવી જોઈએ. પુરુષનું પૌરુષત્વ સત્તાને આધારિત હોવાથી તેની સત્તા બહાર ન હોય તો ઘરમાં જ ધોંસ જમાવે.

સમય બદલાઈ રહ્યો છે પરંતુ શહેરોને બાદ કરતાં ગામડાંઓમાંથી આવતા પુરુષોની તકલીફો પણ વધી રહી છે. પરંપરાગત પિતૃસત્તાક માનસિકતાને કારણે પૌરુષત્વનો પાવર ફક્ત તેમની માનસિકતાથી આગળ બહાર ચાલતો નથી. આવા પુરુષોને સમાજમાં ગોઠવાતાં તકલીફ થાય છે. જો કે તે છતાં ઉપરના વર્ગમાં હજી પુરુષોની જ સત્તા છે. ધ ઈકોનોમિસ્ટના આંકડા જોઈએ તો ફોર્ચ્યુન ૫૦૦ સીઈઓમાં ૯૫ ટકા પુરુષો છે. ફોર્બ્સના સેલ્ફમેડ બિલિયનરના લિસ્ટમાં ૯૮ ટકા પુરુષો છે. દુનિયામાં સરકારી ઊચ્ચ હોદ્દા પર ૯૩ ટકા પુરુષો જ છે. આર્થિક સ્તરે મધ્યમવર્ગ અને નીચેના સ્તરે જે પુરુષો છે તેની તકલીફો વધી રહી છે. બળાત્કારના કેસ અને પત્નીને મારી નાખવાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે રોજના છાપા જોઈશું તો જણાશે. તેમાં મોટેભાગે કામગાર કક્ષાના પુરુષો જ હશે. દિલ્હીમાં નિર્ભયાના કેસમાં જે ઘાતકીપણું, ક્રૂરતા જોવા મળી હતી તેમાં આ પૌરુષીય માનસિકતાનું ફ્રસ્ટ્રેશન વધુ હતું.

આ પુરુષો પરંપરાગત માનસિકતા ધરાવે છે પણ તેમનું ભણતર અને કામ કરવાની આવડત ન હોવાને કારણે કમાણી નથી કરી શકતા. અથવા એમ કહી શકાય કે તેમને પરમેનેન્ટ નોકરી મળી શકતી નથી. અસહિષ્ણુતાની વાત આવે છે ત્યારે હિંસામાં સામેલ પુરુષ ક્યાંતો બેકાર હોય છે અથવા તેને સંતોષ થાય એવું કામ મળ્યું નથી. જો કે તેમાં એના શિક્ષિત ન હોવાનો, કોઈ સ્કીલ એટલે કે કોઈપણ પ્રકારના હુન્નરની આવડત પણ કેળવી નથી હોતી એ બાબતની પણ સામાજિક અભ્યાસુઓ નોંધ લઈ રહ્યા છે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં પૌરુષત્વના પ્રશ્નો માથું ઊંચકી રહ્યા છે. પિતૃસત્તાક માનસિકતા જ પુરુષને પણ પાછા પાડી રહી છે. અત્યાર સુધી શિકાર કરવો, રસ્તા ખોદવા કે ડુંગરો તોડવા કે પછી સ્ટીલની ફેકટરીઓમાં તાકાતવાળા કામો પુરુષો કરતા હતા. એ કામો કરવા માટે હવે મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. પૌરુષત્વ ભર્યા કામ હવે રહ્યા નથી. પૈસા મેળવવા માટે હવે શારીરિક તાકાત નહીં પણ માનસિક તાકાતની જરૂર પડે છે. જેમાં મોટાભાગના પુરુષો પાછા પડે છે. તેથી એમણે એવા કામમાં જોડાવું પડે છે કે જેમાં બુદ્ધિ વધુ ન વાપરવી પડે અને તે માટે એમને વળતર પણ ઓછું જ મળે છે. કોલ સેન્ટર જેવા કામ માટે ય તમને બેઝિક અંગ્રેજી અને વાતચીતમાં નમ્રતા કેળવવી પડે છે. એટલે એવું નથી કે કામ નથી રહ્યા. પણ કામના પ્રકારો અને તેને કરવાની પદ્ધતિ બદલાઈ છે. વળી પુરુષપ્રધાન માનસિકતાને કારણે તેઓ ઘરમાં પણ ઉપયોગી નથી થઈ શકતા. જ્યારે હવે સ્ત્રીઓ ઘર અને બહાર બન્ને જગ્યાએ કામ સહજતાથી કરી શકે છે. ગામડાઓમાં અને નાનાં શહેરોમાં જોશો તો મોટાભાગના પુરુષો પાનની દુકાને કે ચોતરે બેઠા જોવા મળશે. આ લખાઈ રહ્યું છે ત્યારે એક સમાચાર વાંચવા મળે છે કે રાજકોટમાં પત્નીએ દસ રૂપિયાની માવાની ફાકી ખાવાની ના પાડી તો તેના પતિએ જીવલેણ હુમલો કર્યો. ગુજરાતમાં મોટાભાગના મધ્યમવર્ગી અને નિમ્નવર્ગના પુરુષોને માવાનું અને ચાનું બંધાણ હશે. એ ન મળે તો તેઓ આકળવિકળ થઈ જાય. હકીકતે તેઓ પોતાની સ્થિતિથી ખુશ નથી હોતા. ભણતરમાં ઘ્યાન આપ્યું ન હોય, બીજી કોઈ આવડત કેળવી ન હોય, એટલે પૈસા કમાવવા માટે તેમને ન ગમતા કામ કરવા પડે. તેમાં પણ એવા પૈસા તો ન જ મળે જે તેમના શોખ પૂરા કરી શકે. એટલે નાસીપાસ રહ્યા કરે. એ ગુસ્સો છેવટે ઘરની સ્ત્રી પર જ કાઢે. નબળો માટી બૈરી પર શૂરો એ કહેવત અહીં યાદ આવે.

