હામ હોય તો હિમાલય પણ વિકટ નથી (published in mumbai samachar)

06:04



જીવનમાં સંઘર્ષ તો લગભગ દરેક વ્યક્તિએ કોઇને કોઇ તબક્કે કરવો પડતો હોય છે. ફરક હોય છે એની માત્રામાં અને એના પ્રકારમાં. કોઇ મુસીબતો સામે હથિયાર હેઠા મૂકી દે તો કોઇ પૂરા જોશથી ઝઝુમીને પોતાને જે મેળવવું છે એ મેળવવા બનતા પ્રયત્નો કરે છે. એ સંઘર્ષ અને એ લડત પછી મેળવેલી સિદ્ધિનાં ફળનો સ્વાદ અનેરો હોય છે. મુંબઇ સુધરાઇમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા સુનીલ યાદવની કથા પણ લડત ચલાવતા ચલાવતા ક્યારેક થાકી જતા લાોકો માટે પ્રેરણાદાયક સાબિત થાય એવી છે. 

સુનીલ યાદવ રોજ રાત્રે અન્ય સફાઈ કામદારોની જેમ નાનાચોકમાં સફાઈ કામ કરવાની ફરજ બજાવે છે પણ તેનું જીવન બીજા સફાઈ કામદારો કરતાં જુદું છે. ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં ૩૬ વરસનો સુનીલ યાદવ કહે છે કે, ‘રાત્રે કામ કરીને હું રોજ દિવસના અભ્યાસ કરતો હતો. સફાઈનું કામ પેઢી દર પેઢીથી અમે લોકો કરીએ છીએ એટલે જો ભણીએ નહીં તો સફાઈ કામદાર બનવું એ જ અમારા માટે સહેલો રસ્તો હોય છે . મારા પિતા મ્યુનિસિપાલિટીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા પણ ૨૦૦૫ની સાલમાં તેમની તબિયત ખરાબ થતાં મને તેમની જગ્યાએ મ્યુનિસિપાલિટીમાં કામ મળ્યું. હું ત્યાં સુધી જુદી જુદી નોકરીઓ કરતો હતો. સિક્યુરિટી ગાર્ડ તરીકે, એસટીડી બૂથ ચલાવ્યું, સેલ્સમેન વગેરે કારણ કે હું દસમું ધોરણ પાસ નહોતો. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ, અંગ્રેજી અને ગણિત મને આવડી ન શક્યું ત્યારે એટલે ચાર પાંચ પ્રયત્નો છતાં હું નાપાસ જ થતો. સફાઈ કામદાર તરીકે કાયમી નોકરી માટે જોડાવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ત્યારે નહોતો. તે જ વરસે એટલે કે ૨૦૦૫માં એક વખત મને જાણવા મળ્યું કે યશવંતરાવ ચવ્હાણ ઓપન યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ પરીક્ષા આપવાથી આગળ ભણી શકાય છે. ખરું કહું તો સફાઈ કામ કરતાં જ મને વિચાર આવ્યો કે હું વધુ ભણીશ તો જ આમાંથી બહાર નીકળી શકીશ. ભણતર આગળ વધવા માટે જરૂરી છે એ સમજાતાં જ મેં એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી જે બારમા ધોરણ પાસ કરવા બરાબર ગણાય છે. ત્યારબાદ મેં બીકોમ કર્યું. ત્યારબાદ નિર્મલા નિકેતનમાંથી સોશ્યલ વર્ક પર ડિપ્લોમાં કર્યું. પછી ખબર પડી કે બીજી ડિગ્રી લેવી હોય તો એ માટે સીધા બીજા વરસમાં જ પ્રવેશ લઈ શકાય એટલે જર્નાલિઝમ વિષય સાથે બીએ કર્યું. સાથે ટાટા ઈન્સ્ટ્યિુટ ઑફ સોશ્યલ સ્ટડીઝમાંથી એમએસડબલ્યુ (માસ્ટર ઑફ સોશ્યલ વર્ક્સ) પણ કરતો હતો. વિચાર્યું હતું કે જર્નાલિઝમમાં જઈ કામ કરીશ પણ સમજાયું કે તે શક્ય નથી એટલે આગળ ભણવાનું નક્કી કર્યું. કામ કરતાં કરતાં ભણવાનું કોઠે પડી ગયું હતું અને સાથી કામદારો પણ મદદ કરતાં હતા. ફક્ત અફસોસ હતો તો અમારા ઉપરીઓ મને ભણવા માટે જરૂરી રજાઓ નહોતા આપતા. એમએસડબલ્યુ કરતી વખતે મારે કોર્સ સ્ટડી માટે જોહાનિસબર્ગ જવાનું હતું તે સમયે ટીઆઈએસએસના અધિકારીઓ મદદ કરી રજા મેળવવામાં ત્યારે જ હું જઈ શક્યો હતો. ત્યાં મેં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડની સ્થિતિનો અભ્યાસ કર્યો. મેં એ વિષય લીધો કારણ કે મેં પોતે પણ પહેલાં અહીં સિક્યોરિટિ ગાર્ડ તરીકે કામ કર્યું હતું એટલે મને સરખામણી કરવી સહેલી પડે. ત્યારબાદ મેં એમએ વિથ ગ્લોબલાઈઝેશન એન્ડ લેબર વિષય સાથે કર્યું અને એમફીલ મહિલા સફાઈ કામગાર વિષય સાથે કર્યું. અને હવે પીએચડી પણ કરીશ સ્વતંત્રતા બાદ સફાઈ કામદારોની સ્થિતિ પર. સફાઈ કામદારોની સ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી. ટેક્નોલૉજી હજી સફાઈ કામદારોના કામ સુધી પહોંચતી નથી. હજી આ કામને ડિગ્નિટીવાળું એટલે કે ગૌરવભર્યું માનવામાં આવતું નથી. તો કેમ? એ અંગે મારે આગળ અભ્યાસ અને કામ કરવું છે.’

