ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે...

22:10













જેમણે પ્રેમ કર્યો હોય તેઓ બહુ સારી રીતે જાણતા હશે કે ઈર્ષ્યા નામનો રાક્ષસ પ્રેમની સાથે સિક્કાની બીજી બાજુની જેમ તમને મળે છે. તેને ટાળવો કે ખાળવો અશક્ય છે. આ રાક્ષસ તમને રડાવે છે, કકળાવે છે, બેચેન બનાવે અને ક્યારેય તો અતિશય ક્રોધ પણ જન્માવે છે. કેટલીય સ્ત્રીઓ પર ફેંકવામાં આવતા એસિડ તેનું કદરૂપું સ્વરૂપ છે. ઈર્ષ્યાના પણ પ્રકાર છે. સંશોધન બાદ ટેમ ધ ગ્રીન આય મોન્સ્ટર નામે પુસ્તક લખનાર યુઝીન શોનફિલ્ડ કહે છે ઈર્ષ્યાના અનેક પ્રકાર હોય છે. તો બાયોલોજિકલ એન્થ્રોપોલોજીસ્ટ હેલન ફિશર કહે છે કે માનસિક રીતે લાગણીમાં પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ નબળા અને ચંચળ (અસ્થિર) હોય છે. 

જાહેરાતો પણ માનવ સ્વભાવને અનુરૂપ બનાવવામાં આવે છે. જાહેરાત બનાવવા માટે પણ માનવીય માનસિકતાનો અભ્યાસ કરવામાં આવે છે. વરસો પહેલાં એક ટેલિવિઝન કંપનીએ રાક્ષસનો ચહેરો જાહેરાતમાં કાયમ કર્યો હતો, કારણ કે આપણી પાસે ન હોય એ પડોશી પાસે હોય તો ભલે દેખાડીએ નહીં પણ અંદરખાનેથી ઈર્ષ્યા થતી જ હોય છે. તો ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે સાંભળતા જ હરિફાઈ અને સરખામણીનો ભાવ આપણી સામે ઊભો થાય છે. આ ભલે સાબુની જાહેરાત હોય પણ આપણે અનેકવાર નાની મોટી અનેક બાબતે બીજાની ઈર્ષ્યા કરી બેસીએ છીએ. જીવનમાં હરીફાઈ અને સરખામણી બન્ને લાગણીઓના પાયામાં ઈર્ષ્યા હોય છે. ઈર્ષ્યા ન હોય તો આ બન્ને બાબતનો ઉદ્દેશ સફળ નથી થતો. સ્ત્રીઓ ખૂબ ઈર્ષ્યાળુ હોય છે તેવું ભલે કહેવાતું હોય, પરંતુ હકીકતમાં પુરુષોમાં ઈર્ષ્યાવૃત્તિ ભારોભાર હોય છે તેવું અભ્યાસીઓનું પણ કહેવું છે. 

ઈર્ષ્યામાં પુરુષ હિંસા આચરી બેસી શકે છે જો વિવેકબુદ્ધિ જાગૃત ન હોય તો. સ્ત્રીઓના ચહેરા પર એસિડ ફેંકવાનું કારણ પણ ઈર્ષ્યા જ હોય છે. તું મારી ન થઈ શકે તો બીજા કોઈની પણ ન થઈ શકે એ આશયથી ચહેરો અને જીવન બગાડી નાખવામાં આવે છે. તો ક્યારેક તે ખૂન પણ કરી બેસે છે. ચેપમેન યુનિવર્સિટીના સંશોધક ડેવિડ ફ્રેડરિકે કરેલા અભ્યાસ બાદ જણાયું હતું કે પુરુષોને સેક્સ્યુઅલ એટલે કે જાતીય ઈર્ષ્યા વધુ અનુભવાતી હોય છે પછી તેમાં લાગણીઓ જોડાયેલી હોય કે નહીં તેની દરકાર નથી હોતી તો સ્ત્રીઓ ઈમોશનલ અર્થાત્ લાગણીઓની ઈર્ષ્યા અનુભવતી હોય છે પછી તેમાં સેક્સ્યુુઅલ એક્ટ હોય કે ન હોય. જેમ કે પુરુષ પોતાની પ્રેમિકા કે પત્ની જો બીજા કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધે તો તે સહન કરી શકતો નથી કે માફ કરી શકતો નથી. એની પાછળ પણ પુરુષોનું ટેસ્ટેસ્ટેરોન નામનું હોર્મોન કામ કરે છે. પુરુષને પોતાના પૌરુષત્વ પરનો આઘાત સહન નથી થતો. જ્યારે સ્ત્રીઆને લાગે છે કે પોતાની લાગણી ક્યાં ઓછી પડી કે બીજા સાથે લાગણીથી પોતાની માની લીધેલી વ્યક્તિ જોડાઈ. દરેક સંશોધકો એક બાબતે સહમત થાય છે કે ઈર્ષ્યા એ એવી લાગણી છે કે તેનાથી કોઈ માનવ બચી શકે એમ નથી. તેના પર ક્ધટ્રોલ મેળવવાનું શક્ય છે પણ તેની પીડામાંથી કોઈ વ્યક્તિ બચી શકતી નથી.

