દુનિયા બદલવાની ખ્વાહિશ (mumbai samachar)

01:07

                      





પાકિસ્તાનની મલાલાએ જેમ હિંમત બતાવી તે રીતે ગોવંડીની સલેહા ખાન પણ હિંમતથી પોતાનો ચીલો પાડી રહી છે. હા, મલાલાની જેમ સલેહાએ હિંસાનો સામનો નથી કરવો પડ્યો, પણ મલાલાના પિતાની જેમ સલેહાના પિતા તેની સાથે નહોતા પણ તેની સામે હતા. નાનકડી નાજુક સલેહા ખાનનો જન્મ કટ્ટર મુસ્લિમ વસ્તીમાં ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો. જ્યાં બે ટંકનું જમવાનું અને બે જોડી કપડાં મળી જાય તો નસીબની વાત મનાય છે. મુંબઈના છેવાડે આવેલા ગોવંડીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મિકેનિકનું છૂટક કામ કરતા પિતા શકીલ અને માતા પરવીન તથા ત્રણ ભાઈ-બહેન સાથે એક જ રૂમમાં રહેતી સલેહા ખાને ‘મુંબઈ સમાચાર’ સાથે તીણા સ્વરે વાત કરતાં કહ્યું કે ‘ત્રણ વરસ પહેલાં મારા જીવનમાં અંધકાર જ છવાઈ ગયો હતો જ્યારે મારાં માતાપિતાએ આગળ ભણવાની ના પાડી. મારે હજી દુનિયા જોવાની બાકી હતી. ખુલ્લા આકાશમાં ઊડવું હતું. પણ અમારા વિસ્તારમાં છોકરીઓ દસમા ધોરણ સુધી ભણી લે તો પણ ઘણી મોટી વાત ગણાય છે. છોકરીઓને ઘરની બહાર નીકળવાનું પણ લગભગ બંધ હોય છે, કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં માથાભારે અને દારૂડિયા પુરુષો ફરતા હોય છે. દરેક માતાપિતાને પોતાની દીકરીની ચિંતા હોય તે સહજ છે.’

પાકિસ્તાનની મલાલાએ જેમ છોકરીઓના  શિક્ષણનું બીડું ઉપાડ્યું છે તે રીતે સાલેહા ખાને પોતાની જાતે જ પોતાનું અને આસપાસની છોકરીઓનું જીવન બદલવાનું શરૂ કર્યું.  માંડ સાડા ચાર ફૂટની ઊંચાઈ અને દુબળી પાતળી, ચુસ્ત મુસ્લિમ મહોલ્લામાં રહેતી સલેહા ખાનમાં આટલી બધી હિંમત કેવી રીતે આવી. તેની નવાઈ એના માતાપિતાને તેમ જ ઝૂંપડપટ્ટીમાં કામ કરતાં સામાજિક કાર્યકરોને પણ લાગી હતી. સલેહા ખાન એ વિશે વાત કરતાં કહે છે કે ભણવું જરૂરી છે. ભણવાથી તમારામાં આત્મવિશ્ર્વાસ આવે છે. મારી આસપાસ મેં સ્ત્રીઓની સ્થિતિ જોઈ છે. તેમને બંધનમાં રહેવું પડે છે, કારણ કે તેઓ ભણ્યા નથી. પોતાના જીવનમાં નાનામાં નાના નિર્ણયો પણ લઈ શકતી નથી. ઉપરાંત અનેક જાતની હિંસામાંથી તો પસાર થવાનું જ. ઝૂંપડપટ્ટીમાં કુદરતી હાજત માટે કોમન જગ્યા હોય. ત્યાં જવું-આવવું પણ સહેલું નહોતું. નવરા છોકરાઓ તેની આસપાસ ફરતાં હોય. દારૂડિયાઓ પડ્યા રહેતા હોય. તેઓ છેડતી કરે. પાણી ભરવા પણ બહાર તો જવું જ પડે. આટલી સામાન્ય બાબતોમાં પણ અનેક જોખમોનો સામનો છોકરીઓએ કરવો પડતો હોય ત્યાં પિતાજી અને ભાઈઓ છોકરીઓને બીજે બહાર જવાની છૂટ જ ન આપે. મારે આગળ ભણવું હતું અને પિતાજીની આવક એટલી નહોતી કે ઘરનો ખર્ચો કાઢ્યા બાદ મારા ભણવાનો ખર્ચો ઉપાડી શકે, પણ મારી અમ્મા પરવીને મને ઘણો ટેકો આપ્યો. અબ્બાને મનાવવા કે મને ભણવા માટે બહાર જવા દે. બહાર નીકળી તો દુનિયાની તકલીફો અને અચ્છાઈઓ સમજાઈ. અમારે ત્યાં અપનાલય સંસ્થા અમારા વિકાસ માટે કામ કરે છે તેમની વાતો મને ખૂબ ગમતી હતી. મને સમજાતું હતું કે ઝૂંપડપટ્ટીના માહોલને બદલવા માટે અમારે પોતે જ મહેનત કરવી જોઈએ. એટલે સૌ પહેલાં તો દસમાં ધોરણ બાદ મારે ભણવું છે તે નક્કી કર્યું. પિતાજી કોઈ રીતે માનતા નહોતા. તેમની વાત પણ સાચી હતી કે છોકરીની ચિંતા તેમને થાય, કારણ કે જમાનો ખરાબ છે. તેમને મનાવવા માટે અપનાલયના કાર્યકરો ઘરે આવ્યા. વારંવાર તેઓ આવીને મારી હિંમત અને કામના વખાણ કરીને આગળ વધવા દેવી જોઈએ તેવું પિતાજીને સમજાવતાં. અપનાલય તરફથી મને ભણવાની ફી પણ મળવાની હતી. મારી કૉલેજની ફી તેમણે આપવાની વાત કરી એટલે પિતાજી થોડા પીગળ્યા. પછી અમ્મીએ પણ મારો પક્ષ લઈને કહ્યું છોકરી પર ભરોસો રાખીને જવાદો. ભણશે તો કાલે ઊઠીને પોતાના પગ પર ઊભી રહી શકશે. પોતાના બાળકોને ભણાવી શકશે, પણ પિતાજીની શરત હતી કે નજીકની જ કૉલેજમાં જવાનું. એટલે અહીં જ ગોવંડીની કૉલેજમાં અગિયારમું કર્યું અને બારમાં ધોરણની પરીક્ષા આ વરસે આપીશ.

