શોપિંગમેનિયા ઓ ...મેનિયા

02:21ગેંગ ઓફ વસેપુરનું ગીત અચાનક યાદ આવ્યું ટાઈટલ લખતાં ઓ વુમનિયા... વિમેનમાં મેન હોય છે તેમ વુમનિયામાં પણ મેનિયા એટલે કે મેન એટલે પુરુષ હોય જ. મેનિયા એટલે તો ગાંડપણ, નાદ પણ અહીં ટાઈટલમાં મેનિયા શબ્દને ગુજરાતીકરણ કરીને મેનિયા કર્યો છે. જો અનુરાગ કશ્યપ ફિલ્મમાં વિમેનને ભોજપુરીકરણ કરીને વુમેનિયા કરી શકે તો આપણે પણ ગુજરાતીકરણ કર્યો. શોપિંગ એટલે કે ખરીદી મેનને - પુરુષને મેનિયાક બનાવી દેતી હોય છે. કારણ કે ખરીદીની વાત આવે એટલે પુરુષને કંટાળો આવવા લાગે છે. પત્ની કે પ્રેમિકાને ગમે તેટલો પ્રેમ કરતા હોય, આસમાનમાંથી ચાંદ તારા તોડી લાવવાની વાત થાય પણ ખરીદી કરવા સાથે આવવાની વાત ન કર એવું કહેવા દરેક પુરુષ તલપાપડ હોય છે. 

મુંબઈની લોકલ ટ્રેનમાં જેન્ટસ ફર્સ્ટકલાસમાં પ્રવાસ કરી રહી હતી ત્યારે મારી સાથે એક પતિ-પત્ની પણ ડબ્બામાં ચઢ્યાં. બહારગામથી આવ્યાં હોય એવું લાગી રહ્યું હતું. મારી સામે જ સીટમાં બેઠા બાદ બહેને મને પૂછ્યું ફેશન સ્ટ્રીટ ક્યાં આવી કોલાબા કે ચર્ચગેટ? હું જવાબ આપું તે પહેલાં જ પુરુષ બોલ્યો, અરે હજી કેટલી ખરીદી કરવાની બાકી છે? આપણે ગેટ વે ઑફ ઈન્ડિયા જઈ રહ્યા હતા યાદ છે ને? પછી મારી સામે જોઈને ભાઈ બોલ્યા, સોરી બહેન પણ તમે એ કહો કે ગેટવે જવા માટે ટેક્સી ક્યાંથી પકડવાની? અને ફેશન સ્ટ્રીટ વિશે નહીં જણાવો તો ચાલશે કહીને તેમણે જરાક મલકી લીધું. પુરુષની માનસિકતા સમજી શકી અને પેલા બહેનની માનસિકતા પણ સમજાઈ એટલે ગેટવેની નજીક જ આવેલી કોલાબા ફેશન સ્ટ્રીટ અને ત્યાં આવેલી કેફૅ લિઓપોલ્ડ વિશે પણ માહિતી આપી તો પતિ ખુશ થઈ ગયા અને બહેન પણ રાજી. (લગભગ બધા જ પુરુષોને કેફૅ લિયોપોલ્ડ વિશે ખબર જ હશે પણ જેમને ખબર ન હોય તેમને જણાવવાનું કે બિયર પીવા માટે કોલાબામાં આ જગ્યા લોકપ્રિય છે. અહીં જ આતંકવાદીઓએ ગોળીબાર પણ કર્યો હતો. અને લિયોપોલ્ડની બહારની ફુટપાથ ખરીદી કરવા માગતી સ્ત્રીઓ માટે સ્વર્ગ છે.)

