માર દિયા જાય કે છોડ દિયા જાય

02:37



સ્ત્રી સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધનારને પાઠ ભણાવવો જોઈએ કે નહીં તેની ચર્ચાઓ બે અઠવાડિયાઓથી ચાલી રહી છે તે વિશે થોડી છણાવટ

નિર્ભયા પર થયેલા શારીરિક હુમલામાં બર્બરતા હતી. એટલે તેમને ફાંસીની સજા આપવામાં આવી. જ્યારે બિલકિસબાનુ કેસમાં બર્બરતા હતી કે નહીં તે સાબિત નથી થયું. (જાણકારો જાણે જ છે કે તેમાં પણ કેટલી બર્બરતા હતી) આજે મારે નિર્ભયા અને બિલકિસબાનુ કેસની વાત નથી કરવી પણ બળાત્કાર અને જાતીય સતામણીના કેસમાં થતા ન્યાય-અન્યાયની વાત કરવી છે. કેરાલામાં ૨૩ વરસની યુવતી સાથે કેટલાય વરસોથી બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા સ્વામીની વર્તણૂકને બર્બર કહી શકાય? આ યુવતી જ્યારે હજી કિશોરી હતી ત્યારથી એ સ્વામી હરીદાસ તેના માસૂમ બાળપણને ચૂંથી રહ્યા હતા. તેની માતાએ પણ એ યુવતીની ફરિયાદ પર ધ્યાન ન આપ્યું. ત્યારે એ યુવતી શારીરિક-માનસિક પ્રતારણાથી તંગ આવીને સ્વામીનું જનનાંગ કાપી નાખે છે. સોશિયલ મીડિયા પર કેટલાક માને છે કે આવા હિંસક કૃત્યને બિરદાવવું ન જોઈએ. કેરાલામાં જ મહિના પહેલાં ૧૨ વરસની બાળા પર એક પૂજારીએ બળાત્કાર કર્યો. આસારામ જેવા જે બની બેઠેલા બાપુઓ હોય છે તેઓ પણ અવારનવાર ભગવાનની આડમાં સ્ત્રીઓનું શોષણ કરતા હોય છે. શારીરિક શોષણની યાતના માનસિક રીતે પણ કેટલી પીડાદાયક હોય છે તે દરેક સ્ત્રી સમજી શકે છે. 

