સ્ત્રીની સમાનતા માટે મર્દાનીનો જંગ

02:19

સમાજે ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પણ જાતીય ભેદભાવ હજી પણ સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. હરિયાણાની મહિલા સંતોષ દહીયાએ એકલપંડે આ અંગે કામ કરવાનું શરૂ કર્યું હતું તે આજે એક આંદોલન બની ગયું છે. તેમને આ કામ માટે રાષ્ટ્રપતિ દ્વારા નારીશક્તિનો એવૉર્ડ તથા રાજ્ય સરકાર દ્વારા સન્માન મળ્યું છે. 

હરિયાણાનું મુજાદપુર સૌથી ઓછો સેક્સ રેશિયો ધરાવતું સૌથી પછાત ગામ છે. એટલે કે ૧૦૦૦ છોકરાઓની સામે ફક્ત ૨૭૩ છોકરીઓ જ છે. આ ગામ ૨૦૧૫ની સાલમાં ડૉ. સંતોષ દહીયાએ દત્તક લીધું અને ત્યાં બેટી બચાઓ અભિયાનનો પાયો નાખ્યો. સંતોષ દહીયાએ ૨૦૦૨ની સાલથી હરિયાણામાં બેટી બચાઓ આંદોલન શરૂ કર્યું હતું. ક્ધયા ભ્રૂણ હત્યાને રોકવા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે ૩ વરસ પહેલાં સહી ઝુંબેશની શરૂઆત કરી. હરિયાણામાં આવેલી કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતાં સંતોષ દહીયાને બેટી બચાઓ કામ માટે રાષ્ટ્રપતિ દ્વારા એવૉર્ડ આપવામાં આવ્યો છે તો રાજસ્થાન અને હરિયાણા સરકારે પણ મહિલાઓના ઉદ્ધારના કામ અંગે તેમને એવૉર્ડ 

આપ્યા છે. 

તેઓ ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં જણાવે છે કે, ‘ મારો જન્મ અને ઉછેર હરિયાણાના નાનકડા ગામમાં થયો છે જ્યાં છોકરીઓને પહેલાં તો ભણવા મોકલે જ નહીં અને જો ભણવા જાય તો સાથો સાથ તેને ઘરના અનેક કામ કરવાનાં જ હોય. જેમ કે પશુઓને માટે ચારો લાવવો, ખવડાવવો, દૂધ કાઢવું, સાફસફાઈ કરવી, બે બે બેડાં માથે મૂકીને પાણી ભરવું વગેરે અનેક કામો કરતાં ભણવાનું. અતિશય સંઘર્ષ યુક્ત જીવનશૈલીમાં ઉછેર અને સ્ત્રીઓને થતો સતત અન્યાય જોયા છે. જાતિય ભેદભાવ હરિયાણામાં ખૂબ જ છે. હું ૧૯૮૬માં સ્વિમિંગ ચેમ્પિયન રહી ચુકી છું એમાં મને રાષ્ટ્રિય સ્તરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો, પણ હરિયાણામાં તે વખતે સમાજમાં છોકરીઓને સ્વિમિંગ સ્યૂટ પહેરવાની મનાઈ હતી. એટલે સ્વિમિંગ છોડી એથ્લેટ્સમાં ભાગ લીધો. તેમાં મને ૮મી પોઝિશન મળી. ત્યારબાદ 

૮૭માં વોલીબોલ રમવાનું શરૂ કર્યું તેમાં બેસ્ટ પ્લેયરનો એવૉર્ડ મળ્યો. તે સમયે મુખ્ય મંત્રી દેવીલાલ ચૌધરી હતા. બધા પ્લેયરોને સન્માનિત કરવામાં આવી રહ્યા હતા તેમાં પણ છોકરી હોવાને નાતે મારી સાથે ભેદભાવ થયો. છોકરાઓને ૫૦૦ રૂપિયા આપ્યા પણ મને ફક્ત ૨૦૦ રૂપિયા આપ્યા. મેં આ ભેદભાવનો વિરોધ કર્યો તો મુખ્યમંત્રીએ એ વાત સાંભળી મને ૫૦૦ રૂપિયા આપતાં મારે માથે હાથ મૂકીને કહ્યું કે આટલી નાની ઉંમરે તું તારા અધિકાર માટે અવાજ ઊઠાવી રહી છે તો મોટી થઈને બીજી મહિલાઓનો અવાજ તું બનજે. બસ એ વાક્યો કદાચ મારા મનમાં રોપાઈ ગયા હતા અને પ્રોફેસર બન્યા બાદ મારી આસપાસની મહિલાઓ સાથે ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ એકલા હાથે કામ કરવાનું શરૂ કર્યું. ’