પુરુષોને ખરીદી કરવી નથી ગમતી અને સ્ત્રીઓને ખરીદી કરવી ગમે છે એ ખૂબ જ જનરલ વાત થઈ. એવા કેટલાય પુરુષો હશે કે જેમને શોપિંગમેનિયા હશે અને એવી કેટલીક સ્ત્રીઓ પણ હોઈ શકે જેમને ખરીદીના નામથી જ કંટાળો આવતો હશે. સાયકોલોજિસ્ટોએ પણ આ માનસિકતા અંગે અભ્યાસો કર્યા છે. ૨૦૧૩ની સાલમાં બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે પુરુષો ખરીદીની ૨૬ મિનિટમાં જ બોર થઈ જાય છે જ્યારે સ્ત્રીઓને બે કલાક સુધી ખરીદી કર્યા બાદ જ કંટાળો આવવાની શરૂઆત થાય છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે ૮૦ ટકા પુરુષોને પોતાની પત્ની સાથે ખરીદી કરવા જવાનો કંટાળો આવે છે. તેમાંથી ૪૫ ટકા પુરુષો કોઈપણ કિંમતે ખરીદી કરવા સાથે જવાનું ટાળશે જ. અભ્યાસમાં એ પણ સાબિત થયું કે જો પતિ-પત્ની સાથે ખરીદી કરવા જાય તો તેમની વચ્ચે બોલાચાલી થાય જ. પુરુષો પોતાની ખરીદી ફટાફટ પતાવી દેશે અને સ્ત્રીઓને શું ખરીદવું તે નક્કી કરતા વાર લાગતી હોય છે. 

સેલની સિઝન હોય ત્યારે મોલમાં તમને બોર થતાં પુરુષો દેખાશે. વિદેશમાં અને હવે અહીંયા પણ મોંઘેરા મોલમાં પુરુષોને ખરીદી કરવા આકર્ષવા માટે અને સ્ત્રીઓ સાથે આવવા માટે લલચાવવા ખાસ ઈન્સેન્ટીવ રાખવામાં આવે છે. જેમ કે સ્ત્રીઓ ખરીદી કરે ત્યાં સુધી પુરુષો પોતાના વાળ કપાવી લે કે ફુટ મસાજ કરી રિલેક્સ થઈ જાય. જર્મનીમાં તો બાળકોને રાખવા માટે જેમ કેર સેન્ટર હોય છે તેમ મોલમાં પુરુષો માટે ડે કેર સેન્ટર રાખવામાં આવે છે. સ્ત્રીઓ જ્યાં સુધી ખરીદી કરે ત્યાં સુધી પુરુષો અહીં ફક્ત ૧૦ ડોલરમાં ખાઈ શકે, બે બિયર પી શકે અને ગેમિંગનો આનંદ માણી શકે છે. 

સાયકોલોજિસ્ટ્સનું માનવું છે કે સ્ત્રીઓને ખરીદી ગમે છે અને પુરુષોને નથી ગમતી તે માનસિકતાના મૂળ હજારો વરસો પૂર્વેના છે. ઈસવીસન પૂર્વે ૮૦૦૦ બાદ જ માનવ ખેતી કરવા લાગ્યો તે પહેલાં તે આદિમાનવ તરીકે જીવતો હતો. પુરુષો શિકાર કરીને આવતાં અને સ્ત્રીઓ આસપાસના ઝાડ પરથી પાકેલાં ફળ ભેગા કરતી. સ્ત્રીઓ દરેક ઝાડ પર પાકેલાં, ખાઈ શકાય તેવા ફળો શોધતી અને પુરુષો એક ચિત્તે શિકાર શોધી, કરી સીધા ઘર ભેગા થઈ જાય. સાયકોલોજિસ્ટ્સનું કહેવું છે કે આ સ્વભાવ આજે પણ જળવાઈ રહ્યો છે. પુરુષો જે લેવું હોય તે લઈને બહાર નીકળી ઘરે જવાનું પસંદ કરે. તો સ્ત્રીઓ દસ વસ્તુઓ જોઈને વિચારે લેવા જેવું છે કે નહીં. 

