સ્વભાવ સારો હોય તો સ્ત્રીને સમજવી મુશ્કેલ નથી

00:58





એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા હતા જે ન્યૂઝ નહીં પણ જોક જ હતો એવું કહી શકાય. એક પુરુષે મિત્ર બનાવી આપતી ઓનલાઈન કંપની પર કેસ કર્યો કે તેને હજી સુધી એક પણ સ્ત્રી મિત્ર મળી નથી એટલે તેને થયેલી આર્થિક અને ભાવનાત્મક નુકસાનીની ભરપાઈ થવી જોઈએ. નર અને માદા વચ્ચે આકર્ષણ હોય તે કુદરતી બાબત છે. દરેક પ્રાણીઓમાં નર માદાને આકર્ષવાના પ્રયાસો કરે છે. રીઝવવાના પ્રયત્નો કરે છે. એવું કહેવાય છે કે માનવોમાં સ્ત્રી પુરુષને રીઝવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હકીકતમાં તો સ્ત્રી પોતાને ગમતો પુરુષ પસંદ કરતી હોય છે. સ્ત્રીને શું ગમે છે અને નથી ગમતું તેની દરકાર મોટાભાગના પુરુષો નથી કરતા અને પિતૃસત્તાક માનસિકતા હોવાને કારણે તેમના લગ્ન જરૂર થાય છે. તે છતાં તે સ્ત્રીને પામી શકે છે કે નહીં? તે મોટો પ્રશ્ર્ન અણઉકલ્યો રહે છે. એટલે જ પુરુષો કહેતા હોય છે કે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરવો નહીં, કે સ્ત્રીને સમજવાનો પ્રયાસ નકામો છે. તેનું મન કળી શકાય નહીં...વગેરે વગેરે

હકીકતમાં પુરુષોમાં કેટલાક એવા ગુણો હોય છે જે સ્ત્રીઓને ગમતા નથી કે તે સ્વીકાર્ય નથી હોતા. એનો અર્થ એ નથી કે પુરુષે પોતાની જાતને બદલી નાખવી પણ તમારે જો સ્ત્રીને પામવી હોય તો તમારે પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. તમારા સ્વભાવમાં થોડો ફેરફાર લાવવો જરૂરી છે સ્ત્રીને પામવા માટે. આજે સ્ત્રી મિત્રો બનાવવા માટેની પણ સાઈટ્સ છે તો કેટલાક લોકો ફેસબુક પર સ્ત્રી મિત્રો બનાવવા માટે જ એકાઉન્ટ ખોલાવતા હોય છે. આજની નારીને મિત્ર બનવામાં વાંધો નથી હોતો પણ પુરુષમાં તેમને કેટલીક ગુણવત્તાની અપેક્ષા હોય છે. સૌથી અગત્યની અને મહત્ત્વની વાત છે કે સ્ત્રીને વ્યક્તિ તરીકે ન જોતાં કે માનતા પુરુષો કોઈપણ સ્ત્રીને ગમતા નથી. એટલે સૌથી પહેલી શરત હોય છે સ્ત્રીને ઉતરતી જાતિની સમજતાં પુરુષોને ક્યારેય સ્ત્રીનો આદર મળતો નથી. ખેર, એ હકીકત છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ નથી જે પુરુષના સ્વભાવના ખૂણાઓ બીજાને વાગે એવો નથી હોતા. અહીં કેટલાક સાયકોલોજિસ્ટે ગણાવેલા મુદ્દાઓ આપની સમક્ષ મૂકી રહી છું. જરૂરી નથી કે તમારે નવી મિત્રતા કરવાની હોય પણ તમારી આસપાસ જે સ્ત્રીઓ છે તે તમારી નજીક આવવા ન માગતી હોય કે સંબંધોમાં એક તણાવ રહેતો હોય તેમાં ક્યાંક સ્વભાવનો ખૂણો જવાબદાર હોઈ શકે.

ડોમિનેટીંગ - અત્યાર સુધી ભલે કહેવાયું હોય કે સ્ત્રીઓને ડોમિનેટીંગ પુરુષો ગમે છે. સમય બદલાયો છે. હવે સ્ત્રીઓને પોતાના પર કે બીજાના પર ધાક જમાવનારા પુરુષો ગમતા નથી. પોતાની સુપિરિયારિટી સાબિત કરવા માગતા પુરુષો સ્ત્રીને જરાપણ ગમતા નથી. સ્ત્રીઓ સમાન અધિકાર આપતા પુરુષો આકર્ષે છે. ઘરમાં ભારતીય પત્ની કદાચ તમારો સ્વભાવ સાંખી લેતી હશે પણ બહાર કામના સ્થળે કે સામાજિક મેળાવડામાં મળતી મહિલાઓ તમારી સાથે વાત કરવાનું પણ ટાળે એ શક્ય છે.

