સ્ત્રી-પુરુષોના સંબંધોનો આધાર શું? પ્રેમ કે સેક્સ?

00:16
વેલેન્ટાઈન્સના ડેના દિવસે માહોલ એવો ઊભો થાય કે આઈ લવ યુ કહેવા મન તલપાપડ બને છે. બધી વામાઓ વતી પુરુષોને કહેવું છે કે અમે પણ તમને ચાહીએ છીએ.
આજ ઈઝહારે હાલ કર બૈઠે, બેખુદી મેં કમાલ કર બૈઠે ... શકીલ બદાયુનીએ લખેલું આ ગીત આ લેખ લખતી વખતે અચાનક જ મોઢે ચઢ્યું. હોર્મોન્સ દ્વારા થતા કેમિકલ લોચા સ્ત્રીને પણ બક્ષતા નથી. કદાચ સ્ત્રીઓમાં આ કેમિકલ લોચા ઘણી કમાલ કરતા હોય છે જેની પુરુષોને ખબર નથી પડતી. અને એટલે જ પુરુષોને સ્ત્રી રહસ્યમયી લાગે છે. મોટાભાગે પુરુષો એવું કહેતા હોય છે કે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન ન કરો તેને ચાહવી જોઈએ.
થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક મિત્રએ એક સ્ટેટસ મૂક્યું હતું જેમાં સ્ત્રી-પુરુષના સંબંધો વિશે લખ્યું હતું. એ લખાણનું છેલ્લું વાક્ય હતું સ્ત્રીઓ માટે જીવનના અગ્રતાક્રમમાં સેક્સનો નંબર બહુ પાછળ હોય છે. અને એ સ્ટેટસ પર અન્ય પુરુષોએ પણ લોલેલોલ કહેતાં પોતાના મનની વાતો વહેતી મૂકી. સ્ત્રીને ખરેખર શું જોઈએ છે? પુરુષોને શું ફક્ત સેક્સમાં જ રસ હોય છે? આ બધી માન્યતાઓ બસ ચર્ચાતી રહે છે જેમ સામાન્ય રીતે એ જ રીતે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઈ.
સામાન્યપણે લોકો એવું માને છે કે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ કરે છે અને પુરુષ સેક્સ મેળવવા માટે પ્રેમ કરે છે. અહીં લવગુરુ કહી શકાય એવા ડૉ. ફિશરે કરેલા અભ્યાસ સિવાય પ્રેમ અને સેક્સની વાત થઈ જ ન શકે. ફિશર કહે છે કે પુરુષને પણ પ્રેમમાં કહો કે લાગણીઓ દ્વારા બંધાવામાં રસ હોય છે. એટલે જ તે એક એવી વ્યક્તિ શોધે છે જેની સાથે તેને પોતાની અધૂરપ પૂરી થતી લાગે. અહીં આપણને અર્ધનારીશ્ર્વર શિવ યાદ આવે. દરેક પુરુષમાં એક સ્ત્રી હોય છે અને દરેક સ્ત્રીમાં એક પુરુષ હોય છે. તે જ્યાં સુધી બીજા અડધા ભાગને મળતાં નથી ત્યાં સુધી અધૂરાં જ રહે છે. એટલે જ સ્ત્રી અને પુરુષ એકબીજા તરફ આકર્ષાય છે. પછી તેને પ્રેમનું નામ આપો કે ન આપો તે આકર્ષણ મગજમાં એવા કેમિકલ લોચા ઊભા કરે કે તમે સામી વ્યક્તિ સિવાય રહી ન શકો. પ્રેમમાં બે સ્ત્રી-પુરુષ એકબીજાને પૂર્ણપણે પામવાનો પ્રયત્ન કરે છે તે વખતે મગજમાં આનંદની, સંતોષની અનુભૂતિ થાય છે. તમે તેને કેમિકલ લોચો કહી શકો. પુરુષ જ્યારે સેક્સ કરે છે ત્યારે લાગણીથી સામી વ્યક્તિ સાથે બંધાતો જ હોય છે. એટલે જ તો એક્સ્ટ્રા મેરિટલ અફેર ઊભા થતા હોય છે. નહીં તો સેક્સ કર્યા બાદ હું કોણ ને તું કોણ વન નાઈટ સ્ટેન્ડ થઈ જ શકે છે. એવા પણ સંબંધો બંધાતા જ હોય છે પણ ત્યાં પછી સંબંધો બંધાતા નથી. એટલે કોમ્પ્લિકેશન પણ ઊભા થતા નથી. પુરુષ પણ લાગણીથી બંધાય છે એટલે જ સ્ત્રીને પણ એ પુરુષ પ્રત્યે લાગણી થાય છે.
