સેવા કરવા મેવા છોડ્યા (mumbai samachar)

21:10
ગાંધીજીએ ગ્રામ સ્વરાજની વાત વારંવાર કહી હતી. તેઓ ઈચ્છતા હતા કે ગામડાંઓ સ્વાવલંબી અને સમૃદ્ધ બને. અમેરિકામાં પણ આમિષ કોમ્યુનિટી છે જે કુદરત આધારિત જીવન જીવે છે. એવો જ કંઈક વિચાર આન્ધ્ર પ્રદેશના કલ્યાણ એક્કીપેડ્ડીને આવ્યો. 

ગ્રામસભાની બે મીટિંગ વચ્ચે આકાર લઈ રહેલા પ્રોટો વિલેજમાંથી ફોન પર વાત કરતાં કલ્યાણ કહે છે કે, ‘આઠ વરસ પહેલાં મારા ૩૦મા જન્મ દિવસે મારા મિત્રએ પૂછ્યું કે કેટલા વરસ સમાજ માટે રહ્યા તારી પાસે? ત્યારે મેં ગણતરી કરીને જોયું તો ત્રીસ વરસ હોય બાકી રહેતા હોય તો મારી પાસે કુલ ૧૦ હજાર દિવસો રહે છે. હું હંમેશાં સમાજ માટે કામ કરવાની વાતો કરતો હતો પણ હકીકતમાં કશું જ કરી શકતો નહોતો. બસ એ જ સમયે નક્કી કર્યું કે મારે હવે સમય વેડફવો નથી. બીજા જ દિવસે હું મારી ઓફિસમાં ગયો અને રાજીનામું મૂકી દીધું.’ કંઇક અલગ કરવાની ઘેરી વળેલી ધૂનને પગલે કલ્યાણે સારા પગારની નોકરી છોડીને એક નવી કેડી કંડારવાનું નક્કી કર્યું.

કલ્યાણે એન્જિનયરીંગ કર્યા પછી સંતોષ નહોતો અને એટલે તેણે ત્યારબાદ દિલ્હીથી એમબીએ કર્યું . ભણ્યા પછી કમાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે અને એટલે તેણે એમબીએ બાદ ખાનગી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. સારા પગારની સારી નોકરીમાં દિવસો સરસ પસાર થઇ રહ્યા હતા. જોકે કામ છોડી દીધા બાદ કલ્યાણને શરૂઆતમાં સમજાયું નહોતું કે શું કરવું. તેણે ગરીબી હટાવવા અંગે કંઈક કામ કરવાનો વિચાર હતો એટલે તેણે ભારતમાં ફરવાનું નક્કી કર્યું. ફરતી વખતે ખાવાનો ખર્ચ ન થાય તે માટે ગામડાંઓનો રૂટ લીધો. ગામમાં લોકો સરળતાથી અજાણ્યાને જમાડે અને એ રીતે લોકોની ખરી પરિસ્થિતિ પણ જાણવા મળે. આઠેક મહિના તે સુંદરવનમાં આદિવાસી વિસ્તારમાં ફર્યો જાણવા માટે કે તેઓ કઈ રીતે જીવે છે. ત્યાં એણે જોયું કે એ લોકો ખૂબ ખુશખુશાલ જીંદગી જીવે છે. બસ તેને વિચાર આવ્યો કે ગરીબી દૂર કરવા કરતાં લોકોનું જીવન સમૃદ્ધ બનાવવું જોઈએ. એ વિચાર સાથે તે આન્ધ્ર પ્રદેશમાં ૧૬૬ ગામડાંઓમાં ફર્યોં છેવટે તેણે ટેકુલોડુ નામનું ગામ પસંદ કર્યું. સૌથી પહેલાં તેણે ગામમાં સામાન્ય રીતે રહીને કામ કરવાનું શરૂ કર્યું. જેથી ગામના લોકો કઈ રીતે કામ કરીને જીવનનિર્વાહ ચલાવે છે. તે દરરોજ રાત્રે જુદા જુદા ઘરમાં જઈને જમતો અને તેમના ઘરની પરસ્થિતિ વિશે તે જાણકારી મેળવતો. આખરે તેણે એક પરિવાર પસંદ કરી તેમની સાથે કામ કરવાની શરૂઆત કરી. એ પરિવારની વરસના ફક્ત ૬૫૦૦ રૂપિયા જ રળતું હતું. તેણે એ ઘરના પતિ-પત્ની સાથે મળીને તેમની બિનઉપજાઉ જમીનને ઉત્પાદક બનાવી. બહારની કોઈપણ મદદ લીધી નહીં. આજે તે પરિવાર દર મહિનાના ૧૪ હજાર રૂપિયાની આવક રળે છે. તેણે એ પરિવારને હેન્ડમેડ પવનચક્કી પણ બનાવવામાં મદદ કરી તેથી ઈલેક્ટ્રિસિટી પેદા કરી શકે. આમ ઈકો-ફ્રેન્ડલી જીવન ધોરણ સાથે સમૃદ્ધ જીવન બનાવી આપ્યું. 

