એકલપંડે સમાજ માટે સંઘર્ષ કરતી સ્ત્રીને સલામ (mumbai samchar)

02:00




સ્ત્રી શક્તિ છે તે કહેવું અને કરવું એ બેમાં ઘણો ફરક છે. આ લખવા બેઠી તે સમયે સવારના અખબારમાં આવેલા સમાચાર પણ હતા કલવામાં ૨૪ વરસની એક સ્ત્રીએ ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કર્યો. કારણ તો તેણે બે દીકરીઓને જન્મ આપ્યો, દીકરો ન આપ્યો એટલે સાસરાવાળા માનસિક ત્રાસ ગુજારી રહ્યા હતા. માતાપિતાને ખબર હતી પણ તેમણે જેમ સામાન્યપણે બનતું હોય છે તેમ દીકરીને આશ્ર્વાસન આપી પરિસ્થિતિ સંભાળી લેવાનું કહ્યું. તો યાદ આવ્યું કે હજી પંદરેક દિવસ પહેલાં એક યુવતીએ એલોપેસિયા(આ બીમારીમાં વાળ ઉતરી જાય)ને કારણે માથાના વાળ ઉતરી રહ્યા હોવાથી આપઘાત કર્યો. સમાજમાં સ્ત્રીની સુંદરતામાં તેના વાળ પ્રથમ ક્રમાંકે આવે છે, એટલે જ એક સમયે વિધવાઓનું માથું બોડું કરી દેવામાં આવતું હતું.

૨૦૧૬માં બીબીસીએ કંઈક જુદું કરી જીવતી દુનિયાની ૧૦૦ સ્ત્રીઓનું લિસ્ટ બહાર પાડ્યું તેમાં યમન દેશની ડૉ.અશવાક મુહર્રમનું પણ નામ છે. ખૂબ પ્રયત્નો બાદ અશવાક સાથે ફોન પર વાત થાય છે. અશવાક અત્યારે હુદેયદા નામના શહેરમાં એકલી રહે છે. વાચકોની જાણ ખાતર યમનમાં છેલ્લા કેટલાય વરસોથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. સિવિલ વોર અને અલ કાઈદાના મારથી લગભગ છિન્નભિન્ન થઈ ગયું છે. યમનની રાજધાની સાનાતો લગભગ ખતમ થઈ ગઈ છે અને હવે એડન બંદર તેની રાજધાની છે. અરબસ્તાન પ્રદેશમાં આવેલ યમનનો ઈતિહાસ રોમનકાળ સાથે સંકળાયેલો છે. ખેર, આજે તો અનેક ખાનાખરાબી બાદ છેલ્લાં બે વરસથી સાઉદી અરેબિયાએ પણ યમન પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ત્યાં રહેતા લોકોની પરિસ્થિતિ ખૂબ બદતર હાલતમાં છે.