આવા નાસીપાસ પુરુષો હિંસક બની જાય કે પછી હતાશામાં સરી પડે છે. સામે પક્ષે સ્ત્રીઓ હવે ધ્યાન દઈને ભણે છે અથવા કોઈને કોઈ હુન્નર પણ શીખી લે છે. તેથી તેઓ એવો પુરુષ પસંદ કરતી નથી જે તેને આદર આપી શકતો ન હોય. જેની માનસિકતા પરંપરિત પુરુષની હોય. પૈસાની સલામતી હવે આત્મનિર્ભર સ્ત્રીઓને જોઈતી નથી હોતી જે તેમની દાદી અને માને જોઈતી હતી. સ્ત્રી દ્વારા રિજેકશન સહન કરવાનું પણ હવે પુરુષોએ કરવું પડે છે. પિતૃસત્તાક પૌરુષિય સત્તામાં માનતા પુરુષ માટે આ સ્વીકારવું પણ અઘરું પડે છે. સમાજના ઉપલા વર્ગમાં જે ફરક પડ્યો છે ટેકનોલોજી અને આર્થિક પરિવર્તનને કારણે તેમાં પણ પુરુષોએ પોતાની સત્તા જાળવી રાખી છે પણ નીચેના વર્ગમાં પુરુષો માટે સમસ્યાઓ વધી રહી છે. ઘરે કામ કરવા આવતાં પુરુષના પૌરુષત્વ પર જ્યારે ઘા પડે છે ત્યારે પણ હિંસક પરિણામો આવતા આપણે જોયા છે. સામાજિક અભ્યાસ કરનારાઓએ એ પણ નોંધ્યું છે કે પચાસ વરસ પહેલાં જે પુરુષ બ્રેડ અર્નર એટલે કે કુંટુંબનું પાલનપોષણ કરવા માટે જવાબદાર હતો તેવું હવે નથી રહ્યું. સ્ત્રી પણ કમાણી કરીને ઘર ચલાવી શકે છે. સ્ત્રી જે રીતે બદલાઈ છે તે રીતે પુરુષ નથી બદલાતો તેના પરિણામે બેકારી અને હિંસામાં વધારો થાય છે.

કેટલાક પુરુષો બદલાતા સમય સાથે બદલાઈ રહ્યા છે. સમયની સાથે ચાલવાનો પ્રયત્ન કરે છે પણ તેમની સંખ્યા હજી ઓછી છે. તેથી જ તમે જોશો કે જે સમય સાથે બદલાતા નથી એવા પુરુષોમાં હતાશા અને હિંસા બન્નેનું પ્રમાણ વધી રહ્યું છે. અ બન્નેના પરિણામે ખોટી આદતોની ગુલામી પણ વધે છે.

આનો ઉપાય છે કે ધરમૂળથી માનસિકતામાં બદલાવ આવે. શિક્ષણ ક્ષેત્રે હુન્નર આધારિત અભ્યાસક્રમ પણ શાળામાંથી શરૂ કરવામાં આવે તો પણ કંઈક અંશે આ સમસ્યા ઓછી થઈ શકે. જો કે આ સ્થિતિ દુનિયામાં બધે જ છે અને સમય સાથે મનુષ્યએ બદલાવું જ પડે છે. નહીં તો પાછળ રહી જવાની તૈયારી

You Might Also Like

1 comments