સૌભાગ્યની નિશાની પહેરવી જરૂરી...?(published in mumbai samachar)

04:19

આ સવાલ પુરુષ માટે હોય કે સ્ત્રી માટેનો હોય જવાબ તરત જ મળી શકશે. કોઈએ વિચારવું નહીં પડે. પુરુષ માટે કદાચ હાથમાં વીંટી હોઈ શકે બાકી કોઈ ભેદ નહીં. એ વીંટી પણ પહેરવી કે ન પહેરવી તે પુરુષની મુનસફી પર નિર્ભર હોય છે. જ્યારે પરિણીત સ્ત્રી અને અપરિણીત સ્ત્રી માટે તો અનેક ભેદ હોઈ શકે, માથામાં સિંદૂર હોય કે ગળામાં મંગળસૂત્ર કે પછી હાથમાં લીલી કે લાલ બંગડીઓ વગેરે વગેર. દરેક સમાજના નિયમો જુદા હોઈ શકે. 

સ્ત્રીની માનસિકતા એવી ઘડી નાખવામાં આવી હોય છે કે તેને પણ લાગે છે કે આ બધા પ્રતીકો વિના તે અધૂરી રહી જશે. કેટલીક આધુનિક નારીઓ આમાંથી બહાર આવવામાં સફળ જરૂર થઈ છે. પણ જો મધ્યમવર્ગીય સમાજમાં એ નારી જાય તો તેના વિશે અનેક કાનાફૂસીઓ જરૂર થશે. આ વિચાર આવ્યો જ્યારે હાલમાં જ એક આધુનિક પારંપરિક નારીને મળવાનું થયું મહિલાઓના ડબ્બામાં. દરરોજની સહપ્રવાસી સખીઓ સાથે વિંટળાયેલી એ યુવતી લગ્ન અને હનીમૂન બાદ મહિના પછી ફરી કામ પર જઈ રહી હતી. જીન્સ, ટીશર્ટ સાથે માથામાં સિંદૂર, હાથમાં કાંડા સુધીની લાલ અને હાથીદાંતની ચૂડીઓ, ગળામાં મંગળસૂત્ર. બધી જ સખીઓ તેને ક્યુટ ... બહુ જ સુંદર, હવે તું એકદમ પરિણીત લાગી રહી છે કહીને વખાણ કરી રહી હતી. અને તે વારંવાર મંગળસૂત્રને હાથ લગાવીને પોરસાઈ રહી હતી. મંગળસૂત્રની ડિઝાઈન આધુનિક હતી અને દરેકે ખૂબ વખાણ્યું એટલું જ નહીં તેને ક્યાં બનાવડાવ્યું પૂછીને પોતે પણ નવું મંગળસૂત્ર બનાવવું છે કહીને વાતોએ ચઢી. બાજુમાં એક આધેડ વયના બહેન બેઠા હતા... તેમને આ બધી વાતોથી તકલીફ થતી હતી તે પૂછી બેઠા... તમારા વર માટે પણ આવું સેમ ટુ સેમ મંગળસૂત્ર બનાવ્યું છે? અચાનક ડબ્બો શાંત થઈ ગયો. પેલી નવોઢાએ નવાઈ સાથે મહિલા સામે જોયું અને ઉપાલંભમાં પૂછ્યું આંટી આપકી શાદી નહીં હુઈ? પેલી મહિલાએ શાંતિથી જવાબ આપ્યો ત્રીસ વરસ પહેલાં જ સદ્નસીબે મિત્ર જેવો પતિ મળ્યો છે. પણ ક્યારેય મેં મંગળસૂત્ર કે સિંદૂર કે કોઈ વિવાહિતાની નિશાનીઓ પહેરી નથી, કારણ કે તેની જરૂર નથી. પેલી નવોઢાની મૈત્રિણીઓએ જે દરેકે મંગળસૂત્ર પહેર્યાં હતા તેમણે સખીનો પક્ષ લેતાં કહ્યું કે હોગા તમારામાં એવું ચાલતું હશે પણ અમારા સમાજમાં એવું નથી ચાલતું. પરંપરા તો માનવી જ પડે. નહીં તો લગ્ન થયા છે તે ખબર કેમ પડે એટલે પેલી મહિલાએ એટલા જ શાંત સ્વરે સામે એક સવાલ પૂછ્યો કે તો શું જીન્સ અને ટીશર્ટ પરંપરામાં આવે છે? બધાને શું બોલવું સમજાયું નહીં. એટલામાં સ્ટેશન આવતાં બધા પોતપોતાના રસ્તે પડ્યા. 