અશવાક છેલ્લાં વીસ વરસથી પોતાના શહેર હુદેયદામાં તબીબ તરીકે સેવા આપી રહી હતી. તેણે અનેક આંતરરાષ્ટ્રિય સામાજિક સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. પણ ૨૦૧૫થી યુદ્ધ જેવી પરિસ્થિતિ થતાં અને પરિસ્થિતિ વધુ વણસતાં બધી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના કામ બંધ થઈ ગયા. મોટાભાગના લોકો જેઓ દેશ છોડીને જઈ શકતા હતા તેઓ જતા પણ રહ્યાં. અશવાકના કુટુંબીઓ પણ જોર્ડન જઈને વસ્યા. તેની બહેનને કેન્સર થતાં તેની માતા સાથે તેનો ઈલાજ કરાવવા બહાર જતા રહ્યા. અશવાક પરિણીત છે અને તેને બે યુવાન બાળકો છે જેઓ શાળા બંધ થઈ જવાને કારણે યમનમાં ભણી નહોતા શક્યા. તેના પતિને હૃદયની બીમારી થઈ. તેને કાર્ડિએક દવાઓની જરૂર હતી નહીં તો તે મૃત્યુ પામી શકે. એક ડોકટર તરીકે અશવાક વગર દવાએ તેના પતિને મૃત્યુ તરફ જતાં જોઈ રહી હતી. એ વાત યાદ કરતાં આજે પણ અશવાક રડી પડે છે. છેવટે તેમણે પણ યમનની બહાર જવાનું નક્કી કરવું પડ્યું. હાલમાં તેના પતિ, બાળકો સાથે જોર્ડનમાં વસે છે. અશવાક ઈચ્છત તો પોતે પણ જોર્ડનમાં રહી શકત. એ શું કામ હજી હદેયદામાં રોકાઈ છે તેના સવાલમાં ફોનમાં ય તેનું આછું હાસ્ય અનુભવી શકાય છે. થોડીક શાંતિ બાદ તે કહે છે કે હું ડૉકટર છું તે કેવી રીતે વિસરી શકું? અહીં જે પરિસ્થિતિ છે તેમાં લોકોને તબીબી સારવાર મળવી મુશ્કેલ છે એ તો મેં અંગત રીતે પણ અનુભવ્યું. જેમની પાસે પૈસા અને નસીબ છે તેઓ દેશ છોડીને જઈ શકે છે, બધા જ એવા નસીબદાર નથી હોતા. તેવા સમયે હું મારા જ સ્વાર્થનો વિચાર કરું તે શક્ય ન બન્યું. પરિસ્થિતિ વિશે તમને શું કહું એટલી ખરાબ છે કે તેની કલ્પના તમે સોમાલિયાના દુકાળ સાથે કરી શકો. હું જ્યારે પણ સોમાલિયાનો અહેવાલ ટેલિવિઝન પર જોતી હતી તે સમયે કલ્પના પણ નહોતી કે મારે પણ એ પરિસ્થિતિ યમનમાં જોવી પડશે. એવા સમયે મારું જમીર મને ભાગી જતાં રોકતું રહ્યું. અહીં પૈસા ધરાવનારને ય તકલીફો પડી રહી છે તો ગરીબોની પરિસ્થિતિ તો ખૂબ જ ખરાબ છે. મારી ગાડીને મેં દવાખાનું બનાવી દીધું. એકલે હાથે ગાડી લઈને હું ગ્રામીણ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું.