સુનીલ યાદવ મહાલક્ષ્મીના એક સ્લમ વિસ્તારમાં રહીને જ આ દરેક પદવીઓ હાંસલ કરતો રહ્યો. હાલમાં જ તે ચેમ્બુર વિસ્તારમાં વન રૂમ કિચનમાં રહેવા ગયો છે. કારણ કે તેને ટીઆઈએસએસ સંસ્થા નજીક પડે. સુનીલ આટલું ભણ્યો તે રોજ રાત્રે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં અને તેમાં તેની પત્ની સંજનાનો સહયોગ પણ ખરો. કારણ કે સંજનાને પણ સુનીલ ભણવા માટે પ્રોત્સાહિત કરતો હતો. તેની પત્ની હાલમાં લો ભણવા માટે એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. સંજના જ્યારે પરણીને આવી ત્યારે બારમું ધોરણ જ પાસ હતી પણ સુનીલે તેને બીએ કરવાની પ્રેરણા આપી. બે બાળકો સાથે માતાપિતા પણ સતત ભણતા અને વિકાસ કરતાં રહ્યા. પરણ્યા બાદ ભણી ન શકવાનો અફસોસ અનેક લોકો કરતાં હોય છે તેમને માટે સુનીલ અને તેની પત્નીનું ઉદાહરણ આદર્શરૂપ છે. સુનીલે તેની પત્નીને જ નહીં તેની આસપાસના અનેક મિત્રો અને સાથે કામ કરતાં સાથીઓને ભણવાની પ્રેરણા આપી છે. તેનું કહેવું છે કે ‘હું દરેકને કહું છું કે આજે વિકાસ કરવા માટે ભણવું અગત્યનું છે. ભણવા માટે કે આગળ વધવા માટે કોઈ ઉંમર કે કોઈ પરિસ્થિતિ તમને રોકી શકતી નથી. બસ હિંમત અને આત્મવિશ્ર્વાસ મજબૂત હોવો જોઈએ. 

જીવનમાં અવરોધો અને તકલીફો તો આવશે જ તેનો સામનો અને સ્વીકાર કરીને ઓળંગી જવાનો પ્રયત્ન પૂરા જોશ સાથે કરવો જોઈએ. સમાજ સામેનો ગુસ્સો અને ગૌરવ માટેની ઝંખના મને મારા અભ્યાસના વિષયની નજીક લઈ ગઈ. આજે મારા મનમાં સ્પષ્ટતા છે કે સફાઈ કામદારના અધિકાર અને વિકાસ માટેના અવરોધોનો અભ્યાસ કરવો છે. જો હું ભણ્યો જ ન હોત તો આટલી સ્પષ્ટતા સુધી પહોંચત જ નહીં. આજે મારી દીકરીઓને પણ હું ભણવાનો આગ્રહ રાખું છું, કારણ કે શિક્ષણ જ ગૌરવ અને મુક્તિ બન્ને અપાવશે.’

You Might Also Like

0 comments