દરેક વખતે સોરી કહેવાની જરૂર નથી

02:20






મારા જ કામ માટે મારી એક મિત્રને ફોન કર્યો. તે કોઈ સાથે વાત કરી હતી એટલે મેં ફોન હોલ્ડ કર્યો. વચ્ચે પેલી મિત્રે બે વાર મને સોરી કહ્યું. મેં કહ્યું શેને માટે? મારી મિત્ર સમજી ગઈ અને હસતાં હસતાં કહે અરે યાર આદત પડી ગઈ છે સોરી કહેવાની. સોરી કહેવું આમ તો નમ્રતાની નિશાની છે, પરંતુ જરૂર હોય કે ન હોય આપણે સ્ત્રીઓ વારંવાર સોરી બોલીએ છીએ. કારણ કે સતત ગુનાહિતતાનો ભાવ આપણામાં વણી નાખવામાં આવ્યો હોય છે. ત્યારબાદ હું સભાનપણે મારી આસપાસ અને મારી સાથે બનતી ઘટનાઓમાં કેટલી વાર સોરી બોલાય છે અને શું કામ? તેની નોંધ લેવા માંડી.

ભીડ ભરેલા પ્લેટફોર્મ પર એક પુરુષ એક સ્ત્રી અનાયાસે એકબીજાને અથડાય છે. સ્ત્રી તરત જ સોરી બોલે છે. પુરુષ એક લુક આપીને જતો રહે છે. મોલમાં મારી આગળ જઈ રહેલા એક સ્ત્રી-પુરુષ રસ્તો રોકી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે સોરી ...મને આગળ જવા દેશો. તરત જ હું સભાન થઈ. વચ્ચે એ લોકો ઊભા હતા. હું સોરી શું કામ કહું છું. ફક્ત નમ્રતાથી આગળ જવા દેશો કે રસ્તો આપશો કહી જ શકી હોત.

ગયા અઠવાડિયે એક મિત્રને મળવાનું થયું. તે એટલી બધી તાણગ્રસ્ત દેખાતી હતી કે સહજ પુછાઈ ગયું કે શું થયું? તો કહે કે કશું જ નહીં પણ આજે મેં મારા પતિને દુખી કર્યાં. તેમનો ખ્યાલ ન રાખ્યો. આજે મારાથી વહેલું ઊઠાયું નહીં. તેમને રજા હતી એટલે જરાક વધુ આરામ કરવાનું મન થયું. પણ મારા નસીબ એવા કે તેઓ વહેલા ઊઠી ગયા અને ચાની રાહ જોવા લાગ્યા. ઊઠવાનું મોડું થયું. રસોડામાં જઈને દરરોજની જેમ પહેલાં હું બાટલા અને માટલાઓમાં પાણી ભરવા લાગી. અન્ય કામ કરતાં ચા અને નાસ્તો મૂકવા લાગી. એટલામાં પતિએ બૂમ મારી હું ક્યારનો ઊઠી ગયો અને ભૂખે મરી રહ્યો છું, પણ તને તો કશી પડી જ નથી. મેં તેમને સોરી કહીને તરત જ બીજા કામ મૂકી નાસ્તો આપ્યો. તેમણે મને કહ્યું તને મારી પડી નથી. વહેલો ઊઠી ગયો પણ તું ન ઊઠી. મેં વળી સોરી કહ્યું પણ પછી મને આખો ય દિવસ વિચાર આવ્યો કે શું મને કોઈક દિવસ થોડું વધારે સૂવાનું મન થાય તો તે ખોટું? મને સવારે સૂવાનું ખૂબ ગમે પણ કામ હોય જ એટલે.... કહીને તે ચૂપ થઈ ગઈ.

