નયે દોર મૈં લિખેંગે મિલકર નઈ કહાની (mumbai samachar)

04:14





૨૦૧૬નું વરસ નારીશક્તિના નામે યાદ કરવામાં આવશે. ગયા અઠવાડિયે પહેલી વખત એવું થયું કે આખુંય ભારત ક્રિકેટને ભૂલીને કુસ્તી, જીમ્નેસ્ટિક્સ અને બેડમિન્ટનની વાતો કરતું હતું. સોશિયલ મીડિયામાં પણ ભારતીય મહિલાઓ અને ઓલિમ્પિક છવાયેલા હતા. ભારત એવો દેશ છે કે જ્યાં સ્ત્રીઓને ઘરની બહાર જવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય છે. જાતીય સતામણી અને ઘરેલું હિંસાની હેડલાઈન્સ દરરોજ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેટલી ખરાબ છે તે વર્ણવતી હોય છે. તેવામાં કેટલીક સ્ત્રીઓ અનેક વિટંબણાઓને પાર કરીને નવા વિક્રમો રચવા નીકળી પડે છે. આ વખતે રિઓ ખાતે આયોજાયેલી ઓલિમ્પિકમાં ૫૪ નારીઓએ ભાગ લીધો હતો તેમાંથી પી.વી.સિંધુ, સાક્ષી મલિક, દીપા કરમાકર, લલિતા બાબરે ઓછી સુવિધા અને અનેક તકલીફો સાથે પોતાના પસંદ કરેલા ક્ષેત્રમાં અલગ ઓળખ ઊભી કરી ભારતનું નામ વિશ્ર્વમાં ગાજતું કરી દીધું.

ભારત એક એવો દેશ છે જેમાં રમતગમતની સુવિધાઓ સરળતાથી મળી શકતી નથી. સ્પોર્ટ્સ માટે માથાદીઠ ફક્ત ૦.૩૪ પૈસા વાપરીએ છીએ જ્યારે અમેરિકામાં માથાદીઠ સ્પોર્ટ્સ માટે ૨૦.૧૬ રૂપિયા વાપરવામાં આવે છે. તેમાં પણ સ્ત્રીઓને માટે તો એનાથી પણ ઓછા પૈસા વપરાતા હશે. તે છતાં હાલમાં રિઓ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં સ્ત્રી શક્તિએ ભારતના ગૌરવને અખંડિત રાખ્યું. ગયા અઠવાડિયાનાં અખબારો ઉઠાવીને જોશો તો નારીશક્તિનો એક અલગ ચહેરો જોવા મળશે. સાક્ષી મલિક હોય કે પીવી સિંધુ હોય કે દીપા કરમાકર કે પછી લલિતા બાબર તેમના વ્યક્તિત્વમાં જોશ, જુસ્સો અંગેઅંગમાંથી ઝળકતો દેખાશે. તેમની આંખોની ચમક અને ચહેરાના ઉમંગનો રંગ આખાય ભારતને રંગી ગયો.

