પીડાને હંફાવી રંગ્યો જીવનનો કૅન્વાસ(mumbai samachar)

20:36





‘રોજ હું પાંચેક કલાક કામ કરવાનો પ્રયત્ન કરું છું. થોડા સમયથી પેઈન્ટિંગ કરવાનું શક્ય નથી બનતું એટલે ડેકોરેટેડ બોક્સ બનાવું છું. થોડું પણ કામ થાય અને મેડિટેશન થાય એટલે દિવસ મજાનો પસાર થાય, જીવનમાં આમ જોઈએ તો કોઈ જ તકલીફ નથી. અદ્ભુત છે જીવન’ આવું કહેનાર શેફાલીને માટે માન થઈ જ આવે. 

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બેઠા ઘાટના મકાનના દાદરા ચઢીને ઉપરના માળે આવેલી રૂમમાં દાખલ થતાં જ સામેની દીવાલો પર લાગેલાં બે ત્રણ પેઈન્ટિંગ નજર પડે. ડાબી બાજુ વળીને જોયું તો સામે ખાટલામાં એક હસતો ચહેરો સ્વાગત કરે. શરીર તો દેખાય જ નહીં. એ ઓરડામાં સામે જ બુદ્ધનું સ્ટેઈન ગ્લાસ પર કરેલું પેઈન્ટિંગ ધ્યાન દોરે, પલંગની આસપાસ સ્વચ્છતા અને સુઘડતા. પલંગમાં સૂતેલી વ્યક્તિની સામેની દીવાલ પર અનેક રંગોની ડબ્બીઓ અને કેટલાક સુંદર રીતે શણગારેલાં બોક્સ દેખાય. પલંગમાં સૂતેલી વ્યક્તિ હસતાં મોંએ અમને જોયા કરે છે, આંખો મળતા કહે છે, ઘર શોધવામાં તકલીફ તો નથી થઈને? હવે એ વ્યક્તિ તરફ ધ્યાન જાય છે. ગોરો ચહેરો, નાના વાળ, બોલકી આંખો, છાતી પર પડેલી નોટપેડ કે ટેબલેટ..હાથ વળી ગયેલા, પગ પણ વળી ગયેલા, તેનું નામ શેફાલી, તે છેલ્લા અગિયાર વરસથી આ રૂમની બહાર નથી નીકળી. લગ્ન પહેલાં તે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં માતાપિતા સાથે રહેતી હતી. સાવ પથારીવશ અવસ્થામાં જીવતી શેફાલીને અઢળક કામ કરવું છે પણ થાકી જવાય છે એટલે પાંચ કે છ કલાક જ કામ કરે છે. શેફાલી કલાકાર જીવ છે. ઘરમાં લાગેલા બધા પેઇન્ટિંગ શેફાલીના છે. આવી પથારીવશ અવસ્થા અને પીડામાં ક્યારેય એવું લાગે કે આના કરતાં મૃત્યુ સારું? ‘ ના જરાય નહીં, જીવન સુંદર છે જો જોતાં આવડે તો અને દરેક દિવસો સરખા નથી હોતા.’ કહેતા શેફાલી પોતાની વાત માંડીને કહે છે,‘ મને રૂમેટોઈડ આર્થરાઈટિસ છે. આમ તો કંઈ પહેલાંથી આવી નહોતી. હું પણ નોર્મલ હતી પહેલાં...મારો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો. મારા મતાપિતા શિક્ષક હતા. ૧૯૮૭માં હું હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ ત્યારથી જ થોડી તકલીફો મારા શરીરમાં હતી. સાંધા દુખે સહેલાઈથી હલનચલન ન થાય પણ ચાલી શકતી હતી. ફક્ત દાદરા ચઢવા ઉતરવામાં તકલીફ હતી. કોઈએ મને ઊંચકીને નીચે લઈ જવી પડતી અને ઊંચકીને ચઢાવવી પડતી. એટલે માતાપિતા નિવૃત્ત થતાં જ અમે વડોદરા સ્થાયી થવાનું વિચાર્યું. તે મારે કારણે અમે ૧૯૮૯માં વડોદરા

રહેવા આવી ગયા.’ વચ્ચે એક ફોન આવતા અટકે છે અને અમારા માટે તેમની કેર ટેકર પાણી લઈ આવે છે, વળી સવાલ થાય છે કે શું ક્યારેય ડિપ્રેશન આવે? 

