સંવેદનશીલ સમાજ કે સંવેદનાહીન સમાજ? કરો પસંદગી

21:36સ્વતંત્રતાની વાત કરવા માટે બદ્ધ વિચારધારા ધરાવતાં માનસની નહીં પણ ખુલ્લા મનની જરૂર પડે છે. આજે તો દરેક બાબતે લોકો બીજાની વાતમાંથી કે કામમાંથી નકારાત્મકતા શોધવા માટે ખણખોદિયાનું કામ કરતા હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા (ફ્રીડમ ઓફ એક્સપ્રેશન) હોવી જોઈએ કે નહીં તે વિશે સતત ચર્ચાઓ ચાલતી રહી છે. દરેકને સામી વ્યક્તિનું સ્વાતંત્ર્ય સ્વીકારવાની તકલીફ પડે છે. આપણે પોતાની સમજ પ્રમાણે બીજી વ્યક્તિની અભિવ્યક્તિનો સ્વીકાર કરીએ છીએ કે નકારીએ છીએ. જો સ્વીકાર નથી હોતો તો તેનો નકાર કે વિરોધ કરવામાં સ્વતંત્રતાની સીમાઓ તોડવાનો આપણે અધિકાર લઈ લેતા હોઈએ છીએ. ગયા અઠવાડિયે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કિશન કૌલે ફ્રિડમ ઓફ એક્સપ્રેશન અંગે ખૂબ સ્પષ્ટતાપૂર્વક વાત કરી. 

વાચકોમાં અનેકને કદાચ ખબર નહીં હોય પણ દક્ષિણના જાણીતા લેખક પેરુમલ મુરુગને મધોરુંબાગાન નામે નવલકથા લખી હતી. તેમાં એમણે લગ્નબાહ્ય સેક્સસંબંધોની પ્રથા વિશે ઉલ્લેખ કર્યો હતો. બસ, લોકોએ એ લેખકની કૃતિનો વિરોધ કર્યો એટલું જ નહીં, તેમના જ ગામના લોકોએ તેમને અપમાનિત પણ કર્યા. તેમણે જે પ્રથા વિશે લખ્યું તે હકીકતમાં હતી. વળી એ પ્રથાનો ઉલ્લેખ કંઈ નવલકથાનું હાર્દ નહોતી. સંવેદનશીલ લેખક એટલા બધા ઘવાયા કે ૨૦૧૫ની સાલમાં તેમણે લખવાનું છોડી દેતા જાહેર કર્યું કે પેરુમલ મુરુગન લેખકનું મૃત્યુ થયું. લોકોએ ઈચ્છ્યું કે લેખક બિનશરતી માફી માગે અને લખાણ સુધારી દે. તેમના પુસ્તકને બેન કરવા માટે કે પાછું ખેંચવા માટે કોર્ટમાં કેસ થયો હતો અને તે કેસ જસ્ટિસ કૌલ પાસે આવ્યો. આ જસ્ટિસ કૌલ એ જ વ્યક્તિ છે જેમણે આઠ વરસ પહેલાં દિલ્હીની હાઈકોર્ટમાં કલાકારના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર મહોર મારી હતી. આઠ વરસ પહેલાં તેમની સામે એમ એફ હુસેનનો કેસ આવ્યો હતો. તે સમયે પણ જસ્ટિસ કૌલે કહ્યું હતું કે આપણે સહિષ્ણુ પ્રજા છીએ. બન્ને રીતે વિચારોમાં અને વર્તનમાં. કલાત્મક ક્ષેત્રે આપણે ઔદાર્ય દાખવતા આવ્યા છીએ અને આપણી વિચારધારા સંકુચિત નથી. આ વખતે પણ તેમણે એ જ વાત દોહરાવતા કહ્યું કે આપણને ન ગમે તે ન વાંચવું કે જોવું પણ કલાત્મક અભિવ્યક્તિને સ્વતંત્ર રહેવા દો. તેમણે કામસૂત્રનું ઉદાહરણ પણ આપ્યું. ખરે જ આ રીતે વારંવાર કહેવું પડે કે કલા, સાહિત્યની અભિવ્યક્તિને ખુલ્લા મને જુઓ, સ્વીકારો તે પણ આજના જમાનામાં તે દુખદ બાબત છે. હા, તમને ન ગમે કે સહમત ન હો તો મુદ્દાસર તેનો વિરોધ કરો, કારણ કે આ દેશમાં દરેકને પોતાને વ્યક્ત કરવાનો અધિકાર છે. વેઈટ, ખરેખર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે ખરી? આપણે કહેતા હોઈએ છીએ કે ભારતીય લોકશાહીમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન સંવિધાનમાં છે પણ જાણો છો તેમાંય કેટલીક શરતો છે. મેરી હદ હૈ કહાં તક .... એ જાણવું કે પૂછવું જ પડે. કેટલાક લોકો તરત જ કહેશે કે એમ જો છૂટ આપીએ તો ...ફલાણા ધર્મના લોકો ને ઢીકણા ધર્મના વડાઓ માને જ નહીં. સ્વતંત્રતા એ કઈ વાડીનું મૂળું... અમારા વિચારો પણ ભેળસેળિયા છે, રાજકીય રંગ કે સ્વાર્થના રંગે રંગાયેલા છે. કોઈપણ બીજી કે ત્રીજી વ્યક્તિઓ આપણા વિચારોને દોરવીને પોતાનું કામ કઢાવી જાય છે. 