ભારતને આ વખતે ઓલિમ્પિકમાં ફક્ત બે જ મેડલ મળ્યા એક બ્રોન્ઝ અને એક સિલ્વર. અને તે બન્ને મેડલ મેળવનાર નાની વયની યુવતીઓ પી વી સિંધુ અને સાક્ષી મલિક છે. બેડમિન્ટનમાં પ્રથમવાર ભારતને સિલ્વર મેડલ અપાવનાર પી વી સિંધુ સિકંદરાબાદની છે. સિંધુ સૌથી નાની વયની ભારતીય છે, જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય. તેના માતાપિતા વોલીબોલ ચેમ્પિયન હોવાથી રમતગમત ક્ષેત્રમાં તે સહજતાથી પ્રવેશી શકી પરંતુ, તેના માતાપિતાની રમત અપનાવવાને બદલે તેણે બેડમિન્ટન રમવાનું પસંદ કર્યું. માતાપિતાનો સહકાર હોવા છતાં શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે તમારે સખત મહેનત કરવી પડતી હોય છે. બાળપણથી સિંધુ રોજ સવાર સાંજ બેડમિન્ટન શીખવા માટે અને પ્રેક્ટિસ કરવા માટે સિકંદરાબાદના તેના ઘરથી પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમી સુધીનો કુલ ૧૨૦ કિલોમીટરનો પ્રવાસ કરતી. તેના કોચ ગોપીચંદ સવારમાં ચાર વાગ્યાથી તેનું કોચિંગ શરૂ કરતાં અને તે માટે એણે ૩.૩૦ વાગ્યે ઘરેથી નીકળવું પડતું. તેના કોચ ગોપીચંદ આજે ગર્વપૂર્વક કહે છે કે તે નેટ પર ક્યારેય મોડી ન પડતી. મહેનત કરવામાં તે કદી પાછીપાની ન કરતી. એટલે જ તેણે બેડમિન્ટનની રમતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રતિષ્ઠિત અર્જુન એવૉર્ડ અને અન્ય અનેક એવૉર્ડ તથા રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય મેડલો પણ તેણે મેળવ્યા છે.

રેસલિંગમાં (કુસ્તી) બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય યુવતી સાક્ષી મલિક તો સાવ અનોખી નારી છે. તેનું સ્પોર્ટ્સમાં આગળ વધવાનું કારણ ન તો પૈસા હતા કે ન તો મેડલ હતા પણ વિમાનમાં પ્રવાસ કરવાની તેની અદમ્ય ઈચ્છા હતી. હરિયાણા રાજ્યમાં જ્યાં ક્ધયાઓનું પ્રમાણ ઘણું જ ઓછું છે અને સ્ત્રીઓ પર જ્યાં અનેક પાબંદીઓ હોય છે ત્યાં રોહતક જિલ્લાના મોખરા ગામમાં જન્મ અને ઉછેર. તેના પિતા દિલ્હીમાં બસ ક્ધડકટર તરીકે કામ કરે છે. સાક્ષીના દાદા બધલુરામ જે પોતે રેસલર હતા તેમની પાસે બાર વરસની ઉંમરે તેણે રેસલિંગ શીખવાનું શરૂ કર્યું. અને પછી રોહતકના અખાડામાં કોચ ઈશ્ર્વર દહિયા પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. તેના માતાપિતાએ છોકરી હોવાને લીધે પુરુષોની રમત ગણાતી રેસલિંગમાં રસ લેતી દીકરીને રોકી નહીં. અન્ય કુટુંબીઓ અને સમાજે ટીકા કરી કે આવી રમતોમાં ભાગ લેતી છોકરીને કોઈ પરણશે નહીં કે તે પછી મા બનવાને લાયક નહીં રહે એવા અનેક ભય બતાવી ટીકા કરી તો પણ એની પરવા કર્યા વિના સાક્ષીને રેસલિંગનો શોખ પૂરો કરવા માટે વાતાવરણ અને પીઠબળ આપ્યું. પુરુષોના ક્ષેત્રમાં પગ મૂકનાર સાક્ષી અને તેને શીખવનાર કોચને પણ અનેક ટીકાઓનો સામનો કરવો પડતો. સાક્ષીએ પુરુષોની સાથે રેસલિંગની પ્રેક્ટિસ કરવી પડતી. અનેક પડકારો હોવા છતાં સાક્ષીએ સખત મહેનત કરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું. રાજીવ ગાંધી ખેલ રત્નનો એવૉર્ડ પણ તેને મળ્યો છે.