અભ્યાસુઓને એ પણ જાણવા મળ્યું છે કે પુરુષોને પોતાની ખરીદી જાતે એકલા જ કરવી ગમે છે, જ્યારે સ્ત્રીઓને બીજી સ્ત્રીઓ સાથે ખરીદી કરવી ગમે છે કારણ કે ખરીદી એ સ્ત્રીઓ માટે ભેગાં થવાનો અવસર હોય છે. ઈસવીસન પૂર્વે આઠ હજારમાં પણ સ્ત્રીઓ ભેગી થઈને ફળફૂલ ભેગાં કરતી હતી. જો કે આ સિવાય બીજું પણ એક કારણ છે જે યુનિવર્સિટી ઑફ વર્મોન્ટના પ્રોફેસર ઓફ સાયકીએટ્રી એન્ડ સાયકોલોજિસ્ટ પોલી યંગ ઈંસેન્ડ્રેથે શોધ્યું છે. પોલી કહે છે કે જાહેરાતો દ્વારા કોર્પોરેટ કંપનીઓ સ્ત્રીઓને ઈનચાર્જ હોવાનો અનુભવ કરાવે છે. વિક્ટોરિયન યુગથી આ માનસિકતાનો ઉપયોગ વેચનાર દુકાનદારો કરી રહ્યા છે. સ્ત્રીઓના હાથમાં પહેલાં આર્થિક સત્તા નહોતી કે ન તો કોઈ નિર્ણય લેવાની છૂટ હતી. ખરીદી કરતી સમયે સ્ત્રીને પોતાની પસંદગી અને નિર્ણય કરવાની તક મળે છે. આર્થિક નિર્ણયો લેવાનો અઘિકાર પહેલાં ફક્ત પુરુષોને જ હતો તે તો માનશો જ ને! આપણે ત્યાં પણ સાડી વેચનાર, ઘરેણાં બનાવનાર પહેલાં ઘરે જ આવતો તેમાંથી પસંદગી કરવાનો અધિકાર સ્ત્રીઓને આપવામાં આવતો. પછી દુકાનો થઈ ત્યાં જઈને ખરીદી કરવાથી સ્ત્રીઓને પસંદગી કરવાની છૂટ લઈને માનસિક સંતોષની અનૂભુતિ થાય છે. તેમાં જાહેરાતો દ્વારા વેચનારાઓ સતત સ્ત્રીઓને કહે કે તમેે સ્વતંત્ર છો નિર્ણય કરવા માટે. ખરીદી કરીને તમે તમારું નસીબ બદલી શકો છો વગેરે વગેરે. બસ આ માનસિકતાને કારણે પણ સ્ત્રીઓને ખરીદી કરવી ગમે છે. તો બીજા પક્ષે પુરુષોની પાસે આર્થિક સ્વતંત્રતા હોય જ છે. તેમને મનગમતી રીતે બહાર જઈને આનંદ કરવાની છૂટ હોય છે. તેમને ખરીદી તે પુુરુષો માટે જરૂરિયાત પૂરતી મર્યાદિત બનીને રહે છે. આનંદ તો તેમને સ્પોર્ટસમાંથી, મિત્રો સાથે બેસીને બિયર (આલ્કોહોલ) પીવાથી અને વ્યવસાય ક્ષેત્રે વિકાસ કરીને મળી જ રહે છે. આમ પુરુષ અને સ્ત્રીની જે ભૂમિકાઓ છે તે જ એની માનસિકતા ઘડતી હોય છે. પહેલાં સ્ત્રીઓને વાર તહેવારે ઘરેણાં ઘડાવવાં, કપડાં સીવડાવવાં ગમતા, આજે સ્ત્રીઓ પોતે મૈત્રીણીઓ સાથે ખરીદી કરવાનો આનંદ મેળવી જ લે છે. પણ જેમ જેમ સ્ત્રીઓ બહાર કામ કરતી થઈ. કારર્કિદી ઘડતી થઈ તેમ એને પણ ખરીદીનો સમય ન મળે કે તેમાંથી પોતાનું આગવું વ્યક્તિત્વ સાબિત કરવાની જરૂરત રહેતી નથી. એટલે અનેક સ્ત્રીઓને ખરીદી કરવાનો શોખ ન હોય તે બની શકે છે.

તે જ રીતે હવે પુરુષોની ભૂમિકા બદલાઈ રહી છે એ જ રીતે ખરીદી કરવાના સ્થળો પણ વધુ આકર્ષક અને સગવડભર્યા બનવાને કારણે પુરુષોને ખરીદી કરવા જવાનો હવે કંટાળો ન આવે તે શક્ય છે. ગ્રોસરી માર્કેટમાં ય હવે એસી હોય, તમે તમારી રીતે ટ્રોલીમાં જોઈએ તેટલું લો કોઈ મગજમારી નહીં. આ વાતાવરણ પુરુષોને અનુકૂળ લાગે છે એટલે હવે કેટલાય પુરુષો રવિવારે ઘરનું કિરાણું લાવવાની ના ન પાડે કે કામ કરતી પોતાની અર્ધાંગિનીની સાથે મદદરૂપ થવા સજોડે આનંદથી જાય તેવા દૃશ્યો જોવા મળી શકે છે.

તે છતાં પુરુષોને કપડાંની ખરીદી કરવામાં પત્ની સાથે જવામાં કંટાળો આવે જ છે તે પરિસ્થિતિ બદલાઈ નથી અને કદાચ બદલાશે પણ નહીં.

You Might Also Like

0 comments