જીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ (mumbai samachar)

05:47







ઉપભોક્તાવાદ અને સતત કશુંક પામવા માટે દોડતા આજના માનવીને જ્યારે ઠોકર વાગે છે ત્યારે ક્યાં તો તે જીવન ટુંકાવી દેવાના રસ્તા શોધે છે. અથવા તો તે જીવનના ખરા અર્થની શોધ શરૂ કરી દે છે. આવો જ એક કિસ્સો છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરના રહેવાશી જીન બેલીવ્યુનો. બાર વરસ પહેલાં એટલે કે ૨૦૦૦ની સાલમાં જીનના જીવનમાં ઉલ્કાપાત સર્જાયો જ્યારે તેનો નાનકડો નિયોન સાઈનનો વ્યવસાય પડી ભાંગ્યો અને તેણે દેવાળું ફૂંકવું પડ્યું. કેનેડાના ક્યુબેક ટાઉનશીપમાં તેનો જન્મ અને ઉછેર થયો. તેના પિતાનો મિલ્ક ફાર્મનો વ્યવસાય હતો. તેણે મોટા થઈને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ અચાનક તેનો વ્યવસાય ધીમે ધીમે ઠપ્પ થવા લાગ્યો. પ્રયત્નો કરવા છતાં તે વ્યવસાયને બચાવી ન શક્યો અને એક દિવસ તે બેકાર થઈ ગયો.
તે સમયે જીન ૪૫ વરસનો હતો. જે ઉંમર ઠરીઠામ થવાની હતી ત્યારે જ તેના જીવનનું ભવિષ્ય ભાંગીને ભૂક્કો થઈ ગયું. તે ડિપ્રેશન એટલે કે હતાશામાં સરી પડ્યો. તેને લાગ્યું કે મિડલાઈફ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યો છે. અને તેમાંથી સરળતાથી બહાર નીકળવાનો રસ્તો તેને દેખાતો નહતો. તે પોતાની ગલીઓમાં ચાલી રહ્યો હતો કે તેને લાંબું ચાલવા જવાનો વિચાર આવ્યો. આમ પણ કહે છે કે ચાલવાથી હતાશામાં ફાયદો થાય છે. જીને વિચાર્યું કે અટક્યા વગર ચાલીએ તો વળી પાછા કયારેક જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાંજ પાછા આવી શકાય. જો કે આ રીતે ચાલવાનો વિચાર બીજ તરીકે ૧૯૯૮ની સાલમાં તેના વિસ્તારમાં બરફનું મોટું તોફાન આવ્યું હતું. તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વીજળીનો મુખ્ય કેબલ તૂટી પડતા દિવસો સુધી અંધારપટમાં જીવવું પડ્યું. તે સમયે પણ જીનને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેણે ચાલવાનું અને દોડવાનું કર્યું હતું એનાથી તેને સારું લાગ્યું હતું એટલે હતાશામાં તેને લાગ્યું કે રસ્તો તેને ફરી બોલાવી રહ્યો છે.

