પગ ન ચાલ્યા તો શિક્ષણની પાંખ પહેરી ઊડ્યા (mumbai samachar)

03:58








આન્ધ્રપ્રદેશના અમલાપુરમની પાસે આવેલા એક નાનકડા ગામમાં જી એન સાઈબાબાનો જન્મ થયો. ચાર વરસની ઉંમરે પોલિયોને કારણે તેમનું શરીર ૯૦ ટકા પંગુ બની ગયું. સારવાર કરાવ્યા છતાં તેમાં કશો જ ફરક પડી શક્યો નહીં. ઘરમાં વીજળી પણ નહીં એવી ગરીબી હતી. ખેડૂત પિતાએ કર્જ લીધું હતું તેમાં ખેતર ગુમાવવું પડ્યું એટલે ગામ છોડીને અમલાપુરમ શહેરમાં મજૂરી માટે શિફ્ટ થવું પડ્યું હતું. તેમના જીવનમાં સંઘર્ષ જન્મથી જ જોડાયેલો હોવા છતાં તેમને જીવનમાં આગળ વધતા અટકાવી નથી શકયો. માનવ અધિકાર હેઠળ આદિવાસીઓના અધિકાર માટે ચળવળ ચલાવી રહેલા પ્રોફેસરને માઓવાદી સાથે કનેકશન હોવાનો આરોપ મૂકી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ૯૦ ટકા શરીર કામ ન કરતું હોવાથી વ્હીલચેર વિના તેમનું હરવું ફરવું મુશ્કેલ હોવાથી જેલમાં તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

તેમના જીવનસંઘર્ષ વિશે  દિલ્હીથી ફોન ઉપર મારી સાથે વાત કરતાં જી.એન. સાઈબાબા કહે છે કે, ‘ મારો જન્મ થયો ૧૯૬૭ની સાલમાં ત્યારે લોકોમાં કે મારા માતાપિતામાં પોલિયો કે પંગુતા વિશેની સમજ નહોતી. હું કેવી રીતે જીવીશ તે વાત તેમના માટે એટલી મહત્ત્વની હતી કે મને ભણાવવાની વાતનો વિચાર જ આવતો નહોતો. ગામમાં હતા ત્યારે જીવન સારું હતું. હું મંદિરની બહારના ઓટલે બેસીને બાળકોને રમતાં, ઢોર ચરાવતાં કે તળાવમાં ધુબાકા મારતા જોયા રાખતો. શિવમંદિરના પ્રાંગણમાં ચાલતાં ક્લાસમાં જે ભણાવાતું તે શહેરમાં આવતા છૂટી ગયું. જો કે બ્રાહ્મણ શિક્ષકે મારી પાટી ક્યારેય તપાસી નહોતી. મારી માતા પણ મને તેડીને ગામ બહાર આવતી નાટક મંડળીમાં કે ફિલ્મ જોવા માટે લઈ જતી. મારા પિતા પણ મને સાયકલ પર બેસાડીને ફરવા લઈ જતા. પણ હું દસેક વરસનો હોઈશ ને અમે શહેરમાં રહેવા ગયા અને મારું જીવન બદલાઈ ગયું. ભાડાના ઘરમાં જ્યાં રહેતા હતા ત્યાં મારી માતાનું બહાર નીકળવું અઘરું થઈ પડ્યું. તો મારા માટે પણ દુનિયા સીમિત થઈ ગઈ. એકવાર મને ખબર પડી કે અમારા ઘરની પાસે મ્યુનિસિપલ પ્રાયમરી સ્કૂલ છે. હાથ અને પગ એમ ચોપગા પ્રાણીની જેમ ચાલતો જેમ તેમ કરીને શાળાના દરવાજે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો મોટા પગથિયા હતા જે મારાથી ચઢી શકાય એમ નહોતા. એટલે નીચે બેસીને જે સામે ક્લાસ દેખાતો હતો તે જોતો બેસી રહ્યો. તેમાં હાથમાં છડી લઈને એક માણસ ખુરશીમાં બેઠો હતો અને છોકરાઓ સામે બેસીને લખી રહ્યા હતા. લગભગ ત્રણ કે ચાર કલાક ત્યાં બેસી રહ્યો કોઈનું મારા તરફ ધ્યાન ન ગયું પછી ધીમે રહીને પાછો ઘરે પહોંચ્યો. 

