સિરિયા સાથે આપણને શું લાગેવળગે? (મુંબઈ સમાચાર)

06:10

 




આપણે જ્યારે નાની નાની સમસ્યાઓને મોટો ઈસ્યુ બનાવીએ છીએ, નાની તકલીફોથી હારી-થાકીને બેસી જઈએ છીએ, આપણા જીવનની દરેક તકલીફોને કારણે આપણે ઘણું બધું ન કરી શક્યાની દુહાઈઓ ગાઈએ છીએ તે સમયે આપણને સિરિયા, અફઘાનિસ્તાન, ઈરાકની મહિલાઓ વિશે જાણવાની, જોવાની જરૂર છે. કેટકેટલી વિટંબણાઓ અને હિંસાની વચ્ચે તેઓ પોતાનાથી બનતું કરી છૂટે છે ત્યારે લાગે છે કે સ્ત્રી હોવાને લીધે આપણને થતા નાના અમથા અન્યાય વિરુદ્ધ બોલવાની પણ હિંમત કરી શકતા નથી. માર્સેલની માતાને લશ્કરે ભૂલથી ગોળી મારી દીધી હતી તો તેના પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. તેની બહેન સિરિયા છોડીને તેના કુટુંબ સાથે જતી રહી છે. 

માર્સેલ અન્યાય વિરુદ્ધ બગાવત કરી માનવતાનું કામ કરી રહી છે. તેણે બે વરસ પહેલાં બ્લોગ લખવાની શરૂઆત કરી હતી. તે અરબીમાં જ પોતાનો બ્લોગ લખતી હતી, પરંતુ અમીરા અને લારા તેના બ્લોગને અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અનુવાદિત કરતી હતી. સિરિયાના અલેપ્પો શહેરમાં રહેવાને કારણે યુદ્ધના મેદાનમાં રહેતી હતી એવો અનુભવ તેને થતો હતો. એ અનુભવોને તે બ્લોગરૂપે લખીને લોકો સમક્ષ મૂકવા લાગી. માર્સેલ ખ્રિસ્તી છે. તે સિરિયામાં માનવીય અધિકાર માટે લડી રહી હોવાથી તે ઈચ્છતી હતી કે શાંતિ સ્થપાય. જ્યાં દરેકનાં સ્થાપિત હિતો હોય ત્યાં સહજતાથી લોકશાહી કે શાંતિની ભાષા સમજવા કોઈ તૈયાર હોતું નથી. પોતાના મિત્રોની પણ ખફગીઓ વહોરીને માર્સેલે શાંતિ સ્થપાય તેના પ્રયત્નો કર્યા. તે દરમિયાન જ ૨૦૧૨માં લશ્કરે તેની માતા જે મિત્રના લગ્નમાં જઈને કારમાં પાછી ફરી રહી હતી તેને પોઈન્ટ બ્લેન્કથી મારી નાખી. હોસ્પિટલમાં તે જ્યારે માતાનો દેહ મેળવવા ગઈ ત્યારે તેને ધમકી આપવામાં આવી કે આ વિશે તું ખોટા વિરોધો કરતી નહીં. તેની બહેને માર્સેલને કહ્યું કે તું સિરિયા છોડીને જતી રહે નહીં તો તને પણ ઉડાવી દેવાશે. માર્સેલ એમ ભાગે એવી તો હતી જ નહીં. તે અલેપ્પોમાં રિબેલ ગ્રુપ સાથે વધુ જોશથી કામે લાગી. તેણે તો ફેસબુક પેજ ઉપર જ લખ્યું કે લશ્કર ખૂની છે. આમ, તે સત્તાની દુશ્મન બની ગઈ. તે છતાં એણે શાંતિ માટેના પ્રયત્નો કર્યા પણ કારગર ન નીવડ્યા. તેને એ માટેનાં પરિણામો ભોગવવાં પડ્યાં, નોકરી ગઈ. તેને દર અઠવાડિયે પોલીસસ્ટેશનમાં ઈન્ટરોગેશન (પૂછપરછ) માટે જવું પડતું જ્યાં કલાકો સુધી તેની ઊલટતપાસ લેવાતી. 