આવું વિચારીને જીન અટક્યો નહીં તેણે ખરેખર લાંબું એટલે કે આખાય વિશ્ર્વનો પ્રવાસ પગે ચાલીને કરવાનું નક્કી કર્યું. તેના આ વિચારને અમલમાં મૂકવામાં તેની પત્ની લ્યુસીએ પણ પ્રોત્સાહન આપ્યું. ૧૮ ઑગસ્ટ ૨૦૦૦ તેનો ૪૫મો જન્મ દિવસ તે જ દિવસે તેણે કેનેડાથી ત્રણ પૈડાંવાળી ગાડી પર સ્લીપિંગ બેગ, નાનો તંબુ, ફર્સ્ટ એઈડનો થોડો સામાન અને જરૂરી થોડી વસ્તુઓ અને કપડાં મૂકી તેણે ચાલવાનું શરૂ કર્યું. સાથે ન તો મોબાઈલ ફોન લીધો કે ન તો પૈસા લીધા. તેણે જે રીતે રૂટ
બનાવ્યો હતો તે જોતા તેનો આ પગપાળા પ્રવાસ દસ વરસમાં પૂરો થાત પણ બરાબર અગિયાર વરસે એટલે કે ૨૦૧૧ના સાલમાં ઑક્ટોબર મહિનામાં લગભગ ૭૬૦૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ તેણે ૫૪ બૂટની જોડી વાપરીને પૂરો કર્યો અને મોન્ટ્રીયલ પરત પોતાના પરિવાર પાસે ઘરે પરત આવ્યો હતો.
તે જ્યારે પ્રવાસે નીકળ્યો હતો ત્યારે તેની દીકરી ગર્ભવતી હતી અને જ્યારે પરત ફર્યો ત્યારે તેને એક અગિયાર વરસનું અને બીજું પાંચ વરસનું બાળક હતું. તેની માતાને તે અગિયાર વરસે મળ્યો હતો. તેની પત્ની લ્યુસી દર ક્રિસમસના દિવસોમાં જીન જ્યાં હોય ત્યાં વિમાનના પ્રવાસથી પહોંચી જતી. પોતાના પ્રવાસ દરમિયાન જીને અનેક તકલીફો અને સમસ્યાઓનો સામનો કર્યો. જીને અમેરિકા,એટલાન્ટિક કોસ્ટ,ચીલે, યુરોપ, આફ્રિકા, મોરોક્કો , ઇગ્લેંડથી ભારત,ચીન,સાઉથ કોરિયા, ફિલિપાઈન્સ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડથી પરત કેનેડા ગયો.
તેણે પોતાની ડાયરીમાં નોંધ્યા પ્રમાણે કુલ ૬૪ દેશોમાં તેણે ૧૬૦૦ ઘરોમાં રાત વિતાવી અને લગભગ એટલી જ રાતો તેણે રસ્તા પર કે ચર્ચમાં કે ધર્મશાળામાં કે પછી પોલીસ સ્ટેશનમાં પણ વિતાવવી પડી હતી. તેણે જીવનમાં કશુંક જુદું કરવાની ઇચ્છામાં આ પ્રવાસ શરુ કર્યો હતો, ખાલી હાથે દેવાળિયા જીને પ્રવાસ શરૂ કરેલો પરત ફર્યો ત્યારે પણ તે ખાલી હાથે જ પાછો આવ્યો હતો. પરંતુ તેની પાસે વિશ્ર્વપ્રવાસના અનુભવનું ભાથું હતું. તે કહે છે કે, ‘પ્રવાસે નીકળેલો જીન અને પરત ફરેલા જીનમાં ઘણું અંતર છે. ભલે બહારથી એ જ વ્યક્તિ છું પણ અંતર મારું અનુભવથી સમૃદ્ધ થઈ ગયું છે. મને સમજાયું છે કે પૈસાથી સુખ કે શાંતિ ખરીદી નથી શકાતા. હું પ્રવાસ દરમિયાન એવી કેટલીય વ્યક્તિઓને મળ્યો છું જેમની પાસે પૈસા ન હોય છતાં તેઓ ખુશ હતા. તેને એ સમજાયું છે કે ભૌતિક સફળતા જ આનંદમય જીવન આપી શકે છે એ માન્યતા ખોટી છે. ’
જીને પોતાના પ્રવાસ અને અનુભવો વિશે બે પુસ્તક લખ્યાં છે. આટલો લાંબો પગપાળા પ્રવાસ કરવાનો તેણે વિશ્ર્વ વિક્રમ પણ સર્જી દીધો છે. તેની પાસે હવે વિશ્ર્વ શાંતિ અને તેના પદયાત્રાના અનુભવોમાંથી એ શું શીખ્યો તે કહેવા માટે ઘણું છે. જીનને દેશપરદેશથી પોતાના અનુભવો કહેવા અને લોકોને પ્રેરણા આપવા બોલાવે છે. જીન બધાને એક જ વાત કહે છે કે તમે મારા માર્ગ પર ચાલવાને બદલે તમારો રસ્તો જાતે બનાવો. દરેકે પોતાનું પેશન શોધીને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જીવનની રેટ રેસમાં આજે માનવી એટલે ભાગી રહ્યો છે કે તેને સુખી થવું છે પણ જરૂરી નથી કે પૈસા કે સફળતા તેને સુખ આપી જ શકે તે આપણને જીનના જીવન અને અનુભવની વાત પરથી સમજાય તો સારું.


You Might Also Like

0 comments