આમ પહેલીવાર ઘરથી દૂર એકલો ગયો હતો તે મારી મા મને શોધી રહી હતી. પણ પછી તો બીજા દિવસથી રોજનો ક્રમ થઈ ગયો. પ્રાર્થના શરૂ થાય તે પછી અને વર્ગ શરૂ થાય તે પહેલાં હું ત્યાં પહોંચી જતો અને ત્રણ ચાર કલાક ત્યાં બેસી રહેતો. કોઈ મારી તરફ ધ્યાન ન આપતું. પછી ધીમે ધીમે શિક્ષકો મારી સાથે વાત કરવા લાગ્યા. એકવાર ધોતી ને શર્ટ પહેરેલાં શિક્ષક આવ્યા અને તેમણે દરવાજો ખોલતા મારી સામે જોયું, સ્મિત આપ્યું અને ક્યાં રહે છે પૂછ્યું. મે તેમને શાળામાં ભણવા બેસવાની વિનંતી કરી પણ તેમણે કહ્યું કે તે શક્ય નથી. એડમિશન હવે આવતા વરસે થશે. પણ હું હવે ધીમે ધીમે દાદરા ચઢી બારી પર બેસીને ત્રીજા-ચોથા ધોરણના ક્લાસને નજીકથી સાંભળ્યા કરતો. ક્યારેક છોકરાઓ મારી સામે જોઈને હસતા તો શિક્ષકો તેમને વઢતા. છેવટે મહિનાઓ બાદ એકવાર પ્રિન્સિપલે મને બોલાવ્યો અને બીજા ધોરણમાં બેસવાનું કહ્યું. હકીકતે અઠવાડિયા બાદ શાળામાં ઈન્સ્પેકશન હતું ત્યારે જો મને આ રીતે બહાર બેસી રહેતા જુએ તો સવાલો ઊઠે એટલે મને ક્લાસમાં બેસવાનો લ્હાવો મળ્યો. ઈન્સ્પેકટરે મને કેટલાક સવાલો પૂછ્યા જેના જવાબો મને આવડતા હતા અને તેમણે પ્રિન્સિપલને મારી પરીક્ષા લઈને ચોથા ધોરણમાં પ્રમોટ કરવાનું કહ્યું. ત્યારબાદ હું સેક્ધડરી માટે મિશનરી સ્કૂલમાં ગયો જ્યાં કોઈ ફી નહોતી. દર વરસે હું પ્રથમ જ આવતો. બોર્ડમાં તો હું જિલ્લામાં પ્રથમ આવ્યો એટલે કોલેજમાં પણ એડમિશન સરળતાથી મળી ગયું. ’

પ્રોફેસર સાઈબાબાને શાળાના અભ્યાસ દરમિયાન જ અનંથા નામની છોકરીની સાથે પ્રેમ થઈ ગયો હતો. અનંથાએ તેમને દરેક રીતે સપોર્ટ કર્યો. ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તેમને હૈદરાબાદ જવાની તેમની મિત્ર (હાલ પત્ની) અનંથાએ આર્થિક મદદ કરી. પહેલી વાર હૈદરાબાદ ગયા બાદ રેલવે સ્ટેશન જોયું. તેમણે અંગ્રેજી સાહિત્ય તેમનો મુખ્ય વિષય છે. ત્યારબાદ દિલ્હીમાં પ્રોફેસર તરીકે આવ્યા એટલે તેમને સમજાયું કે અપંગને સગવડ મળે તો જીવન સરળ થઈ શકે છે, પણ અત્યાર સુધી તેમના મિત્રો અને સ્વજનોએ તેમની દરકાર કરી હતી. તેને કારણે જ તેઓ ગ્રેજ્યુએશન સુધી પહોંચી શક્યા હતા. તેઓ કહે છે કે, "હું ભણવામાં હોશિયાર હતો પણ મિત્રો અને કુટુંબીઓના સહકાર વગર જીવન મારા માટે સહેલું ન હોત. છેક ૨૦૦૩માં મારી પાસે વ્હીલચેર આવી. ત્યાં સુધી ચાર પગે જ હું જીવન જીવી રહ્યો હતો. 

દલિત તરીકે અને અપંગ તરીકે મેં અન્યાયો જોયા છે અને અનુભવ્યા છે એટલે અન્યાય વિરુદ્ધની મારી ચળવળ સહજ હતી. વિકાસના નામે આદિવાસીઓની સાથે થતા અન્યાય વિરુદ્ધ કંઈ કર્યા વિના બેસી રહેવું મને ફાવ્યું નહીં. તે માટે જેલમાં પણ જવું પડ્યું પણ તેનાથી ગભરાયો નથી. પંગુતા મારા શરીરમાં છે, મનથી હું નોર્મલ છું એટલે જ એબનોર્મલ એટલે કે ખોટું, યોગ્ય ન હોય તે ચુપચાપ જોયા કરવાનું મને ફાવ્યું નથી. મને એટલું સમજાયું છે કે મારું ગામ કે નાનું શહેર મારા જેવાને જેટલી સરળતા આપી શક્યું તેટલી સરળતા દિલ્હી જેવું શહેર પણ આપી શક્યું નહીં. તેમાં પણ આપણી જેલો જરાપણ અપંગ ફ્રેન્ડલી નથી." સાઈબાબાને અનેકવાર જેલમાં જવું પડ્યું છે. હમણાં તેઓ આઠ વરસ જેલમાં રહી આવ્યા. તેમના પર માઓવાદી પ્રવૃત્તિ સાથે સંકળાવાનો આરોપ છે. સાચું ખોટું શું છે એ જવા દઈએ તો ય દરેક પરિસ્થિતિમાં મર્યાદાઓને હરાવીને જીવનને સતત વિકસતું રાખવાનો તેમનો પ્રયત્ન સરાહનીય છે.  

પ્રોફેસર જી.એન. સાઈબાબા પોતાની મર્યાદાને પાંખો લગાવીને ઊડ્યા છે તેમાં એમની પત્ની અનંથા ખરા અર્થમાં જીવનસાથી બનીને તેમની પડખે ઊભા રહ્યાં છે.




You Might Also Like

0 comments