ભણવાની સાથે સલેહા ખાન સામાજિક સંસ્થાઓમાં પણ જવા લાગી અને પોતાની ધગશથી આજે પોતે સ્વયંસેવક બની ગઈ છે. તે આસપાસની બીજી છોકરીઓને પણ આગળ ભણવા માટે સમજાવે છે. તેમના મહોલ્લામાં લોકો છોકરીઓ બગડી જશે કે તેમની સાથે કંઈક ખોટું થશે તો એ ડરને લીધે કૉલેજમાં ભણવા મોકલતા નથી. નવમાં કે દસમાં ધોરણ બાદ છોકરીઓને ઘરમાં જ બેસાડી દેવામાં આવે છે. સલેહાએ તેમના માતાપિતાને સમજાવીને છોકરીને આગળ ભણવાની હિંમત આપે છે. ગરીબીને લીધે જ મોટાભાગના માતાપિતા છોકરીને ભણાવતાં નથી હોતા. ગોવંડીમાં છોકરીઓને ભણવાનું મફત કેમ નથી તે એમને સમજાતું નથી. અને છોકરીઓને દૂર મોકલવા પણ માતાપિતા તૈયાર નથી હોતા. મોટેભાગે સંસ્થાઓ આવી છોકરીઓને ફીના પૈસા આપે છે. સાથે જ કોમ્યુનિટી લિવિંગના પાઠ પણ ભણાવે છે. તેમાં સલેહાએ બીજી છોકરીઓ સાથે મળીને ઘણું કામ કર્યું. જેમકે તેમણે પોતાની વસ્તીનો મેપ બનાવ્યો. તેમાં ક્યાં જોખમ છે અને ક્યાં સલામતી છે તે વિસ્તાર માર્ક કર્યા. જોખમ હોય તો કેવું છે અને તેને માટે શું થઈ શકે તે માટે સાલેહાએ પોતાનું દિમાગ લગાવ્યું, એટલું જ નહીં તેનું પ્રેઝન્ટેશન પણ તે જ આપે છે. વિસ્તારમાં ગુંડાઓના ત્રાસ કે પછી ખાડા ખબડાઓ હોય તો બાળકોને કેવી તકલીફ પડે તે આ મેપમાં નોંધાયેલું છે. જેમ કે એક શાળાની નજીક જ ખુલ્લી ગટર છે. નાના બાળકો તેમાં પડી જઈ શકે છે. ટોઈલેટની સફાઈ, વિસ્તારની સફાઈ કેટલી જરૂરી છે તે પણ તેઓ સમજે છે. ગંદકીને કારણે બીમારી ફેલાય છે. એટલે સ્વચ્છતા કેમ રાખવી. ટોઈલેટની પાસે પાણી ભરીને રાખવું એટલે લોકો ટોઈલેટમાં પાણી રેડી શકે અને ચોખ્ખાઈ રહે વગેરે કેટલાય કામો છે જેમાં લોકોમાં જાગૃતિ લાવવી પડે. કોઈપણ જાતની કુદરતી આફત આવે તો શું કરવું તે વિશે પણ સાલેહા તૈયાર છે. કોઈપણ બાબતે લોકોને પ્રેરવા હોય તો સાલેહા ખાન આગળ જ હોય. ઘરના કામમાં અમ્મીને મદદ કરી, ભણવા ઉપરાંત સાલેહાને સમાજના કામ કરવાનો ઉત્સાહ બમણો વધે છે. એની ધગશ અને કામ કરવાને લીધે તેને આ વરસનો સાવિત્રીબાઈ ફુલે એવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે એના પિતાજી સાથે ગયા હતા. સાલેહા કહે છે કે પહેલીવાર પિતાજીને મારા માટે માન થયું. તેમને ગર્વ થયો. પેપરમાં ફોટો છપાયો તો આસપાસના લોકોને પણ થયું કે અમારી દીકરી પણ બહાર જાય તો આવું કામ કરીને નામ કમાઈ શકે છે. સાલેહાની પાસે ઈન્ટરનેટ નથી પણ સંસ્થાઓમાં જઈને પોતાનો ફોટો ફેસબુક પર જુએ છે અને ઉત્સાહિત થાય છે. તેણે આગળ ભણીને શિક્ષિકા થવું છે અને છોકરીઓને ભણાવવી છે. સમાજમાં શક્ય તેટલા ઉપયોગી કામ કરવા છે. સેવ ચિલ્ડ્રન સંસ્થા સાલેહાનું નામ ઈન્ટરનેશનલ પીસ એવૉર્ડ માટે પણ મોકલવાના છે. નાનકડી છોકરીના ઊંચા સપનાંઓને મુંબઈ સમાચારના સલામ.









You Might Also Like

0 comments