ભાગ મિશેલ ભાગ (mumbai samachar)

23:46




મિલ્ખાસિંહ પર જેમ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ બની તે રીતે મિશેલ કાકડે પર એક ફિલ્મ બની શકે છે. આમ તો મહિલાઓ સતત ભાગતી હોય છે. એક કામથી બીજા કામ પર, ઘરકામથી ઓફિસ અને વળી પાછી ઘરે. કામને પકડવાના સતત પ્રયત્નોમાં આજની નારી સમયને પણ હંફાવતી હોય છે. ત્યારે વિચાર આવ્યો કે મેરેથોન રનમાં ભારતીય મહિલાઓ કેમ વધુ પ્રમાણમાં ભાગ નથી લેતી. શોધખોળ કરતાં એક ભારતીય મહિલાની સિદ્ધિ વિશે સાંભળીને આંખો પહોળી થઇ ગઇ. મિશેલે દુનિયાનાં ચાર રણ દોડીને પાર કર્યાં છે તો ૨૦૧૬ની સાલમાં ઓછા સમયમાં ભારતીય કવાડ્રિલેટરલ દોડીને પૂરું કરવા માટે તેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. કવાડ્રીલેટરલ એટલે કે મુંબઈથી દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ આમ ચાર મોટાં શહેરોને જોડતા આપણા હાઇવે પર તે પ,૯૬૮.૧૪ કિમી દોડી. આ દોડ તેણે ૨૬ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ શરૂ કરી હતી અને ૧ મે, ૨૦૧૬ના ૧૯૩ દિવસમાં પૂરી કરી હતી. મિશેલ કહે છે કે દરેક વખતે જ્યારે તકલીફો આવે ત્યારે તેને થાય કે તે શું કામ દોડે છે? પણ લીધું કામ પૂરું કર્યા સિવાય જંપ ન વળે એટલે દોડ પૂરી થાય. પોતાની જાત પર ભરોસો, દૃઢ મનોબળ અને સખત મહેનતનો કોઇ પર્યાય નથી. તમને ગમતી બાબત હોય તો એ સહજતાથી થઇ શકે છે. પછી તે કોઇપણ બાબત કેમ ન હોય.

પુણે રહેતી મિશેલ કાકડે એકમાત્ર ભારતીય છે જે એલિટ ફોર ડેઝર્ટ કલબમાં સભ્ય બની શકી છે. આ કલબમાં દુનિયાના માત્ર ૧૨૪ દોડવીરો જ સભ્ય બની શક્યા છે. કારણ કે આ કલબમાં પ્રવેશ તેને જ મળે જે દુનિયાનાં ચાર મોટાં રણમાં મેરેથોન પૂર્ણ કરી શકે. આ ચાર રણ છે ગોબી, અટાકામા, સહારા, અને એન્ટાર્ટિકા. આ ચારેય રણમાંથી પસાર થવું જ્યાં અઘરું હોય ત્યારે તેમાં દોડવાનું કેટલું કઠિન હોય તે કલ્પના કરતાં જ સમજાય શકે, પરંતુ જાન્યુઆરી ૨૦૧૩ની શરૂઆત થતાં મિશેલે છેલ્લું એન્ટાર્ટિકા બરફના રણમાં ૪૯ કિલોમીટર દોડીને ફોર ડેઝર્ટ કલબમાં નામ નોંધાવી દીધું હતું. મિશેલ એ દિવસો યાદ કરતાં કહે છે કે બે કિલોમીટરના બરફના થરમાં દોડતાં ઘૂંટણમાં સખત પીડા થતી હતી...અને દૂર દૂર સુધી બરફ જ છવાયેલો હતો. પ્રથમ દશ કિલોમીટર દોડતાં આંખે પાણી આવી ગયા હતા પણ આ રણ પાર કરવું મારે માટે જીવન મરણનો પ્રશ્ર્ન હતો. હું મારી મંજિલથી બસ ૩૯ કિલોમીટર દૂર હતી અહીં સુધી પહોંચવું કેટલું કઠિન હતું તે મારા સિવાય કોણ જાણતું હોય...પગની પીડા કે થાકની સામે થઇને દોડવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે આ ક્લબમાં જોડાવાનું બહુમાન મેળવી શકી. 