સવાલ સાંભળીને આછું હસતાં શેફાલી કહે ‘પહેલાં ક્યારેક ડિપ્રેશન આવતું પણ તેને વધુ મહત્ત્વ આપવા કરતાં રચનાત્મક વિચારો અને કામ કરવામાં મન પરોવવાનું મેં શીખી લીધું છે. મને પેઈન્ટિંગ કરવાનો શોખ હતો. એટલે મેં અહીં આવીને પેઈન્ટિંગ કરવા માંડ્યું. લોકોને મારા પેઈન્ટિંગ ખૂબ ગમતા, લોકો મારી પાસે પેઈન્ટિંગ શીખવા આવવા લાગ્યા અને મારું કામ શરૂ થયું. બસ હું મારા શોખથી જીવનને રંગીન બનાવતી રહી. એક જાણીતી કંપની માટે પણ પેઈન્ટર તરીકે કામ કર્યું. દરમિયાન મને પીડા થતી જ રહેતી પણ અવગણતી નહીં. જીવનમાં પહેલીવાર થોડી હતાશ પણ થઈ એટલે ગોતીમાં આવેલ વિનોબા આશ્રમમાં નેચરોપેથી માટે અગિયાર મહિના રહી. ત્યાં મને વિપશ્યના વિશે ખબર પડી. માનસિક રીતે સધ્ધર થયા વિના મારો છૂટકો નહોતો. મને રડતાં રહેવું નથી ગમતું હસતાં રમતાં રહેવું ગમે. ૧૯૯૩માં વિપશ્યનામાં જનક સાથે મિત્રતા થઈ અને ૧૯૯૮માં તેમણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેમને ખબર હતી કે મને રૂમેટાઈડ આર્થરાઈટટિસની તકલીફ છે. સરળતાથી મારું શરીર ત્યારે પણ કામ નહોતું કરતું પણ તેમને મારી સેવા કરવામાં ય કોઈ વાંધો નહોતો એટલે લગ્ન કર્યાં. તેઓ મારાથી આઠેક વરસ મોટા હતા. જનક મોટેભાગે ગોએન્કાજી સાથે વિપશ્યનાના સેન્ટરમાં સેવા કરવામાં રહ્યા એટલે ત્યાં સુધી લગ્ન કરવાનું વિચાર્યું નહોતું. અમે લગ્ન કર્યાં ત્યાર પછી ૨૦૦૧માં હું અચાનક વ્હીલચેર પર આવી ગઈ. એક વૈદ્યની દવા લેતી હતી અને તેઓ દવામાં સ્ટેરોઈડ્સ આપતા હતા તે ખબર નહોતી. અચાનક દવા બંધ કરી અને બીજી તકલીફો વધી ગઈ. દવાઓની સાઈડ ઈફેક્ટથી હું પરેશાન હતી. તે છતાં ૨૦૦૨ થી ૨૦૦૬ સુધી મારા પેઈન્ટિંગના અનેક પ્રદર્શન વડોદરા, સુરત, મુંબઈ, લંડનમાં કર્યાં. પીડાઓને હું પેઈન્ટિંગના રંગોમાં વહાવી દેતી. તકલીફો તો થાય પણ તેને ગણકારવું નહીં તે નક્કી હતું. વિપશ્યનામાં શીખી હતી જાતને જોવાનું તે મારી જાતને સતત તપાસતી રહું છું. પીડાઓને જોઉં છું. પણ ૨૦૦૪માં લંડનમાં છ મહિના રહેવું પડ્યું હતું તે સમયે ખાવાપીવાની પરેજી સરખી પડાઈ નહીં અને તકલીફો એવી વધી કે ભારત આવીને મેં જે ખાટલો પકડ્યો તે હજી છોડ્યો નથી. શરૂઆતમાં તો જે પીડા થતી તે વખતે મારા પતિ જનક સિવાય કોઈને પણ હાથ લગાડવા દેતી નહીં. જનકે મારા માટે કામ છોડ્યું ને સેવા કરી. પણ પછી મેડિટેશનને કારણે જ જનક પર અવલંબિત રહેવાનું બંધ થયું. મેં જોયું કે મને સખત ભય હતો પીડાનો. મારી અંદર પડેલી અનેક ગાંઠો છોડી તો મારા શરીરના સોજા ઊતરી ગયા. હા, હું બેસી પણ નથી શકતી પણ પેઈન્ટિંગ તો કરું જ છું. કારણ કે રંગોની સુંદર કલ્પનાઓનું જગત જ મને જીવાડી રહ્યું હતું. હું ક્યારેય પીડાની કે નિરાશાઓ વિશે વિચારતી નથી. કદાચ એટલે જ મને ક્યારેય મૃત્યુનો વિચાર નથી આવ્યો. મારે જીવવું છે અને સુંદર રીતે જીવવું છે. મારી પાસે ચાર સધ્ધર ટેકા છે. પતિ જનક, માતાપિતા અને વિપશ્યના. તો પછી હું શું કામ સુંદર કલ્પનાઓ ન કરું? મને સમજાતું નથી કે લોકો નિરાશ થઈને શું કામ આત્મહત્યા કરે છે? અને હવે તો સોશિયલ મીડિયાને લીધે મારા મુંબઈના મિત્રો સાથે સતત સંપર્કમાં રહી શકું છું. આખી બપોર કામ કરું અને રાત્રે ટીવી જોઉં. મારા ફિજિયોથેરેપીસ્ટ ડોકટર પણ યોગ અને મેડિટેશનની વાત કરે. સાચું કહું જીવન તમે જેવું જુઓ તેવું લાગે. જો સતત નકારાત્મક વિચારો કરો અને મનગમતું કામ ન કરો તો નકામું લાગે, પણ જો જીવંત સ્વભાવ રાખી હકારાત્મક વિચારો તો ચોક્કસ જ જીવન રંગીન છે. ભગવાને કેટલા બધા રંગો અને સુંદરતા આપણને આપી છે તે જોવાને બદલે હું શું કામ ખરાબ જોઉં. અને જે મારી અંદર ખરાબી છે, સ્વભાવમાં જે તકલીફો છે તે જોઈને દૂર કરવાના પ્રયત્નો કરું છું એટલે આ એક રૂમમાં પણ મારી દુનિયા વિશાળ અને સુંદર છે.સાચું કહું તો આજે સમજાય છે કે બહારની દુનિયા કરતાં અંતરમનની દુનિયા વિશાળ અને અદ્ભુત સુંદર છે.’ 

શેફાલીના પતિ હાલમાં લંડન ગયા છે પોતાના કામ માટે. તેઓ પણ રંગોળી આર્ટિસ્ટ છે. બ્રિટિશ મ્યુઝિયમમાં પણ જનકને રંગોળી પૂરવા બોલાવે છે. તેમણે પોતાના પ્રેમ અને સેવાની રંગોળીથી શેફાલીના જીવનને ધબકતું રાખ્યું છે.

You Might Also Like

4 comments