પાણીનું મૂલ્ય સમજો, તેને વાપરો, વેડફો નહીં: તલક શાહ (published in mumbai samachar)

04:34




મરાઠવાડાના દુષ્કાળની પરિસ્થિતિના સમાચારો સાંભળીને વિચાર આવ્યો કે આટલા મોટા મુંબઈમાં જો પાણીની તંગી પડે તો કેટલી ટ્રેનનું પાણી અહીં લાવવું પડે ? ખેર, થોડાં વરસો પહેલાં જ્યારે ખૂબ જ ઓછો વરસાદ થયો હતો તે વરસે ઉનાળામાં મુંબઈ ખાલી કરાવવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ હતી. મુંબઈમાંથી પસાર થતી એક પણ મોટી નદી ન હોવા છતાં કઈ રીતે પાણી મળે છે અને કેમ હજી પાણીની તકલીફો રહે છે તે જાણવા માટે મુંબઈ મ્યુનિસિપાલિટીના ભૂતપૂર્વ હાઈડ્રોલિક એન્જિનિયર અને કમિટી મેમ્બર ઓફ માસ્ટર પ્લાન મુંબઈ ૨૦૨૧ના મેમ્બર તલક શાહની મુલાકાત લીધી. 

મૂળ કચ્છના તલકભાઈ ૨૦૦૫માં મુંબઈ મ્યુનિસિપાલિટીની સેવામાંથી નિવૃત્ત થયા પણ હજી એપ્રિલ મહિના સુધી મુંબઈ એન્જિનિયર એસોસિયેશનના પ્રમુખ હતા. મુંબઈની પાણી સપ્લાયની રગેરગ જાણતા તલક શાહને એક જ ઈચ્છા છે કે મુંબઈના લોકો પાણીની કિંમત સમજે. તેને વેડફે નહીં. તલક શાહ ૧૯૭૦ની સાલમાં સિવિલ એન્જિનિયર તરીકે મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા તે વખતે મુંબઈને પાણી સપ્લાય કરતા ભાતસા ડેમ નહોતો અને ભાંડૂપમાં આવેલો એશિયાનો સૌથી મોટો વોટર ફિલ્ટર પ્લાન્ટ પણ નહોતો. પાર્લા ઈસ્ટમાં આવેલા તેમના ઘરના હિંચકા પર ઝૂલતાં તેઓ કહે છે કે મુંબઈને મેં મારી આંખ સામે વર્ટિકલ અને હોરીજેન્ટલી વિસ્તરતા જોયું છે. અને છતાંય મુંબઈના એક એક નાગરિકને શુદ્ધ પાણી મળે તે જોવાની જવાબદારી પૂરી પાડ્યાનો મને આનંદ છે. કલ્પના કરો કે આખાય મુંબઈને આજે વોટર ટેન્કરથી પાણી પૂરું પાડવું પડે તો તે ટ્રકની લાઈન મુંબઈથી લઈને કાશ્મીર સુધી લાંબી થાય. મુંબઈને રોજનું ૪૦૫૦ મિલિયન લિટર પાણી જોઈએ છે. પહેલાં જ્યારે મુંબઈની મોટાભાગની વસતી પાસે આજના જેવા બાથરૂમ કે ઘરમાં યુરોપિયન સંડાસ નહોતાં ત્યારે માથાદીઠ ૧૦૦ લિટર પાણી વપરાતું હતું. પણ આજે એ જ મોટાભાગની વસતી વધતા અને સંપન્ન થતાં પાણીનો વપરાશ જરૂરત કરતાં અનેક ગણો વધ્યો છે. તેમાં મોટેભાગે વેડફાય વધુ છે. જો મુંબઈનો દરેક નાગરિક પાણી વેડફે નહીં તો મુંબઈને પાણીની તંગી પડવાની શક્યતા નહીંવત છે. મુંબઈ શહેર જેવા વિશાળ અને ૧.