સંવિધાનમાં આર્ટિકલ ૧૯(૧)(ફ) વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મૂળભૂત અધિકાર ગણાવે છે. જોકે તે મેળવવા માટે કેટલીક પરીક્ષાઓમાંથી પાસ થવું જરૂરી છે. જૂન ૧૮, ૧૯૫૧માં સંવિધાનમાં સુધારો કરવામાં આવ્યો હતો. એ સુધારા પ્રમાણે ભારતના સાર્વભૌમત્વ, એકતા, વિદેશી સંબંધો, રાજ્યની શાંતિ અને અખંડતા તથા જનમૂલ્યનું હનન કે કોર્ટનું અપમાન વગેરે બાબતને ધ્યાનમાં રાખીને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નિર્ભર રહે છે. (એ સુધારાનું અક્ષરસહ ભાષાંતર નથી ફક્ત સહજ નોંધ છે. જેમને રસ હોય તેમણે કાયદાના ચોપડાઓ ઉથલાવવા) એટલે કે સરકારને લાગે કે તમારી અભિવ્યક્તિથી સમાજની, દેશની શાંતિ હણાઈ રહી છે કે મુશ્કેલી ઊભી થઈ રહી છે તો અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવી શકે. 

આવો સુધારો ત્યારે કરવાની કેમ જરૂર પડી તેનો ઈતિહાસ જોઈએ. પત્રકાર રોમેશ થાપર તે સમયે મદ્રાસથી ડાબોડી વિચારધારા ધરાવતું મેગેઝિન ક્રોસ રોડ પ્રસિદ્ધ કરતા હતા. તેમાં નહેરુની પોલિસીની ટીકા કરવામાં આવતાં તેને બેન કરવામાં આવ્યું. થાપરે સુપ્રીમ કોર્ટમાં બેનને પડકાર્યો અને મે ૧૯૫૧માં બેન ઉઠાવી લેવો પડ્યો. આ પ્રસંગ બાદ તરત જ જૂનમાં સ્વતંત્ર ભારતની પહેલી સરકારે સંવિધાનમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં ઉપરોક્ત સુધારો કર્યો. એ સિવાય સેકશન ૧૫૩અ, ૨૯૨, ૨૯૫અ, ૨૯૮ માં જણાવ્યા પ્રમાણે તમારા લખવા, બોલવા કે ચીતરવાથી કે કોઈપણ રીતે દેશની કે સમાજની(ધર્મની) લાગણી દુભાય કે તેને અપમાનિત કરવામાં આવે અને દેશની શાંતિ, એકતા પર જોખમ તોળાય તો દંડ, સજા કે બન્ને થવાની શક્યતા હોય છે. એટલે કે તમારી અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવાઈ જઈ શકે છે. પણ તમે લોકોની લાગણી દૂભવી તે સાબિત થવું જોઈએ. જસ્ટિસ કૌલે હુસેન અને મુરુગન બન્ને કેસમાં આપણો દેશ સહિષ્ણુ અને ઔદાર્યપૂર્ણ અને ખુલ્લા મનની માનસિકતા ધરાવતાં લોકોનો દેશ હોવાનું યાદ અપાવ્યું છે. કલાકાર કલાનું સર્જન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વાતાવરણમાં જ કરી શકે છે. કલા એ મશીન નથી કે તેમાંથી એકઢાળિયું પ્રોડકશન થાય. કલાકારનું ફલક મુક્ત રીતે વિચારતું હોવાને કારણે જ કલાનું સર્જન શક્ય બને છે. તેને ચોક્કસ માળખામાં બાંધીને સર્જી શકાતું નથી. હવે આજે તો ડિજિટલ ક્રાંતિને કારણે ઈન્ટરનેટ પર ખાસ કરીને સોશ્યલ મીડિયા પર પણ થતી અભિવ્યક્તિને પણ સરકારે કાયદામાં આવરી લીધી છે. ફેસબુક પર પાર્લામેન્ટને અપમાનિત કરતું ડ્રોઈંગ મૂકવા બદલ અને ચોક્કસ ધર્મની લાગણી દુભાવતી અભિવ્યક્તિ માટે ધરપકડો થઈ છે. જોકે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન બેધારી તલવાર જેવી બની ગઈ છે. આવતા જતાં બન્ને તરફથી તે કાપી નાખે છે. ખોટી વ્યક્તિઓ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો તથા એના પર અંકુશ લાવતાં કાયદાઓનો ઉપયોગ પોતાના કોઈ સ્વાર્થ માટે કરતું હોય તાં કોઈ નવાઈ લાગતી નથી. 