આપણને નિર્ભયા કેસની બર્બરતા દેખાય છે કારણ કે તેમાં મધ્યમવર્ગની યુવતી પર થયેલો અત્યાચાર છે. તેના વિશે લોકોએ કેટલી રેલીઓ કાઢી. દેખાવો કર્યા. શું ત્યારબાદ કોઈ ગેંગરેપ બર્બર રીતે નથી થયો ? ગેંગરેપના કિસ્સાઓ સતત બનતા જ રહે છે. અનેક દલિત મહિલાઓ પર દેશના ગામડાઓમાં બળાત્કાર થયા છે, પરંતુ તેમના સમાચારો અખબારના ખૂણેખાંચરે લોકોની નજરે ન પડે તેમ છપાય છે. લોકોની નજર એ ખૂણા પર પડે તોય હૃદયનો કોઈ ખૂણો ઘવાતો નથી, કારણ કે એ સમાચાર ખૂણામાં છપાયા છે એટલે તેનું કોઈ મહત્ત્વ હોતું નથી. એ સમાચાર ક્યારેય પહેલા પાને મોટા મથાળા સાથે નહીં છપાય, કેમ કે આપણે દંભી પ્રજા છીએ. સ્ત્રીની જાતિ અને વર્ગ પણ મહત્ત્વનો હોય છે. પુરુષ બર્બર થઈને સ્ત્રીની મરજી વગર તેના શરીરને ચૂંથી શકે છે પણ સ્ત્રી સામનો કરતાં ડરતી હોય છે. સ્ત્રી નબળી છે તેવું એના મનમાં ઠસાવી દેવામાં આવે છે. ગેંગરેપ સમયે બે કે તેનાથી વધુ માણસો હોય છે ત્યારે સામનો કરવો કદાચ મુશ્કેલ હોય પણ એકાદ પુરુષ હોય તો સ્ત્રી વીફરેલી વાઘણ બનીને તે વ્યક્તિને ફાડી નાખી શકવાની ક્ષમતા રાખે છે, પણ એ તેવું ભાગ્યે જ કરે છે. કેરાલામાં બન્યો એવો કિસ્સો ભાગ્યે જ બને છે. ૨૦૦૫ની સાલમાં નાગપુરમાં ૨૦૦ સ્ત્રીઓએ મળીને એક બળાત્કારીને ખતમ કરી નાખ્યો હતો. કસ્તુરબા નગર ઝૂંપડપટ્ટીની સ્ત્રીઓએ ધોળે દિવસે કોર્ટના આંગણામાં અક્કુ યાદવ નામના બળાત્કારીને મારી નાખ્યો હતો. અક્કુ યાદવ વિશે આ સ્ત્રીઓ ફરિયાદ કરતી હતી પણ પોલીસમાં ક્યારેય તેની ફરિયાદ બળાત્કાર માટે નોંધાતી નહીં. તે એ વિસ્તારનો ગુંડો હતો. આ સ્ત્રીઓને જ્યારે લાગ્યું કે તેમને ન્યાય નહીં જ મળે એટલે તેમણે કોર્ટના પ્રાંગણમાં પકડ્યો. તેના પર મરચું નાખ્યું. એક સ્ત્રીએ તેનું જનનાંગ કાપ્યું અને બસ કેસ ખતમ. હવે આ બસ્સો સ્ત્રીઓએ એકસાથે જેલમાં જવાનું નક્કી કર્યું હતું. બધી જ સ્ત્રીઓ એકજૂટ થઈ હતી અને હવે કોઈ બળાત્કાર સહન કરવા તૈયાર નહોતી. એ કેસ વિશે વધુ માહિતી નથી. કોઈ વાચક પાસે હોય તો ચોક્કસ શેઅર કરે. 

આજે તો કેરાલાની એ યુવતીએ હિંસા આચરવા કરતાં પોલીસમાં ફરિયાદ કરવી હતી તેવી પણ દલીલો થાય છે. જરા કલ્પના કરો કે એ જ્યારે પોતાની સગી માતાને ફરિયાદ કરે છે તો પણ એ સાંભળતી નથી તો બીજું કોઈ તેની વાત માનશે એવો વિશ્ર્વાસ તેને કઈ રીતે બેસે. રશિયામાં ગયા વરસે કાયદો લાવવામાં આવ્યો કે બળાત્કારનો વિરોધ કરતાં કોઈ સ્ત્રી એ પુરુષને ઈજા પહોંચાડે કે મારી નાખે તો એ નિર્દોષ ગણાય. આપણે ત્યાં પણ કાયદામાં સ્ત્રીને છૂટ આપવામાં આવે છે કે જો તેણે પોતાના બચાવમાં સામી વ્યક્તિને ઈજા પહોંચાડી હોય કે માર્યો હોય તો તેને ગુનેગાર ગણીને સજા નથી અપાતી. 

સ્ત્રી હિંસક બને છે ત્યારે લોકોને બહુ નવાઈ લાગે છે કારણ કે પુરુષ હિંસા કરી શકે તે સ્વીકારી લેવામાં આવે છે. અમેરિકામાં ચોવીસેક વરસ પહેલાં જૂન ૧૯૯૩માં આવો જ કિસ્સો બન્યો હતો. અમેરિકાના વર્જિનિયા વિસ્તારના એક પરાંમાં લોરેનાએ પોતાના સૂતેલા પતિનું જનનાંગ કાપીને ફેંકી દીધું હતું. જો કે તેને તરત જ એ કૃત્ય બદલ અફસોસ થતાં એણે પોલીસને પોતાની જાતને સરન્ડર કરીને જનનાંગને ક્યાં ફેક્યું હતું તે જણાવ્યું હતું. મહામહેનતે પોલીસે લોરેનાના પતિ જ્યોર્જનું જનનાંગ શોધ્યું અને તેને હૉસ્પિટલમાં જોડવામાં આવ્યું. લોરેનાએ પોલીસને કહ્યું કે તેનો પતિએ કામ પરથી આવીને તેના પર બળાત્કાર કર્યા બાદ સૂઈ ગયો. એટલે તેને ગુસ્સો આવ્યો અને આવું કૃત્ય કરી બેઠી. તેનો પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેણે બાળક પણ પેદા નથી થવા દીધું. તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યો હતો. લોરેનાનું કહેવું હતું કે તેનો પતિ સેક્સ મેનિયાક હતો. તેના ત્રાસથી તે સતત ડરીને જીવતી હતી. એ કેસ ચાલ્યા બાદ લોરેનાને નિર્દોષ છોડી દેવામાં આવી. આપણે ત્યાં બાબાઓ અને સ્વામીઓ પરની શ્રદ્ધા એવી છે કે તેઓ સ્ત્રીના શરીર પર હાથ ફેરવે તો પણ નિર્દોષ ગણાય. વડીલો પણ ઘરમાં બાળકીઓને અણછાજતી રીતે સ્પર્શી લેતાં હોય છે. સ્ત્રીઓ ચુપચાપ સહન કરી લે છે ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. 