તેનો પતિ નાનો બાળક તો છે નહીં. વહેલો ઊઠ્યો અને ભૂખ લાગે તો તેના પોતાના જ ઘરમાં તે પોતાને માટે કોઈક દિવસ ચા ન બનાવી શકે? ડબ્બાઓમાં કશુંક તો ક્યાંક બિસ્કિટ કે ખાખરા કે ફરસાણ હોય જ તો જાતે ના લઈ શકે? મિત્રને કહ્યું કે તું સહજતાથી આ જવાબ આપી શકી હોત? તો કહે આપ્યો જ પણ તેમનું કહેવું હતું કે હું બહાર કેટલા કામ કરું છું. તું તો ઘરમાં જ હોય છે. પણ ઘરમાં મને કેટલા કામ હોય છે તે વિચારવાનું જ નહીં. હાલમાં જ નવો ફ્લેટ લીધો છે તેની સજાવટ માટેના ધક્કા આજકાલ વધુ હોય છે એટલે જ મને થાક વધુ લાગ્યો હતો. પણ હવે વિચાર આવે છે કે સાચ્ચે જ મારા પતિને મેં સામે જવાબ આપ્યો એટલે તેમનું હૃદય દુભાયું હશે? તેમને સોરીનો મેસેજ મોકલ્યો પણ તેમનો જવાબ આવ્યો કે હવે શું ફાયદો?

હું જોઈ જ રહી. થોડા સમય પહેલાં અમારે તેમના ઘરે જમવા જવાનું હતું. અમે સમયસર પહોંચી ગયા પણ તેનો પતિ મોડો આવ્યો. ત્યારે પણ એ મિત્ર જ પતિના મોડા આવવા માટે સોરી કહેતી રહી. સતત વાત વાતમાં સોરી શું કામ કહે છે? તે પૂછ્યું તો કહે વાદવિવાદ આગળ ન વધે તે માટે. ઝઘડા ન થાય એ માટે. આવી ગુનાહિત લાગણીઓ સાથે મોટાભાગની સ્ત્રીઓ જીવતી હોય છે. કારણ કે તેમને પોતાની રીતે થોડી ક્ષણ પણ જીવવાનો અધિકાર છે તેવો વિચાર જ નથી આવતો. સ્ત્રીનો બધો સમય, ગમા-અણગમા બધું જ બીજાનું ધ્યાન રાખવામાં હોય છે. સ્ત્રી બહાર કમાવા જતી હોય કે ગૃહિણી હોય તે સતત ગુનાહિતતામાં જીવતી હશે. સાયન્ટિફિક અમેરિકાએ કરેલા એક સંશોધનમાં પણ જાણવા મળ્યું કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રમાણમાં માફી માગે છે.

અહીં એવું કહેવું નથી કે પુુરુષો નમ્ર નથી હોતા કે સોરી નથી કહેતા. સ્ત્રી અને પુરુષના ઉછેરમાં જે ફરક હોય છે તે સમાજની માનસિકતાને લીધે હોય છે. સ્ત્રી એટલે સ્ત્રીને જન્મ આપવા માટે ગુનાહીતતા અનુભવે. સોરી મેં દીકરો ન આપ્યો. સોરી મેં દીકરીને જન્મ આપ્યો. બોલે કે ન બોલે તે આ લાગણી તીવ્રપણે અનુભવતી હોય છે. પોતાનો વિચાર કરવો જ નહીં તે સ્ત્રીને બીજી સ્ત્રીઓ દ્વારા ગળથૂથીમાંથી જ શીખવાડવામાં આવે છે. સ્ત્રીએ કેવી રીતે બોલવું, શું ન બોલવું, શું પહેરવું- ન પહેરવું, શું ખાવું, પીવું, કેટલા વાગ્યે સૂવુું , કેટલા વાગ્યે ઊઠવું. બધું જ નક્કી હોય છે. તે પોતાની મરજીથી કશું જ ન કરી શકે. તેમાં પણ લગ્ન બાદ તો નહીં જ નહીં. ભૂલ થાય તો તેની જ થાય એટલે સોરી કહેવાની આદત તે પાડી લે છે. બસ ત્યાં વાત અટકી જાય. વિવાદ ન થાય એટલે. પણ તેણે નહીં આચરેલી ગુનાહિતતાનો ભાર તેના તનમનને તોડી નાખે છે. તે બોલે કે ન બોલે તેને સમજાતું હોય છે કે બીજા માટે જીવવા માટે જ તે સર્જાઈ છે. તેની પોતાની કોઈ મરજી કે ઈચ્છા હોઈ જ શકે નહીં. પતિ ઘરમાં આવે પછી તે બહાર પોતાના મિત્રો સાથે જઈ ન શકે કારણ કે પતિને નહીં ગમે. પતિ મન થાય ત્યારે ઘરની બહાર જઈ શકે. તેને એ માટે પત્નીની પરવાનગી લેવાની હોતી નથી કે તે માટે સોરી કહેવાની જરૂર પણ જણાય નહીં.