માર્સેલની કસોટી તો હજી હવે હતી. માર્સેલે બુરખો પહેરવાનો ઈનકાર કર્યો હોવાથી ૨૦૧૪માં આઈએસઆઈએસે તેની ધરપકડ કરી. માર્સેલ આઈએસઆઈએસની સામે થઈ છતાં બચી ગઈ. તેની સ્ટોરી એ ક્યારેક લખશે. પણ તે બચી એનું કારણ હતું કે સુન્ની મુસ્લિમ તેના મિત્રો હતા. તેણે એક મુલાકાતમાં કહ્યું કે યુદ્ધમાંય મને સારી વ્યક્તિઓ મળી છે. તેને કારણે જ હું ટકી છું. માર્સેલે ૨૦૧૪ની સાલથી બ્લોગ લખવાની શરૂઆત કરી. યુદ્ધની પરિસ્થિતિ એટલે શું? તે લખે છે કે જીવવું એટલે શું? સતત મોત અને જીવન વચ્ચે ઝઝૂમ્યા કરવાનું. કાં મારી નાખવાનું કાં મરી જવાનું. ક્યારેક સામી વ્યક્તિ શિકાર હોય તો ક્યારેક અમે શિકાર બનીએ. મારો કાં મરોના વાતાવરણમાં ક્યારેક થાકી જવાય છે. આશાઓ, સપનાંઓ, દુનિયા બધા પરથી વિશ્ર્વાસ ઊઠી જાય છે. ક્યારેક તો વિચારવા લાગું છું કે હું ખૂની છું? ખૂન કરવાની શક્તિ છે મારામાંં? મારે કોને મારી નાખવાના છે? 

આ બધા વચ્ચે પણ તેના મુસ્લિમ મિત્રો ૨૦૧૫માં આવડે તેવી રીતે માર્સેલને ખુશ કરવા ક્રિસમસ ઊજવે છે. ક્રિસમસ ટ્રી લગાવે છે. સજાવે છે. મળી તે વાનગીઓ ખાતાં કહે છે કે ક્રિસમસમાં ખાવાનું સારું હોય છે. અલી તેના માટે ગિફ્ટ લાવીને ક્રિસમસ ટ્રી પાસે મૂકે છે. નાનકડી પિસ્તોલ. તે જોઈને માર્સેલ છળી પડે છે. અલી સ્વસ્થતાથી કહે છે, રાખી મૂક તારી પાસે આઈએસઆઈએસ હવે તને પકડવા આવે તો જીવતી એમના હાથમાં ન જતી. માર્સેલને સમજાતું નથી કે આને કાળજી કહેવાય કે નહીં. 

તેણે અલેપ્પોમાં પોતાના સાથીઓ સાથે મળીને સાત અન્ડરગ્રાઉન્ડ શાળા શરૂ કરી છે જેથી તેમના પર બોમ્બ ન પડે. એમાં ૩૦૦૦થી વધુ બાળકો રહે છે, ભણે છે, રમે છે. તેઓ બહાર શેરીમાં જઈ નથી શકતાં, કારણ કે ત્યાં યુદ્ધ ચાલે છે. એટલું જ નહીં યુદ્ધમાં ઘાયલ લોકોને માટે હોસ્પિટલ પણ ચલાવે છે. યુદ્ધને કારણે ત્યાં વીજળી પણ નથી. એટલે જ તેમને ફ્યુઅલની જરૂર પડે છે. તેની વ્યવસ્થા અને સાચવણી કરવી પડે છે. 

