પુરુષાતનના સનાતન પ્રશ્નો

03:05







વિનેશભાઈ ૬૦ના થયા એટલે તેમની દીકરી-જમાઈએ ભેટમાં તેમને સ્માર્ટ ફોન આપ્યો. એટલે તરત જ તેમણે ખુશ થવાના પ્રયત્નો કરતા કહ્યું કે આભાર પછી જરા અટકીને કહે આટલો ખર્ચો કરવાની શું જરૂર હતી. મારી પાસે એક સ્માર્ટ ફોન તો છે જ. દીકરીએ પ્રેમથી હસીને કહ્યું કે પપ્પા મને ખબર છે તમારી પાસે ફોન છે પણ તે આઉટડેટેડ થઈ ગયો છે એટલે હેન્ગ થાય છે. હવે તમે આ ફોન પરથી ઓનલાઈન બૅન્કિંગ અને ટિકિટ બુકિંગ જેવા અનેક કામ સરળતાથી કરી શકશો બહાર ગયા વિના કે કોઈના ઉપર ડિપેન્ડ થયા વગર.

વિનેશભાઈ હજું કંઈ આગળ બોલવા જતાં હતા કે તેમનાં પત્ની સરલાબેને વાત વાળી દીધી. સરલાબેન પતિનો સ્વભાવ જાણે છે. બીજાની લાગણીઓની કદર નહીં અને બસ પોતાનો જ કક્કો ખરો કરવાનો આગ્રહ રાખે છે. કામમાંથી નિવૃત્તિ લીધી કારણ કે ડિજિટલ થઈ રહેલું કામકાજ તેમને અઘરું લાગતું હતું. દીકરો બધું સંભાળે છે પણ તેની સાથે ય આ જ મુદ્દે વિવાદ થાય. સમયની સાથે બદલાવાની વાત વિનેશભાઈને મંજૂર નથી. સંસ્કૃતિ, મૂલ્યોના નામે પોતાના જક્કી સ્વભાવને પોષ્યા કરે છે. તેમના મિત્રો પણ બદલાઈ રહ્યા છે પણ તેમને બદલાવું મંજૂર નથી. હા તેમની જેમ જ બીજી બધી દુનિયા ચાલે તેનો આગ્રહ ખરો. સરલાબેનને ડ્રેસ પણ ન પહેરવા દે. કેમ તો કહે કે સ્ત્રીઓ તો સાડીમાં જ શોભે. તેમને કોલેસ્ટરોલ વધારે છે અને પેટ પર ચરબીના થર છે એટલે ડૉકટરે તળેલું અને મીઠાઈ ખાવાની ના પાડી છે. પણ વિનેશભાઈને તો રોજ સવારે ચા સાથે નાસ્તામાં ગાંઠિયા-જલેબી ખાવા જોઈએ. સાંજે નાસ્તામાં સમોસા, વડાં કે ભજિયા ખાવા જોઈએ. સરલાબેન ગમે તેટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે પણ ગાંઠિયા સિવાય તેમનો દિવસ ન ઊગે. ખેર, આવું અને બીજું આના સિવાય ઘણું બધું પુરુષોની ઉંમર થતાં બનતું હોય છે. એટલે જ પચાસની ઉંમર બાદ પુરુષોને ઘણી તકલીફો થતી હોય છે. જેમકે એકલા પડી જવું કે પછી વધારે જ પડતી બહારની પ્રવૃત્તિ કરવી. તેમની સાથે રહેતી વ્યક્તિઓને તેમના જક્કી બનતા જતો સ્વભાવ અખરે પણ સ્વજન છે શું કરે? આવું થવાનું કારણ એક જ પુરુષાતનના સનાતન પ્રશ્ર્નો. પુરુષ હોવા માટે પુરુષાતનનું ડીએનએ જરૂરી હોય છે. અહીં ડીએનએ ફક્ત લોહીમાં વણાઈ ગયેલા સ્વભાવ માટે જ લખાયેલું છે તે જરા ચોખવટ. પુરુષ હોવા સાથે જ સમાજ તરફથી અનેક ડિમાન્ડ તેમણે પૂરી કરવાની હોય છે. સ્ત્રીઓને પોતાના પ્રશ્ર્નોે છે તેમ પુરુષોને પણ અનેક પ્રશ્ર્નો છે જેના વિશે પહેલાં આટલી સંવેદનાથી વિચારાતું નહોતું. કારણ કે વિચાર કરનારા અને વિશ્ર્લેષણ કરનારા પણ પુરુષો જ હતા ને. ખેર, હાલમાં જ પબ્લિશ થયેલા સાયન્ટિફિક સાહિત્યમાં કહેવાયું છે કે મોટી ઉંમરના પુરુષોએ વરસો પહેલાં શીખ્યું હતું કે પુરુષો રડે નહીં, કોઈના પર અવલંબિત ન રહે અને કોઈપણ રીતે નબળો ન હોય. આવી પૌરુષિય સમજ સાથે વયમાં મોટો થયેલો પુરુષ ઉંમરની સાથે આવતી તકલીફોનો સ્વીકાર કરી શકતો નથી એટલે તે વધુને વધુ જક્કી થતો જાય છે. જો એ પુરુષ પુરુષાતનના ખોટા ખયાલોને છોડી શક્યો હોય તો તે ઉંમર વધતા આવતા ફેરફારોને સરળતાથી અપનાવી શકે છે અને સમયની સાથે બદલાઈ પણ શકે છે. તેને સાયન્ટિસ્ટ ટોક્સિક મસ્ક્યુલિનીટી કહે છે.