ડૉ. ફિશર કહે છે કે સદીઓથી સ્ત્રી-પુરુષ પ્રેમ કરતાં આવ્યાં છે એ જ રીતે આજે પણ પ્રેમ કરે છે. પણ આદિમાનવ તરીકેની પુરુષની જે ભૂમિકા છે તે ઘરના મોભીની હતી. સ્ત્રી ક્યારેય બિઝનેસ હેડ નહોતી. સ્ત્રીઓ હવે બહાર કામ કરવા જાય છે, ફક્ત ઘરમાં નથી રહેતી. આમ સદીઓથી ચાલી આવતી પરંપરાઓ બદલાઈ રહી છે. સ્ત્રી અને પુરુષ બન્ને માટે આ પરિસ્થિતિ નવી છે. બન્ને બદલાતા વિશ્ર્વ અને પરિસ્થિતિ સાથે તાલમેળ કરવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં વિશ્ર્વાસપાત્ર સંબંધમાં શાંતિથી જીવવું બન્નેને ગમે છે. સેક્સ એ પ્રેમની બાય પ્રોડક્ટ છે જેને ધર્મસંસ્થાઓએ ગૂંચવી નાખી છે. પ્રજોત્પત્તિ માટે સંભોગ છે અને બાળક સાથે લાગણીથી બંધાઈ જવાતું હોય છે, કારણ કે તેમાં આપણું લોહી છે. ડીએનએ છે. આ ડીએનએ એ પ્રેમનો વિસ્તાર છે. જે બાળકો પેદા નથી કરતાં તે મૃત્યુ પામે છે એટલે કે તેમના ડીએનએનો વિસ્તાર નથી થતો. તેમના ડીએનએ ત્યાં ખતમ થઈ જાય છે. જ્યારે બાળક પેદા થાય છે ત્યારે ડીએનએનો- પ્રેમનો વિસ્તાર થયાની અનુભૂતિ સ્ત્રી-પુરુષ બન્નેને થાય છે એટલે જ સંબંધ કહો કે લગ્ન કહો તે લાંબા ગાળા સુધી ટકે છે.
સેક્સનું પેશન દરેક વ્યક્તિમાં જુદું હોય છે. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ આગવું હોય છે, તે એકદમ બીજી વ્યક્તિ જેવું હોઈ શકે નહીં એટલે જ બીજી વ્યક્તિમાં રસ જળવાઈ રહે છે. લાંબા સમય સુધી એ રોમાંચ જળવાય છે કારણ કે બીજી વ્યક્તિને તમે ધીમે ધીમે વિકાસ કરતાં સમજો છો.
જો તમે સામી વ્યક્તિને પામી શકતા નથી કે વિકાસ કરતાં નથી તો તે સંબંધ ત્યાં મૃત્યુ પામે છે. કોઈપણ સંબંધ તો જ તાજો રહે છે કે તેમાં વિકાસ થતો રહે. એટલે જ આજની પ્રજા સૌપ્રથમ એકબીજાને સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરે છે. તમે કોઈની સાથે સેક્સ કર્યા સિવાય બે દિવસ વિતાવી શકો. એકબીજાની વાતમાં રસ જાળવી શકો. એકબીજાનો આદર કરી શકો તો જ એ પહેલાં જેવો રોમાંચ સંબંધમાં જળવાય છે. તમને જો એમ લાગે કે કંટાળો આવે છે એકબીજા સાથે તો સમજો કે કોઈ એક વ્યક્તિનો વિકાસ અટકી ગયો છે. એક જ વ્યક્તિના વિકાસ સાથે સંબંધ કઈ રીતે વિકસે?
