પાણી માટે ગ્લેશિયર કર્યા સજીવન(published in mumbai samachar)

02:26

પાણીની તંગી રણમાં પડે તે લોકો માની શકે પરંતુ, હિમાલયના ઊંચા પહાડોમાં પડે તે માનવું અઘરું લાગે પણ લેહ-લદાખના ગામોમાં ગ્લોબલ વૉર્મિંગને કારણે રણ જેવું સુક્કુભઠ્ઠ વાતાવરણ જોવા મળે. ખેડૂતોને વરસમાં એકવાર પાક માટે પાણી ગ્લેશિયર પીગળે તો મળે. પણ ગરમીનો પારો ઊંચે જતાં ગ્લેશિયર વધુને વધુ ઊંચે જવા માંડ્યા. એક સમયે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો હતા ત્યાં ભૂખરા બરફ વિનાના નગ્ન પહાડો દેખાય. ગ્લેશિયર જ ન હોય તો પાણી ક્યાંથી મળે, સુક્કું રણ બસ જ્યાં નજર નાખો . ખેડૂતો પાસે બરફવર્ષા કે વરસાદ થાય તેને માટે રીતસર પ્રાર્થના કર્યા સિવાય આરો નહોતો. પરંતુ, એક લદાખી એન્જિનિયરને તેમની વહારે જાણે ભગવાને જ મોકલ્યો. એન્જિનિયર અને પર્યાવરણવાદી ચેવાંગ નોરફેલે ઊભા કરેલા આર્ટિફિશિયલ ગ્લેશિયરને કારણે ત્યાંના ખેડૂતોને પાક લેવા માટે પાણી નથી ખૂટતું. કેટલાંક ગામમાં હવે ખેડૂતો વરસમાં બે વાર પાક લઇ શકે છે.

લદાખનો વિસ્તાર એ ઠંડો પર્વતીય રણપ્રદેશ છે એવું કહી શકાય. શિયાળામાં અહીં -૩૦ ડિગ્રી તાપમાન નીચું હોય શકે તો વાર્ષિક સરેરાશ વરસાદ ૫૦ મિમિ પડે છે. ૧૯૩૫માં લેહમાં જન્મેલા નોરફેલે શ્રીનગરમાં અને લખનૌમાં શિક્ષણ લીધું. ત્યારબાદ ૧૯૬૦માં તેઓ જમ્મુ-કાશ્મીરમાં રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાયા. તેઓ શરૂઆતમાં તો ટાંકા જ બનાવતાં હતા. પાણી સંગ્રહવાના. પણ પછી તેમણે જોયું કે પાણી એ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. કેટલીક જગ્યાએ પાણી વેડફાય છે તો કેટલીક જગ્યાએ પાણીની જબરદસ્ત તંગી છે. તેમણે લેહ ન્યુટ્રિશિયન પ્રોજેક્ટમાં ચીફ પ્રોજેકટ ઓફિસર તરીકે કામ કર્યું છે. ૮૦ વરસના ચેવાંગ આજે કામ કરી નથી શકતા, પરંતુ કોઈને જરૂર હોય તો સલાહ-સૂચન રૂપે પણ મદદ કરવા તૈયાર હોય છે. લેહથી મુંબઈ સમાચાર સાથે વાત કરતાં તેઓ કહે છે કે તેમને બસ એક જ અફસોસ છે કે લોકો ગ્લોબલ વૉર્મિંગને કારણે પીગળી રહેલા ગ્લેશિયર્સ વિશે ગંભીર થઈને નથી વિચારતા. પોતાની આસપાસની તકલીફોમાંથી માર્ગ કાઢવા માટે લોકોએ પોતે સજાગ થવાની જરૂર છે. ચેવાંગ કહે છે કે આજે લોકોને ખેતીમાં રસ નથી રહ્યો કારણ કે ટુરિઝમને લીધે બીજી અનેક કામો કરવાની તક મળી રહી છે. મેં બનાવેલા ગ્લેશિયર જ્યાં લોકો મેઈન્ટન કરે છે ત્યાં પાણીની તંગી નથી બાકી જૂનમાં જ્યાં સુધી ઉપરના મોટા ગ્લેશિયર ન પીગળે ત્યાં સુધી રાહ જોવી પડે છે ખેતી માટે. 

ચેવાંગ નારફેલે ૨૦૧૨ સુધીમાં ૧૨ આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા. આ ગ્લેસિયરોમાં ફુકત્સિ ગામનું ગ્લેસિયર સૌથી મોટું છે. ૧૦૦૦ ફીટ લાંબુ, ૧૫૦ ફીટ પહોળું અને ચાર ફીટ ઊંડું છે. ફક્ત નેવું હજારને ખર્ચે તૈયાર થયેલું આ આર્ટિફિશયલ ગ્લેશિયર ગામના ૭૦૦ માણસોને પાણી પૂરું પાડવા સક્ષમ છે. લદાખમાં શિયાળામાં લોકો નળ બંધ નથી કરતાં અને પાણી વહેવા દે છે જો તેઓ નળ બંધ કરે તો પાણી ઠંડીને કારણે જામી જવાની સમસ્યાનો સામનો કરવો પડે. એક શિયાળામાં ચેવાંગે જોયું કે પોપલર ઝાડની છાયામાં ધીમી ગતિએ વહેતું પાણી જામી ગયું હતું. જ્યારે ઝડપથી વહેતું પાણી જામતું નથી. આ જોઇને ચેવાંગને આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવવાનો વિચાર આવ્યો. ચેવાંગે જોયું હતું કે છેલ્લા પચાસ વરસમાં કેટલીય વાર વરસાદ લંબાયો હતો અને ગામના લોકો પાણી વિના ખેતી કરી શક્યા નહોતા.

