સમી સાંજની નિરાંતનો ઓટલો (mumbai samachar)

03:12

                         લાઇફ બિગીન્સ ઍટ સિક્સ્ટી એ આજના વડીલોનું નવું સૂત્ર છે. એવી એક માન્યતા છે કે જેમ તમારી ઉંમર વધે એમ તમારામાં શાણપણ વધે, હિંમત પણ વધે. સાથે સાથે આપણા શ્રેષ્ઠ દિવસો હવે પૂરા થયાં એવી માન્યતા સુધ્ધાં આપણને ઘેરી વળે. ૧૯૩૨માં બ્રિટનમાં એક સર્વે થયો હતો જેમાં લાઇફ બિગીન્સ ઍટ ફોર્ટી એવું તારણ નીકળ્યું હતું. એનો અર્થ એવો તારવવામાં આવ્યો હતો કે ચાળીસીમાં પ્રવેશેલી વ્યક્તિ બાકીના આયુષ્યમાં વધુ આનંદ માણી શકે વધુ સમૃદ્ધ થઇ શકે. એ સમયમાં ૬૦ વર્ષની વ્યક્તિ વૃદ્ધ ગણવામાં આવતી હતી. છેલ્લા કેટલાક દાયકામાં લોકોનું આયુષ્ય ખાસ્સું વધ્યું છે અને નવું સંશોધન કહે છે કે ૬૦ વર્ષે જીવનનો અંત નથી આવી જતો બલકે લાઇફ બિગીન્સ ઍટ સિક્સ્ટી. શારિરીક ઉંમરને માનસિકતા સાથે કોઇ સંબંધ નથી હોતો એવી માન્યતા રૂઢ થઇ ગઇ છે. ઉંમર ૬૦ની હોઇ શકે છે, પણ દિમાગ ૧૬ વર્ષનું થનગનતું હોય એવો તરવરાટ આજના વડીલોમાં જોવા મળે છે. 

૭૫ વર્ષની ઉંમર પહેલાં જ કેટલાક લોકો માથે હાથ દઈને બેસી જાય છે. મારી ઉંમર થઈ એટલે મારાથી હવે ચલાય નહીં. અથવા હવે તો ભજન કરવાના અને આરામ કરવાના દિવસો આવ્યા. અમે બુઢ્ઢા થઈ ગયા આ વાક્ય પ્રયોગો અવારનવાર આપણા કાને અથડાય છે. ત્યારે બીજી બાજુ કેટલાય એવા લોકો છે જે જીવનના અંતિમ સમય સુધી શુરવીર લડવૈયાની જેમ જીવે છે. 

ગાંધીવાદી સ્વ. ઉષા મહેતા ૭૮ વરસની વયે પણ મણિભવનમાં નિયમિત કાર્યભાર સંભાળતા. એટલું જ નહીં બસમાં મુસાફરી પણ કરી શકતા. આજે પણ એવા અનેક લોકો હશે કે જેઓ સાઈઠ કે સિત્તેર વરસ બાદ પણ શારીરિક અને માનસિક રીતે કાર્યરત હશે. અમેરિકામાં તો ૬૫ વરસ પછી પણ કામ કરતાં હોય તેવી વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે તેમાં મોટાભાગની વ્યક્તિઓને પોતાનું કામ ગમતું હોવાનું કબૂલ્યું હતું. આપણે ત્યાં પણ પોતાનો વ્યવસાય કે ઓફિસ ધરાવનાર પુરુષો ૭૦ વરસ પછી પણ નિયમિત ઓફિસ જતા હોય છે. સ્ત્રીઓ તો ઘરકામમાંથી ભાગ્યે જ નિવૃત્તિ લેતી હોય છે. 

આ વૃદ્ધાવસ્થા આખરે છે શું?

વૃદ્ધાવસ્થા એ એક પ્રોસેસ છે. તમે જન્મો છો. યુવાન થાવ છો. અને પછી કુદરતી રીતે વૃદ્ધ થતા જાવ છો. આ બધાં મેડિકલ ફેકટર્સ છે. કોઈક વ્યક્તિ ચાલીસ-પચાસ વરસે પણ વૃદ્ધ જેવી દેખાય તો કોઈક વ્યક્તિ એંશી વરસે પણ ચુસ્ત દુરસ્ત હોય. આમાં જિનેટિક્સ પણ કામ કરે છે. કેટલાકના કુટુંબમાં લાંબુ આયુષ્ય ભોગવનારી વ્યક્તિઓ ઘણી હોય તો એ તેમના વારસામાં હોય છે. દરકાર ન લેવાય તો એ કુટુંબની વ્યક્તિઓ ઘણી નાની ઉંમરે મૃત્યુ પામે છે. અફકોર્સ, પેલી કહેવત છે ને વેર ધેર ઈઝ વિલ, ધેર ઈઝ અ વે એમ વ્યક્તિની માનસિકતા પણ જીવનમાં ઘણો ભાગ ભજવે છે. જીવન પ્રત્યેનો અભિગમ, લાઈફસ્ટાઈલ આ બધું જ વૃદ્વાવસ્થાને ઘડે છે. 

