સંભલ તેરા ધ્યાન કિધર હૈ ભાઈ...

07:44




પુરુષોનું ધ્યાન સ્ત્રીઓ જ વિચલિત કરે એ ખરું પણ હવે ટેકનોલોજીને કારણે વીડિયો ગેમિંગ તેમને બેધ્યાન અને બેજવાબદાર બનાવે છે. આવું કહે છે ફિલિપ ઝિમ્બાર્ડો સાયકોલોજીના પ્રોફેસર જેમણે ૧૯૭૧માં સ્ટેનફોર્ડ પ્રિઝન એક્સપરિમેન્ટના કામ માટે ખ્યાતિ મળી છે. પ્રોફેસર ફિલિપ જગત સામે બહુ મોટી સમસ્યા જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે પુરુષો પોર્ન અને વીડિયો ગેમને કારણે જીવન બરબાદ કરી રહ્યા છે. વીડિયો ગેમિંગથી પુરુષો વધુ હિંસક બની રહ્યા છે તે વાતની ચર્ચાઓ થઈ જ રહી હતી પણ પ્રોફેસર ફિલિપની વાત વાસ્તવિકતાની નજીક છે. સમાજમાં આવી રહેલા મોટા બદલાવ પ્રત્યે તેઓ આપણું ધ્યાન દોરી રહ્યા છે. 

અરે આ સંશોધન બધા બકવાસ છે... એમ કહીને વાત ઉડાવી દેવાનું મન થયું પણ આ વાંચ્યા બાદ આસપાસ બારીકાઈથી નિરીક્ષણ કરતાં લાગ્યું કે પ્રોફેસરની વાત સાવ ખોટી નથી. તમે જો ગેમ ન રમતા હો તો જરા આજુબાજુ નિરીક્ષણ કરશો તો આ સમજાશે. ટ્રેનની મુસાફરી હોય કે બસની મુસાફરી હોય કે પછી ડૉકટરને ત્યાં વેઈટિંગ રૂમમાં પ્રતીક્ષા કરી રહ્યા હો કે પછી મિત્રોની સાથે જ કેમ ન હો.... મોટેભાગે નાનાથી લઈને પ્રૌઢ પુરુષો પણ કોમ્પ્યુટર પર ગેમ રમતા જોઈ શકાશે. પહેલાં વીડિયો પાર્લર હતા પછી પર્સનલ કોમ્પ્યુટર આવ્યા અને હવે તો મોબાઈલમાં જ અવનવી ગેમ્સ રમી શકાતી હોય છે. આ પુરુષોને આસપાસના કોઈની સાથે કઈ લેવાદેવા નથી હોતી. તેમના ફ્લેટ ફેસ ગેમમાં એકાગ્ર થઈ ગયેલા જોઈ શકાય છે. પોતે જ્યાં છે તે વાતાવરણની કોઈપણ અસરથી બેધ્યાન 

તેમને ફક્ત કાલ્પનિક ગેમની દુનિયામાં ખોવાઈ ગયેલા જોઈએ ત્યારે સમજાય કે આ પલાયનવાદ છે. ટાઈમપાસ અને પલાયનવાદ બે જુદી જ 

બાબતો છે. 

પ્રોફેસરે એક પુસ્તક પણ આ વિષયે હાલમાં બહાર પાડ્યું છે મેન (ડિસ)કનેકટેડ..તેમાં તેઓ ખૂબ વિસ્તારથી લખે છે કે ટેકનોલોજી આવ્યા બાદ પુરુષો શૈક્ષણિક ક્ષેત્રે, કામના સ્થળે અને સંબંધોમાં પાછા પડી રહ્યા છે. તે જીવનમાં અનેક અંતરાયો પેદા કરી રહ્યા છે. તેને કારણે સમસ્યાઓ અને સ્ટ્રેસ તેમને તોડી રહી છે. શૈક્ષણિક પરિણામોના સમયે આપણે પણ દર વરસે અખબારોમાં મથાડા વાંચીએ છીએ છોકરીઓએ છોકરાઓને પાછળ રાખી દીધા. 

