હદ ન ઓળંગતો પુરુષ સ્ત્રીને ગમે

03:16


                 

આજનો આ આર્ટિકલ તમને નારીવાદી લાગી શકે છે પણ મારી વિનંતી છે કે આ વિષયને ખુલ્લા મને જોશો તો તમને સમજાશે કે તમારા ઘરની સ્ત્રીઓને પણ આવી તકલીફ થઈ શકે છે. વિદેશોમાં આને મેનસ્પ્રેડિંગ કહેવામાં આવે છે. પશ્ર્ચિમી દેશોમાં આ વિશે અવારનવાર ચળવળ પણ થાય છે અને ચર્ચાઓ પણ થાય છે. પુરુષનો સ્વભાવ હોય છે પોતાનો વિસ્તાર નક્કી કરવો, પોતાનું આધિપત્ય સ્થાપવું. ગયા વખતના આદિમાનવના લેખની વાત અહીં પણ લાગુ પડે છે.
મારે સ્ટેશનથી રોજ શેર એ ટેક્સી પકડવાની હોય. એક વ્યક્તિ આગળ ડ્રાઈવરની બાજુમાં અને ત્રણ વ્યક્તિઓ પાછળ બેસે. બીજા ત્રણ પુરુષો હોય તો આગળ બેસેલા પુરુષને પાછળ બેસવા વિનંતી મોટાભાગે અમે સ્ત્રીઓ કરીએ, પણ બનતું એવું કે મોટાભાગના પુરુષો એવી બાંધછોડ કરવા તૈયાર ન થાય. તેમના મોઢા પર એવો પણ ભાવ હોય કે બહાર નીકળો છો તો પુરુષ સમોવડા થાવ. ખેર, એનો વાંધો નથી હોતો. પણ જ્યારે પાછળની સીટ પર બે પુરુષોની બાજુમાં બેસવાનું હોય ત્યારે અમે સંકોચાઈને બેસીએ અને પુરુષો તેમની સહજતાથી બેસે. તેમની કોણી અમને કમરમાં વાગતી હોય. પગ અમને ચંપાઈને મૂક્યા હોય. સ્ત્રીએ સામેથી કહેવું પડે કે ભાઈ તમારો હાથ થોડો સમય માટે તમારા ખોળામાં કે આગળ રહે એમ રાખો. કેમ અમારો હાથ તેમને નથી લાગતો? પ્લેનમાં કે ટ્રેનની સીટમાં જો બાજુમાં પુરુષ આવે તો હેન્ડરેસ્ટથી હાથ બહાર નીકળીને બાજુની સીટ પર પહોંચી જતો અનેકવાર સ્ત્રીઓએ રોકવો પડે. ઘરમાં કે કોઈપણ જગ્યાએ પુરુષોને બેસવા માટે વધુ જગ્યા જોઈતી હોય છે. જો કે તેનું મુખ્ય કારણ એ જ હોય છે કે તેમને પોતાનું અસ્તિત્વ સાબિત કરવાનું હોય છે. પોતાની સત્તા અને આધિપત્ય સ્થાપવાનો સ્વભાવ બની ગયો હોય છે. જ્યારે સ્ત્રીઓને પોતાનું આધિપત્ય ન હોય તેવી માનસિકતા કેળવવામાં આવે છે. આધિપત્ય ધરાવનાર પુુરુષ ખરાબ ન હોય પણ આધિપત્ય ધરાવનાર સ્ત્રી સારી ન ગણાય.
૨૦૧૧ની સાલમાં પ્રસિદ્ધ થયેલી અંગ્રેજી નવલકથા જેના પરથી વિવાદાસ્પદ ફિલ્મ પણ બની તે ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેમાં પણ પુરુષોના આધિપત્ય ધરાવવા માગતા માનસની જ વાત છે. પ્રેમમાં પણ તેમને આધિપત્ય સાબિત કરવું હોય છે.
એક અમેરિકન છોકરીએ બ્લોગ લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે તે એક બારમાં તેની મૈત્રિણીઓ સાથે ગઈ. ત્યાં એક મોટા કદનો પુરુષ તેના માથા પર ઊભો હતો એ તેને નહોતું ગમતું એટલે તેણે વિનંતી કરી કે મહેરબાની કરીને દૂર ઊભા રહેશો પણ પેલો ન માન્યો. એટલું જ નહીં તે જરા ય ચસક્યો પણ નહીં. તેણે બાર ટેન્ડરને ફરિયાદ કરી તો તે સામે બેસીને તેની સામે અજુગતું લાગે તે રીતે જોવા લાગ્યો. રસ્તા પર ચાલતાં કે ભીડ ભરેલી બસ કે ટ્રેનમાં પુરુષોના હાથ સતત સ્ત્રીઓને અડી જાય કે વાગે તેવું બનતું હોય છે. જરૂરી નથી કે આ પુરુષો બધા ટપોરી કે મવાલીઓ હોય. સારા દેખાતા પુરુષો પણ પોતાની હદની બહાર જઈને સ્ત્રીના કે બીજાના શરીર કે સીટ પર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરતાં હોય છે.
સામાન્ય લાગતી આ બાબત સ્ત્રીને કેટલો ત્રાસ આપતી હોય છે તે સમજવાની જરૂર હોય છે. કેટલીક સ્ત્રીઓ પુરુષોના આવા આધિપત્યવાળા સ્વભાવથી ડરીને કશું બોલી શકતી નથી. પુરુષોને જો ઘરમાંથી શિક્ષણ આપવામાં આવે કે જાહેરમાં જ્યારે ઊભા હોય, બેઠા હોય કે ચાલતા હોય ત્યારે બીજાની જગ્યાઓ પચાવી નથી પાડતા કે બીજાને નડતા નથીને.

