સારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી

11:24






સ્ત્રીઓ જ જેને સૌથી વધુ જુએ છે તે ઘારાવાહિકોમાં સ્ત્રીઓનું નિરૂપણ પીડિતા અને પીડકનું, શોષિત અને શોષકનું જ કેમ દેખાય છે?

બાબાઓ બેનકાબ થતાં બે અઠવાડિયા પહેલાં અખબારમાં ચંદીગઢ, પુના અને મુંબઈમાં સ્ત્રીઓનું સ્ટોકિંગ એટલે કે પીછો કરતાં પુરુષોની ધરપકડના સમાચાર છપાયા હતા તે ભૂલાઈ ગયા છે. સ્ત્રીઓનો પીછો કરવો અને તેને પ્રાપ્ત કરવી તે ફિલ્મો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી બાબત છે. મુંબઈમાં તો રીક્ષામાં જતી એક છોકરીની કોલેજિયન યુવાનોએ પીછો કર્યો હતો. આ બધું થાય એટલે સ્ત્રીઓની સલામતી અંગે લોકોએ ચિંતા વ્યક્ત કરીને વળી વાત ભૂલાઈ જાય. તો બીજી તરફ એક પ્રસિદ્ધ ચેનલ પર હિન્દી ધારાવાહિક પહેરેદાર પિયાકીમાં દસ વરસનો બાળક ૧૮ વરસની છોકરીનો પીછો કરી તેના સેંથામાં સિંદુર પુરે છે. આ ધારાવાહિક માટે પણ બે સમાચાર છે. એક તો તેના વિરુદ્ધ માનસી જૈને ચેન્જ ડોટ ઓઆરજી મારફત પિટિશન ફાઈલ કરી ધારાવાહિકનું પ્રસારણ અટકાવવાની અરજી કરી હતી. તો કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરને ધારાવાહિક પર બૅન લાવવાની માગ કરી છે. નવાઈની વાત તો એ છે કે આ ધારાવાહિકની ટીઆરપી વધી છે. એક તરફ આપણે ત્યાં બાળવિવાહ ગેરકાનૂની છે પણ બાળલગ્નો પરની ધારાવાહિક લોકોને ખૂબ ગમે છે, એટલે જ તેની ટીઆરપી વધી રહી છે. આ લખી રહી હતી તે પહેલાં પહેલીવાર તે ધારાવાહિકનું ટીવી પર પ્રસારણ જોયું. પરંપારિક રાજસ્થાની પહેરવેશમાં સજ્જ સ્ત્રીઓના મોટાભાગના ચહેરા પર ક્રોધ, ઈર્ષ્યાનો રંગ પણ હતો. તો ધારાવાહિકની ૧૮ વરસની નાયિકાના ચહેરા પર દુખ, આંસુ અને અસહાયતાનો ભાવ હતો. પિટિશનની એટલી અસર જ થઈ કે ધારાવાહિકનું પ્રસારણ પ્રાઈમટાઈમ ૮.૩૦ના થતું હતું તેને બદલે હવે રાતના ૧૦ વાગ્યે થઈ રહ્યું છે. ચેનલે વાર્તામાં લીપ લેવાની ય વાત જાહેર કરી છે. ધારાવાહિકની સ્ત્રીઓ પિતૃસત્તાક સમાજનું પ્રતિબિંબ જ બની રહે છે. સ્ત્રી દ્વારા બનાવવામાં આવતી, સ્ત્રીઓ જેમાં કામ કરે છે અને મુખ્ય કિરદારો સ્ત્રીઓ જ હોય. સ્ત્રીઓ જ જેને સૌથી વધુ જુએ છે તેમાં સ્ત્રીઓનું નિરૂપણ પીડિતા અને પીડકનું, શોષિત અને શોષકનું જ કેમ દેખાય છે? ધારાવાહિકોમાં દર્શાવાતી સ્ત્રીઓમાં આપણું જ પ્રતિબિંબ છે. એ જ પારંપરિક-પિતૃસત્તાક સ્ત્રીનું જે આપણામાં હજી જીવે છે

હિન્દી ધારાવાહિકની એક દુનિયા એ પણ હતી જેમાં ઉડાન, રજની જેવી ધારાવાહિકે લોકોના હૃદયમાં રાજ કર્યું હતું. શક્ય છે આ ધારાવાહિકોનું નામ કદાચ આજની યુવા પેઢીને ખબર નહીં હોય. આ તે સમયની વાત છે જ્યારે દૂરદર્શન એક માત્ર ટેલિવિઝન દ્વારા ઘરઘરમાં છવાયેલું હતું. ઉડાન ધારાવાહિકને કવિતા ચૌધરીએ દિગ્દર્શિત કરી હતી. ઉડાન તેમની મોટી બહેનના જીવન પર આધારિત હતી. એક એવી સ્ત્રીની વાત જેણે પુરુષોની દુનિયામાં પ્રથમવાર મહિલા આઈપીએસ બનવાનું સપનું જોયું હતું અને અનેક તકલીફોને પાર કરી હિંમતથી પુરું પણ કર્યું હતું. આ ધારાવાહિકે અનેક સ્ત્રીઓને સપનાં જોઈને તેને પુરાં કરવાની પ્રેરણા આપી હતી. તો રજનીનું વ્યક્તિત્વ અન્યાય સામે લડવાનું જ નહીં પણ ન્યાય મેળવનાર હતું. રજનીએ ફક્ત સ્ત્રીઓને જ નહીં પુરુષોને પણ અન્યાય સામે લડવા માટે પ્રેરિત કર્યા હતા. 