વૃદ્ધાવસ્થાને ઘડવી એટલે શું? જીવન પ્રત્યેનો પોઝિટિવ અભિગમ જીવવા માટે જરૂરી છે. એટલું જ નહીં ખૂબ જ જરૂરી છે એવું વાર્તાકાર સ્વ. હરીશ નાગ્રેચા કહેતા. હરીશ નાગ્રેચાને આજે એટલે યાદ કર્યા કે તેઓ ડાયાબિટીસના દરદી હતા અને ૬૦ વરસની ઉંમરે તેમને પેરેલિસિસનો એટેક આવ્યો હતો. આખુંય અંગ ખોટું થઈ ગયું હતું. જમણા હાથપગ તો સાવ નિષ્ક્રિય થઈ ગયા હતા. તેમને થયું આમ કેમ જીવાય? બસ એ સવાલ થતા જ કસરત અને મક્કમ મનોબળ વડે ત્રણ જ મહિનામાં ફરીથી એકલા હરતાં ફરતા થયા, એટલું જ નહીં સતત મહેનત કરી ફરીથી લખતા શીખ્યા અને તેમના બે વાર્તા સંગ્રહ પણ પ્રગટ થયા. 

દુનિયાના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ૧૦૪ વરસે ફૌજાસિંઘે ગયા વરસની મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેમણે ૮૯ વરસની ઉંમરે સૌ પ્રથમવાર મેરેથોન દોડવાની શરૂઆત કરી હતી. ફૌજાસિંઘ ખૂબ જ ઓછું ખાય છે. તેમણે એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે વધુ ખાવાથી લોકો મરતાં સાંભળ્યા છે પણ ઓછું ખાવાથી નહીં. બસ એક રોટલી અને દાળ તેમનો મુખ્ય ખોરાક છે. તેઓ ક્યારેક જ જંક ફુડ ખાય છે. ત્રીસ વરસ પહેલાં તેમણે માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી બનવાનું નક્કી કર્યું હતું. તેઓ હરીફાઈ માટે નથી દોડતા એટલે કેટલું દોડ્યા કે કેટલો સમય લાગ્યો એવા કોઈ આંકડાઓ પર તેમની નજર નથી હોતી. આ ઉંમરે પણ આટલા ફીટ કેમ તેનું રહસ્ય જણાવતાં કહે છે કે સાદો અને ઓછો ખોરાક તથા મનની શાંતિ અને શારીરિક વ્યાયામ તમને તનમનથી વૃદ્ધ નથી થવા દેતા. તકલીફોથી હાર માનવામાં નથી માનતા. તકલીફોને હરાવીને વધુ આનંદ આવે છે. ફૌજાસિંઘ પણ વૃદ્ધત્વની પીડાઓ અનુભવે છે બસ તેને ગણકારતા નથી. પીડા વિના આનંદ મળતો નથી એવું તેઓ દૃઢપણે માને છે. 

