દીકરીને આત્મનિર્ભર ન બનાવાય? (મુંબઈ સમાચાર)

06:26









એક મિત્ર સાથે વાત થઈ રહી હતી. તેમના ભાઈની દીકરી એમબીએ ભણી, સારું ઘર શોધીને તેના લગ્ન પરિવારે કરાવી આપ્યા. લગ્નના વરસ પછી દીકરી પાછી આવી કારણ કે સાસરામાં ફાવ્યું નહીં. હવે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો ત્યારે માનસિક પરિતાપ હોવાનો આરોપ મુકાયો અને એલીમની-ભરણપોષણ માટેનો દાવો પણ કર્યો. હવે આ મિત્ર કહે છે કે સામી પાર્ટીએ ભણેલી ગણેલી છોકરી સાથે એટલે લગ્ન કર્યા કે તે બહાર જઈને કામ કરે. પૈસાની જરૂર નહોતી પણ છોકરાને ઘરે બેસીને કંટાળે એવી સ્ત્રી નહોતી જોઈતી. લગ્ન બાદ ઘરમાં કોઈ જ કામ નહોતું. નોકર ચાકર હતા. મમ્મી પણ હતી. લગ્ન પહેલા જ છોકરાએ કહ્યું હતું કે તેને સ્વતંત્ર મિજાજ ધરાવતી જીવનસાથીની આશા હતી, એટલે તે ફક્ત છોકરીને મનગમતું કામ કરીને પોતાના શિક્ષણનો ઉપયોગ કરવાનું કહેતો હતો. પણ છોકરીને કિટી પાર્ટી અને શોપિંગ સિવાય બીજું કશું કામ કરવામાં રસ નહોતો.

અહીં છોકરી તેનો પતિ પૂરતો સમય આપતો નથી અને કામ કરવાનું કહીને પૈસા કમાવા મોકલવા માગે છે એવી અનેક ફરિયાદ કરીને છૂટાછેડા માગતી હતી. હવે અહીં બે વરસ પહેલાં વાંચેલો એક કેસ યાદ આવ્યો. જેમાં ભણેલી છોકરીને લક્ષ્મી રાવ નામના જજે કહ્યું કે ભણેલી ગણેલી છોકરી નવરી બેસીને પતિ પાસેથી પૈસાની માગણી કરે તે યોગ્ય નથી. આવા કેસ કરીને કોર્ટનો અને દેશનો સમય બગાડે તે પણ યોગ્ય નથી જ. પતિ કરતાં વધુ ભણેલી સ્ત્રીઓ પણ જ્યારે ભરણપોષણ માગે ત્યારે એ છોકરી પાછળ શિક્ષણનો ખર્ચો અને સીટ બગડી કે નહીં? જો કે આમાં વાંક કોનો? ઉછેરનો કે માનસિકતાનો? ઘરેલું હિંસા જેમ અયોગ્ય છે, દહેજ માગવું અયોગ્ય છે તે જ રીતે શિક્ષિત મહિલા પોતાના પગ પર ઊભા રહેવા સક્ષમ હોય તેની જવાબદારી માતાપિતાની છે. બીજું એ કે હવે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી છોકરીને પણ ભરણપોષણ જોઈતું હોય છે. લિવ ઈનનો અર્થ જ એ હોય છે કે બન્ને વ્યક્તિ પોતાની મરજીથી સાથે રહે છે. બન્નેનો એકબીજા પર કોઈ અધિકાર નહીં. ન ફાવે તો બન્નેને જુદા થવાનો અધિકાર હોય છે.

અહીં એક વિચાર જરૂર આવે કે આપણે દીકરી વિશે અનેક ગાણાં ગાઈએ છીએ. દીકરીને લાડકોડમાં ઉછેરીએ પણ તેને આત્મનિર્ભર, સ્વતંત્ર વ્યક્તિત્વની સ્વામિની કેમ ન બનાવી શકાય? દીકરી અને દીકરાના ઉછેરમાં ફરક કરીને આપણે બન્ને જાતિને અન્યાય કરીએ છીએ. દીકરીએ સાસરે જતાં રહેવાનું છે એ માનસિકતા સાથે જ તેનો ઉછેર કરવામાં આવતો હોય છે. દીકરીને ભણાવવામાં આવે પણ નોકરી કરવી કે નહીં? વ્યવસાય કરવો કે નહીં? તે નક્કી કરશે સાસરા પક્ષના લોકો. છોકરીઓની માનસિકતા પણ એવી ઘડવામાં આવે છે કે તેણે પોતાની જવાબદારી ઉપાડવાની જ નથી. તેની જવાબદારી લગ્ન બાદ પુરુષ જ ઉપાડશે તે નક્કી હોય છે. એટલે જ્યારે લગ્નજીવનમાં તડ પડે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે તો ભરણપોષણની વાત આવે છે. બાળક હોય અને સ્ત્રી શિક્ષિત ન હોય એવો સમય હતો અગાઉ ત્યારે બરાબર છે કે તેને ભરણપોષણ આપવાની જરૂર પડે. છોકરો કમાતો ન હોય તો તેને કેટલું કહેવામાં આવે છે. જો દીકરીને સમોવડી બનાવવી હોય તો તેને આત્મનિર્ભર થાય તેવી માનસિકતા કેળવવી પડશે. તેનો નબળો ઉછેર કરવામાં આવે તો તેનું જીવન નબળું જ રહેવાનું છે. તેને પોતાનો ખર્ચો ઉપાડીને પોતાની રીતે જીવતાં શીખવવાની જરૂર છે.

