રસોઈ કરવાથી પુરુષાતન ઓછું થાય?

06:56
ગયા અઠવાડિયે મનાલીમાં વેકેશન મનાવી રહી હતી, ત્યારે જે અનુભવ થયા તેમાં સૌથી મોટો સવાલ વારંવાર મારી સામે આવી ઊભો રહ્યો કે પુરુષાતન એટલે શું? પુરુષ અને સ્ત્રીનું જેન્ડર એટલે કે જાતીય ભેદભાવ ક્યારે અને કેમ ઊભા થયા? ફક્ત શારીરિક ભેદને લીધે જાતિ ભેદ નથી હોતા, પણ મનાલી એટલે બરફના પહાડો અને સુંદર ખીણ જ નહીં પણ હિમાચલ પ્રદેશ અને ત્યાં વસતિ પ્રજાનું આગવું વ્યક્તિત્વ પણ ખરું. હિમાચલ પ્રદેશમાં અનેક આદિવાસી પ્રજા છે, પણ મનાલીમાં મોટેભાગે ઠાકુર એટલે કે રાજપૂત અને બ્રાહ્મણોની મુખ્ય વસ્તી છે. હિમાચલની પશ્ર્ચિમમાં પંજાબ અને ચંડીગઢ છે તો ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર છે. બન્ને પ્રદેશો એટલે કે પંજાબમાં અને જમ્મુ-કાશ્મીરમાં પિતૃસત્તાક માનસિકતા ધરાવતા પ્રદેશો છે, જ્યારે મનાલીમાં આવી કોઈ માનસિકતા ન જણાઈ પણ સહજીવનનું સાયુજ્ય જોવા મળ્યું.

મનાલીમાં સૌથી વધુ જે દિલને સ્પર્શ્યું હોય તો તે અહીંની પ્રજાનું જનજીવન. જેના તરફ પ્રવાસીઓનું જરાપણ ધ્યાન હોતું નથી. બરફના પહાડોમાં નાના નાના ગામડાંઓમાં સહજતાથી જીવતાં અહીંના રહેવાસીઓ પ્રવાસીઓની સેવા કરીને તેમનું દિલ જીતી લે છે. મારા સદ્નસીબે અહીંની જ એક વ્યક્તિની ઓળખ થઈ. ગુપ્તરામ ઠાકુરની. આમ તો હું વેકેશનમાં હતી એટલે કોઈ જ કામ કરવાનો ઈરાદો નહોતો. બીજા પ્રવાસીઓની જેમ હું પણ લોકલ જોવાલાયક સ્થળો જોઈ રહી હતી. વશિષ્ઠ મંદિરની પાછળ આવેલા ગામમાં હિમાચલી ઘરની બાંધણી જોવાની લાલચે પ્રવેશી. ત્યાં જે ઘર આગળ ઊભી રહીને ગ્રામ્ય ઘરના ફોટા પાડી રહી હતી ત્યાં દીપકે જેમની સાથે વરસો પહેલાં ટ્રેકિંગ કર્યું હતું તે ગુપ્તરામજીની અનાયાસે ઓળખ થઈ અને એ ગ્રામીણ ઘર પણ તેમનું જ હતું એટલે તેમણે ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું. ઘરને અંદરથી જોવું હતું એટલે તરત જ એ આમંત્રણ સ્વીકાર્યું. ૬૮ વરસના ગુપ્તરામજીને અમે ચાચુ કહેવા લાગ્યા. ચાચુએ લાકડા, પથ્થર અને માટીથી બનેલા ઘરમાં અમને બેસાડ્યાં અને પોતે ચા બનાવવા ગયા. થોડી જ મિનિટોમાં તેઓ જડીબુટ્ટીઓવાળી કાળી ચા બનાવીને લાવ્યા અને કહે કે આ સેહત માટે સારી. ચા પીતા જ વાહ બોલાઈ ગયું. ઘરમાં કોઈ જ દેખાયું નહીં. તેમના પત્ની વિશે પૂછ્યું તો કહે કામ પર ગયા છે ખેતરમાં. આ ચાચુ સાથે ટ્રેકિંગમાં જવાનું નક્કી કર્યુ તો તેમનો કાળજીભર્યો સ્વભાવ સમજાયો. પ્રેમ અને કાળજી જે આપણે ત્યાં મોટેભાગે સ્ત્રીઓનો જ ઈજારો માનવામાં આવે છે તેવો એમનો સ્વભાવ. તેમણે બીજે દિવસે અમને તેમના ઘરે હિમાચલી ભોજન જમવા બોલાવ્યા. બપોરે બાર વાગ્યે તેમના ઘરે પહોંચ્યા તો વળી તેઓ એકલા જ ઘરે. પત્ની વિશે પૂછ્યું તો કહે તેમને આંખની તકલીફ છે તો દવાખાને ગયા છે. થોડો સમય બાદ સરસ રીતે ભોજન કરવા બેસાડ્યા તે સમયે જ ગરમ રોટલી ઉતારીને લાવ્યા. બધું જ જમવાનું તેમણે જ બનાવ્યું હતું. એમાં એક ડિશ તો ચાર કલાક ઉકાળીને બનાવવાની હોય તે પણ એમણે જાતે જ બનાવી હતી. વાનગી વિશે ખૂબ સરસ રીતે વાત કરતાં અમને આગ્રહપૂર્વક જમાડ્યા અને સહજતાથી હાથ ધોવડાવ્યા એટલું જ નહીં બધા એઠાં વાસણો સરસ રીતે ઉપાડીને અંદર મૂકી આવ્યા. સાથે જ તપેલીમાં એક વાનગી બાજુમાં રહેતાં તેમના મામીને ત્યાં પણ ઢાંકી આવ્યા.