ગ્લોબલ વૉર્મિગને અસરને કારણે બરફના ગ્લેશિયરો પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે. પર્યાવરણવાદીઓના મતે ૨૦૩૫ની સાલ સુધીમાં હિમાલયમાં ગ્લેશિયર ખતમ થઈ જવાની શક્યતા છે. આ બાબતથી જાણકાર ચેવાંગને ૧૯૯૬ની સાલમાં આર્ટિફિશિયલ ગ્લેસિયર ઊભું કરવાનો વિચાર આવ્યો અને તેને સમાજસેવી સંસ્થાની મદદથી તે અમલમાં મૂક્યો. ચેવાંગે હિમાલયની નદીઓને વેલીમાં વાળીને તેના પર ચેક ડેમ બાંધી વહેણની ગતિ ધીમી કરતા તે ગ્લેશિયરમાં ફેરવાઈ શક્યું. તેને કારણે જમીનમાં પાણીની માત્રા વધી. ઝરણાઓ પણ વહેતા થયા. અને ખેતી માટે આ પાણી વાળી લેવાતું. ચેવાંગે આ ગ્લેશિયર કુદરતી ગ્લેસિયર કરતાં ઘણાં નીચે બનાવ્યા જેથી કુદરતી ગ્લેસિયર પીગળે તે પહેલાં આર્ટિફિશયલ ગ્લેસિયર પીગળતાં તેમાંથી ખેડુતો એક વધુ પાક આગોતરો લઈ શકે. આ ગ્લેશિયર ગામના લોકો ઈચ્છે તો ઘણા જ ઓછા ખર્ચે મેઇન્ટેન કરી શકે છે, પરંતુ લોકોને તેની પરવા ન હોવાનું ચેવાંગે જોયું છે. અને તેનો એમને ઘણો અફસોસ થાય છે. ચેવાંગનો અફસોસ યોગ્ય જ છે. ગંદકીની ફરિયાદ આપણે કરીશું, પરંતુ આસપાસની ગંદકી ઓછી કરવા કે ન થાય તે માટે કેટલી વ્યક્તિઓ જાગૃત થઈને વર્તે છે? પાણીનો વેડફાટ શહેરોમાં જે રીતે થાય છે તે જોઇને પાણી વિના ટળવળતા ગામવાસીઓ જુએ તો તેમનો જીવ બળી જાય. પર્યાવરણની ચિંતા આપણને સૌને હોવી જોઇએ. કારણ કે પર્યાવરણનો બદલાવ દરેક પૃથ્વીવાસીને અસર કરી શકે છે.

આ કામ માટે ભલે ઓછા પૈસા લાગે પણ તેટલું ફંડ ઊભું કરવું પણ ચેવાંગ માટે સહેલું નહોતું. પડકારો પીગળતા ગ્લેશિયરની માફક વધી રહ્યા હતા પરંતુ, હાર માન્યા સિવાય ચેવાંગે સમાજ માટે કામ કર્યે રાખ્યું. આજે તે ગ્લેશિયર મેન કે આઇસ મેનના નામે દેશવિદેશમાં મશહુર છે. તેમને પદમશ્રીનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન અને અન્ય પહાડી પ્રદેશોમાંથી લોકો તેમની પાસે ટેકનિક શીખવા આવ્યા હતા. વિચાર કરો કે ભવિષ્યમાં ગ્લેસિયર નહીં રહે તો ગંગા,યમુના જેવી નદીઓ પણ નહીં વહે. પાણીના અભાવે લોકો ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરશે. પર્યાવરણ બચાવવા માટે ચેવાંગ નોરફેલ જેવા લોકોની જરૂર છે પણ તેની કદર કરતાં આપણે શીખવાની છે. નહીંતો પર્યાવરણના મરણ સાથે આપણું અસ્તિત્વ પણ ટકવું મુશ્કેલ જ છે તે સમજાવવાની જરૂર છે ખરી ?

આફ્રિકાન દેશ યુગાન્ડામાં પણ બરફના ગ્લેશિયર્સ છે તે બહુ ઓછાને ખબર છે. વેર્નઝોરી માઉન્ટન જેને ત્યાંના લોકો માઉન્ટન ઓફ ધ મુન કે આફ્રિકન આલ્પસના નામે ઓળખે છે. આ માઉન્ટનના ગ્લેશિયર પણ વાતાવરણમાં સીઓટુ કાર્બન ફુટ વધવાને કારણે પીગળી રહ્યા છે. તાજેતરમાં ગ્રીન ક્રોસ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ યુથ પાર્લામેન્ટ ફોર વોટર સંસ્થાએ કરેલા આ પર્વતોના સર્વેમાં જાણવા મળ્યું છે કે આ ગ્લેશિયર્સ ૨૦૩૦ સુધીમાં ઇતિહાસ બનીને રહી જશે. નુકસાન એટલું થઈ ચુક્યું છે કે કોઇપણ હિસાબે આ ગ્લેસિયર્સ બચાવી શકાય તેમ નથી. દુનિયામાં દરેક જગ્યાએ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં ચેવાંગ નેરફેલ જેવી વ્યક્તિઓની સૂઝથી આપણે ટકી રહ્યા છીએ. કેટલીક વ્યક્તિઓ બીજાના જીવનનો વિચાર કરીને જીવનનું સાર્થક્ય શોધે છે. પોતાના કાર્યની સભાનતા વિના કે તેની નોંધ લેવાય છે કે નહીં તે વિચાર્યા વિના બસ તેઓ સમાજ માટે જીવ્યે જાય છે.

You Might Also Like

0 comments