અમદાવાદમાં સેન્ટર ઑફ અર્બન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ) દ્વારા જાહેરમાં આરામ કરવાની જગ્યા પર કોનું આધિપત્ય છે તેનો અભ્યાસ થયો. ભારતમાં કશે પણ એકલી સ્ત્રી સહજતાથી પુરુષોની જેમ બેસી શકતી નથી. પુરુષો કોઈપણ જગ્યાએ બેસી શકે છે, સૂઈ શકે છે તેમાં કોઈને કશું જ અજુગતું નથી લાગતુ. આમાં પણ પુરુષપ્રધાન સમાજની માનસિકતા જ કામ કરે છે.

બીજું એક નોંધવાની બાબત છે કે પુરુષો ઓફિસમાં કે મેળાવડાઓમાં સ્ત્રીને સ્પર્શ કરવાનો મોકો મળે તો તે ચુકતા નથી હોતા. હાથ મેળવવાનું કલ્ચર આપણે ત્યાં નથી. હા કોર્પોરેટ મીટિંગ હોય કે પહેલીવખત ઓફિશિયલ મુલાકાત થતી હોય ત્યારે હેન્ડશેક કરવામાં પણ કેટલીક સાવધાની રાખવી તે એટિકેટ છે. સ્ત્રીને એમ ન લાગવું જોઈએ કે તેણે ક્યાં હાથ મેળવ્યો? કેટલાક પુરુષો આમાં ચાન્સ મારી લેવાની વૃત્તિ ધરાવતા હોય છે તે યોગ્ય નથી. સામે સ્ત્રી હાથ મેળવવા માગે છે કે નહીં તે ધ્યાનથી જોશો તો સમજાય જતું હોય છે. તેમાં પણ કેટલાક પુરુષો તો એટલા નજીક આવીને વાત કરશે કે સ્ત્રીને ખૂબ અજુગતું લાગે. એટલું જ નહીં મોટી ઉમરની વ્યક્તિ હોય તો સ્ત્રીના ખભા પર કે બરડા પર હાથ ફેરવવો કે ભેટી લેતા હોય છે. અચાનક આવો પ્રયોગ થાય એટલે કેટલીક વખત સ્ત્રીને સમજાતું નથી કે કઈ રીતે વર્તવું. વાતવાતમાં સ્ત્રીને અજાણ્યા એટલે કે બીજા પુરુષનો સ્પર્શ ગમતો નથી. હા, જો સ્ત્રી પોતે ભેટવા માગે છે કે નહીં તે એની બોડી લેન્ગ્વેંજ પરથી સમજાઈ જતું હોય છે. સ્ત્રીને સમજાતું હોય છે કે કોને સ્પર્શ કરવો કે નહીં, પરંતુ કેટલાક પુરુષો પોતાનો અધિકાર સમજીને સ્પર્શ કરી લેવાનો કોઈ મોકો ચૂકે નહીં તે યોગ્ય નથી. પુરુષે જો સ્ત્રીનો આદર અને પ્રેમ મેળવવો હોય તો પહેલાં હદને ઓળંગવાનો પ્રયત્ન ન કરો. પોતાની હદમાં રહેતા પુુરુષ પ્રત્યે સ્ત્રીને આદર થાય છે. સ્ત્રીનો પ્રેમ મેળવવા માટે જરૂરી છે કે તેના પર શારીરિક આધિપત્ય જમાવવાનો પ્રયત્ન ન કરો.