આજના આધુનિક યુગમાં લોકો લાંબું જીવતા થઈ ગયા છે . વૃદ્ધત્વ એક પ્રોસેસ છે એવું વૈજ્ઞાનિકો માને છે. નાના હોઈએ ત્યારે જલ્દી મોટા થવાનું ગમતું હોય છે, કારણ કે પુખ્ત થતાં કેટલીક સ્વતંત્રતાઓ મળે છે. મધ્ય વય પહોંચતા પણ વધતી ઉંમર પ્રત્યે ઉત્સાહ ઓસરતો નથી. ચાલીસ વરસ બાદ જેમ જેમ શારીરિક ચિહ્નો બદલાય છે તેમ તેમ થોડી ચિંતા થાય છે. એક્ટિવિટી એટલે કે શારીરિક શ્રમ કરનારાની ઉંમર જલ્દી કળાતી નથી એવું કહેવાય છે પણ ઉંમર થતા શારીરિક ક્ષમતા ઓછી થતી હોવાનું દરેક વ્યક્તિને અનુભવ થતો હોય છે. રમતગમતમાં સક્રિય લોકોને પણ એ ફરક અનુભવાતો હોવાથી ઉંમર વધતા તેઓ નિવૃત્તિ લઈ લેતા હોય છે. એનઆઈએ દ્વાર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેરેથોન રનર પણ ઉંમર વધતા ધીમો પડી જતો હોય છે. ઉંમર વધતા શારીરિક ફેરફાર થવા એ સામાન્ય બાબત છે પણ એવું માનવામાં આવે છે કે મોટી ઉંમરે વ્યક્તિઓ વધુ પડતી ચિડચિડયણ, ડિપ્રેસ્ડ અને એકલવાયી થઈ જતી હોય છે. એનઆઈએની બાલ્ટીમોર લોન્ગિટ્યુડીનલ સ્ટડી ઑફ એજિંગમાં લાંબા સમય સુધી કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું કે ૩૦ વરસની ઉંમર પછી વ્યક્તિના સ્વભાવમાં ખાસ બદલાવ આવી શકતો નથી. જે વ્યક્તિ ત્રીસ વરસ સુધી જોલી ગુડ ફેલો રહી હોય તો તે ૮૦ વરસની ઉંમરે પણ તેવી જ હશે અને જે વ્યક્તિ ૩૦ વરસની ઉંમરે હતાશ, સ્ટ્રેસ્ડ અને નકારાત્મક રહી હશે તે ૮૦ વરસે એવી જ હોવાની સંભાવના ઘણી વધારે હોય છે. જો કે અભ્યાસમાં એવું પણ જાણવા મળે છે કે તાણ, સ્વભાવ, પ્રદૂષણ અને પરિસ્થિતિની અસર પણ તન-મન પર અસર કરી શકે છે અને વૃદ્ધત્વની નિશાનીઓ વહેલી દેખાઈ શકે છે. 

કેલિફોર્નિયામાં થયેલા એજિંગ પરના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જેઓ બેઠાડું જીવન જીવતાં નથી તેમના શરીર પર પ્રૌઢત્વની અસર જલ્દી દેખાતી નથી. અર્થાત્ નિયમિત કસરત અને શારીરિક ચહલપહલ લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન દેખાવા માટે જરૂરી છે. તમારે લાંબો સમય સુધી યુવાન દેખાવું હોય તો ટેલિવિઝનની સામે કે કોમ્પ્યુટરની સામે વધુ સમય ન વીતાવવો. સતત હરતાફરતા રહો. 

સ્વસ્થ તન-મનને જાળવવાની ચાવી 

વૃદ્ધાવસ્થામાં શરીર કાર્યક્ષમ રહે એ માટે થોડી કસરત કરવી જરૂરી છે. કેમકે તેથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. વધારે સમય સુધી કે રોજ ન થઈ શકે તો અઠવાડિયામાં બે દિવસ કસરત કરવી. એથી સ્નાયુઓ સક્રિય રહે છે. કસરત તમારી શક્તિ પ્રમાણે ઈચ્છા હોય ત્યારે છતાં બની શકે તો સવારે ખાલી પેટે કરવી. વળી એક કસરત પૂરી થયા બાદ જ બીજી કસરત શરૂ કરવી. 

કસરત કરતી વખતે મનને ઉલ્લાસભર્યું રાખો. બને તો મનોમન પ્રભુસ્મરણ કરવું જેથી મનમાં બીજા ખોટા વિચાર ન આવે. જો તમારી પાસે પૂરતો સમય હોય તો માલિશ કર્યા પછી કસરત કરવાનું રાખો. ત્યારબાદ અડધા કલાકે હળવું ભોજન કરવું. ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ ઓછામાં ઓછું દસ ગ્રામ હોવું જોઈએ. 