દીપા કરમાકરને મેડલ નથી મળ્યો પણ તેણે આખાય વિશ્ર્વનું દિલ જીતી લીધું છે. જીમ્નેસ્ટિક્સમાં તેને ચોથો નંબર મળ્યો હોવા છતાં તેણે જે પર્ફોર્મન્સ આપ્યું તે જોતી વખતે દુનિયા મોંમાં આંગળા નાખી ગઈ. આર્ટિસ્ટિક જીમ્નેસ્ટિક્સમાં દીપાએ ભારતનું ખાતું તો સ્પર્ધક તરીકે પસંદગી પામીને ખોલાવ્યું જ પણ પ્રોડ્યુનોવા જેને ડેથ વોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને પર્ફોર્મ કરીને મેડલોની પાર પહોંચી ગઈ હોવાની નોંધ જગતે લીધી. આ વોલ્ટ એટલે હવામાં બે, ત્રણ ગુલાંટી મારીને અંતિમ પોઝ આપવો. આ ગુલાંટી મારતા જો બેલેન્સ ચુકાય તો નક્કી જ મોતને આમંત્રણ આપવાનું બને. વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈ આ ડેથ વોલ્ટ કરવાની હિંમત કરે. ત્રિપુરા રાજ્યના અગરતલા શહેરની દીપાએ જીમ્નેસ્ટિક્સની તાલીમ લેવાની શરૂઆત કરી ત્યારે એના ફ્લેટ ફીટ હતા એટલે કે સપાટ પગ હતા. આવા પગવાળી વ્યક્તિને ચાલવાથી લઈને અનેક તકલીફો થઈ શકે તેમાં જીમ્નેસ્ટિક્સ કરવા માટે ફ્લેટ ફીટ સારું પર્ફોર્મન્સ ન જ આપી શકે. હિંમત હાર્યા વિના કે નિરાશ થયા વિને તેણે જીમ્નેસ્ટિક્સની સખત મહેનત કરીને પોતાના ફ્લેટ ફીટનો આર્ચ ડેવલપ કર્યો. તેણે રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય સ્તરે જીમ્નેસ્ટિકમાં ૭૭ મેડલ જીત્યા છે તેમાં ૬૭ તો ગોલ્ડ છે. અત્યાર સુધી ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ભારતનો એક પણ જીમ્નેસ્ટિક પસંદ નહોતો થયો. દીપા મેડલ ન મેળવી શકી છતાં તેનો અફસોસ કરવાને બદલે લોકોએ તેના પર્ફોમન્સ બદલ પ્રેમથી વધાવી.