૪૮ વર્ષીય મિશેલ બે બાળકોની માતા છે. તેણે સપને પણ ગિનેસ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવવાનું કે ડેઝર્ટ કવીન બનવાનું વિચાર્યું નહોતું. ૨૦૦૨માં પ્રસૂતિ બાદ શરીર પર ચઢતા ચરબીના થરને ઓગાળવા જીમમાં જઇ ટ્રેડમિલ પર દોડવાનું શરૂ કર્યું. દોડવાનું તેને ગમવા માંડ્યું. ૨૦૧૧માં ટ્રેડ મિલ પર ૨૫ કલાક સતત દોડવાનો વિક્રમ લિમ્કા બુકમાં નોંધાવ્યો. ત્યારબાદ તેને તુક્કો આવ્યો કે એકાદી ડેઝર્ટ રેસ દોડવી જોઇએ. સૌ પ્રથમ મોરોક્કોમાં મેરેથોન ડી સેબલમાં ભાગ લીધો. દોડી શકાયું એટલે બીજી મેરેથોન અટાકામાંના રણમાં ય દોડી જો કે એ મેરેથોનમાં તેમણે નદી પાર કરવાની હતી. રણમાં દોડી શકતી આ મહિલાને પાણીનો ફોબિયા છે તે તરી શકતી નથી. નદીમાં તે ડૂબી જ જવાની હતી કે સાથી દોડવીરે તેના બેકપેકના પટ્ટાથી બચાવી લીધી. પણ સીધું ગ્લેશિયરમાંથી આવતા ઠંડા પાણીમાંથી નીકળીને દોડવાનું સહેલું નહોતું. એ પણ પૂરું કરતાં તેણે ગોબીના રણની મેરેથોનમાં ભાગ લીધો. ગોબી રણની મેરેથોનમાં ટેકરીઓ પર ઊતર-ચડ કરવાની હતી. ઇજાઓ થવાની શક્યતાઓમાંથી બચતા તેણે ત્રીજો રણ પાર કર્યો ને બસ ચોથા રણને પાર કરવાની હામ ભીડી. પોચા બરફછાયા માર્ગમાં દોડવું સૌથી અઘરું હતું. પણ છેક છેવટ સુધી પહોંચીને હાર માને તો મિશેલ નહીં. ભારતીય અને મહિલા તરીકે બેવડો ગર્વ અનુભવતી મિશેલ કહે છે, જીવનમાં જે સામે આવ્યું તે દિલથી કર્યું. ડેઝર્ટ મેરેથોન દોડવા માટે કોઇ સ્પેશ્યલ ટ્રેનિંગ લીધી નહોતી. ફક્ત રોજ દોડવાની પ્રેક્ટિસ અને જીમમાં જઇને કમરને મજબૂત કરતી કસરતો કરતી. ક્યારેય બરફમાં કે રણની રેતીમાં દોડવાની પ્રેક્ટિસ કરી નથી. મેરેથોન સમયે સતત કલાકો સુધી સોનેરી રેતી કે બરફ જોયા કરવાથી મગજમાં અનેક ઉલ્કાપાતો મચતા પણ મારા જિદ્દી સ્વભાવે મને ગોલ સુધી પહોંચાડી. 

એ જ રીતે તેેણે હાઇવે પર દોડીને ભારતનાં મુખ્ય ચાર શહેરોને જોડ્યાં. ચાર રણ દોડવા જેટલું ચાર હાઇવે પર દોડવું અઘરું નહોતું પણ મુશ્કેલ તો હતું જ. હાઈવે પર આટલું લાંબુ દોડવા માટે તેણે મુંબઇનના કોચ રાજવડગામાની મદદ લીધી હતી. તેમની ટ્રેઇનિંગ હેઠળ જ તે આ રેકોર્ડ સ્થાપિત કરી શકી. મિશેલ કહે છે કે હવે તે રોડ પર દોડવા નથી માગતી. છેલ્લા પાંચ મહિનાથી તે એટલે જ કશું જ નથી કરી રહી. હાલમાં તે વળી ઘરમાં ધ્યાન આપી રહી છે. એ સિવાય તે એનિમલ વેલફેરના કામ કરી સમાજ સેવા કરે છે. 

કંઇક જુદું કરવા માટે ખાસ કશું કરવાનું હોતું નથી પણ તમને જે ગમે તેને સતત કરતાં રહો તો એક સમયે તમે ગર્વથી કહી શકો છો કે હમ કિસી સે કમ નહીં. મિશેલે ક્યારેય વિદેશમાં જઇને કે કોઇની પણ પાસે દોડવાની તાલીમ લીધી નથી. તે ફક્ત પોતાની જાતને શિસ્તમાં રાખતી અને સતત મહેનત કરતી હતી. તેણે ફક્ત એન્ટાર્ટિકાના બરફમાં દોડવા માટે કપડાંની ખરીદી માટે જ વિદેશની ટ્રિપ કરી હતી. તે સિવાય તે ચાર રણ મેરેથોનમાં દોડવા ગઇ હતી બસ એટલું જ. આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ મેરેથોન કલબમાં ભારતીય તરીકે ખાતું ખોલાવનાર સામાન્ય ગૃહિણી પણ હોઇ શકે છે.

You Might Also Like

0 comments