સ્ત્રીઓને ફક્ત ફેશન અને વાનગીમાં જ રસ પડે છે એવું સાંભળવા મળે ત્યારે માર્સેલ જેવી સ્ત્રીઓ વિશે આપણે જાણવું જોઈએ. વાત કરવી જોઈએ. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનોનું રાજ હતું તે સમયે ઓનલાઈન લેખિકાઓનું સંગઠન હતું. તેઓ કોઈ પણ નામ આપ્યા વિના તાલિબાનીઓના રાજમાં શું પરિસ્થિતિ છે તે લખીને દુનિયા સુધી પહોંચાડતા હતા. એની ગુપ્તતા જાળવવી અને કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ મેળવવું પણ લોઢાના ચણા ચાવવા જેવું હોય ત્યાં સ્ત્રીઓ માઈલો ચાલીને ઓનલાઈન લખવા માટે જતી હતી. જો જરાક પણ ખબર પડી તો સેક્ધડ્સમાં ધડથી માથું જુદું થયું જ સમજો. ૭૫ જેટલી મહિલાઓ અફઘાન વિમેન્સ રાઈટર્સ નામની ઓનલાઈન વેબસાઈટમાં લખવા માટે અનેક સંઘર્ષો વેઠતી હતી. માશા હેમિલ્ટન નામની અમેરિકન પત્રકાર અને નોવેલિસ્ટે આ વેબસાઈટની શરુઆત કરી હતી. આ વેબસાઈટમાં લખતી મોટાભાગની મહિલાઓ પોતાની ઓળખ છુપાવતી. તેઓ પ્રથમ નામ ધ્વારા જ કે ઉપનામ ધ્વારા જ ઓળખાતી હતી. અફઘાનિસ્તાનમાં કાબુલ ઉપરાંત, હેરત,ફરગાના અને કંદહાર જેવા શહેરોમાં ગુપ્ત સ્થળેથી આ વેબસાઈટનું સંચાલન કરવામાં આવતું. મોતનો ખતરો સતત માથા પર ઝળુંબતો હોવા છતાં પોતાના અંતરમનની વાત તેઓ લખીને લોકો સમક્ષ આ રીતે જ મૂકી શકતી. તેમના લખાણોમાં વહેલા પરણાવી દેવા ઉપરાંત ઘરનાનો ત્રાસ, ભણવાની કે કામ કરવાની છૂટ ન મળવી, પોતાના સ્વજનોને તાલિબાનના હાથે મરતા જોવા, ઉપરાંત ક્યારેક તેઓ ઓબામાના વક્તવ્ય અંગે કે રાજકારણ અંગે પણ પોતાનો મત પ્રદર્શિત કરતી હતી. તો ક્યારેક કોઈ કવિતા કે વાર્તા પણ લખતી. એવામાં અનેક સ્ત્રીઓ અન્ડરગ્રાઉન્ડ શાળાઓ પણ ચલાવતી હતી. 

આપણે ફિલ્મી દુનિયા વિશે જાણવાની જેટલી ઉત્સુકતા ધરાવીએ છીએ અથવા ક્યારે અને ક્યાં સેલ લાગશે તેની ઉત્કંઠાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ તો સાથે દુનિયામાં ચાલતાં યુદ્ધો વિશે પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ત્રી સુંદર છે તો શક્તિશાળી પણ છે. સમજદારપણ છે. જેમને ખબર નથી તેમની જાણ માટે કે સિરિયામાં છેલ્લાં સાત વરસથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ટ્યુનિશિયામાં પ્રજાએ સામંતશાહી સરકારની સામે સ્વતંત્રતાનો બળવો પોકાર્યો તે રીતે સિરિયામાં કેટલાક યુવાનોએ સરકાર સામે વિરોધ જાહેર કર્યો તો તેમને પકડીને ટોર્ચર કરવામાં આવ્યા. ૧૩ વરસના કિશોરને તો મારી નાખવામાં આવ્યો. અને બસ બળવાએ જોર પકડ્યું. સિરિયાના પ્રમુખ બશર અલ અસાદની સરકારે બળવાખોરોનો ખાત્મો બોલાવવા માંડ્યો. સરકાર અને બળવાખોર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં આઈએસઆઈએસ પણ ભળ્યા. સિરિયાની પ્રજાનો તો બન્ને બાજુથી મરો થવા લાગ્યો. અત્યાર સુધીમાં સાત લાખથી વધુ સિરિયન પ્રજાનો ખાત્મો થઈ ગયો છે. કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી હજારો લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ બધા વચ્ચે માર્સેલ જેવી સ્ત્રીઓ માતાની જેમ ઘાયલોને અને બાળકોને પોતાની પાંખમાં લઈને શક્ય તેટલી સાત્વંના આપતાં સવાલ પૂછી રહી છે કે અમારો શું વાંક કે દરેક સત્તા અમારા પર બોમ્બમારો ચલાવી રહી છે. અમે પણ શાંતિથી, સમન્વયથી જીવવાનો અધિકાર માગીએ છીએ.

You Might Also Like

0 comments