આતંકવાદી સાથે સંવાદ

22:36


‘હું શું કામ અહીં મારી બધી સુખસગવડો છોડીને રણ જેવા પ્રદેશમાં રફટફ જીવન જીવું છું ? એકલો હું જ નહીં પશ્ર્ચિમમાં એવા હજારો યુવાનો છે જે અમારી સાથે જોડાવા તૈયાર છે. તમે અમને ફ્રિડમ આપો અમે તમને ફ્રિડમ આપીશું. મોતનો મને ડર નથી. મારે માથે અમેરિકન વિમાન જોઉં છું તો મને શહાદત દેખાય છે અને તે વખતે મને આનંદ થાય છે. હું શહાદત માટે તૈયાર છું.... તમને ખબર નથી તમારા દૂરના કેટલાક ભાઈઓ કે કાકા, મામા કે કોઈ સંબંધી કદાચ અમારી સાથે હશે. તમારા કેટલાક સગાં લશ્કરમાં હશે અને તેઓ મરવાની તૈયારી સાથે જ જંગમાં જતા હોય છેને ? તે જ રીતે અમારી સાથે તમારા કોઈ સગાં મરવા માટે અહીં પણ હશે. ’ માંડ પચ્ચીસેક વરસનો દેખાતો કેનેડિયન છોકરો જે આઈએસઆઈએસમાં જોડાયો છે ફરાહ સિરડન અંગ્રેજીમાં વીડિયો દ્વારા એક અમેરિકન પત્રકારને ઈન્ટરવ્યુ આપે છે. ફરાહનો એક વીડિયો પોતાની આઈડેન્ટિટી રૂપ કેનેડિયન પાસપોર્ટ બાળતો પણ યુટ્યુબ પર જોવા મળી શકે છે. ફરાહ જે પેશનથી શહાદત એટલે કે શહીદીની વાત કરે છે. જે સ્પષ્ટતાથી અમેરિકન વ્હાઈટહાઉસ પર ઝંડો ફરકાવવાની વાત કરે છે તે જોતાં તેનું બ્રેઈનવોશ થયું હોય તે ચોક્કસ જ દેખાય છે. તે છતાં જોઈ શકાય કે એ બે એકવાર વચ્ચે કહે છે કે શું કામ હું મારી સુખસગવડ છોડીને આવ્યો છું, તે દર્શાવે છે કે સુખશાંતિ દરેકને જોઈતી હોય છે પણ માનસિકતા ઝનૂની થવાથી સાચો રસ્તો સમજાતો નથી. આ ટીનએજરોને સહેલાઈથી ભરમાવી શકાતા હોય છે. કહે છે કે એ ફરાહ પછી આંતકી તરીકે મૃત્યુ પામ્યો. 

ખેર, આતંકવાદીનું નામ સાંભળતા જ સામાન્યપણે લોકોને તેને ખતમ કરી નાખવાના જ વિચાર આવે, પરંતુ પત્રકારોને તટસ્થતાપૂર્વક સામી વ્યક્તિની વાત સાંભળવાની, સમજવાની જરૂર જણાય છે. અહીં તટસ્થતા શબ્દને હું ભારપૂર્વક કહેવા માગું છું. પત્રકાર કોઈપણ ઘટનાને બાયસ એટલે કે તેને સાચી કે સારી ગણ્યા વિના જેમની તેમ રજૂ કરવાની પોતાની ફરજ માને છે. હકીકતમાં એમ જ હોય. તે છતાં દરેક સંસ્થાઓ, વ્યક્તિઓ તેને પોતાના પક્ષે વાળવાના પ્રયત્નો કરે ત્યારે તેણે તટસ્થતાપૂર્વક પોતાના પગ દ્રઢપણે જમીન પર મૂકી રાખવા પડે છે. જે પત્રકાર આમ કે તેમ હલી ગયો તે પડે જ છે. સત્ય સુધી પહોંચી શકતો નથી. પત્રકારોને અને સાયકોલોજીસ્ટને તટસ્થ માનીને જ બધા પોતાની વાત કરવા તૈયાર થતા હોય છે. આતંકવાદીઓ પણ એટલે જ પોતાના ઈન્ટરવ્યુ અને ફોટા લેવા દેતા હોય છે. યુદ્ધમાં પણ તેમને (પત્રકારોને) ઘટનાઓ કવર કરવા પ્રવેશ આપવામાં આવતો હોય છે. આતંકવાદીઓએ (જે છેવટે તો ભાન ભૂલેલી વ્યક્તિઓ જ છે) પણ પોતાની વાત, પોતાનું મન બીજા પાસે ખોલવું હોય છે. સંવાદની જરૂર દરેકને પડે છે. આજે વિશ્ર્વમાં આંતકવાદને નષ્ટ કરવા માટે સામ, દામ, દંડ ત્રણે પ્રકારે કામ લેવાય છે. આંતકવાદી માનસિકતા ક્યાંથી આવે છે ? કેમ આવે છે? માણસો ઝનૂની શું કામ બને છે? તે સવાલોના જવાબ મળે તો કદાચ માનસિકતાને બદલી શકાય, કારણ કે માણસોને મારી નાખવાથી ઝનૂન કે હિંસા ખતમ નથી થતા. એટલે જ આઈએસઆઈએસ વિરુદ્ધ લડાઈમાં માનસિકતાનો પણ અભ્યાસ કરી રહ્યા છે. 