જો આપણે સજાગતાપૂર્વક સોરી કહેવાનું બંધ કરીએ તો? આપણી વાત સ્પષ્ટતાથી સામી વ્યક્તિને સમજાવીએ તો? પેલી મિત્ર મને કહે, શક્ય જ નથી. પુરુષો કદી ય સમજશે નહીં. આ સાંભળીને નવાઈ લાગી. જે પુરુષ પોતાની બુદ્ધિમત્તાના બળે વ્યવસાયમાં સફળ હોય તે શું સ્પષ્ટ અને સાદી વાત સમજી ન શકે એ કેવી રીતે બને? આપણે ખરેખર જે કહેવું જોઈએ તે નથી કહેતા એટલે જ સોરી કહીને માફી માગીએ છીએ. આપણી ભૂલ હોય કે ન હોય માફી માગી લેવાની. કારણ કે માફી માગી લેવાથી વાત વણસતી અટકે છે. અહીં જરૂર છે ખરેખર જે કહેવા માગીએ છીએ. જે વિચારીએ છીએ કે જે આપણને સાચુ લાગે છે તે એકવાર કહી દેવાની. એમાં ન તો સોરી કહેવાનું છે કે ન તો ગુનાહિતતા અનુભવવાની છે તમારા કે બીજા માટે. સામી વ્યક્તિની ભૂલ કે પીડાને માટે પણ આપણે જ સોરી કહેવાની કશી જરૂર નથી હોતી. સ્પષ્ટતાથી કહેવાયેલી વાત સામી વ્યક્તિને પહોંચે જ છે. પેલી મિત્રએ ચા કે નાસ્તો મોડો આપવા માટે સોરી કહેવાને બદલે એવું પણ કહી શકી હોત કે આજે મારી થોડું વધુ સૂવાની ઈચ્છા હતી કે મને આજે થોડું વધુ સૂવાની મજા આવી. જો કે તેને લીધે તને થોડી તકલીફ પડી હશે, પરંતુ તું મને પ્રેમ કરે છે એટલે જ આવું કરી શકી. વગેરે વગેરે પણ ના તે મિત્રને પોતે ખોટું કર્યું હોવાની લાગણી જ અનુભવાઈ.

એક સગાને ત્યાં જવાનું બન્યું ત્યારે જોયું કે ઘરની ગૃહિણી રસોડામાંથી રોટલી લાવતા મોડું થાય ત્યારે દરેક વખતે સોરી કહેતી હતી. પણ તે ગૃહિણી તાજી ગરમાગરમ રોટલી ઉતારીને પીરસતી હતી તો વાર લાગે જ તેમાં એણે ગુનાહિતતા અનુભવવાની શું જરૂર? પણ જ્યારે જોયું કે તેના પતિની નજર બે મિનિટ મોડું થતા ફરી જતી હતી. તેની પાસે રસોઈ કરવાનો પુરતો સમય નહોતો એટલે બહારથી શ્રીખંડ અને ખમણ મગાવ્યા તે માટે ય એણે માફી માગી. કારણ કે તેના પતિને શ્રીખંડ ભાવતો નહોતો. અને તેને ખમણ નહીં પણ ભજીયા ખાવાની ઈચ્છા હતી. સ્વાદિષ્ટ રસોઈ બની હોવા છતાં ગૃહિણી સતત ગુનાહિતતાના ભાર તળે કચડાઈ રહી હતી.

આપણી વાતચીતમાં નમ્રતા અને સૌજન્ય હોય તે જરૂરી છે, પરંતુ સ્ત્રી હોવાના ભાર તળે સતત માફી માગતી સ્ત્રીનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસ ઓછા થઈ જતા હોય છે. તેના વ્યક્તિત્વને ક્યારેય મુક્તીનો અહેસાસ નથી થતો.

You Might Also Like

0 comments