સુપરવુમન @ ૯૮ (mumbai samachar)

01:46
તાઓ પોર્સે લીનો પોતાની વેબસાઈટ પર એના વિશેની માહિતીમાં સૌથી પહેલું ધ્યાન ખેંચે એવી બાબત છે ૯૮ વરસની યુવાન. તાઓ માને છે કે ઉંમર શરીરની વધે છે વ્યક્તિની નહીં. જો આપણે સશક્ત હોઈએ તો જીવનમાં એવું કશું જ નથી હોતું જે ન કરી શકાય. ત્રણવાર હિપ સર્જરી(નિતંબના હાડકાનું રિપ્લેસમેન્ટ પણ ) અને પગમાં મુકાયેલા રોડ સાથે તાઓ આજે પણ દરેક યોગાસન કરીને લોકોને શીખવાડી શકે છે. એટલે જ દુનિયાની જીવંત સૌથી મોટી ઉંમરની યોગગુરુ તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડમાં ૯૩ વરસની ઉંમરે તેમનું નામ નોંધાયું છે. તાઓના પિતા ફ્રેન્ચ અને માતા મણિપુરી એટલે કે ભારતીય હતી. એ લોકો ભારત આવતાં હતાં ત્યારે રસ્તામાં જ તાઓનો જન્મ થયો હતો. જો કે તેને જનમ આપતાં જ તેની માતાનું અવસાન થયું અને તેનો ઉછેર તેના માસી અને માસાએ કર્યો. પત્નીના વિયોગનું દુ:ખ લઈને તેના પિતા ભારત છોડીને જતા રહ્યા હતા. તેના માસા રેલરોડ સિસ્ટમનું પ્રોગ્રામિંગ કરતા હોવાથી તાઓને એશિયામાં ફરવા મળ્યું. તાઓને યાદ છે તે સમયે મહાત્મા ગાંધીને માસાની સાથે બે વખત મળ્યાનું. બીજા વિશ્ર્વયુદ્ધની શરૂઆત થતાં તાઓ ફ્રાન્સ ચાલ્યાં ગયાં હતાં.

તાઓ આઠ વરસનાં હતાં તે સમયે પોંડિચેરીમાં તેમણે પહેલીવાર લોકોને દરિયા કિનારે યોગાસન કરતાં જોયા અને તેને ગમી ગયું. તેણે પણ આસનો કરવાની વાત કરી તો તેની માસીએ ના પાડતાં કહ્યું કે યોગાસનો ફક્ત પુરુષો જ કરી શકે. આમ યોગાસન પ્રત્યે આકર્ષણ તેને બાળપણથી જ હતું, પરંતુ પદ્ધતિપૂર્વક તેનું અધ્યયન છેક ૧૯૮૨માં કર્યું. બીકેએસ અયંગર પાસે ઓરબિન્દો આશ્રમમાં તે યોગ શીખી અને ન્યૂયોર્કમાં તેણે વેસ્ટચેસ્ટસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ યોગની સ્થાપના કરી લોકોને યોગાસન શીખવાડવાની શરૂઆત કરી. એ પહેલાં ૧૯૪૦ની સાલથી તે ફેશન મોડલ તરીકે કામ કરી રહ્યા હતા. પેરિસની પ્રખ્યાત બ્રાન્ડ માટે તેમણે કામ કર્યું. નાટકો અને ફિલ્મોમાં પણ કામ કર્યું. જેમ જેમ તાઓની ઉંમર વધી રહી હતી તેમને લાગ્યું કે યોગાસન કરીને શરીરને લવચિક બનાવી શકાય. તેઓ કલ્પના જ કરી નહોતાં શકતાં કે ક્યારેક તેઓ સવારે ઊઠે અને શરીર જકડાઈ જાય એવું કે તેઓ હલનચલન ન કરી શકે. એટલે જ તેમણે યોગાસનને પદ્ધતિસર શીખીને સર્ટિફિકેટ મેળવ્યું અને જે પોતે માને છે તે બીજાને પણ શીખવાડવાનું શરૂ કર્યું. હોલીવૂડમાં તેમની ઓળખાણ કંઈક અનોખી જ હતી. સાડી પહેરેલી મહિલા જે ફ્રેન્ચ ભાષા બોલે છે. તાઓનો બીજો પ્રેમ છે સાડી. તેમણે ભારતમાંથી યોગાસન અને સાડી લઈ જવાનું પસંદ કર્યું હતું. હોલીવૂડના સ્ટાર્સને યોગાસન શીખવાડીને સ્વસ્થ રહેવાનું તાઓએ શીખવાડ્યું. શરૂઆતમાં તો તેઓ મફતમાં જ શીખવાડતા હતા પણ પછી તેમણે વ્યવસાયિક ધોરણે ક્લાસ શરૂ કર્યા. તાઓ કહે છે કે વૃક્ષ આપણને ઘણું શીખવાડે છે. અમેરિકામાં ઠંડીના દિવસોમાં વૃક્ષ પણ ઠીંગરાઈ જાય. વળી ગરમીના દિવસો આવે એટલે તરોતાજા થઈ જાય. તેમણે પોતાની અંદર જ શક્તિ સંઘરી રાખી હોય છે. એ જ રીતે આપણી અંદર જ શક્તિનો સ્ત્રોત હોય છે. તેને ફક્ત જાગૃત કરવાની જરૂર હોય છે. યોગ એ લાઈફસ્ટાઈલ છે. યોગાસન અને નૃત્ય એ બે બાબત મને તરોતાજા રાખે છે. જીવનમાં કશું જ અશક્ય હોતું નથી. બસ તમારી ઈચ્છા બળવત્તર હોવી જોઈએ.