કેમ આવા સ્વામીઓ વરસો સુધી બાળકીઓનું શોષણ કરી શકે છે? કેમ ઘરમાં જ સ્વજન બાળકીઓને જાતીય સતામણી કરી શકે છે ? કારણ કે તેમને ખબર હોય છે કે સ્ત્રીઓ શરમ અને ભયને લીધે બોલશે નહીં. વાંક ભલે એ બાળકીનો કે સ્ત્રીનો નહીં હોય, પણ પહેલી જ વખત હાથ લગાવનાર વિશે બૂમાબૂમ ન થાય તો તે વ્યક્તિની હિંમત વધે છે. મોટેભાગે દીકરી પહેલાં માતાને જ ફરિયાદ કરે છે અને જો વ્યક્તિ કોઈ સ્વજન કે ગુરુ હોય તો બાળકીને ચુપ રહેવાનું કહેવામાં આવે છે. માતાને એમાં પોતાની પણ નાલેશી લાગે છે. ગુનાહિતતાનો ભાર સ્ત્રી પોતે જ ઉપાડી લે છે. એટલે જ આવા લંપટો ફાવી જાય છે.

હિંસાનો જવાબ હિંસાથી ન જ આપવાનો હોય પણ કેટલીક બાબતો એવી હોય કબૂલ પણ સ્ત્રીને ન્યાય મળે છે ખરો? એકાદ નિર્ભયા કેસમાં ફાંસીની સજા થઈ પણ કેટલા બળાત્કાર રોજ થાય છે, શું કામ? અને તેમાંથી કેટલા લોકોને પકડીને સજા થાય છે? શું પુરુષોને ભય હોય છે ખરો? આ બધા સવાલોના જવાબ મળે અને સ્ત્રી પર ઘરમાં પણ બળાત્કાર ન જ થાય તેવું શક્ય બને ત્યારે માનવ ધર્મની અને અહિંસાની વાત કરવી જોઈએ. આજે કાયદાનો દુરુપયોગ સ્ત્રી દ્વારા પણ થતો હશે એ કબૂલ પણ તે કેટલા ટકા? અને તેને કારણે બળાત્કાર નથી થતાં કે બાળકીઓનું શોષણ નથી થતું તે તો કહી જ ન શકાય ને? જે વ્યક્તિઓ અહિંસાની વાત બળાત્કાર બાબતે કરે છે તેમના પર જ્યારે આવું વીતે ત્યારે જો તેઓ અહિંસાની વાત કરી શકે તો માનવું. સતત હિંસા આચરનાર પર અહિંસક પગલાં લેવા તેવી વાત કરવી તેને શું કહીશું ? આ બાબત એવી છે કે તેમાં આજે પણ આપણે ત્યાં ન્યાય સંપૂર્ણપણે મળતો નથી. તેમાં અપવાદો બને છે. ઢાંકપીછોડા થાય છે. મોટા માથાઓને છાવરવામાં આવે છે. 

You Might Also Like

1 comments

  1. બળાત્કારનું કૃત્ય ખુદ પણ એક પ્રકારની બર્બરતા જ છે.

    ReplyDelete