બાળપણથી દુલ્હન બનવાનું સપનું છોકરીના મનમાં રોપી દેવામાં આવે. દુલ્હનનો સાજશણગાર, ઘરેણાં, મંગળસૂત્ર અને સિંદૂર એ પરંપરિત છે અને પિતૃસત્તાક માનસિકતાની ઉપજ છે તે વિચાર આવતો નથી. મને પણ નહોતો આવ્યો. એ જ પરંપરિત રીતે તૈયાર થઈને દુલ્હન બનવાની મહેચ્છા મારામાં પણ હતી. પછી ભલે ન મંગળસૂત્ર પહેરું કે ચાંદલો પણ ન લગાવું. સ્ત્રી સંપત્તિ છે એવું માનવામાં આવતું એટલે એ પરિણીત છે કોઈકની સંપત્તિ છે તેવું જણાવવા માટે સ્ત્રીઓ માટે આ પ્રતીકો પહેરવા ફરજિયાત બનાવવામાં આવ્યું. તેને ભાવનાત્મક બનાવીને સ્ત્રીઓના ડીએનએમાં જ વણી દેવામાં આવ્યું હશે. એટલે જ આજની આઘુનિક નારી સાડીમાંથી જીન્સ અને ટીશર્ટ સુધી તો પહોંચી પણ મંગળસૂત્ર અને સિંદૂરમાંથી ન છૂટી શકી. તેના મૂળમાં લોહીમાં વણાઈ ગયેલી આ પરંપરાઓ સ્ત્રીઓએ જ જીવિત રાખી છે. લગ્ન થયાને માથે ચાંદલો પણ ન કરે કે હાથમાં બંગડી ન પહેરે કે ગળામાં મંગળસૂત્ર કે કોઈ ઘરેણું ન પહેરે તે સ્ત્રી ખોટું કરે છે તેવું સાસુ, જેઠાણી કે માતા પોતે જ માનતી હોય છે. અસલામતી અને ભયમાં જીવતી આધુનિક શિક્ષિત નારી સ્વતંત્ર થઈ શકતી નથી. 

જો આ બધું ન કરે તો તેનું સૌભાગ્ય છીનવાઈ જશે તેવો ભય તેનામાં રોપવામાં આવ્યો છે. સ્ત્રીને કેટલી સ્વતંત્રતા લેવાનો અધિકાર છે તે બીજી સ્ત્રી જ નક્કી કરતી હોય છે હવે. પુરુષ સત્તાનું કામ તો તેને ડીએનએમાં મૂકીને પૂરું થઈ ગયું છે. તો બીજી તરફ એક મુસ્લિમ બુરખો પહેરેલી સ્ત્રી સાથે થયેલી વાત યાદ આવી. એ સ્ત્રી રાતના નવ વાગ્યે કામ પરથી ઘરે જઈ રહી હતી અને ટ્રેન લેટ હોવાથી થોડી ચિંતિત હતી, કારણ કે બાળક તેને ફોનમાં ઘરે જલદી આવવા માટે કહી રહ્યું હતું. એ સ્ત્રી નઝમાએ પોતાની વાત કરી હતી કે તેના માતાપિતા તેને ભણાવવા નહોતા માગતા. કેટલીય જીદ્દ કરીને તેણે માંડ માંડ ગ્રેજ્યુએશન કર્યું. શિક્ષિત પતિ મળ્યો, તેણે પત્નીને ઓપ્થેલ્મોલોજીનું આગળ ભણાવ્યું અને કામ કરવાની છૂટ આપી. બુરખો ન પહેરે તો તેના માતાપિતા અને સાસુસસરાને ગમે નહીં એટલે તે પહેરે છે. પણ તે ખુશ છે કે પતિ શિક્ષિત છે અને સમજદાર છે. તે ન પરણી હોત તો તેને ક્યારેય કામ કરવા જવા મળ્યું ન હોત. આમ, જ્યોતિબા ફૂલેથી લઈને કેટલાય પુરુષોએ સ્ત્રીઓને પરંપરાઓને તોડીને મુક્તિનો માર્ગ દર્શાવવાના પ્રયત્નો કર્યા. પણ હજી કેટલીય સ્ત્રીઓ પોતાની દીકરીઓને, સાસુઓ પોતાની વહુઓને મુક્ત શ્ર્વાસ લેવાનો અહેસાસ નથી કરાવવા માગતી. દરેક સ્ત્રી પોતાની હદ વિસ્તારવા નથી માગતી. દીકરી વ્હાલનો દરિયો ખરી પણ મુક્તિની હદ લગ્નના બંધન સુધી જ વિસ્તરી શકે.

You Might Also Like

0 comments