દરેક વ્યક્તિ પ્રેમમાં પડ્યા બાદ જે તે વ્યક્તિ પર પોતાનું આધિપત્ય હોવાનું માની લે છે. આજના આધુનિક સમયમાં ગમે તેટલી સ્વતંત્રતાની વાત કરવામાં આવે. લગ્ન ન કરીને લિવ ઈન રિલેશનશિપમાં બંધનનો છેદ ઉડાડતી આજની યુવાપેઢી પણ ઈર્ષ્યાની ચુંગાલમાંથી બચી શકતી નથી. એકબીજાને ગમે તેટલી સ્વતંત્રતા આપવાની વાત કરવામાં આવે તો પણ પોતાની પ્રેમિકા કે પ્રેમી બીજા સાથે સંબંધ બાંધે તો કોઈ સાંખી લેતું નથી. 

બાળક નાનું હોય અને તેની માતાને બીજું કોઈ વ્હાલ કરે કે તેની માતા બીજા કોઈને વ્હાલ કરે તો તે સાખી શકતું નથી. બાળક તેનો વિરોધ રડીને કરે તો એ બાબતનો આનંદ લેવામાં આવે છે. રમોલાએ પોતાના પતિને કહ્યું કે આપણો નાનકો કેટલો સમજદાર થઈ ગયો છે હું આપણી મોટી દીકરીને ખોળામાં બેસાડું તો રડારોળ કરી તેને ઊભી કરે ત્યારે જ જંપે. અને રમોલા ફરીથી પોતાની દીકરીને ખોળામાં બેસાડે અને તેમનો બાબો ચીસો પાડવા માંડે તે જોઈને પિતા તેને ખોળામાં લઈને કહે કે તેને રહેવા દે, હું તને મારા ખોળામાં બેસાડું પણ બાબો જ્યાં સુધી મોટી બહેનને માના ખોળામાંથી ઉતારે નહીં ત્યાં સુધી જંપે જ નહીં. આ વાતને ખૂબ ગર્વપૂર્વક બધાને કહેવામાં આવે અને મોટો થતાં બાબાનેય સંભળાવવામાં આવે. 

ઈર્ષ્યાની લાગણી આપણે બાળપણથી જ અનુભવીએ છીએ એવું ઈર્ષ્યા ઉપર પુસ્તક લખનાર યુઝીને એક મુલાકાતમાં કહ્યું છે. આગળ તે કહે છે કે આપણે જ્યારે કોઈપણ સંબંધમાં જોડાઈએ છીએ તો તે વ્યક્તિને શારીરિક રીતે માલિકીભાવ મેળવી નથી શકતા, પરંતુ માનસિક રીતે તેના પર કબજો હોવાનું સમજતા હોઈએ છીએ. જ્યારે તેને ગુમાવી દેવાની આશંકા થાય કે આપણે અસલામતી અનુભવતા હોઈએ છીએ. અસલામતીની લાગણીમાંથી દુખ, પીડા, ક્રોધ એવી અનેક લાગણીઓ જન્મે છે. જોકે કેટલીક વખત કોઈ જ દેખીતા કારણ વિના પણ પુરુષ ઈર્ષ્યા અનુભવતો હોય છે. 