એક સમયે ધરમપુરમાં એસટી ડેપો મેનેજર તરીકે કામ કરતી ભૂમિકા પટેલ આજે પોતાના લગ્ન સંસારમાં સુખી છે, પણ જ્યારે તે કુંવારી હતી અને લગ્ન માટે છોકરા જોવા આવતા હતા ત્યારે અનેક સુખી ઘરના લોકો પહેલી શરત એ મૂકતા કે છોકરીએ નોકરી કરવાની જરૂર નથી. અમારા ઘરમાં ભરપૂર પૈસા છે. તો ભૂમિકા લગ્નની ના પાડી દેતી હતી. આજે તે એક બિઝનેસમેનને પરણી છે. એ વ્યક્તિએ તેની સાથે કોઈ પૂર્વશરત વિના લગ્ન કર્યા.

દીકરીનો ઉછેર આપણે ખોટી રીતે કરીએ અને પછી કોર્ટના કેસમાં સમય અને પૈસો બરબાદ કરવામાં આવે તે યોગ્ય ખરું? આજે દરેક છોકરીઓ ભણીને પોતાને મનગમતી ડિગ્રી લે છે. મનગમતી કારકિર્દી પસંદ કરે છે, તો પછી તે આર્થિક રીતે સધ્ધર કેમ ન હોય? માતાપિતાનું ઘર હંમેશ તેનું ઘર હોવુું જ જોઈએ જેમ દીકરાનું પણ તે ઘર હોય છે તેમ જ. હા, જો એ લગ્ન બાદ પોતાની જાતે નક્કી કરે કે તેણે પોતાને સાસરે જ રહેવું છે અને પિતાના ઘર પરનો અધિકાર તે જાતે જ જતો કરે તો યોગ્ય છે. જો બે વ્યક્તિને હવે આજની તારીખમાં ન ફાવે તો બન્ને જણાંએ મ્યુચઅલ અન્ડરસ્ટેન્ડિંગથી છૂટા પડવું જોઈએ. બાળક હોય તો તેને ઉછેરવાની જવાબદારી બન્નેની હોવી જોઈએ. કારણ કે બાળક પેદા કરવાનો નિર્ણય પણ બન્નેએ સાથે મળીને જ કર્યો હશેને? આપણે ત્યાં પતિપત્ની અને માતાપિતા બનવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી પડતી અને સમાજમાં જાતીય ભેદભાવ ખૂબ હોવાને કારણે જ સમસ્યાઓ ઊભી થાય છે. હાલમાં જ શાહરૂખ ખાને એક મુલાકાતમાં ખૂબ સરસ વાત કરી હતી. તે પોતાના બાળકોના ઉછેરમાં ફરક નથી રાખતો. એણે કહ્યું કે જે નિયમ સ્ત્રીઓ માટે હોય તે જ નિયમ ઘરમાં છોકરાઓ માટે હોય છે. મારા દીકરાઓને શર્ટ પહેર્યા વિના ઘરમાં ફરવાનો અધિકાર નથી. તેમને કહું છું કે જો તમારી બહેન કે માતા શર્ટ પહેર્યા વિના ફરે તે તમે સહન ન કરી શકતા હો તો તમને પણ એવું કરવાનો અધિકાર નથી. સ્ત્રીને આદર આપવો તે બરાબર છે પણ તે નબળી છે તેવું માનવું ભૂલ ભરેલું છે. શિક્ષિત મહિલાઓ જો પોતાનું આર્થિક ભારણ બીજા પર નાખતી હોય તો પછી શિક્ષણ લેવાની જરૂર જ શું હોય છે? આજે જાતીય ભેદભાવ અને સમાનતાના અધિકાર વિશે સ્પષ્ટ પણે વિચારવાની જરૂર નથી?

You Might Also Like

0 comments