સ્ત્રી જાતિનો દ્વેષ કરનારા - કેટલાક પુરુષોને સ્ત્રીઓ માટે માન હોતું નથી. તેઓ સ્ત્રીને ઉતારી પાડતી વાતો જ કરશે. બૈરાંઓનું કંઈ કહેવાય જ નહીં કે તેમની વિચારશક્તિ જ ઓછી કે પછી કોઈ વાતે સ્ત્રીઓને કશી ગતાગમ ન પડે વગેરે વાક્યો વાતે વાતે બોલતા પુરુષો સ્ત્રીઓને જરાપણ ગમતા નથી. તેમની સાથે હાય હેલ્લો તો જવા દો તેમની સામે જોવાનું પણ પસંદ નહીં કરે. સ્ત્રીની શક્તિને પારખીને તેની કિંમત કરી ન શકનારા પુરુષોને સમાજમાં પણ હવે આદર માન મળવું મુશ્કેલ બની શકે. તમારે અપ્રિય વ્યક્તિ ન બનવું હોય તો આત્મનિરિક્ષણ કરીને સ્વભાવ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પોતાનો કક્કો ખરો કરવાનો સ્વભાવ - પોતે આલ્કોહોલ કે સિગરેટ ન પીતો હોય કે પછી પીતો પણ હોય, પરંતુ સ્ત્રી જો આલ્કોહોલ કે સિગરેટ પીતી હોય તો તરત જ કહેશે કે સ્ત્રીએ તો આવું ન જ કરાય. સ્ત્રીને શું કોઈને પણ બીજી વ્યક્તિ પોતાના ગમાઅણગમાથી મૂલવવા માંડે તો તે ગમે નહીં. તેમાં પણ પરંપરિત પુરુષ સ્ત્રીએ આવું કરવું કે ન કરવું કે ફલાણા કપડાં પહેરવા કે ન પહેરવા તેવી મૂલવણી કરતા હોય છે તે આજની નારી સ્વીકારી શકશે નહીં.

અહંકારી કે બડાશ હાંકતા પુરુષ - સતત પોતાની વાત કરતો કે પોતે જીવનમાં શું કર્યું તેની બડાશ હાંકતો પુરુષ ક્યારેય સ્ત્રીને ઈન્ટરેસ્ટિંગ નથી લાગતો. સફળ વ્યક્તિએ પોતાની બડાશ હાંકીને સફળતા સાબિત કરવી પડે તેનાથી નિમ્ન વાત બીજી કોઈ નથી. સફળતા ક્યારેય ઢાંકી ઢંકાતી નથી. પોતાના વિશે જ વાત કરતો પુરુષ સાબિત કરે છે કે તે કેટલો અહંકારી અને સ્વાર્થી છે. સ્ત્રી ક્યારેય બડાશ મારનારા પુરુષોથી અંજાતી નથી. તે પુરુષના સૌજન્યથી અંજાય છે. તેની નમ્રતાનો આદર કરે છે. આવા પુરુષો સ્ત્રી સાથે જ નહીં પણ બીજાઓ સાથે પણ જ્યારે તોછડાઈપૂર્વક વર્તે છે તે પણ કોઈ સ્ત્રીને ગમતું નથી. તમે બીજા સાથે કેવું વર્તન કરો છો તેનાથી તમારો સ્વભાવ છતો હોય છે. રેસ્ટોરન્ટમાં વેઈટર સાથે કઈ રીતે વાત કરો છો કે ટેક્સી ડ્રાઈવર સાથે પૈસા વિશે કે કોઈપણ બાબતે કેવી રીતે વર્તન કરો છો તેની સ્ત્રી નોંધ લેતી હોય છે. નાનામાં નાના માણસ સાથે આદરથી વાત કરનાર પુરુષ દરેકને પ્રિય બની શકે છે.