નપાસ થવાથી કે ઓછા ટકા આવવાથી છોકરાઓ આપઘાત પણ વધુ કરતા હોય છે અને ડિપ્રેશનની સારવાર માટે પણ વધુ પુરુષો માનસ ચિકિત્સક પાસે જાય છે. 

પ્રોફેસર ફિલિપે આ સંશોધન સાથી નિકિતા સાથે કર્યું છે. તેમણે નોંધ્યું કે આજે પુરુષો વધારે પડતો સમય વીડિયો ગેમિંગમાં પસાર કરે છે કારણ કે તેઓ વાસ્તવિકતાથી અને જવાબદારીઓના ભારથી પલાયન થવા માગે છે. થોડીઘણી ગેમ રમવી કે ટાઈમપાસ માટે રમત રમો કે પછી કંટાળાથી બચવા જરા ડિસ્ટ્રેક્ટ થાઓ તે અલગ વાત છે, પણ જો તમે કોઈ ચિંતા કે જવાબદારીના ભયનો સામનો ન કરવા માટે શાહમૃગની જેમ રેતીમાં મોં ખોસી દે તેમ વીડિયો ગેમિંગમાં ખોવાઈ જતાં હો તો ચેતી જાઓ. ભાગેડુ વૃત્તિથી અપનાવેલી આ પ્રવૃત્તિ આદત બની જતી હોય છે. આખરે તે વાસ્તવિકતાને બદલી નથી શકતી કે તમારી માનસિકતાને ય બદલી નથી શકતી. ઊલ્ટાનું પરિસ્થિતિને વધુ વણસાવી શકે છે. ડ્રગ કે દારૂ જેવી આ ખરાબ લત ન મનાતી હોવાને લીધે સમાજને હજી સુધી તેનાં ખરાબ પરિણામો વિશે ખ્યાલ નથી આવ્યો તે હોઈ શકે. 

આપણે ત્યાં તો નાના બાળકોને માતાપિતા જ હાથમાં વીડિયો ગેમ્સ રમવા માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે જેથી તેમને કોઈ ત્રાસ ન આપે. કુમળી વયથી જ બાળકને કંટાળો, એકલતામાં ય આનંદ અને વાતાવરણને પામવાની બાબતોની જાણ થવા દેવામાં આવતી નથી. ટેકનોલોજી ફાયદો કરતાં નુકસાન વધુ કરી રહી હોય તેવું ક્યારેક લાગે. 

મોંઘા પ્લેસ્ટેશનો છોકરાને અપાવવામાં ગર્વ અનુભવતા માતાપિતા તેને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા હોય તેવું જણાતું હોવાનું સાયકોલોજિસ્ટ્સનું માનવું છે. 

તુંડે તુંડે મર્તિ ભિન્ના ...અહીં પણ એવું છે. ઓક્સફર્ડ ઈન્ટરનેટ ઈન્સ્ટિટ્યૂટના ડૉ એન્ડ્રુ ઝાયબાસ્કી પ્રોફેસર ફિલિપના મત સાથે સંપૂર્ણ સહમત નથી. તેમનું કહેવું છે કે જે પુરુષો ગેમ ન રમતા હોય તેની સાથે કોઈ સરખામણી પ્રોફેસરે કરી નથી એટલે તેને સ્વીકારવું અઘરું છે. સાયકોલોજિસ્ટ સિમોને ૨૦૧૩માં કરેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે મોટી ઉંમરે ગેમ રમવાથી મગજનો વિકાસ થાય છે. એટલે કે ૬૦ ઉપરની વ્યક્તિઓ વીડિયો ગેમ રમે છે ત્યારે ઉંમરને કારણે મગજની કાર્યશક્તિ જે ઓછી થઈ ગઈ હોય છે તેને સ્ટિમ્યુલેટ કરીને વધારે છે. પણ અહીં મોટી ઉંમરની વ્યક્તિઓ પર જ અભ્યાસ થયો છે. 