ઉંમર વધવાની સાથે પુરુષોના જીવનમાં અનેક સ્તરે નવા પડકારોનો સામનો કરવાનો હોય છે. જેને મસ્ક્યુલિનીટી એટલે કે પુરુષાતનના બાંધેલી માન્યતાઓને ભાંગી નાખીને ખરા પુરુષ તરીકે પુરવાર થવાનું હોય છે. જેમકે સ્વાસ્થ્યની સમસ્યાઓ, જીવનસાથીને ખોવાની પીડા જે એકલતા લાવે છે, નિવૃત્તિ અને પોતાનાથી મોટી ઉંમરના વડીલોને સંભાળવાની ભૂમિકા પણ અદા કરવાની આવે છે.

કેટલિન લેજન્ડોરફરે સોશિયોલોજી એટલે કે સામાજિક સાયકોલોજીમાં ડૉકટરેટ કર્યું છે. તેણે પોતાના અભ્યાસમાં નોંધ્યું કે મોટાભાગના પુરુષો ઉંમર વધતાં જક્કી અને કર્કશ સ્ટિરિયોટાઈપ થતાં હોય છે. તેઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ એટલે કે સામાન્ય તાણ પણ સહન કરી શકતા નથી. આવું કેમ થાય છે તેને સમજાવતાં કેટલિન કહે છે કે પુરુષોને સ્ત્રીની સરખામણીએ ઉંમરનો સ્વીકાર કરવામાં તકલીફ થાય છે કારણ કે તેમણે પુરુષ તરીકે સાબિત થવાની અપેક્ષાઓને કારણે અવગણી ન શકાય તેવી સમસ્યાઓને પહોંચી વળવા માટેની સહજ સ્થિતિસ્થાપકતા ક્યારેય કેળવી જ નથી હોતી. એટલે તેમનું પુરુષાતન ટોક્સિક બનીને પુરુષને પોતાને નડે છે.