ડો. જ્હોન હોર્ગન સેન્ટર ઓફ ટેરરિઝમ એન્ડ સિક્યુરિટીઝ સ્ટડીઝના ડિરેકટર , સાયકોલોજીસ્ટ છે અને સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ જસ્ટિસ સ્ટડીઝ મેસેચ્યુએસ્ટ્સ યુનિવર્સિટીના પ્રોફેસર છે. તેમણે ૧૫૦ આંતકવાદીઓના ઈન્ટરવ્યુ લીધા છે. પાકિસ્તાન અનેકવાર જઈ આવ્યા છે. તેમનું કહેવું છે કે આંતકવાદી માનસિકતા સમજવા માટે હજી ઘણા અભ્યાસની જરૂર છે એટલે તેને સ્પષ્ટતાથી કહી શકાય નહીં. મોટાભાગે આંતકવાદીઓ અમારી સાથે વાત કરે તેમાં પણ અમારો ઉપયોગ કરવાની લાગણી જોડાયેલી હોય છે. તેમણે પોતાના વિચારો બહાર પહોંચાડવા હોય છે. પોતાની વાત મનાવવી હોય છે. તો કેટલાક આંતકવાદીઓને પોતાને મહત્ત્વ મળતું હોવાનું લાગતા પણ વાત કરે છે. તો વળી કેટલાક પોતે પણ પોતાની માનસિકતા સમજવા માગતા હોય છે. વાત કરવા માગતા હોય છે. એટલે આંતકવાદી માનસિકતા માટે કોઈ એક કારણ હજી આપી શકાય એમ નથી. અનેક પરિબળો આંતકવાદી માનસિકતા ઘડતા હોય છે. ક્યારે કોણ આંતકવાદી થશે તે કહી શકાતું નથી. 

ભારતમાં પણ અનેક શહેરોમાંથી યુવાનો ભોળવાયા છે. તો કેરાલામાંથી પતિપત્ની સાથે જ આંતકવાદીઓ સાથે ભળી જવા ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. 

નોર્વેનો પત્રકાર પૌલ રેફસ્ડલે સિરિયામાં જઈને સ્યુસાઈડ બોમ્બર તરીકે જવાની રાહ જોતા ચારેક આતંકવાદીઓની મુલાકાત કેમેરામાં કેદ કરી ડોક્યુમેન્ટરી બનાવી ડુગમા - ધ બટન નામે જે ઓગષ્ટ મહિનામાં ઓનલાઈન ઓપન થઈ. પૌલે આ પહેલાં પણ અનેક યુદ્ધો અને આંતકી વિસ્તારોમાં પત્રકાર તરીકે ફિલ્મિંગનું કામ કર્યું છે. આ પહેલાં તેણે બર્મા, ઈરાક, અલ સાલ્વાડોર અને ગૌતેમાલાના વિસ્તારોમાં આતંક અને યુદ્ધનું ફિલ્માંકન કર્યું છે. ૨૦૦૯માં જ્યારે તે અફઘાનિસ્તાનમાં ફિલ્મ બનાવી રહ્યો હતો ત્યારે તાલીબાનોએ તેને બાનમાં લીધો હતો. તે ઈસ્લામ ધર્મ અંગીકાર કરે તો જ તેને છોડવામાં આવશે તેવી શરત તાલીબાનોએ તેની સાથે કરી હતી. તાલીબાનોનો ખરાબ અનુભવ છતાં પૌલે અલ કાયદાના ગ્રુપમાં આંતકીઓના ઈન્ટરવ્યુ માટે જવાની હિંમત કરી હતી. આંતકીઓના ગઢમાં જવું સહેલું નથી હોતું એ માટે પણ પત્રકારોએ એપ્લિકેશન કરવી પડે છે, રેફરન્સ આપવા પડે અને સાથે બાયોડેટા મોકલવો પડે. 