એવું જ લલિતા બાબરનું છે. તેને પણ ઓલિમ્પિકમાં મેડલ નથી મળ્યો પણ તે પહેલી ભારતીય મહિલા છે જેણે સ્ટીપલચેજમાં પ્રવેશ મેળવ્યો છે. મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મોહી ગામની રહેવાશી છે. લલિતા દોડવીર છે. એ ત્રીજી ભારતીય મહિલા છે જે ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ફાઈનલ સુધી પહોંચી હોય. લલિતાનું જીવન ચાલવા અને દોડવામાં જ વીત્યું હોવાથી દોડવાની તેના માટે નવાઈ નહોતી. બાળપણમાં તે રોજ ચાર કિલોમીટર ઘરેથી શાળામાં અને શાળાથી ઘરે દોડીને જતી. કિશોરાવસ્થામાં પરિવારના ૧૭ માણસોને માટે પાણી લાવવા માટે દૂરના કૂવા સુધીના અનેક ચક્કરો કાપતી. પગમાં ચપ્પલ વગર તે ખેતર અને ઘરના કામ કરવા માટે સતત દોડતી જ રહેતી. તેને જ્યારે ખબર પડી કે સ્પર્ધાત્મક દોડમાં ભાગ લેવાથી પૈસા મળે છે એટલે તેણે નાની-મોટી મેરેથોનમાં દોડવાનું શરૂ કર્યું. એમ કરતાં તે દોડવીર બનવા સુધી પહોંચી. એમ કરતાં બેલારુસના કોચ નિકોલાઈ નસેરેવ પાસે ટ્રેઈનિંગ લેવાની તક તેને મળી. નસેરેવે લલિતામાં રહેલી ખૂબી ઓળખી તેને સ્ટીપલચેજમાં પારંગત કરી. સ્ટીપલચેજ એટલે લાંબી વિઘ્ન દોડ. મૂળ તો આ પુરુષોની જ રમત હતી પણ ૨૦૦૮ બીજિંગ ઓલિમ્પિકથી મહિલાઓ માટે પણ સ્ટીપલચેજનું આયોજન કરવામાં આવ્યું. હજી લલિતા શીખી જ રહી હતી કે નિકોલાઈ ભારતમાંથી કતારમાં કોચ તરીકે ગયા. લલિતાની પાસે પૈસા ન હોવાથી હજી તે મેરેથોનમાં દોડતી રહી. ૨૦૧૪માં નિકોલાઈ પાછો ભારતીય કોચ તરીકે આવ્યો ત્યારે એ લલિતાને મેરેથોન માટે તાલીમ આપવા માગતા હતા પણ લલિતાએ સ્ટીપલચેજ શીખવાનો આગ્રહ રાખ્યો. આઠ મહિનાની તાલીમમાં જ લલિતાનો રેકોર્ડ ટાઈમ સુધરવા લાગ્યો. અને તે વિઘ્ન દોડની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી. સ્ટીપલચેજમાં લલિતાએ નેશનલ રેકોર્ડ તોડ્યો છે. ઓલિમ્પિકમાં ફાઈનલમાં પહોંચતા સમયે તેણે સાત સેક્ધડથી પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. ઓલિમ્પિકમાં દસમો રેન્ક મેળવ્યો છે. સતત દુકાળગ્રસ્ત રહેતા વિસ્તારના ગરીબ ખેડૂતની દીકરી પોતાની આવડતથી છેક ઓલિમ્પિકની ફાઈનલ સુધી પહોંચે તે જ ઘણી મોટી સિદ્ધિ ગણાય. તેમાં પણ સ્ટીપલચેજ કે જેમાં આજદિન સુધી કોઈ ભારતીય મહિલાને ઓલિમ્પિકમાં પ્રવેશ નથી મળ્યો. ૨૦૧૫ની સાલમાં લલિતાને સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યરનો એવૉર્ડ મળ્યો છે.

આમ આ યુવતીઓએ સ્પોર્ટ્સમાં આગળ આવવા માટે આર્થિક અને સામાજિક અનેક વિઘ્નો પાર કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ ઓલિમ્પિકમાં ભારતનો દેખાવ એકંદરે નબળો જ રહ્યો કહેવાય પણ સ્ત્રીશક્તિનો ઉદય થતાં જાતીય અસમાનતાનાં અને ઘરેલું હિંસાના અંધારાઓ ઉલેચાશે.

---------------------------------

૧૯૨૪ની સાલમાં ફ્રાન્સના પેરિસમાં યોજાયેલ ઓલિમ્પિકમાં સૌ પ્રથમ ભારતીય મહિલાઓ એન. પૌલી અને સિડની જેકબે ટેનિસ સિંગલ અને ડબલ્સમાં ભાગ લીધો હતો. તેે સમયે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું.

૧૯૫૨માં ફિનલેન્ડના હૅલસિન્કી શહેરમાં યોજાયેલ ઑલિમ્પિકમાં સ્વતંત્ર ભારતની સૌ-પ્રથમ ચાર મહિલાએ ભાગ લીધો હતો. ઑલિમ્પિકમાં ભાગ લેવાનું શ્રેય અંકે કરનાર મૅરી ડિસોઝા (ઍથ્લેટિક્સ, ૧૦૦મી. અને ૨૦૦મી.), તેઓ ભારતીય હૉકી ટીમમાં પણ રમતા હતા. નીલિમા ઘોષ (ઍથ્લેટિક્સ, ૧૦૦મી. અને ૯૦મી. હર્ડલ્સ) ડૉલી નઝીર (સ્વિમિંગ, ૧૦૦મી. ફ્રીસ્ટાઈલ અને ૨૦૦મી. બ્રિસ્ટ સ્ટ્રોક અને આરતી સાહા (સ્વિમિંગ, ૨૦૦મી. બ્રિસ્ટ સ્ટ્રોક).