૮ કરોડની વસતી ધરાવતા આ શહેરને પાણી પૂરું પાડતાં ભાતસા, તાનસા અને વૈતરણા એ ત્રણ મુખ્ય નદીઓ પર બાંધેલા બંધ છે. તેમાં ય મધ્ય વૈતરણા પર બંધનું કામ ૨૦૧૪-૧૫માં જ પૂરું થયું છે. વૈતરણા નદી પર પહેલો બંધ બંધાયો ૧૯૬૩-૬૪માં પછી પણ તે નદી ઓવરફ્લો થતી હતી, કારણ કે એ વિસ્તારમાં ૧૨૦ ઈંચ કે તેથી વધુ વરસાદ પડે છે. મુંબઈની વસતી વધે તેની પહેલાં જ પાણી સપ્લાય માટેનું પ્લાનિંગ આગોતરું શરૂ થાય. પહેલાં તળ મુંબઈમાં રહેવાસીઓ હતા અને પરાંમાં વિસ્તાર નહોતો. ૧૯૭૦ બાદ મધ્યમ વર્ગ ધીમે ધીમે સંપન્ન થયો અને એક રૂમમાંથી વનરૂમ કિચન અને કોમન ટોઈલેટમાંથી સેલ્ફ એટેચ્ડ સંડાસ-બાથરૂમ ધરાવતા ફ્લેટ્સમાં પશ્ર્ચિમના પરાંમાં શિફ્ટ થવા લાગ્યો. મલાડથી બોરીવલીની વસતી અને વિસ્તાર જે પહેલાં નહોતા તે વધ્યા. પછી ધીમે ધીમે લોકો વન રૂમ કિચનમાંથી બે રૂમ કિચન અને ગાડી ધરાવતા થયા. આજે તો બે રૂમ કિચનના ફ્લેટ બનતા જ નથી. એટલે કે ત્રણ થી ચાર રૂમ કિચનના ફ્લેટ બન્યા તેની સાથે પાણી જ્યાં વપરાય તે બાથરૂમ અને સંડાસની સંખ્યાઓ પણ વધી. મલ્ટી સ્પ્રે કરતાં શાવર સિસ્ટમો આવી. ગાડીઓ વધી એટલે તેને ધોવા માટે પાણીનો વપરાશ વધ્યો. આ બધાને પહોંચી વળવા માટે તાનસા, ભાતસા પર ત્રણેક વખત ઊંચાઈ વધારી, બાંધ બાંધ્યા એ સિવાય મીઠી નદી પર અને દહીંસર નદી પર પહેલાંથી જ બાંધ છે જ. જો કે તેની ગણતરી હવે કશી જ નથી. પાણીની બચત જો મુંબઈગરો ન શીખે તો કંઈ નહીં તેનો વપરાશ કરવામાં જાગૃતતા લાવવી જરૂરી છે. બાકી ગમે તે પરિસ્થિતિમાં પણ પાણી તમારા ઘર સુધી પહોંચાડતા પાણી વિભાગની કદર ન કરો તો કંઈ નહીં તેમના કામને સમજવાનો પ્રયત્ન તો કરો જ એવી વિનંતી છે. તો તમને કદાચ પાણીની કિંમત સમજાશે. કહેતાં હિંચકાને વધારે જોશથી ઠેસ મારી થોડી ક્ષણો અટકે છે તલક શાહ. એ ક્ષણનો લાભ લઈ મુંબઈના કૂવાઓ અને તળાવ કેમ પૂરી દીધાં એ પ્રશ્ર્ન સાથે ટેન્કર માફિયાની વાત કેટલી હદે સાચી તે વિશે પૂછ્યું તો એટલી જ સ્વસ્થતાથી હિંચકો ખાતા સામો સવાલ પૂછે છે કે તમારા મકાનમાં ટેન્કરનું પાણી આવે છે ? ના ... તમારી આસપાસનાં મકાનોમાં ટેન્કરનું પાણી આવે છે ? રસ્તા પર તમે કેટલાં ટેન્કરો જુઓ છો ? મુંબઈ શહેરમાં ૨૦૧૦ની સાલમાં પ૦૦૦ હજાર રજિસ્ટર્ડ ટેન્કર છે. થોડાઘણાં ગેરકાયદે પણ હશે અને ટેન્કરો મોટેભાગે બાંધકામ થતું હોય તે લોકો અને ઈન્ડસ્ટ્રિયલ કામ માટે મંગાવાય છે. આજે મ્યુનિસિપાલિટી કૂદકેને ભૂસકે વધતી વસતીને પાણી પૂરું પાડે છે તે ૨૬ જુલાઈ ૨૦૦૫ની સાલમાં જ્યારે આખુંય મુંબઈ પાણીમાં હતું. ટ્રેનો, વાહનો બંધ હતાં. કામકાજ ઠપ્પ હતા તે દિવસે પણ કામ કરતું હતું. લોકોને પાણી સપ્લાય તે દિવસે