ઉનાળાની ઋતુમાં કસરત કરો અને વધારે પરસેવો થાય તો પણ કસરત કરવાનું ચાલુ રાખવું. જો કે વૃદ્ધાવસ્થામાં શરીરને સક્રિય રાખવાનો સૌથી સરળ ઉપાય ફરવા જવાનો છે. જો તમને એકલા ફરવા જવાનો કંટાળો આવતો હોય તો તમારી ઉંમરના ત્રણ-ચાર વ્યક્તિઓનું ગ્રુપ બનાવી ફરવા જાવ. તમારો સમય કેવી રીતે પસાર થઈ ગયો તેની ખબર પણ નહીં રહે. શક્ય હોય તો શાંત અને કુદરતી સ્થળે ફરવા જવાનું રાખવું. જો દરરોજ કુદરતી વાતાવરણમાં ફરવા ન જઈ શકાય તો અઠવાડિયે એકાદ વાર નજીકના કોઈ જંગલમાં જવું જોઈએ. એ સિવાય દરરોજ બગીચામાં કે દરિયા કિનારે ચાલવા જઈ શકાય. વેઈટટ્રેઈનિંગ પણ મજબૂત હાડકાં માટે જરૂરી છે. બહાર ચાલવાથી તન અને મન સ્ફૂર્ત થાય છે. હતાશા દૂર રહે છે અને પ્રફુલ્લિત રહી શકાય છે. એટલે ટેલિવિઝન સામે લાંબો સમય બેઠા રહેવાનું ટાળવું જરૂરી છે. મિત્રો સાથે ગમ્મત કરો, સમાજમાં હળવું ભળવું. સંગીત, ચિત્રકામ, બાગકામ કે જે તમને ગમે તે શોખ કેળવો. 

-----------------------------

સમી સાંજની નિરાંતનો ઓટલો 

ગુજરાતના કેટલાક ગામડાઓમાં તેમાં પણ આણંદ બાજુના ગામોમાં જાઓ તો તમને મોટાભાગના ઘર પર તાળું દેખાશે અને બાકીના જે હશે તેમાં પ્રૌઢ વ્યક્તિઓ જ રહેતી હશે. એ ગામોના યુવાનો વિદેશમાં ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા હોય છે. તેમાંથી કેટલાકના માતાપિતા પણ ભારતમાં એકલા રહેવા કરતાં દીકરા-દીકરી પાસે વિદેશમાં કાયમ રહેવા જતાં રહેવાનું પસંદ કરે છે. તો વળી કેટલાકને ભારત છોડીને વિદેશ સ્થાયી નથી થવું. ઉંમર વધતાં તેમની દેખભાળ રાખનાર કે કાળજી લેનાર કોઈ સ્વજન પાસે ન હોય તો ક્યારેક ને ક્યારેક તો એકલતા લાગતી હોય છે. ગુજરાતમાં જ કેમ ભારતના અનેક શહેરોમાં પણ નિવૃત્ત માતાપિતા એકલા રહેતા જોવા મળે છે. આજે વિજ્ઞાનની શોધને લીધે માનવી ઘણું લાંબુ જીવી શકે છે. વિશ્ર્વના અન્ય દેશની જેમ ભારતમાં પણ સિનિયર સિટીજન્સની સંખ્યા સતત વધી રહી છે. 

નવી પેઢીને વિદેશમાં કારકિર્દી અને કમાણી હોય એટલે તેઓ ત્યાં સહેલાઈથી સેટ થઈ જાય છે, પણ તેમના માતાપિતા જેમની મોટાભાગની જિંદગી અહીં જ કુટુંબીઓ અને મિત્રો વચ્ચે વીતી હોય ત્યારે તેમને નવા દેશમાં નવેસરથી જીવનની ટેવ બદલીને જીવવું ફાવતું નથી. વળી તેમને પોતાના દેશ કરતાં વિદેશમાં વધુ એકલતા જણાય છે. ભારતમાં તેમને ઘર જેવું લાગે છે જ્યારે નવા દેશમાં તેમને નવા સંબંધો જલ્દી બંધાઈ શકતા નથી. વિદેશમાં એકલા ફરવા જવું પણ તેમને ફાવતું નથી હોતું, આમ અનેક કારણોસર તેઓ પોતાના પરિચિત દેશમાં પરિચિત વાતાવરણમાં જ રહેવું પસંદ કરે છે. જોકે સામે તેમના સંતાનોને સાજામાંદા રહેતા તેમના માતાપિતાની ચિંતા પણ થતી જ હોય છે. આમાંથી વડીલો પોતે પણ માર્ગ કાઢી રહ્યા છે તો સંતાનો પણ કંઈને કઈ વચલો માર્ગ નીકળી શકે તેના પ્રયત્નો કરી રહ્યા છે. હવે વિદેશમાં રહેતા સંતાનો એકલા રહેતા પોતાના માતાપિતાના ઘરમાં સીસી ટીવી કેમેરા સેટ કરે છે. વૃદ્ધાશ્રમને આપણે ત્યાં આ પહેલાં સરળતાથી અપનાવાતું નહોતું. જો કે તેના પણ પ્રકાર છે હવે તો. કેટલાક વૃદ્ધાશ્રમ ગરીબો માટે છે જે સખાવતી હોય છે તો કેટલાક ઓલ્ડ એજ હોમ તરીકે પણ કાર્ય કરે છે. આવા હોમમાં વૃદ્ધોએ અમુક ડિપોઝિટ તેમજ દર મહિને કેટલાક રૂપિયા ભરવાના હોય છે. તેની સામે એમને પોતાનો રૂમ અને તેમની દરેક જરૂરિયાત સંતોષાય છે જેમકે સવારના ચા નાસ્તાથી લઈને દરેક ભોજન, ડૉકટરની સેવા, જિમ્નેશિયમ, લાઈબ્રેરી અને પોતાની જ વયના બીજા સિનિયર સિટીઝનોનો સાથ પણ મળતો જ હોય છે. 