જાહેરમાં પહોળા થઈને બેસતા પુરુષો કેટલીક વખત એવી દલીલ કરતા હોય છે કે અમારા શરીરની રચના જ એવી છે અને બીજું કે અમારા પગ લાંબા હોવાને કારણે અમે ફેલાઈને બેઠાં હોઈએ એવું લાગે છે. જો કે એવું જરાય નથી હોતું. પોતાની હદમાં રહેતા પુરુષોની બોડી લેન્ગવેજનો અભ્યાસ આવા પુરુષોએ કરવા જેવો છે. હકીકતમાં તો આવા પુરુષોની આધિપત્ય ધરાવવાની માનસિકતા હોય છે. પછી તેને તમે વિકૃતિનું નામ આપો છે કે નહીં તેનાથી કોઈ ફરક નથી પડતો.
દરેક પુરુષે પણ જાહેરમાં પોતે બીજાની જગ્યાઓ પચાવી પાડતા નથીને તેનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. દરેક કુટુંબમાં છોકરીઓને શીખવાડવામાં આવતું હોય છે કે તારે સંકોચાઈને બેસવું, ચાલવું કે વર્તવું. પુરુષોને ક્યારેય આ બાબત કહેવામાં કે શીખવાડવામાં નથી આવતી. તેનું કારણ છે પિતૃસત્તાક માનસિકતા. આવું જ વર્તન બીજો કોઈ પુરુષ પોતાના પરિવારની કોઈ સ્ત્રી સાથે કરે તો તે સહન નથી કરી શકતો તો પછી પોતે પણ બીજાની સાથે જાહેરમાં આવું વર્તન નથી કરતાં તે વિચારવું જોઈએ. મિત્રતામાં પણ દરેક પુરુષે સ્ત્રીની ઈચ્છા વગર પોતાની હદ ઓળંગવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સ્ત્રી બહાર નીકળે છે તમારી સાથે સહજતાથી વર્તે તેનો અર્થ એ નહીં કે તેને કોઈપણ રીતે સ્પર્શ કરો તો વાંધો નહીં આવે. બસ આ હદને સ્ત્રીની સાથે રૂબરૂમાં વાત કરતાં કે પછી ફેસબુક કે વોટ્સ એપ પર ચેટ કરતી વખતે પણ ધ્યાન રાખવાની હોય છે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેમાં અંગત સંબંધોમાં પણ પુરુષ સ્ત્રીની ઈચ્છા વિના તેના પર આધિપત્ય જમાવી શકતો નથી એવું દર્શાવવામાં આવ્યું હોવાથી એ નવલકથા સ્ત્રીઓને સૌથી વધુ ગમી હતી. બીજું કે તેમાં સ્ત્રીના આનંદનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો નહીં કે પુરુષને ફક્ત પોતાના જ સુખની પરવા હતી. જે સામાન્યપણે પતિપત્નીના સંબંધોમાં પણ થતું હોય છે. અહીં ન તો પુરુષને સરન્ડર થવાની વાત કહી રહી છું કે દબાઈને રહેવાની વાત કરી રહી છું, પણ બસ તમારું અસ્તિત્વ (હાજરી) કોઈને વાગે કે દુખ આપી શકે કે અણગમતું બની જાય એવું ન હોવું જોઈએ તે પુરુષે પણ શીખવાની, સમજવાની જરૂર છે.

You Might Also Like

0 comments