બાઈક શોખ નહીં ઝનૂન

06:03

Image result for pallavi fauzdar





ઈન્ટ્રો - દિલ્હીની રહેવાશી પલ્લવી ફોજદારે બાઈક પર દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ  પાસ પર પ્રથમ મહિલા તરીકે બાઈક ચલાવવાનો રેકોર્ડ નોંધાવેલો છે. પ૦૦૦ હજાર મીટરની ઊંચાઈના ૧૬ પાસ પર એકલપંડે બાઈક ચલાવવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે.

૩૫ વર્ષીય પલ્લવી પોતાના બે નાના બાળકોને ઘરેથી કહીને નીકળી હતી કે મમ્મી કદાચ પાછી ન પણ આવે અને જો પાછી આવી તો ઘણું મોટું કામ કરીને પાછી આવશે. જેને માટે તમે ગર્વ લઈ શકશો. આવું બાળકોને કહીને ૨૦૧૫ના સપ્ટેબર મહિનામાં તે માના પાસ જવા માટે નીકળી પડી હતી. ઉત્તરાખંડમાં તિબેટની બોર્ડર પાસે ૧૮૪૯૭ ફીટની ઊંચાઈ પર આવેલા માના પાસ પર પહેલી મહિલા મોટરબાઈક પર પ્રવાસ કરવાનો રેકોર્ડ નોંધાવી બાળકોને સાહસકથા કહેવા પાછી આવી. આ પ્રવાસ સૌથી ઊંચાઈ પર હતો એટલું જ નહીં તે ખૂબ જોખમી પણ ગણાય છે.  નાના બાળકોને મૂકીને આવું જોખમ ખેડવા જવાની હિંમત પલ્લવીમાં કેવી રીતે આવી એ સવાલના જવાબમાં તે કહે છે કે આ મારો શોખ નથી પણ મારું ઝનૂન છે.
 જો પુરુષ આ રીતે કોઈ સાહસ કરે તો તેનો સહજતાથી આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવે છે. બાઈક ચલાવવું એ સ્ત્રીઓનું કામ નથી એ માનસિકતાનો પણ હું સતત સામનો કરતી આવી છું. જેમ જેમ વિરોધ વધતો જતો તેમ તેમ મારામાં સાહસ કરવાનું ઝનૂન પણ વધતું જતું. સમાજ શું કામ નક્કી કરે કે સ્ત્રીએ શું કરવું કે ન કરવું. મારે જીવનમાં શું કરવું કે ન કરવું તેનો અધિકાર મેં બીજાને આપ્યો નથી. દરેક વખતે છોકરી જ લગ્ન બાદ કોમ્પ્રોમાઈઝ કરે તે ક્યાંનો ન્યાય છે? પલ્લવીએ જે પાસ પર રેકોર્ડ નોંધાવ્યો ત્યાં પહોંચતા અનેક બાઈકરોએ જીવ ગુમાવ્યા છે. એક તો પહાડની ઊંચાઈ, ઓક્સિજનની માત્રા ઓછી હોય એટલે મગજ બહેર મારે, કોઈ નિર્ણય લેવો અઘરો પડે તેમાં હવામાનમાં સતત પલટાઓ આવ્યા કરતા હોય. કાતિલ ઠંડા પવનો, બરફની વર્ષા વગેરે સામે એકલેહાથે ટકી રહેવું સહેલું નથી હોતું.
તો પછી પલ્લવી બીજા બાઈકરોની સાથે કેમ નથી જતી? સવાલ સાંભળતા જ પલ્લવીનો જવાબ સાંભળવા મળે છે કે ટોળાંમાં તમે ખોવાઈ જાઓ, તમારી ઓળખ ન રહે. અને જોખમ તો એકલા જ ખેડાય તે ટોળાંમાં શક્ય ન બને. પલ્લવીએ ત્યારબાદ લદ્દાખની ટ્રીપ કરી તેમાં પાંચ હજાર મીટરના ૧૬ પાસની સફર કરી હોય તેવી પહેલી મહિલા બનવાનો રેકોર્ડ પણ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં તેના નામે નોંધાયો. નારીરત્નનો એવોર્ડ પણ આ વરસે તેને રાષ્ટ્રપતિના હાથે મળ્યો છે. પલ્લવીનો પતિ આર્મીમાં હોવાને લીધે તેની સાહસવૃત્તિને સારી રીતે સમજે છે એટલું જ નહીં તેને માનસિક રીતે સ્ટ્રોન્ગ રહેવા માટે સતત પ્રેરણા આપે છે. એ જ્યારે લાંબી મુસાફરીએ જાય ત્યારે બાળકોની જવાબદારી સુપેરે સંભાળે છે. પલ્લવી કહે છે કે તે ખરા અર્થમાં તેનો જીવનસાથી છે.
બાઈક પર આટલી લાંબી મુસાફરી કરવાનું કારણ શું? અને તેનો ખર્ચો તે કઈ રીતે કાઢે છે? મારા માટે બાઈક પર લાંબી મુસાફરીએ જવું એ એક જાતનું મેડિટેશન છે. તેમાં પણ હિમાલયના પહાડો મને ખૂબ ગમે છે. એકલા જવાનું પણ મેં એટલે પસંદ કર્યું કે મોટાભાગના ગ્રુપ પુરુષ બાઈકરોના હોય છે. પુરુષોની સાથે પ્રવાસ કરો તો બધા નિર્ણયો એ લોકો જ લેતા હોય છે. સ્ત્રી તરીકે તમને તેઓ સાચવતા હોય છે. સ્ત્રી શક્તિ ગણાય છે અને ગમે તે સંજોગોમાં પોતાની જવાબદારી ઉપાડી શકે છે. મારામાં એક બળવાખોર સ્ત્રી છે કદાચ તેને કારણે જ મેં જુદો રસ્તો પસંદ કર્યો છે. બીજું એ કે મારા ઝનૂનને પોષવા માટે હું કામ કરું છું. વ્યવસાયે હું ફેશન ડિઝાઈનર, જ્વેલરી ડિઝાઈનર છું. અને હવે ઝેન થેરેપિસ્ટ પણ છું. લખનૌમાં મારી દુકાન છે. જ્યારે હું કમાણી કરીને પૈસા ભેગા કરી લઉં કે બાઈક લઈને ઉપડી જાઉં છું.
એકલા આટલી લાંબી મુસાફરીમાં સ્ત્રી તરીકે ક્યારેય ભય લાગ્યો છે ખરો? પલ્લવી કહે છે કે ના જરાય નહીં. ખરું કહું તો મને ક્યારેય મુસાફરીમાં ખરાબ અનુભવ નથી થયો. ભારતના લોકો ઘણા સારા છે. તેમાં પણ એકલી સ્ત્રીને મદદરૂપ પણ બને છે. તે છતાં એક સ્ત્રી તરીકે હું ચોક્કસ રહું છું. મુસાફરીમાં મારી પાસે સ્લીપિંગ બેગ અને કપડાં સિવાય  ફર્સ્ટ એઈડ, મશીન રિપેરનો સામાન અને જીપીએસ હોય જ છે. કારણ કે એકલા મુસાફરી કરવાની હોય ત્યારે ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી જ પડે છે. જીવનમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ત્રીએ તૈયાર રહેવું જોઈએ. બીજા પર નિર્ભર રહીને ક્યારેય તમે સફળ થઈ શકતા નથી.


You Might Also Like

0 comments