ફ્રોઈડના કહેવા પ્રમાણે ત્રણ જાતની સેક્સ્યુઅલ ઈર્ષ્યા હોય છે : એક તો સામાન્ય રીતે કારણ હોયને થતી ઈર્ષ્યા. બીજું ડિલ્યુઝન જેલસી એટલે કે જેમાં વ્યક્તિ ટીવીનો અવાજ સાંભળે તો પણ થાય કે તેની પત્ની બીજા કોઈ સાથે વાત કરે છે કે શું? વ્યક્તિ ન હોય ત્યાંથી કલ્પના કરીને પીડાય કે તેની પ્રેમિકા કે પત્નીને બીજા કોઈ સાથે સંબંધ છે. ત્રીજો પ્રકાર તે જણાવે છે પ્રોજેકશન જેલસી, જેમાં પુરુષને પોતાને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાની ઈચ્છા હોય પણ તેમ કરી શકતો ન હોય એટલે પોતાની અધૂરી ઈચ્છાની પીડાને લઈને પોતાની પત્ની પર શંકા કરે કે તેના મનમાં પણ આવી ઈચ્છાઓ હશે. અને ન હોય તેવી વ્યક્તિની ઈર્ષ્યા કર્યા કરે. યુઝીન ઈર્ષ્યાને અનિવાર્ય લાગણી ગણે છે. તે કહે છે કે ઈર્ષ્યા થાય તો તેને સ્વીકારો અને જુઓ. ઈષ્યા થવી એ સહજ માનવીય સ્વભાવ છે ફક્ત એટલું ધ્યાન રાખો કે તેને તમારા મગજ પર સવાર ન થવા દો. તેને જેટલી નકારશો તેટલી વધુને વધુ તમને કનડશે. તે ટાળી શકાય એવી લાગણી નથી. હા ક્યારેક તે આવકાર્ય પણ બને છે જ્યારે તેમાં હરીફાઈનો ભાવ ઉમેરાય છે. ઈર્ષ્યાને કારણે જ સંબંધોને તમે ગંભીરતાથી લો છો. સામી વ્યક્તિને વધુ મહત્ત્વ પણ આપો છો. જરૂરી નથી કે ઈર્ષ્યા બીજી વ્યક્તિની જ થાય. તમારી ગમતી વ્યક્તિ જો પોતાના શોખ માટે કે પોતાની કારકિર્દીને વધુ મહત્ત્વ આપે તો પણ સહન ન થાય તે પણ એક પ્રકારની ઈર્ષ્યા જ છે. 

આધુનિક જમાનામાં ઈર્ષ્યાનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે, કારણ કે હવે સ્ત્રીઓ બહાર કામ કરવા જાય છે. મોટાભાગના પુરુષોને માટે આજે પણ સ્વીકારવું અઘરું બને છે કે તેની પત્ની પોતાના સિવાય બીજાઓની સાથે વધુ સમય પસાર કરતી હોય અને આનંદમાં રહેતી હોય. તેમાં પણ ટેકનોલોજી આવ્યા બાદ તેના પ્રમાણમાં ઓર ઉમેરો થતો જાય છે. શંકાનો પાયો જ ઈર્ષ્યામાં હોય છે. તો સ્પર્ધાત્મક વલણને કારણે વ્યાવસાયિક ઈર્ષ્યા વ્યક્તિને સતત સ્ટ્રેસમય રાખે છે. સ્ટ્રેસ આધુનિક જમાનાનો ખતરનાક રોગ છે જે વ્યક્તિને પોતાને જ ખતમ કરે છે. 

યુઝીન કહે છે કે ઈર્ષ્યા પર કાબૂ મેળવવા માટે તેને સ્વીકાર કર્યા બાદ બીજા કામમાં મન પરોવો. મેડિટેશન કરીને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવો. વેકેશન પર જાઓ. કોઈની સાથે વાત કરો. એ લાગણીને મનમાં ને મનમાં ઘૂંટ્યા ન કરો. જો વ્યાવસાયિક ઈર્ષ્યા હોય તો જરા થંભીને જુઓ. ધ્યાન કરવાથી કે શોખ કેળવવાથી તમારામાં સ્પોર્ટ્સમેનશિપની ભાવના વિકસશે. જો અંગત સંબંધોની બાબતે શંકા હોય તો તમારા જીવનસાથી સાથે નિખાલસતાપૂર્વક વાત કરો. શક્ય છે તમારી શંકા ખોટી હોય. સંવાદ સાધવાથી પ્રેમ ઘટતો નથી વધે છે. ઈર્ષ્યા નકારાત્મક લાગણી છે જેનો ઉદ્ભવ પણ ઓક્સિટોસીન નામના હોર્મોનમાંથી થતો હોવાનું ઈઝરાયેલ સંશોધકે શોધ્યું છે. આમ પ્રેમ માટે જે હોર્મોન જવાબદાર છે એ જ હોર્મોન નફરત કે ધિક્કારની લાગણી જન્માવે છે. એટલે જ કદાચ દરેક લાગણીના સંબંધમાં ઈર્ષ્યાનો ભાવ પણ સહજ રીતે વણાયેલો હોય છે. તેને મહત્ત્વ આપો તો સંબંધમાં નુકસાન થઈ શકે છે.



You Might Also Like

0 comments