સંતોષ દહીયાએ સૌ પ્રથમ હરિયાણામાં છોકરીઓની ઘટતી સંખ્યાને અને ક્ધયા ભ્રૂણ હત્યાને રોકવાનું કામ શરૂ કર્યું. એમાં તે માતાપિતાને સોગન દેવડાવે છે કે ક્ધયા જન્મને તેઓ પ્રેમથી આવકારશે. તેમણે અત્યાર સુધીમાં ૫૦ હજાર લોકોની ક્ધયા ભ્રૂણ હત્યા નહીં કરે તે સંકલ્પ પર સહી કરાવી છે. બીજું કામ કર્યું જે છોકરીઓ શાળા છોડી દેતી હતી તેમના ઘરે જઈને માતાપિતાને સમજાવવાનું કે છોકરીને બારમાં ધોરણ સુધી તો ભણાવો જ, કારણ કે છોકરીઓ શિક્ષિત હશે તો તેને પોતાના અધિકાર વિશે તે જાણતી શકશે. ત્યારબાદ હરિયાણાની મહિલાઓની મોટી સમસ્યા ઘુંઘટ પ્રથા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. આઝાદ ભારતમાં મહિલાઓને ઘુંઘટમાં રાખીને ગુલામ રાખવાની પ્રથા યોગ્ય નથી એવું સંતોષ દહીયા દ્રઢપણે માને છે. તે સિવાય ડોમેસ્ટિક વાયલન્સના અનેક કેસ કાઉન્સેલિંગ કે આપસી સમજૂતી સાથે છૂટાછેડા કરાવીને ઉકેલ્યા છે. 

હરિયાણામાં પણ પંજાબની જેમ યુવાનો ડ્રગના રવાડે ચઢી જીવન બરબાદ કરી રહ્યા છે. એટલે અન્ય કામની સાથે યુવાનોને નશામુક્ત કરવાનું કામ પણ ચાલી જ રહ્યું છે. તો બળાત્કારના બનાવો અટકાવવા માટે પણ કામ કરી રહેલા સંતોષ કહે છે કે, ‘તે માટે તો યુવાનોની માનસિકતા બદલવાની જરૂર છે. તેમને મૂલ્યોનું મહત્ત્વ સમજાવવાની જરૂર છે. હું કૉલેજમાં ભણાવતી વખતે સાંસ્કૃતિક મૂલ્યો વિશે સમજાવું જ છું પણ માતાપિતાને સમજાવું છું કે પોતાના દીકરાની ગતિવિધિ પર નજર રાખે. તેમને મૂલ્યશિક્ષણ આપે. કાઉન્સેલિંગ કરે. સ્ત્રીઓનો આદર કરતાં શીખવાડે. વળી માતાપિતાને ઓનર કિલિંગ ન કરવા માટે પણ સમજાવું છું. કોઈપણ હત્યાને ઓનરનું નામ આપી દેવું યોગ્ય નથી. બાળકોની સાથે સંવાદ રાખવો જોઈએ. તેમને સમજવા જોઈએ, સમજાવવા જોઈએ. આવું થાય તો અનેક સમસ્યાઓનું નિવારણ આવી શકે એમ છે. ’

સંતોષ દહીયા સર્વ જાતીય ખાપ પંચાયતની પહેલી મહિલા સભ્ય બની હતી. તો એશિયન વિમેન્સ બોક્સિગં વિમેન કમિશનની પ્રેસિડન્ટ તરીકે પણ પ્રથમ મહિલા બન્યાનું સન્માન તેમને મળ્યું છે. તેઓ હરિયાણા વિમેન બોક્સિગં એસોસિયેનના પણ પ્રમુખ છે. મહિલાઓ પર થતાં દરેક સ્તરના અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ તેઓ કામ કરી જ રહ્યા છે પણ તેઓ તાજેતરમાં ભારતની પાર્લામેન્ટમાં પણ મહિલાઓને બરાબરનો હિસ્સો અને અધિકાર મળે તે માટે વિધાનસભ્યોની સહી મેળવી રહ્યા છે. લોકસભામાં અને વિધાનસભામાં તેમને પચાસ ટકાનું પ્રતિનિધિત્વ જોઈએ છે. ૧૯૯૮ની સાલથી ૩૩ ટકા મહિલાઓ પાર્લામેન્ટમાં હોવી જોઈએ તે ખરડો તો હજી પાસ થઈ નથી શક્યો, પણ તેમને ખાતરી છે કે તેઓ મહિલાઓ માટે બરાબરીનો હિસ્સો મેળવીને રહેશે. 

૪૫ વરસીય સંતોષ દહીયા પરિણીત છે અને બે બાળકોની માતા છે. તેમના પતિ અને બાળકોનો સહયોગ હોવાને લીધે જ તેઓ મહિલાઓના અધિકાર માટે જાગૃતિ લાવવાનું કામ સરળતાથી કરી શકે છે. છેલ્લે તેઓ કહે છે કે મહિલાઓએ પોતાના અધિકાર માટે જાગૃત થવું જોઈશે અને સમાજે મહિલાઓ પ્રત્યેના ભેદભાવભર્યા વલણને ત્યાગવું પડશે.
You Might Also Like

0 comments