જોગાનુજોગે ઈંગ્લિશ ચૅનલ તરનાર એશિયાની પ્રથમ મહિલા બનવાનું બહુમાન આરતી સાહાએ હાંસલ કર્યું હતું. અર્જુન ઍવૉર્ડ મેળવનાર સૌપ્રથમ મહિલા ખેલાડી છે.

ઑલિમ્પિક મેડલ જીતનાર સૌપ્રથમ મહિલા કર્ણમ મલ્લેશ્ર્વરી

આ વેઈટ લિફ્ટરે વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં (૬૯ કિ.ગ્રા) કાંસ્ય ચંદ્રક જીત્યો હતો ૨૦૦૦ની સાલમાં

સાઈના નેહવાલ : ૨૦૧૨માં લંડનમાં આયોજિત બૅડમિન્ટન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

મૅરી કૉમ : ૨૦૧૨માં લંડનમાં પહેલી વાર યોજાયેલી મહિલાઓ માટેની બૉક્સિગં સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

સાક્ષી મલિક : ૨૦૧૬માં રિઓમાં (૫૮ કિ.ગ્રામ ફ્રી સ્ટાઈલ) રેસલિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

સિંધુ : ૨૦૧૬માં રિઓમાં આયોજિત બૅડમિન્ટન સ્પર્ધામાં રજત ચંદ્રક જીતીને ઑલિમ્પિક ક્લબમાં ટોચનું સ્થાન અંકે કર્યું.

------------------------------

ઑલિમ્પિક ગેમ્સમાં મહિલાઓ

સૌ-પ્રથમ મોડર્ન ઑલિમ્પિકસ ૧૮૯૬માં ઍથેન્સમાં આયોજન કરવામાં આવ્યું ત્યારે કોઈ મહિલાને ભાગ લેવા દેવાતો ન હતો. કારણ કે સ્થાપક પીઅરી ડી કોઉબર્ટિને તે સમયે એવું લાગ્યું કે મહિલાઓને ગૅમ્સમાં સહભાગી બનાવવાનું અવ્યવહારુ અને અનઍસ્થેટિક્સ છે. પરંતુ હવે સમય બદલાયો છે. જોઈએ કેવી રીતે.

૧૯૦૦માં મહિલાઓએ પહેલીવાર ઑલિમ્પિકમાં લૉન ટૅનિસ અને ગોલ્ફમાં ભાગ લીધો હતો. ત્રણ ફ્રેન્ચ મહિલાએ ક્રોકેમાં ભાગ લીધો મિકસ ક્રૂના ભાગ તરીકે એક મહિલા સૅલર હતી.

ચાર્લોટી કૂપર : ઑલિમ્પિક ઈવેન્ટમાં ટૅનિસ સિંગલ્સનું ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા.

૧૯૯૨માં બાર્સેલોનામાં બૅડમિન્ટનનો ઑલિમ્પિકમાં પ્રવેશ.

૨૦૦૦ : મહિલાઓને વેઈટ લિફ્ટિંગમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી.

૨૦૦૪માં ઑલિમ્પિકમાં મહિલાઓ માટેની રેસલિંગનો પ્રવેશ.

૨૦૧૨માં મહિલાઓ માટે બૉક્સિગંનો પ્રવેશ.

૧૯૦૦માં માત્ર ૨ ટકા મહિલાઓનો ફાળો હતો ત્યારથી માંડીને ૨૦૧૬ની ઑલિમ્પિક ગૅમ્સમાં ૪૫ ટકા મહિલાએ ફાળો આપ્યો છે. આમ સમયના પરિવર્તન સાથે વખતોવખત મહિલાઓની સંખ્યા વધતી રહી છે.

હવે એવું બિન્ધાસ્ત કહી શકાય એમ છે કે ઑલિમ્પિકમાં ભાગ લેવાનો ઈજારો માત્ર પુરુષ ખેલાડીઓનો જ નથી રહ્યો. મહિલા ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈને ચંદ્રકો જીતીને દેશને ગૌરવ અપાવે છે.



You Might Also Like

0 comments