આમ આ પ્રયોગ પછી તેણે એક મોડેલ ગામ બનાવવાનું નક્કી કર્યું. જે ભારતના કોઈપણ રાજ્યમાં આકાર લઈ શકે. કલ્યાણ કહે છે કે, ‘એ ગામ ત્રણ સિદ્ધાંત પર આધાર રાખીને બનાવવાનું નક્કી કર્યું. પહેલું એ કે ગામ સ્વાવલંબી હોવું જોઈએ. બીજું ગામમાં બધા એકબીજાને મદદરૂપ હોવા જોઈએ. ત્રીજું કુદરતનો આદર કરવો. આ બધું મને આદિવાસીઓના જીવનમાંથી શીખવા મળ્યું. જોકે આ જ બાબત ગાંધીજીએ પણ કહી છે તે વાંચવા મળ્યું. આજે અમે ૧૨.૫ એકરની જમીન ગામવાળા પાસેથી ખરીદી. તેમાં મારી પત્નીએ પોતાનો વ્યવસાય વેચીને મૂળભૂત રકમ ઊભી કરી. તેના મિત્રોએ કોર્પસ ફંડ ભેગુ કરી આપ્યું. ગ્રામ સ્વરાજની યોજના તેણે ગામના લોકો સાથે કરી તો ૧૦ કુટુંબો તેને સાથ આપવા તૈયાર થયા. આ પ્રોટોવિલેજમાં વધુમાં વધુ ૧૫ ઘર હશે જે ઈકોફ્રેન્ડલી રીતે બનાવવામાં આવી રહ્યા છે. ઉજ્જડ જમીન પર સૌ પહેલાં પાણી માટે આઠ નાના તળાવ ઊભા કર્યાં. હવે આ ગામ આખું ય ગામવાળા જાતે જ બાંધે તેવું ય નક્કી કર્યું. દરેક વ્યક્તિએ શ્રમદાન કરીને પોતાનો અધિકાર સ્થાપિત કરવો. આ જમીન બારેય પરિવારની સહિયારી માનવામાં આવશે. ગામ પોતાની વીજળી સોલાર અને પવનચક્કી દ્વારા જાતે જ ઊભી કરશે. બાયોગેસની યોજના પણ છે. આખુંય ગામ આજે વાઈફાઈ એનેબલ છે. એ સિવાય ઉપયોગી ઝાડ વાવીને જંગલ પણ ઊભું કરવામાં આવશે. 

હાલ ૩૮ વરસનો કલ્યાણ છેલ્લા આઠ વરસથી કશું જ કમાતો નથી એટલે તેણે પોતાની જરૂરિયાતો ઓછી કરીને એકદમ સાદું જીવન જીવવાનું શરૂ કર્યું. કલ્યાણ સામે 

સવાલ પૂછે છે કે માણસને જીવવા માટે કેટલી આવક જોઈએ? એનો જવાબ આપણે જ આપવાનો છે. આજે પ્રોટોવિલેજ લગભગ તૈયાર થઈ ગયું છે. કલ્યાણના માતાપિતાને પહેલાં ભય લાગતો કે દીકરો કમાતો નથી તે શું થશે? પણ પછી તેમણે જોયું કે કલ્યાણ અને તેની પત્ની ખરેખર સરસ રીતે જીવી રહ્યા છે. મૂળ તો આ કોન્સેપ્ટ આજના કોર્પોરેટ કલ્ચરના એકહથ્થુ અધિકારનો વિરોધ કરે છે. કુદરતી, સંતોષી, સુખી જીવનનો માર્ગ દાખવે છે. સ્વાવલંબનના પાઠ ફરીને યાદ કરાવે છે જે આપણે ભૂલી ગયા છીએ. રેડીમેડના જમાનામાં જરૂરિયાતની વસ્તુઓ પોતે જ ઊભી કરવાની. કલ્યાણ આપણને આપણા મૂળિયા તરફ સારી રીતે પાછા ફરી શકાય છે તેનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

You Might Also Like

0 comments