ત્યારબાદ ટેકનોલોજીનો નવો વાયરો ફુંકાયો અને કેબલ તેમજ સેટેલાઈટનું પુર ધસી આવ્યું અને દૂરદર્શન ક્યાંક ખૂણામાં ધકેલાઈ ગયું. પહેલાં મનોરંજન સાથે એક નવી વાત કહેવાતી હતી. સ્ત્રીઓનું નિરુપણ સબળા નારીના રૂપે શક્તિ સ્વરૂપા દર્શાવાતું હતું. તો આજે દરેક ધારાવાહિકોમાં સ્ત્રીઓ જ પિતૃસત્તાક માનસિકતા ધરાવતી રજુ કરવામાં આવે છે. વરસો પહેલાં એકતા કપુરને સવાલ પુછ્યો હતો કે તમે આવી સિરિયલ કેમ બનાવો છો? ત્યારે એનો જવાબ હતો કે સ્ત્રીઓને જોવી ગમે છે એટલે. જે દિવસે એ લોકો જોવાનું બંધ કરશે તે દિવસે અમે પણ સિરિયલના વિષયો બદલીશું. પછી તો ટીઆરપીના ચક્કરમાં બધા જ આવી ધારાવાહિકો બનાવવામાં લાગ્યા. બાલિકા વધુથી લઈને અત્યાર સુધીની મોટાભાગની ધારાવાહિકોમાં સ્ત્રીઓના બે જ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. સારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી. 

ગમે તેટલા ખરાબ પતિ કે પુરુષને ચાહી શકે, બીજાઓ ગમે તેટલા ખરાબ હોય, તેનું ગમે તેટલું અપમાન કરે તેને નીચે મોઢે સહન કરે તે સારી સ્ત્રી. તેની સાથે ગમે તેટલો અન્યાય થાય તો પણ તે મુંગેમોઢે સહન કરી લે તો સંસ્કારી સ્ત્રી. અને તે મોટેભાગે વહુ જ હોય. સાસુ, નણંદ, ભાભીઓ કે પછી અન્ય સગપણ ધરાવતી સ્ત્રીઓ મોટેભાગે વિલન જેવી જ હોય. ઘરમાં આ સ્ત્રીઓનું જ ચાલતું હોય જેમની માનસિકતા પિતૃસત્તાક સમાજની જ હોય.પુરુષો તો સારા દેખાવના, કસરતી શરીર ધરાવતા શો વેલ્યુ માટે જ મોટેભાગે ઊભા હોય. ક્યાં તો પછી વિલન સ્ત્રીનો હાથો બની હિંસા ફેલાવતા હોય કે પછી વિલન સ્ત્રીઓ સામે તેઓ પણ બિચારા લાચાર હોય. એક સ્ટ્રોન્ગ સ્ત્રીનું વ્યક્તિત્વ હોય પણ વિલન જેવું. બીજી સ્ત્રી જે સાડી, ઘરેણાંઓ અને માથે સિંદુર સાથે સતત નમ્ર અને સંસ્કારી સ્ત્રી સાબિત થવાનો પ્રયત્ન કરતી હોય. પિતૃસત્તાક સમાજમાં એવી સ્ત્રી જે દરેકને ખુશ રાખતી હોય અને દરેક અન્યાય હસતાં મોઢે સહન કરી લેતી હોય. વળી ધારાવાહિકોમાં આ સ્ત્રીઓ કોઈ લગ્ન કે પાર્ટીમાં જવાની હોય એવી રીતે ઘરમાં ફરતી હોય.જે વાસ્તવિકતામાં ક્યારેય બનતું નથી. ટુંકમાં આ ધારાવાહિકોની સ્ત્રીઓ વાસ્તવિકતાને રજુ નથી કરતી. 