કેટલાંક ઉદાહરણ જોઈએ. ૧૯૮૮ની સાલમાં સલમાન રશદીના પુસ્તક સેતાનિક વર્સીસ પર બેન મૂકવામાં આવ્યો હતો. સલમાન રશદીના વિઝા પણ અનેકવાર રિજેક્ટ કરી તેને ભારતમાં પ્રવેશવા નહોતા દેવાયા. જેમ્સ લેઈન-અમેરિકન વિદ્વાન લેખકે શિવાજી પર લખેલા પુસ્તકે વિવાદો ઊભા કર્યા હતા. પુસ્તકમાં શિવાજીનું ચિત્રણ લોકોને યોગ્ય ન હોવાનું લાગતાં તેના વિરોધમાં પૂનાની ભંડારકર લાઈબ્રેરીમાં ટોળાંએ તોડફોડ કરી હતી. એમ એફ હુસેનના પેઈન્ટિંગને પ્રદર્શિત નહોતા થવા દેવાતાં કારણ કે લોકો તેનો વિરોધ કરતા હતા. લોકોના રોષને કારણે તેઓ છેલ્લાં વરસોમાં ભારત છોડીને દોહા અને લંડનમાં રહેતા હતા. જોકે તેમને ભારત પાછા આવવાની ખૂબ ઈચ્છા હતી. અમેરિકન ઈન્ડોલોજિસ્ટ, સંસ્કૃત ભાષાના વિદ્વાન વેન્ડી ડોનિગરે હિન્દુઝમ પર લખેલા પુસ્તકનો એટલો વિરોધ થયો કે તેને બેન કરવામાં આવ્યું એટલું જ નહીં, પ્રકાશકે તેને પાછું ખેંચ્યું. 

આ સિવાય પણ અનેક ઉદાહરણો મળી રહે છે જેમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન રહેતું નથી કે તેનું ગળું ઘોંટી દેવામાં આવે છે. જોકે આવું ફક્ત ભારતમાં જ થાય છે એવું નથી. સરકાર કે કાયદાઓ દ્વારા જ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો છેદ ઉડાવી દેવામાં આવે છે એવું પણ નથી રહ્યું, સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લઈ લેતા કટ્ટર વિચારધારા ધરાવતાં લોકો કલાની સર્જનાત્મકતાનો શિરચ્છેદ કરે છે કે ગોળી મારે કે બૉમ્બથી ઉડાવી દે છે. ફ્રાન્સમાં ચાર્લી હેબડો પરનો હુમલો કે અફઘાનિસ્તાન અને અન્ય પ્રદેશોમાં ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યને ધરાશાયી કરવામાં આવે છે તે પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની હત્યા જ છે. માનસિકબદ્ધતા અને વિકૃતિ જ શાંતિથી કે સમજદારીથી વિરોધ નથી કરી શકતી. બાકી પેરુમલ મુરુગનની નવલકથા કે સેતાનિક વર્સીસનો વિરોધ ન થયો હોત તો આખી દુનિયાને કઈ રીતે ખબર પડત કે તેમાં શું લખ્યું છે? જસ્ટિસ કૌલે સાચું જ કહ્યું કે તમને ન ગમે તો ચોપડી ફેંકી દો એ તમારા માટે નથી. પરંતુ, સર્જકને સર્જનનો અવકાશ આપો. એમ એફ હુસેન ૯૦ વરસે પોતાના દેશના ઘરમાં બેઠાં પેઈન્ટિંગ કરતાં હોત તો સમાજને શું નુકસાન થઈ જતે? આમ પણ તેમના કોન્ટ્રોવર્સિયલ અને જે પેઇન્ટિંગનો વિરોધ થયો હતો તે ખૂબ સારા દામે વેચાયાં છે. સર્જનાત્મકતાને રુંધી નાખવાથી સમાજમાં કલાનું અસ્તિત્વ નહીં હોય તો સંવેદનાહીન સમાજ ઊભો કરીને શું કરીશું? આઈએસઆઈએસનો આતંકવાદી સમાજ આપણને ગમે છે ? મુક્તમને વિચારવાની તાતી જરૂર છે હવે.

You Might Also Like

0 comments