પણ કરવામાં આવ્યો હતો. અને બહારનું પાણી સોસાયટીની ટાંકીઓમાં ગયું હશે તો જ ગંદું થયું હશે બાકી નળમાંથી ગંદું પાણી નથી આવ્યું. આટલું મોટું કામ આખાય શહેરને પાણી આપવાનું તેમાં ક્યારેક બ્યુરોક્રસીને કારણે તરત કામ ન થઈ શકે તો તે માટે એન્જિનિયરોનો વાંક નથી હોતો તે સમજવાની જરૂર છે. એટલે ટેન્કર માફિયાની વાતને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી. બીજી વાત કૂવા કે તળાવની તે તો શહેરમાં જ્યાં અન્ડરગ્રાઉન્ડ ગટર સિસ્ટમ હોય ત્યાં તળનું પાણી વાપરવા યોગ્ય રહેતું નથી એટલે જ મુંબઈ શહેરના કૂવાઓ અને ટેન્કને પૂરી દેવામાં આવ્યા. રેઈન વોટર હાર્વેસ્ટ દરેકને મોંઘું પડે તે આર્થિક રીતે પરવડે તેમ નથી. મુંબઈએ પાણીનો બેફામ વપરાશ ઘટાડવાની જરૂર છે. એક વાત કહું જે હું અમારા અધિકારીઓને પણ કહેતો આવ્યો છું. ચાર, પાંચ વરસ પહેલાં સિંગાપોરે પાણીની તંગી મહેસૂસ કરી હતી. સિંગાપુરમાં પાણીની સપ્લાય મલેશિયાથી થાય છે. ત્યાં અલનીનોની અસરને કારણે વરસાદ ન થતાં સિંગાપુરમાં તંગી ઊભી થઈ. ત્યાંની સરકારે એક ઉપાય અજમાવ્યો. તેમણે નાગરિકોને કહ્યું કે અઠવાડિયામાં એક દિવસ પાણી નહીં મળે. અઠવાડિયામાં ક્યા એક દિવસ પાણી નહીં આપવામાં આવે તે અમે અગાઉથી નહીં જણાવીએ. બસ સિંગાપુરના નાગરિકો પાણીનો વપરાશ સભાનપણે કરવા લાગ્યા. અને તેમનો વપરાશ ૬૦ ટકા ઘટી ગયો. આપણે ત્યાં પણ આ બાબત લાગુ કરવાની જરૂર છે તો જ લોકો પાણીના વપરાશ બાબતે સભાન બનશે. બાકી સોસાયટીને પાણીના વધુ વપરાશ માટે દંડ કરવામાં આવે છે તો પણ વપરાશ ઘટતો નથી. ફ્લશ અને શાવર સિસ્ટમમાં ભરપૂર પાણી વેડફાય છે. બીજું વાસણ ઘસતી વખતે કામવાળા ફુલ નળ ખુલ્લો રાખે તે માટે ઘરમાલિકોએ પણ સભાન થવાની જરૂર છે. ફુલ ફોર્સમાં પાણી ન આવે તે જોવાની જરૂર છે તો પણ ઓછું પાણી વપરાશે. નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે પાણીના વપરાશ માટે શક્ય તેટલા સભાન રહીએ તો મુંબઈને ક્યારેય પાણીની સમસ્યા થવાની શક્યતા નથી સિવાય કે બે ચાર વરસ દુકાળ પડે. 

તલક શાહ મુંબઈને એટલું વિગતે જાણે છે કે તેમના વિશે જાણવું હોય તો મુંબઈ અને પાણીની જ વાત કરવી પડે. જો કે એ સિવાય તેમને વાંચનનો ય ખૂબ શોખ છે. ગુજરાતી સાહિત્યનાં મેગેઝિનો ઊંડા રસથી વાંચે છે. પુસ્તકોના કબાટ ભરેલા તેમના ઘરમાં જોઈ શકાય છે. તલકભાઈએ કહ્યું તેમ કુદરત દ્વારા મફતમાં મળતા પાણીની કદર કરીએ તેને વાપરીએ વેડફીએ નહીં.


You Might Also Like

0 comments