૨૦૧૪ની સાલથી ૭૦ ટકા હદેયદા શહેર બળવાખોરોના તાબામાં છે. દરિયા કિનારે આવેલું આ શહેર એક સમયે પ્રવાસીઓને આકર્ષતું હતું. આજે તો બધા જ બીચ રિસોર્ટ ખતમ થઈ ગયા છે. સાઉદી અને તેને મદદ કરતાં દેશો દ્વારા બળવાખોરોને નાથવા આકાશ માર્ગે બૉમ્બમારો થઈ રહ્યો છે. ઉપરથી પડતાં બૉમ્બ બળવાખોર અને આતંકીઓની સાથે કેટલાય નિર્દોષ નાગરિકોને પણ મારી નાખે છે. ખૂબ પીડિત સ્વરે અશવાક કહે છે કે આજે લોકો પાસે અહીં કામધંધા નથી કારણ કે પૈસા નથી મળતા. કોઈને પગાર નથી મળતો. પૈસા ન હોય તો મૂળભૂત જરૂરિયાત જ પોષી શકાતી ન હોય ત્યાં દવાઓ ખરીદવાના પૈસા ક્યાંથી હોય. અનેક લોકો પાસે અનાજ પણ નથી હોતું. બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. કેવી રીતે જોઈ શકાય એક તબીબ અને એક માનવી તરીકે આ બધું તમે જ કહો. બસ મેં નક્કી કર્યું કે મારાથી બનતું હું કરીશ. મારી ગાડીમાં હું અનાજ ને દવાઓ મારા ખર્ચે જ ભરી રાખું છું. જ્યારે કોઈ ગામમાં જાઉં અને બીમાર બાળકને જોઉં તો જણાય કે તેને પહેલાં પોષક અન્નની જરૂર છે. એમને એમ દવા આપીને શું કરું? તેમની માતાની નિ:સહાયતા એક મા હોવાને કારણે હું અનુભવી શકું છું, એટલે તેમને માટે દૂધનો પાવડર અને અનાજ પણ દવા સાથે આપું છું. અનેક લોકોના ઘર-ખેતરો બૉમ્બમારાની લડાઈને લીધે ખતમ થઈ ગયા છે. અમારા શહેરમાં અનેક લોકો રસ્તા પર રહેવા મજબૂર છે. તેમની પાસે ઘર નથી કે ન તો આવકનું કોઈ સાધન કે ન તો અન્ન કે દવા. હૉસ્પિટલ છે પણ તેમની પણ પોતાની મર્યાદા છે. યમનીઓ માટે બહાર જવાના દરવાજાઓ લગભગ બંધ છે. કોઈ દેશ પણ તેમને આવકારતો નથી કે ન તો કોઈ દેશ તરફથી સહાય મળી રહી છે. ઉપરથી યુદ્ધની પરિસ્થિતિ તેમાં સામાન્ય ગરીબ માણસોનો જ મરો થઈ રહ્યો છે. મારી પાસે જે પૈસા હતા તે અને હવે કેટલાક મિત્રો મદદ કરે છે તેનાથી એકલે હાથે હું શક્ય તેટલું મદદ કરું છું પણ છતાં ય ક્યારેક કોઈને મદદ નથી કરી શકતી, દવાના અભાવે ત્યારે ખૂબ દુખી થઈ જાઉં છું. તેમાં પણ નાના બાળકોને મરતાં જોઉં છું દવાના અભાવે ત્યારે હું દુનિયાને માફ નથી કરી શકતી. યુદ્ધ કરી રહેલાં લોકોને માફ નથી કરી શકતી. ભાંગી પડું છું અસહાયતાને લીધે ઘણીયે વાર મેં પણ મૃત્યુ સામે યુદ્ધ આદર્યું છે. મારાથી થઈ શકે તેટલું હું છેલ્લા શ્ર્વાસ સુધી કરીશ.

અશવાકની વાત સાંભળીને તેના માટે આદર થાય છે. અશવાક છએક મહિને પોતાના પરિવારને મળવા જોર્ડન જાય છે. પણ તે માટે પરવાનગી અને સલામતી વ્યવસ્થા પાર કરતાં મહિનાઓ પ્રયત્ન કરવો પડે છે. યમનની બહાર જવું હવે દિવસે ને દિવસે અઘરું થતું જાય છે. તેના પતિ અને બાળકોને ય તેની ચિંતા રહ્યા કરે છે અને તેને પોતાના પરિવારની ય પણ એ જ્યારે બીજાની તકલીફો જુએ છે કે પોતાનું દુખ ભૂલીને કામે લાગી જાય છે. હજી પણ ત્યાં બૉમ્બ એટેક થયા જ કરે છે. તેમાં નિશાળો, હૉસ્પિટલો પણ નાશ પામે છે. અશવાકનું અંગ્રેજી ખૂબ સારું નથી એટલે વધુ વાત નથી થઈ શકતી પણ ફોન મૂકતા કહે છે કે આભાર મારા સુધી પહોંચવા માટે. એકલપંડે યુદ્ધની વચ્ચે કામ કરતી અશવાક ત્યાંની પરિસ્થિતિ જ્યારે પણ શક્ય બને ત્યારે ફેસબુક દ્વારા લોકો સુધી પહોંચાડે છે. પણ તે ઉર્દૂમાં લખતી હોવાથી મારા માટે તે સમજવું મુશ્કેલ બને છે. અશવાક મુહર્રમ સ્ત્રીઓ માટે પ્રેરણામૂર્તિ છે.



You Might Also Like

0 comments