જે રીતે નોકરી માટે એપ્લિકેશન કરવી પડે તે રીતે બધું મોકલ્યા બાદ એ લોકોને ઠીક લાગે તો ઈન્ટરવ્યુ માટે કે ફિલ્મ કરવા માટે આવવાની પરવાનગી મળે. ઘણા પત્રકારો આ રીતે અરજી કરે છે પણ બધાને પરમશિન ન મળે. પણ પૌલ રેફસ્ડલને સારા પત્રકાર તરીકે રેકમન્ડ કરતો અલ-કાયદાના એસોસિએટ્સનો પત્ર ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ તેના કોમ્પ્યુટરમાંથી મળ્યો હતો. પૌલને છેવટે અલ-કાયદાના રિબેલ ગ્રુપ જભાત-અલ-નુસરામાં તેને કોઈ બંધન વગર પ્રવેશ આપવામાં આવ્યો. 

સ્યુસાઈડ બોમ્બર તરીકે પસંદ કરવામાં આવેલા લોકોની મુલાકાત લેતી વખતે તટસ્થ રહેવામાં પૌલની ખરી કસોટી થઈ હતી. આ ફિલ્મ અને કામ વિશે એક મુલાકાતમાં પૌલે જણાવ્યું હતું કે કેટલીક વખત કેમેરા ચાલુ રાખવો અને તટસ્થ રહેવું મુશ્કેલ બની જતું હતું. મને સમજાતું નહોતું કે એ વ્યક્તિઓને પોતાના પરિવાર માટે પ્રેમ હતો. તેમને પણ આપણી જેમ જ લાગણીઓ હતી તે પરિવાર વિશે વાત કરતાં દેખાતું હતું. ખાસ કરીને સઉદી અરબનો અબુ કસવારા જ્યારે ફોન પર પોતાની તાજી જન્મેલી દીકરી જેને હજુ હાથમાં પણ નહોતી લીધી ક્યારેય તેનો વિડિયો જોતો ત્યારેે પિતાના સ્નેહથી તરબતર આંખો જોવા મળતી. તે સમયે તેના મોઢા પરના ભાવ ગજબના હતા. એ જ અબુ કસવારા થોડો સમય બાદ સ્યુસાઈડ બોમ્બર તરીકે દુશ્મનોના છક્કા છોડાવી દેવાની વાત એટલી જ ગંભીરતાથી કરતો હોય તે કેવી રીતે બનતું મને સમજાતું નહોતું. પણ મારે એ બધી દલીલો કરવાની નહોતી. તટસ્થતાપૂર્વક મારું કામ કરવાનું હતું. એટલું સારું હતું કે તે લોકો નિર્દોષ નાગરિકોને મારી નાખવાના પક્ષે નહોતા પણ તેમની લડાઈ હતી સિરિયાની સરકાર અને મિલિટરી સાથેની. 

આતંકવાદી બનવા ગયા હોય અને પછી ત્યાં જઈને ધર્મના સખત પાલન બાદ કંટાળીને પાછા ભાગીને આવ્યા હોય એવા પણ અનેક લોકોની મુલાકાતો લેવાતી રહી છે. પૌલે એકવાત નોંધી છે કે પત્રકાર તરીકે આતંકવાદીઓની મુલાકાત લેનારે કે ફિલ્મ બનાવનારે તેમને સાચા-ખોટા કાટલે મૂલવવાથી દૂર રહેવું પડે. તેમની દરેક બાબતને જેમની તેમ જોવી પડે. કોઈપણ પરિસ્થિતિમાં તટસ્થતા રાખવી તે મુખ્ય અને જરૂરી બાબત છે. 

રોજબરોજના જીવનમાં પણ બંધિયાર માનસિકતાને છોડીને તટસ્થતાપૂર્વક દરેક વ્યક્તિને, બાબતને જોવાથી સંવાદ થઈ શકે છે અને ગેરસમજ ટાળી શકવાની શક્યતાઓ ઊભી થઈ શકે છે.

You Might Also Like

0 comments