આસપાસ સમાજમાં જે નિરિક્ષણ કર્યું છે તે જોઈને અહીં મને ઉમેરવાનું મન થાય છે કે પુરુષને પોતાને તો તકલીફ થાય જ છે પણ તે પોતાનાં સ્વજનો માટે પણ સમસ્યાઓ ઊભી કરતા હોય છે. સમય બદલાવાની સાથે સ્ત્રીઓ બદલાઈ છે, નવી પેઢીના પુરુષો બદલાયા છે પણ પૌરુષિય માન્યતાઓના વિષચક્રમાંથી સહેલાઈથી છૂટી શકાતું નથી. અહીં કોઈ સોલ્યુશન આપવાની વાત નથી લખી રહી કે ન તો પુરુષોને ઉતારી પાડવાની વાત છે. આ કોલમ પુરુષોને માટે જ છે એટલે તેમની માનસિકતાના પ્રશ્ર્નોેને સમજીને એક વિચાર તરીકે મૂકવાના પ્રયત્નો કરું છું. કારણ કે આ વિશે વાત કરી રહી હતી ત્યારે એક પુરુષે મને ખૂબ કડવાશ સાથે પૂછ્યું કે શું તમને સ્ત્રીઓને કોઈ તકલીફ નથી થતી? મેનોપોઝ બાદ સ્ત્રીઓ કેટલી ઝઘડાળું બની જતી હોય છે. વાત સાચી છે સ્ત્રીઓને પણ પોતાના પ્રશ્નો હોય જ છે તે છતાં સ્ત્રીઓને બદલાતી પરિસ્થિતિઓ સાથે કોઈ અપેક્ષા વિના જીવતાં શીખી જવાની આદત બાળપણથી પાડવામાં આવી હોય છે. જ્યારે પુરુષોને દરરોજની નાની મોટી તકલીફોની આદત નથી પાડવામાં આવતી. જેમકે પોતાનું કામ જાતે જ કરી લેવું. બીજાની પાસેથી સેવાની અપેક્ષા ન રાખવી આ બે બાબત મોટી ઉંમરે ખૂબ અગત્યની બાબત બની જાય છે. આપણા ભારતીય સમાજમાં પુરુષને પાંગળો બનાવીને ખોટા પુરુષાતનની માન્યતામાં જીવાડવામાં આવે છે. તેને કારણે સ્ત્રીઓને તો તકલીફ થાય જ છે પણ પુરુષને પોતાને પણ તે તકલીફો આપે છે. નાની ઉંમરે એટલે કે યુવાનીમાં તે દેખાતી નથી કે અનુભવાતી નથી. અનુભવાતી હોય તો પણ તેને વિશે વિચારવાનું કોઈએ શીખવાડ્યું જ ન હોવાથી ક્યારેય તેને સમસ્યા ગણવામાં આવતી નથી. ઊલટાનું ક્યારેક તેને પુરુષની નબળાઈ ગણીને તેની ઠેકડી ઉડાડાતી હોય છે.

ક્યારેક એવું પણ બને કે કોઈ પુરુષ પણ સેક્સ માટે પરણી જતો હોય છે. પછી જ્યારે તેને સમજાય કે તેણે આ નહીં પણ કંઈક જુદું જ કરવું હતું તો ત્યાં સુધીમાં તે પત્ની અને બાળકોની જવાબદારીથી ઘેરાઈ ગયો હોય છે. ન ગમતી જવાબદારી અને સાચી સમજ આવે છે ત્યાં સુધીમાં તેના માટે જીવનને બદલવું સહેલું નથી હોતું. આપણા સમાજમાં અત્યાર સુધી બાંધેલા માળખામાં સ્ત્રી અને પુરુષને મૂકી દીધા હતા એટલે સમજ અને પુખ્તતા આવે ત્યારે જીવન જવાબદારીઓના બોજ તળે દબાઈ ચૂક્યું હોય છે. એ તાણ, હતાશા વગેરેની પુરુષને પણ તકલીફ આપતી હોય છે. જેને એન્ડ્રોપોઝ પણ કહેવાય છે. અને જે રચનાત્મક રીતે વિચારી જ નથી શકતા તેવા પુરુષોની સમસ્યા ઉંમર સાથે તેમને કર્કશ અને જક્કી બનાવે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરોમાં મોટી ઉંમરે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. મોટાભાગે સ્ત્રીઓ જ છૂટી થવા માગતી હોય છે. કારણ કે સ્ત્રી હવે પોતાના પતિના જક્કી અને કર્કશ સ્વભાવને સંભાળવા તૈયાર નથી હોતી. એક જ ઘરમાં છૂટાછેડા લીધા વિના જુદું રસોડું અને જુદું જીવન જીવતાં પ્રૌઢોને મારી આસપાસ જોયા છે. આવી વ્યવસ્થા જોઈને આપણા સમાજમાં લોકોને નવાઈ લાગે પણ આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ ખૂબ સરસ રીતે પોતાનું જીવન જીવતી હોય છે જ્યારે પુરુષની લોકોને દયા આવતી હોય છે. પોતાને દયાપાત્ર બનતો જોઈને પુરુષને વળી ઓર તકલીફો થાય છે પણ તેમાંથી માર્ગ કાઢતાં તે શીખી શકતો નથી.

