મહાશ્વેતાદેવી થી શ્વેતા (ફેસબુક ડાયરી 9)

02:57

                                                  

( 8 માર્ચ 2011ના આ લેખ લખ્યો હતો તે સમયે બ્લોગ  નહોતો બનાવ્યો. મુક્ત થયેલા મહાશ્વેતાદેવીને યાદ કરીને આદરાંજલિ )

મુંબઈના દરિયા કિનારે પૃથ્વી થિયેટર નામે એક સ્થળ છે. આ પૃથ્વી થિયેટર પોતાનામાં એક દુનિયા સમાવીને બેઠું છે. અહીં તમને અનેક સ્તરના વ્યક્તિત્વો મળે. સ્ટ્રગલરથી લઈને સફળતાના નશામાં ઝુમતા લોકો એક જ ટેબલ પર બેસીને સુલેમાની ચાની ચુસ્કી સાથે સપનાઓને બોળીને ખાતા જોઈ શકાય. આ પૃથ્વીના માહોલની વાત વળી બીજી કોઈવાર માંડીશું. આજે તો  બંગાળી સાહિત્યના પ્રસિધ્ધ લેખિકા મહાશ્વેતાદેવીને અહીં  મળવાનું, સાંભળવાનું બન્યું તેની વાત કરીએ. હજાર ચોરાશી કી મા અને દ્રૌપદી જેવા અનેક સર્જનો સાથે તેમણે સામાજીક સંદર્ભ સાથે લખાણ લખ્યું અને કામ પણ કર્યુ છે. ચોર્યાશી વરસની ઉંમરે પણ તેઓ હાજરજવાબી અને મેધાવી પણ છે. તેમણે બે વાર લગ્ન કર્યા છે અને બન્ને વાર પતિને છોડીને પોતાના વ્યક્તિત્વને પામ્યા છે. નક્સલવાદીઓ માટે ઘણું લખ્યું છે. તેમની વાત સાંભળી પ્રેક્ષકોમાં બેઠેલી 24 વર્ષની શ્વેતા સવાલ કરે છે કે સ્ત્રી તરીકે તમે આટલી હિંમત દાખવી પોતાની રીતે જીવન જીવ્યા તો ક્યારેય તમારા પર ફેમિનીસ્ટ-નારીવાદી હોવાનો આરોપ મુકાયો છે. હું ય સ્વતંત્ર વિચાર ધરાવું છું તો મારે શું કરવું ?  મહાશ્વેતાદેવીએ કહ્યું, સ્વતંત્ર થાઓ બીજું શું કરવાનું હોય ?. અને નારીવાદી એટલે શું ?  મને તો ક્યારેય કોઈએ નારીવાદી નથી કહી. કાર્યક્રમ પુરો થયા બાદ શ્વેતાની સાથે કેફેમાં એક જ ટેબલ પર મળવાનું બન્યું. મેં એને સહજ પુછ્યું શું કરે છે ?  તો કહે માસમિડિયાનું  ભણવાનું હમણાં જ પુરું થયું. અને ઈવેન્ટ મેનેજીગ કંપનીમાં કામ કરું છું. પણ મજા નથી આવતી ખૂબ જ હાર્ડવર્ક છે.’ભવિષ્યમાં શું કરવાનો વિચાર છે ?’  ખભ્ભા ઉલાળીને કહે ખબર નહીં પપ્પા, મમ્મી છોકરાઓ જોવાનું કહે છે. અમે રાજપુત છીએને ! એટલે મારે તો લગ્ન કરવા જ પડશે.  ‘પણ તું તો સ્વતંત્ર વિચાર ધરાવે છે ને ?’
શ્વેતા-  હા, મારે કામ કરવું છે, કેરિયર બનાવવી છે. પણ હું મુળ  ઈંદોરની છું. અહીં હું ભણવા અને નોકરી કરવા માટે આવી છું. મારા માતાપિતા આનાથી વધુ છુટ નહીં આપે. ‘ આ સાંભળી તરત જ મારાથી કહેવાઈ ગયું કે ,તું કારર્કિદી બનાવવા માંગતી હોય તો  મુંબઈનો છોકરો જો !’ આંખો નચાવતાં શ્વેતા બોલી એ કેવી રીતે બની શકે ? હું મારા માબાપને એવું ન કહી શકું. ‘તો, લગ્ન ન કર!’. નો વે , સાચું કહું તો મારે જીવનમાં શું કરવું છે તે મેં વિચાર્યું જ નથી. સંઘર્ષ કરવાની મને ટેવ નથી કારણ કે હું ખૂબ એશોઆરામથી રહેવા ટેવાયેલી છું. આ મુંબઈની લાઈફ મને ગમે છે. પણ લગ્ન વગર જીવવું મારા બસની વાત નથી.  આ સાંભળીને નવાઈ લાગી અને તેને પુછ્યા વગર ન રહેવાયું “તો તારા સ્વતંત્ર વિચારોનું શું થશે ? ”    એ જ તો ! કહેતાં શ્વેતાએ વાળને ઉલાળ્યા, મને જમવાનું બનાવવાનો સખત કંટાળો આવે છે. ત્રણ વર્ષ અહીં મુંબઈમાં રોજ બહાર જ જમતી. આઈ લવ ફુડ.
ઓહ તો આ વાત હતી આજની આધુનિક નારીવાદીના સ્વતંત્રતાના વિચારોમાં ઉત્ખનન બાદ પણ કંઈ જ ન મળે. સંઘર્ષ, મહેનત અને જતું કરવાની વાત તેમને સમજાતી નથી. તેમને સ્વતંત્રતા નથી જોઈતી પણ સુવિધા જોઈએ છે.મહાશ્વેતાદેવીએ પોતે કેવા સંજોગોમાં એકલા રહેવાનો પ્રયત્ન કર્યો હતો તે જણાવ્યું હતું, તેમનો પ્રથમ પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો અને બીજો પતિ તેમને સમજી શકતો ન હતો. પ્રથમ પતિની સાથે પુત્રને છોડવો પડ્યો હતો તેનું દુંખ આજેય તેમને પીડે છે. તેમણે એક વાક્ય કહ્યું હતું હું ખૂબ એકલી હતી. એકલતા મને અખરતી હતી પણ હું ક્યારેય ભાંગી ન પડી. ઉલ્ટાનું  એ ગાળાઓ દરમિયાન મેં ખૂબ લખ્યું. આજે મહિલા દિને મહાશ્વેતાદેવીને મનોમન નમન કરવાનું મન થાય છે.

You Might Also Like

0 comments