આ બધી લાંબી સમજ એટલા માટે કે આપણે ત્યાં મોટેભાગે સ્ત્રીનો વિકાસ લગ્ન બાદ અટકી જતો હોય છે. બાળકો પેદા કરવા, માતાપિતાને સાચવવા, વ્યવહારો જાળવવા અને પતિના વગર કહ્યે તેની જરૂરતોનું ધ્યાન રાખવાથી વિકાસ નથી થતો. તે પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે કેટલો સમય આપે છે? તે મહત્ત્વનું છે. પછી તે બહાર કામ કરવા જાય કે ન જાય પણ તે સ્ત્રી થોડો સમય પણ ફક્ત પોતાના માટે જીવતી હોય તો પુરુષપતિને રસ પડે એવી સ્ત્રી બની શકે છે. જે જીવનો વિકાસ અટકી જાય તેનામાં કોઈપણ બાબતે રોમાંચ કઈ રીતે હોઈ શકે? એ સ્ત્રી સુંદરતા ગુમાવી બેસે છે, કારણ કે તેના જીવનમાં નવું કશું જ બનતું નથી. સ્ત્રીને પુરુષમાં રસ પડે જો તે સ્ત્રી રહી હોય તો.
સ્ત્રીપુરુષના સંબંધને ફક્ત સેક્સ કે ફક્ત પ્રેમ એમ પોસ્ટમોર્ટમ કરીને ન જોઈ શકાય. દરેક પુરુષે પોતાની જાતને પ્રશ્ર્ન પૂછવો જોઈએ કે શું ફક્ત તેમને સેક્સમાં જ રસ છે? ના અને શું સ્ત્રીને સેક્સમાં રસ નથી? ના એવું નથી. સ્ત્રી-પુરુષ બન્નેમાં રોમાંચનો અનુભવ કરાવતાં હોર્મોન્સ દોડાદોડ કરતા જ હોય છે. બે પરફેક્ટ ક્ષણો, પરફેક્ટ પાર્ટનર સામે આવે તો લાગણીઓને ક્ન્ટ્રોલ કરવી સહેલી નથી હોતી તે આપણે સૌ કોઈ જાણીએ છીએ.
મનુષ્યજાતિની સંસ્કૃતિના વિજ્ઞાનનો અભ્યાસ કરનારા માર્ગરેટ મીડ કહેતાં કે વ્યક્તિએ ત્રણ વાર લગ્ન કરવાં જોઈએ. પછી ભલે એક જ વ્યક્તિ સાથે કેમ ન હોય. પહેલાં લગ્ન સેક્સ માટે, બીજા લગ્ન બાળકો માટે અને ત્રીજા લગ્ન મૈત્રી માટે. એ વાત સાથે લવગુરુ ફિશર પણ સહમત છે.
જો લગ્નજીવનમાં મૈત્રી હોય તો વરસો વીત્યા બાદ પણ એ પ્રથમ પ્રેમનો રોમાંચ ઓછો થતો નથી. હા, ઉંમર અને સમય સાથે તેમાં પુખ્તતા જરૂર આવે છે. જેમ બધા પુરુષો ફક્ત સેક્સ માટે સ્ત્રી નથી ઈચ્છતા એમ દરેક સ્ત્રી ફક્ત પૈસા અને સલામતી માટે પુરુષની ઈચ્છા નથી જ રાખતી. સ્ત્રી પણ પુરુષ વિના અધૂરપ અનુભવે છે અને પુરુષ પણ સ્ત્રી વિના અધૂરપ અનુભવે છે એટલે જ બન્ને એકબીજાને મેળવવા માટે તત્પર હોય જ છે. પ્રેમની ઝંખના આદિકાળથી માનવને છે અને રહેશે. એટલે જ વિશ્ર્વ ટક્યું છે. સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમ મહત્ત્વનો છે અને રહેશે.


You Might Also Like

0 comments