આ બધું જોતા વિચાર આવ્યો કે આટલી સહજતા આ ચાચુમાં જ છે કે બીજા પુરુષોમાં પણ છે? એટલે તેમને સવાલ પૂછ્યો કે ચાચુ તમારા સમાજમાં ઘરનું કામ મોટેભાગે કોણ કરે?

તો હસતાં હસતાં ચાચુ કહે કે ‘જે ઘરમાં હોય તે કરી લે. અમારે ત્યાં તમારા શહેરની જેમ કામના ભાગલા નથી હોતા. (ચાચુ આખુંય ભારત ફર્યા છે.) સ્ત્રીઓ ખેતરમાં પણ કામ કરે અને ઘરમાં પણ એ જ રીતે અમે પણ ખેતરમાં કે બહારના કામ કરીએ અને ઘરના પણ કારણ કે ઘર અમારું છે.’ આ સાંભળીને નવાઈ તો લાગી જ પણ ખૂબ સારું લાગ્યું. તરત જ પૂછાઈ ગયું કે કપડાં અને વાસણ પણ તમે કરી શકો? ચાચુ તરત જ બોલ્યા,‘ હાસ્તો કેમ નહીં?’ ત્યારે વિચાર આવ્યો કે શહેરોમાં ઘરકામ અને રસોઈ માટે પણ પુરુષો હોય જ છે. કેટલાક ઘરોમાં પુરુષોને કામ પર નથી રખાતા. પુરુષ નહીં પણ પૌરિષય માનસિકતાનો ભય પુરુષોને પણ લાગે છે.

જાતીય ભેદભાવ વિશે લખતાં હંમેશ એક વાક્ય લખાતું કે માનસિકતા બદલાશે તો જમાનો બદલાશે પણ આપણે ત્યાં માનસિકતા સહજ જ માનવીય હતી. હવે ટૅક્નોલૉજીના વિકાસને કારણે તેમ જ ફિલ્મ અને ધારાવાહિકોમાં ચિતરાતી માનસિકતાની અસરને લીધે અહીંના સમાજમાં પણ શહેરની બદીઓ ધીમે ધીમે પ્રવેશી રહી છે. તે છતાં હજી અહીંના મોટાભાગના સમાજમાં સહજ સહજીવન જીવાઈ રહ્યું હોવાનું જોઈ શકાતું હતું. સહજતાથી ઘરના કામ કરતાં ચાચુએ કાંચનજંઘાને ૨૬ હજાર ફીટ સુધી ચઢવાની હિંમત કરી હતી. તેઓ કાંચનજંઘા સર કરનારી ભારતની પહેલી લશ્કરી ટુકડીની સાથે ગયા હતા. નાના મોટા બીજા અનેક ટ્રેક કરી ચૂકેલા ચાચુ ખરા અર્થમાં માનવ હતા. વળી બીજો એક પ્રસંગ મનાલીમાં જ બન્યો. અંતરિયાળ ગામનું એક નાનકડું ટ્રેકિંગ કરતાં ખાસ્સા સમયે એક સ્ત્રી સફરજનના બાગમાં કામ કરતી દેખાઈ. બપોર થવા આવી હતી અને ક્યાંય કોઈ જ દુકાન નહોતી. એટલે તેને પૂછ્યું કે શું તે એના ઘરમાં જમાડી શકશે? કારણ કે તેનું ઘર સિઝનમાં પ્રવાસીઓને ભાડે પણ અપાતું હતું. જે હાલમાં બંધ હતું. તો એ સ્ત્રીએ કામ કરતાં જવાબ આપ્યો કે મારા પતિ હોતતો તમને જમાડત પણ તેઓ બજાર ગયા છે અને મને ખેતરમાં ખૂબ કામ છે. શહેરમાં કે ગુજરાતમાં કોઈના ઘરે જઈએ તો સાંભળવા મળે કે અમારા ઘરેથી એટલે કે સ્ત્રી બહાર છે એટલે જમવાનું ન મળે. ખેર, વાચકો સમજી જ ગયા હશે કે શું કહેવા માગું છું. અહીં પુરુષો અને સ્ત્રીઓ લગ્ન કરીને ખરા અર્થમાં સહજીવન જીવે છે.