લાંબું અને સ્વસ્થ જીવનનું રહસ્ય છતું કરતાં તાઓ પોર્સે લીન્ચ કહે છે કે એક તો વ્યક્તિએ ઓછો ખોરાક લેવો જોઈએ. વધુ ખાવાથી તકલીફો થઈ શકે પણ ઓછું ખાવાથી કદી કોઈ મરતું નથી. તાઓ પોતે વહેલી સવારના ઊઠી જાય છે અને ફળનો રસ અને ફળ ખાઈને દિવસની શરૂઆત કરે છે. ત્યારબાદ ખૂબ જ ઓછું બપોરનું ભોજન અને રાતનું વાળું તે બીજાઓની સાથે વહેંચીને લે છે. બીજું રહસ્ય ઉજાગર કરતાં તાઓ કહે છે કે વ્યક્તિએ સતત પ્રવૃત્તિશીલ અને પોઝિટિવ રહેવું જોઈએ. યોગાસન તો તેઓ બાળપણથી કરે છે પણ સતત નવું શીખતાં રહેવાનું તાઓએ કદીય છોડયું નથી. ૮૭ વરસની ઉંમરે

તેમણે બોલરૂમ ડાન્સ શીખ્યો. એટલું જ નહીં ત્યારબાદ તેમણે વિવિધ નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લઈને ૭૦૦ જેટલાં ઈનામો જીત્યાં છે. અમેરિકા ગોટ ટેલેન્ટમાં પણ તેમણે ભાગ લીધો છે. તેઓ કહે છે કે મારી જિંદગીમાં ક્યારેય હું શું ન કરી શકું તેવો વિચાર કર્યો જ નથી. સવાર પડતાં જ સૌ પ્રથમ હું વિચારું કે આજનો મારો દિવસ સૌથી સારો અને સફળ જશે. આખું જીવન હું કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ શીખતી રહી અને સતત મારી જાતને વ્યસ્ત રાખતી રહી. જ્યારે મારા નિતંબના હાડકાનું રિપ્લેસમેન્ટ કરાવ્યું ત્યારે ડૉકટરે મને કહ્યું હતું કે તમે પદ્માસન નહીં કરી શકો. ઓપરેશનના થોડા મહિના બાદ મેં પદ્માસનમાં ફોટો ડૉકટરને મોકલાવ્યો. તેમણે પોતાની હૉસ્પિટલના નોટિસ બોર્ડ પર મૂક્યો અને લખ્યું મિરેકલ વિમેન(ચમત્કારી સ્ત્રી). આવો ચમત્કાર દરેક વ્યક્તિ કરી શકે છે. નિયમિત યોગાસન કરવા તેનાથી સ્વસ્થતા, લવચિકતા અને સ્ફૂર્તિ મળે. બીજું સતત નવું કશુંક મનગમતું શીખવું જોઈએ. ત્રીજું ઓછું ખાવું. તેને કારણે સ્વસ્થ, સુંદર અને યુવાન રહી શકાય છે. એટલે જ તાઓ ક્યારેય અંગ્રેજોની જેમ .૯૮ યર્સ ઓલ્ડ નથી લખતી પણ ૯૮ યર્સ યંગ લખે છે. તેનું કહેવું છે કે તમે જેવું વિચારો તેવું જ જીવન બને છે. હું તો હજી આજે પણ તરવરાટભરી યુવતી છું અને સો વરસે પણ રહીશ.

You Might Also Like

0 comments