૧૦૫ વરસની ઉંમરે સમાજમાં લાવ્યાં બદલાવ

23:15

                              

અભણ હોય કે ભણેલી, કિશોરી હોય કે વૃદ્ધા સ્ત્રી ધારે તો જગત બદલી શકે છે. એવી પ્રેરણા છત્તીસગઢના નાનકડા ગામની સદી વટાવી ચૂકેલી વૃદ્ધા આપે છે. જો ગરીબ-અભણ કુંવરબાઈ પોતાનો પરિસર બદલીને સમાજમાં બદલાવ લાવી શકે છે તો શહેરોમાં ય સ્ત્રીઓ ધારે તો શું ન કરી શકે?

મેટ્રો શહેરને સ્વચ્છ રાખવા અને ખુલ્લામાં મળવિસર્જન ન થાય તે માટે અનેક પ્રયત્નો છતાં શાસન માટે અઘરી બાબત લાગી રહી છે, જ્યારે છત્તીસગઢના એક નાનકડા ગામ કોટાભર્રી ગામને ૧૦૫ વરસની કુંવરબાઈએ દરેક ઘરમાં શૌચાલય બનાવવાની પ્રેરણા આપી. છત્તીસગઢના રાયપુર શહેરથી સો કિલોમીટરના અંતરે આવેલું આ કોટાભર્રી ગામમાં ૧૮ ઘર છે જે મહાનંદી નદી પર બંધ બંધાતા વિસ્થાપિતોના છે. પોતે ૧૦૫ વરસના હોવાનું કહેતા ગામના કુંવરબાઈ ન તો ભણ્યા છે કે ન તો ક્યારેય ગામની બહાર ગયા છે. આ ઉંમરે ગામના દરેક ઘરમાં શૌચાલય હોય તેની પહેલ લાકડીના ટેકા વગર ચાલી ન શકતી કુંવરબાઈએ કરી. તેમણે પોતાની બકરીઓ વેચીને ૨૨૦૦૦ રૂપિયા ઊભા કરીને સૌ પ્રથમ પોતાના ઘરે શૌચાલય બનાવ્યું. આજે ૮ લાખની વસ્તી ધરાવતો ધમતરી જિલ્લો ખુલ્લામાં મળવિસર્જન મુક્ત બન્યો છે તેના મૂળમાં કુંવરબાઈ છે. આમ એ ગામના દરેક માણસો જ નહીં પણ રાજ્યના અધિકારીઓ પણ કુંવરબાઈને જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાનના પ્રેરણામૂર્તિ માને છે.

કહેવાય છે કે ભારતમાં ૫૫ કરોડ લોકો ખુલ્લામાં મળવિસર્જન કરે છે. સ્વચ્છતા અભિયાન હેઠળ જ્યારે કુંવરબાઈના ગામમાં શૌચાલય વિશે સરકારી અધિકારીઓએ સમજ આપી ત્યારે કુંવરબાઈને લાગ્યું કે અરે વાહ આ તો સારી વાત છે. કુંવરબાઈએ એ પહેલાં ક્યારેય શૌચાલયનું નામ પણ નહોતું સાંભળ્યું કે જોયું પણ નહોતું. આખી જિંદગી તેઓ કુદરતી હાજત માટે જંગલમાં જ જતાં હતાં. હવે ઉંમર થવાને કારણે એકાદ બે વખત તેઓ પડી ગયા હતા પણ જંગલમાં ગયા વગર છૂટકો નહોતો. એટલે વરસ પહેલાં જ્યારે શૌચાલયની વાત આવી તો તેમણે નક્કી કર્યું કે પોતાના માટે તેઓ ઘરમાં શૌચાલય બાંધશે. આખાય ગામમાં કુંવરબાઈ સૌથી વધુ ગરીબ વ્યક્તિ છે. કુંવરબાઈ પાસે મિલકત તરીકે વીસેક બકરીઓ જ હતી. તેમાંથી સાત બકરી વેચીને શૌચાલય બાંધવાના પૈસા ઊભા કર્યા. ચારેક મજુર અને પંદર દિવસ બાદ રૂપિયા ૨૨૦૦૦ ના ખર્ચે આખાય ગામમાં સૌ પ્રથમ કુંવરબાઈનું શૌચાલય તૈયાર થયું એટલે તેમના ગામવાળા જ નહીં પણ આસપાસના ગામવાળાઓ પણ કુંવરબાઈનું શૌચાલય જોવા આવવા લાગ્યા. પછી તો ધીમે ધીમે લોકોે પોતાના ઘરે પણ શૌચાલય બાંધવા લાગ્યા. તેમને થયું કે જો સૌથી ગરીબ કુંવરબાઈને શૌચાલય બાંધવું પરવડી શકે છે તો તેમને પણ પરવડી જ શકે. કુંવરબાઈએ લોકોને ઘરે ઘરે જઈને સમજાવવાનું કામ પણ કર્યું છે.

કુંવરબાઈને સો વરસ પછી સમજ આવી પણ શહેરની નારીઓ ભેગી થઈને આસપાસનો પરિસર ચોખ્ખો કઈ રીતે રહે તે કામ કિટ્ટી પાર્ટી કરતાં શું વધુ મહત્ત્વનું નથી? કુંવરબાઈ જેવી અનેક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ શક્ય તેટલું પોતાનાથી થાય તે કામ કરતી હોય છે. મુંબઈ ગંદું રહે છે તો તેની ફરિયાદ કરીએ છીએ, પણ તે માટે કેટલો પ્રયત્ન આપણે કરીએ છીએ? દરેક વિસ્તારની સ્ત્રીઓ જો પોતાના વિસ્તારની સ્વચ્છતાનું કામ હાથમાં લે તો લોકો ગમે ત્યાં થૂંકે છે, હાજતે જાય છે, કચરો ફેંકે છે તે બંધ થઈ શકે. આ એક વિચાર છે તેને અમલમાં મૂકવો શક્ય છે.

You Might Also Like

0 comments