એકવાર મને કોઈકે વાત કરી કે ફલાણાં વ્યક્તિની પત્ની ગુજરી ગઈ પછી તે ખૂબ દુખી થઈ ગયા. તેમની પુત્રવધૂ તેમનું ધ્યાન નથી રાખતી. દીકરો પણ વ્યસ્ત હોય છે. હું તેમના પુત્રવધૂને જાણતી હતી. તેનો સ્વભાવ ખરાબ નથી અને મારા ખ્યાલ પ્રમાણે પેલા વૃદ્ધ જે ૭૦ વરસના સ્વસ્થ વ્યક્તિ હતી. એટલે મને કુતૂહલ થયું કે શું થયું હશે. તો પેલા બહેન કહે કે આ સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવતાં વૃદ્ધને સવારે ૬ વાગ્યે ચા પીને ચાલવા જવાની આદત છે. તેની પુત્રવધૂ તે બનાવી નથી આપતી એટલે ખુલાસો ન થતાં તેઓ ચાલવા જઈ શકતા નથી અને આખો દિવસ બગડે છે. આ વૃદ્ધ જો જાતે ચાહ બનાવી લે તો શું વાંધો આવે. તેમના પત્ની જે ગુજરી ગયા તે પણ તેમની જ વયના હતા જો તેઓ ૭૦ વરસે ચાહ બનાવી શકતા હતા તો આમને શું વાંધો આવે. પેલા બહેને મને કહ્યું કે લે હવે આ ઉંમરે તેમણે ચા બનાવતાં શીખવાનું તે પુત્રવધૂ કેમ વહેલી ન ઊઠે. આ માનસિકતા સાથે દુખ ન હોય તો પણ ઊભું થાય જ ને. બસ આવી નાની નાની નગણ્ય બાબતોને કારણે પેલા વૃદ્ધ આળાં બની ગયા છે. બૅન્કના કામ પુત્રને સોંપે એકવાર પુત્રએ કહ્યું કે હવે ઓનલાઈન બૅન્કિંગ છે તમે શીખી જાઓ તો એફડી અને અન્ય કામ તમારી મરજી મુજબ થઈ શકે છે તો પુત્ર પર ભડકી ગયા. પુત્ર અને પુત્રવધૂ સમજાવે છે બદલાતા જીવન સાથે તાલ મેળવતાં શીખવાનું તો તેઓ સ્વાર્થી બની ગયા તેમના માટે. સામે પક્ષે એવી વ્યક્તિઓ પણ છે જે ૭૦ વરસ બાદ કોમ્પ્યુટર ટાઈપિંગ શીખે તેમાં વળી ગુજરાતી ટાઈપ કરતાં પણ શીખે. વાર લાગે તો ય વારંવાર પ્રયત્ન કરતા રહે અને પૌત્રોને પણ મેઈલ કરે, ચેટ કરે. પોતાનું જીવન નવી દુનિયા સાથે એન્જોય કરે. ફક્ત ફરિયાદો કે નવી પેઢીને વખોડ્યા ન કરે.

મોટી ઉંમરે જો વ્યક્તિ વધુ સમજદાર અને ઉદાર ન બને તો અનુભવ અને જીવન બંન્ને એળે જાય તેમાં નવાઈ નહીં. આવી પરિસ્થિતિઓ આપણી આસપાસ જોતાં જ હોઈએ છીએ. તેમાં બદલાવ લાવવો હોય તો આપણે આપણાથી શરૂઆત કરી શકીએ. બાકી પુરુષાતનનો સનાતન પ્રશ્ર્ન ટોક્સિક બની જીવનની સંધ્યાને રમણીય બનાવવાને બદલે કરુણ બનાવી શકે છે. આ બન્ને બાબત આપણાં જ હાથમાં હોય છે. પુરુષાતનના સનાતન પ્રશ્ર્નો વિશે હજી ઘણું બાકી છે એટલે બીજો આર્ટિકલ પણ જરૂર લખાશે શક્ય હોય તો તમારા સૂચનો જણાવશો.



You Might Also Like

0 comments