જો તેઓ એકલા પોતાના ઘરમાં રહે તો પ્લમ્બરથી લઈને ઈલેક્ટ્રિશિયન અને ઘરની સાફસફાઈ તેમ જ રસોઈની જફા પણ તેમણે કરવી પડે. વળી તેમની ઉંમરના મિત્રો જો દૂર રહેતા હોય તો આજે પ્રવાસ કરવો સહેલો નથી રહ્યો. 

સુરતના અંગ્રેજીના પ્રોફેસર અંજનીબહેન મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા આવા જ એક સિનિયર સિટિઝન્સ હોમમાં વરસોથી રહે છે. તેમણે મુંબઈ પસંદ કર્યું કારણ કે અહીં તેમને ગમતાં કલ્ચરલ કાર્યક્રમો પણ માણવા જઈ શકે અને મિત્રો સાથે સમય પસાર કરી શકે. આ હોમમાં તેમની દરેક અનુકૂળતા જળવાઈ રહે છે. ગુજરાતમાં પણ આવા કેટલાક ઓલ્ડ એજ હોમ કાર્યરત છે. જ્યાં વડિલો ઈચ્છે તો કાયમી વસવાટ કરી શકે છે અથવા થોડો સમય રહેવા પણ જઈ શકે છે. આ ઘર સિનિયર સિટિઝન માટે હોવાથી ઓલ્ડ એજ હોમ કહેવાય છે બાકી ત્યાં રહેવા જતાં વડિલો પોતાના મિત્રો સાથે રિસોર્ટમાં રહેતાં હોય તેવો જ અનુભવ તેમને થતો હોય છે. 

એ સિવાય કેટલાય એવા પ્રોજેક્ટો શહેરોની આસપાસ કુદરતી વાતાવરણમાં આકાર લેવા માંડ્યા છે, જેમાં દરેક સુખસગવડ સાથે નિવૃત્ત લોકોની કોલોની હોય. તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે. મેડિકલ હેલ્પ અને હોસ્પિટલની સહાય પણ તેમને ઈમરજન્સીમાં મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ કોલોની થોડી મોંઘી હોય છે પણ જેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા હોય અથવા જેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માગતા હોય, પોતાની વયના લોકોની સાથે તેઓ પણ આવી કોલોનીમાં શિફ્ટ થઈને નિરાંતનું જીવન જીવવાનું પસંદ કરે છે. તો વળી કેટલાક લોકો પોતે જેની સાથે હળીભળીને જીવન જીવી શકે તેવી વ્યક્તિઓ સાથે રહેવા માટે પણ અહીં શિફ્ટ થતાં હોય છે. મોટી ઉંમરે કેટલાક લોકો શહેરની ભીડભાડથી દૂર શાંત સ્થળ અને મોટી મોકળાશવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરતા હોવાથી પણ આવી કોલોનીઓમાં રહેવા જવાનું પસંદ કરે છે. વધતી જતી મોટી વયના નિવૃત્ત લોકોની સંખ્યાને કારણે આજે દરેક શહેરોની આસપાસ આવી ખાસ સિનિયર સિટીઝન્સ માટેની કોલોનીઓ આકાર લઈ રહી છે. કેટલીક સંસ્થાઓ પણ આવી કોલોની ઊભી કરે છે અને નિવૃત્ત વ્યક્તિઓને સામાજિક કાર્યોમાં જોડાવાની તક આપે છે. દરેક વ્યક્તિ અહીં પોતાને મનગમતું કામ ઉપાડી લઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવી અનેક સંસ્થાઓ કામ કરી રહી છે.

You Might Also Like

0 comments