દીકરો કે દીકરીમાં કોઈ ભેદ નથી. દીકરી તો ઘરમાં જોઈએ જ એવી પણ માન્યતા ખરી, કારણ કે સ્ત્રીઓ અહીં વધુ કામ કરે છે. એવું અહીંના જ પુરુષો જે ટૅક્સી ચલાવવાનું કે પ્રવાસીઓની સેવા કરવાનું કામ કરે છે તેઓ ગર્વથી કબૂલે છે. અહીંના પુરુષો પોતાનું પુરુષાતન સાબિત કરવા માટે ખોટા બણગાં નથી ફૂકતા. સ્ત્રીઓને માથે બધું જ નથી મૂકી દેતા. હાલમાં જ એક વાત વાંચવામાં આવી હતી જે અહીં પરફેક્ટ બંધ બેસે છે. થોડો સમય પહેલાં અમેરિકામાં થયેલ એક બાયોલોજિકલ સંશોધનના તારણ પ્રમાણે શરીરમાં હોર્મોન્સ વ્યક્તિ જે કામ કરે છે તે મુજબ પેદા થાય છે નહીં કે જાતિપ્રમાણે. એટલે કે પુરુષ હોવા માત્રથી તે વ્યક્તિમાં વધુ જોમ હોય તે જરૂરી નથી કે સ્ત્રી હોવાથી તે વધુ ઝડપથી ભાગી ન શકે કે તાકાતની જરૂર પડે તેવા કામો ન કરી શકે એવું નથી હોતું. રામાયણમાં સીતાના સ્વયંવરમાં ધનુષ્ય ઉપાડી લેનાર રામના પગ એટલા નાજુક અને નમણાં છે કે ઘાસથી ય તે ઘવાય છે એવું વર્ણન તુલસીદાસે કર્યું છે. એ જ રામ જે રાવણને હણે છે તે સીતાને શોધતાં ચોધાર આંસુએ રડી પણ શકે છે. આમ આપણે ત્યાં પૌરુષીયપણાની વ્યાખ્યાઓ પશ્ર્ચિમીકરણ બાદ જ કદાચ આવી છે. પુરુષ હોવાની ખોટી માન્યતાઓએ પુરુષને નીચો પાડી દીધો છે. હિમાચલી ગામોમાં ડોમેસ્ટિક વાયોલેન્સનું અસ્તિત્વ નથી, કારણ કે અહીં પિતૃસત્તાક માનસિકતા પણ નથી. ગાંધીજીએ સહજીવનની વાત કરી હતી. આપણાં પહાડી પ્રદેશોની જૂની રીત મુજબ તો પિતૃસત્તાક માનસિકતા હોતી જ નથી. જ્યાં પિતૃસત્તાક માનસિકતા ન હોય ત્યાં ઘરેલું હિંસાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. આદિવાસી સમાજ વ્યવસ્થામાં ક્યારેય બળાત્કાર થતા નહીં કે તેનો ભય પણ સ્ત્રીઓને હોતો નથી.

વ્યક્તિને જાતિનું લેબલ લગાવવાની જરૂરિયાત ખરી? નાઈજિરિયામાં જાતીય ભેદભાવ થતાં નથી. ત્યાં વેપારી એટલે વેપારી પછી તે પુરુષ હોય કે સ્ત્રી. વાત ખરે જ વિચારવા જેવી છે કે શિક્ષક સ્ત્રી હોય કે પુરુષ તેનાથી શું ફરક પડે?

વ્યક્તિને તેની જાતિથી મૂલવવા કરતાં તેની ક્ષમતાથી મૂલવવો જોઈએ એવી થિયરી હવે આવી રહી છે. શશી દેશપાંડેએ પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે લેખક લેખક હોય છે તેને સ્ત્રી લેખિકા કે પુરુષ લેખક કહેવાની શું જરૂર? આ જાતીય ભેદભાવના ભાગલાની માનસિકતાને કારણે જ આપણે આ સમાજને જનમ આપ્યો છે. ભેદને ભૂલીને જો કામ થાય તો અનેક પ્રશ્ર્નોે-સમસ્યાઓ હલ થઈ શકે. કેટલાય અત્યાચારો અને ગુનાઓ નાબૂદ થઈ શકે. હિંસા, આક્રમકતા પુરુષમાં પુરુષાતનની નથી હોતી પણ પોતાની

અક્ષમતાના અહેસાસને કારણે પેદા થતી માનસિકતાને લીધે આવતી હોય છે. સાચો પુરુષ કદીય પોતાનાથી નબળી વ્યક્તિ પર હાથ ઉપાડે નહીં કે તેનો અનાદર કરે નહીં. ગાંધીજીને ઘઉં વીણવા કે શાક સમારવાની શરમ આવતી નહીં. તેઓ તો સ્વાવલંબનમાં માનતા હતા, જ્યારે આજનો પુરુષ સ્ત્રી પર અવલંબિત રહે

છે. દરેક કામ માટે અને દર્શાવે છે એમ કે સ્ત્રી તેના પર અવલંબિત છે. આ બાબતે હજી ઘણું લખી શકાય એમ છે, પણ હવે ફરી કોઈવાર.

You Might Also Like

0 comments