ચીટકું - સતત ચીટકી રહેતા પુરુષ ક્યારેય સ્ત્રીને ગમતા નથી. તેને થોડી સ્પેશ આપે તેવો પુરુષ ગમે છે. એક સ્ત્રી મિત્રએ જણાવ્યું કે તેમની સ્કૂલના રિયુનિયનમાં જૂના મિત્રો મળ્યા તેમાં એક પુરુષ મિત્ર ખૂબ ભલો અને સારો વ્યક્તિ હોવા છતાં તેનાથી ત્રાસી ગઈ હતી. રોજ વોટ્સ એપ્પ પર દસબાર મેસેજ મોકલે જ. તેને ગમે ત્યારે મેસેજ મોકલો તો એક જ સેક્ધડમાં તેનો જવાબ આવે. ક્યારેક સારું લાગે પણ કેટલીકવાર કંટાળો આવે. ગ્રુપમાં પણ એ વારંવાર મેસેજ મોકલે. આ વાત થઈ મિત્રતાની પણ જો તમે પ્રેમી કે પતિ હો તો પણ જો સતત તમારી સ્ત્રીની આગળપાછળ ફર્યા કરો. તેને એકલી પોતાની રીતે જીવવાનો કે શ્ર્વાસ લેવાનો મોકો ન આપો તો સંબંધમાં ગુંગળામણ થતી હોય છે. દરેક સંબંધને સ્પેસ આપવી પડે છે. વળી સામી વ્યક્તિને શું ગમે છે કે નથી ગમતું એ જાણ્યા સિવાય પોતાને ગમે એ રીતે વર્તન તમને પ્રિય નહીં પણ અળખામણું બનાવે છે.

પોતે જે સ્ત્રી સાથે હોય ત્યારે બાજુમાંથી પસાર થતી કોઈ સ્ત્રીને જોવું તે કોઈપણ સ્ત્રીને ગમતું નથી. તેનાથી એ પણ સાબિત થાય છે કે તમને સ્ત્રી પ્રત્યે આદર નથી. કોઈ સ્ત્રીને આદમ તરીકે જ ચેક કરવું તે યોગ્ય નથી. નિમ્ન સ્વભાવની તે ખાસિયત ગણાય છે.

પુરુષનો દેખાવ નહીં પણ તેનો સ્વભાવ જ સ્ત્રીને આકર્ષે છે. ગમે તેવો મેચો મેન હોય પણ તેની સાથે સ્ત્રી કમ્ફર્ટ એટલે કે સહજ ન રહી શકતી હોય. તો બીજીવાર તેને મળવાનું ટાળશે. ફક્ત પોતે જ બોલ બોલ કરતાં નહીં પણ સ્ત્રીને સાંભળે સાથે જ તેને શું નથી ગમતું તે પણ જાણી લેવાની આવડત જરૂરી હોય છે. પોતાના બિઝનેસની કે સ્પોર્ટસની વાત કર્યા કરવાથી પણ સ્ત્રી તમારી સાથે બોર થઈ શકે છે. તેમાં પણ જો તમે બુદ્ધિશાળી સ્ત્રી સાથે મિત્રતા કેળવવા માગતો હો તો જરૂરી છે કે તમારી પાસે તમારા પોતાના કામ સિવાય પણ બીજી વાત કરવાની આવડત હોય. એવી સ્ત્રીને તમે પૈસા કે તમારી સફળતાથી આંજી નહીં શકો. બને છે એવું કે પુરુષો સ્ત્રીને ફક્ત સ્ત્રી તરીકે જુવે છે એક વ્યક્તિ તરીકે નહીં એટલે જ તકલીફ ઊભી થાય છે. દરેક સ્ત્રીને કોઈપણ પુરુષ સાથે વાત કરવામાં કે તેની સાથે કોફી પીવામાં રસ ન હોય તે શક્ય છે. સ્ત્રીને પુરુષ સાથે મિત્રતા કરવામાં રસ છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. બોરિંગ વાતો કરતા પુરુષો સ્ત્રીને ગમતા નથી. સ્ત્રીને ગમતા વિષયો તમને બોરિંગ લાગતા હોય તો સ્ત્રીને પણ તમને ગમતા વિષયો બોરિંગ લાગી શકે છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ મિત્રતા પરાણે નથી થતી. બે વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ સહજતાથી બંધાતો હોય છે. તેને જાળવવા માટે તમારે યોગ્ય સજાગ પ્રયત્નો કરવા પડે છે.



You Might Also Like

1 comments