ડોકટર માર્ક એપ્પલબમ અમેરિકન સાયકોલોજિસ્ટ એસોસિયેશન સાથે સંકળાયેલા છે. તેમણે કબૂલ્યું છે કે વીડિયોમાં હિંસક રમતો રમનારાઓના વર્તન વાસ્તવિકતામાં પણ હિંસક બની શકે છે. સતત હિંસા જોનારાઓ થોડા જડ બની જાય છે. તેમની સંવેદના કઠોર બનતા વાસ્તવિકતામાં પણ હિંસક બનવાની શક્યતાઓ વધે છે. જો કે તેમાં પણ અપવાદો હોવાની શક્યતા તેઓ નકારતા નથી.

બર્ની ગુડ સાયબર સાયકોલોજિસ્ટ છે. તેનું કહેવું છે કે ગેમ રમનારા લોકોનો ગેમના લેવલ જીતવાથી આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે. આ બાબત બીજા ગેમર સાથે સોશિયલ મીડિયામાં શેઅર કરવાથી આનંદ મળે છે. તેઓ દલીલ કરીને આ વાતને સમજાવે છે કે માણસોને સ્પર્ધા કરવી ગમે છે. તેમાં જીત મેળવવાનો આનંદ પણ સંતોષ આપે છે, સુખ આપે છે. ગેમિંગ તે લાગણીઓને પોષીને માણસને આનંદી બનાવી શકે છે. ગેમિંગ રમનારનો આત્મવિશ્ર્વાસ વધે છે. શક્ય છે કેટલીક હકારાત્મક સંવેદના પેદા કરતી રમતોની વાત કરતા હશે બર્ની જો કે આ બાબત સાથે વધુ સહમત થવાની ઈચ્છા નથી થતી. કારણ કે ઘણાબધા સંશોધનો એ સાબિત કરે છે કે વિડિયો ગેમ્સ રમનારા પુરુષો સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિની સંવેદના નથી અનુભવી શકતા. કારણ કે ઘણી ગેમ્સમાં સ્ત્રીને ફક્ત સેક્સુઅલ ઓબજેક્ટ તરીકે જ રાખવામાં આવતી હોય છે. ગેમ રમનાર પોતે જે ઈચ્છે તે રીતે વર્તી શકતો હોવાથી તેનું મગજ એ જ રીતે વિચારવા લાગે છે. સ્ત્રી અને પુરુષ પર હિંસક ગેમ્સની જુદી અસરો પણ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના બ્રાડ બુશમેને તપાસી છે. સ્ત્રીઓને હિંસા ડરાવતી હોય છે કે તેનાથી જુગુપ્સા થાય છે તો સામે પક્ષે પુરુષોને વાસ્તવિકતામાં પણ કઠોર અને સંવેદનહીન બનાવે છે. 



ટૂંકમાં કોઈપણ બાબત અતિ સારી નહીં. રમત મેદાનમાં રમાતી હોય તો શારીરિક અને માનસિક વિકાસ કરે છે અને વ્યવસાયી રમત તો આર્થિક રીતે પણ લાભદાયી બની રહે છે. જો તમે વધુ પ્રમાણમાં વીડિયો ગેમ રમતા હો તો થોડું અટકીને વિચારો કે તમે ભાગેડુ તો નથી બની રહ્યા ને? પુરુષો જ નહીં આજકાલ સ્ત્રીઓ પણ મોબાઈલમાં વિડિયો ગેમ્સ રમતી જોવા મળે છે તેની ના નહીં, પરંતુ વીડિયો ગેમમાં પણ સ્ત્રીઓની પસંદગી અને પુરુષોની પસંદગી અલગ હોય છે. હિંસક, વોર ગેમ્સ કે સ્પીડ રેસિંગ ગેમ કે પછી ફુટબોલ, ક્રિકેટ પુરુષોને વધુ પસંદ પડે છે તો સિમ્પલ રમતો ગમે જેમાં ચોકઠા ગોઠવવાના હોય કે કેન્ડી ક્રશની ગેમ જ કેમ ન હોય.

You Might Also Like

0 comments