પિયા કી પહેરેદાર ધારાવાહિકમાં કામ કરનારાઓ કહે છે કે અમે બાળલગ્નના હિમાયતી નથી, પછી ભલેને ધારાવાહિકમાં દસ વરસનો છોકરો, અઢાર વરસની છોકરીની સાથે લગ્ન કરે, સુહાગરાતનો સીન પણ ભજવાય. એક તરફ સગીર વયના છોકરાઓને સ્ટોકિંગ ને બળાત્કાર જેવા ગુનામાં સંડોવણીના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી તેમને પુખ્ત વ્યક્તિની જેમ સજા કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. લોકોનો આક્રોશ વધી રહ્યો છે તો એ જ પ્રજા બાળલગ્નને દર્શાવતી ધારાવાહિકોની ટીઆરપી આસમાને પહોંચાડે છે. યુનેસ્કોના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય સિરિયલોમાં સ્ત્રીઓનું જે ચિત્રણ થઈ રહ્યું છે તે જોતાં આ ધારાવાહિકોમાં સ્ત્રી પુરુષ સમાનતા આવતા બીજા ૭૫ વરસ નીકળી જશે. એન ઈન્ડિયન પર્સનાલિટી ફોર ટેલિવિઝન સંદર્ભે રચાયેલી જોશી કમિટી ૧૯૮૪ના રિપોર્ટમાં કહ્યું હતું કે સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને તેમના વિશ્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતા કાર્યક્રમો થવા જોઈએ. 

આજે તો ધારાવાહિકોમાં સામાન્ય સ્ત્રીની, નોકરી કરતી સ્ત્રીની કે પોતાના બળે વ્યવસાય કરતી સ્ત્રીના જીવનની વાત ક્યાંય દેખાતી નથી. મોટો પરિવારને દર્શાવતી કે સંયુક્ત કુટુંબની હિમાયતની સાથે આ પરિવારની સ્ત્રીઓ સ્વાર્થી, ઈર્ષ્યાળુ દર્શાવાય છે, અને પોતાના સ્વાર્થ માટે તેઓ કોઈપણ કક્ષાએ જઈને હિંસક બની શકે છે. પિયા કી પહેરેદારની નાયિકા અઢાર વરસે પણ કેટલી બાલિશ કે મુરખ છે કે દસ વરસના છોકરાને પતિ માને છે. સિંદુર માત્ર લગાવવાથી લગ્ન થઈ જાય એવી બાલિશતાઓ દર્શાવવાનું કે પોષવાનું ક્યારે બંધ કરીશું આપણે? ક્યાંક એવું તો નથી કે આપણામાં એક પરંપરિત સ્ત્રી જીવે જ છે. જેને સ્ત્રીત્વનું અપમાન કરવું, તેનું શોષણ કરવું, પુરુષને ગમે એવા સંસ્કારી, સુંદર દેખાવાનું ગમે છે. સ્ત્રી એટલે દરેકને ખુશ રાખે. તે એવા પુરુષને ચાહે જે તેનું અપમાન કરે. અને ક્યાં તો તે અધર વુમન એટલે બીજી સ્ત્રીના રૂપે અન્યાય સહે અને અન્યાય કરે. આપણી આસપાસ આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળતી હોય છે. આપણી આસપાસની સ્ત્રીઓતો અનેક વિડંબણાઓને પાર કરીને પોતાની ઓળખ ઊભી કરે છે. અનેક અગવડો અને અસમાનતાઓને સહીને સફળતાના શિખરે પહોંચવાનું સાહસ કરે છે. બીજી સ્ત્રીને ટેકો આપીને ઊભી કરે છે. 

સ્ત્રીઓના ચરિત્રનું સબળા પાસાંઓને ઊજાગર કરતી ધારાવાહિકો ય છેવટે તો સો કોલ્ડ સારી’ સ્ત્રી તરીકેનું જ ચિત્ર દર્શાવતી હોય છે. સારી સામે શું કામ વાંધો હોવો જોઈએ? એવું ય લાગશે કેટલાકને પણ સારી એટલે કે પિતૃસત્તાક સમાજના નિયમોને અનુસરતી સ્ત્રી એવો અર્થ થતો હોય છે. ઘરનું કામ ન કરતી અને પોતાની કારર્કિદીને મહત્ત્વ આપતી સ્ત્રી સારી કે ખરાબ? પતિને ગરમ ખાવાનું ન પીરસતી કે તે કામ પરથી ઘરમાં આવે એટલે સીધી રસોડામાં જવાને બદલે ટીવી સામે લાંબા પગ કરીને બેસીને નિરાંત લેતી સ્ત્રી સારી કે ખરાબ? ઓફિસથી સીધા ઘરે જવાને બદલે ક્યારેક મિત્રો સાથે બહાર કોફી શોપમાં ગપ્પા મારતી સ્ત્રી સારી કે ખરાબ? અઠવાડિયામાં એકાદ દિવસ સવારે ઊઠવાનું ટાળીને બપોર સુધી પથારીમાં આટોળતી સ્ત્રી સારી કે ખરાબ? પોતાના જીવનના નિર્ણયો જાતે લેતી સ્ત્રી સારી કે ખરાબ? સાડી કે સલવાર કમીઝ ન પહેરતી, સિંદુર કે મંગલસૂત્ર ન પહેરતી સ્ત્રી સારી કે ખરાબ? જવાબ તમને ખબર જ છે. 

You Might Also Like

0 comments