મને ઊડવું ગમે છે, કારણ કે હવામાં અનુભવાય છે મુક્તિનો અહેસાસ

05:54




નાની હતી ત્યારે નીલોફર વિચારતી કે એક દિવસ તે પંખીની જેમ પાંખો લગાવીને આકાશમાં ઊડશે. આજે ૨૩ વરસની ઉંમરે તે ફિક્સ પાંખો ધરાવતાં વિમાન ઉડાવે છે. ઉપર આકાશમાં જઈને જે હવા જેવી હળવાશ અનુભવાય છે તેવું એણે પોતાની દરેક મુલાકાતમાં કહ્યું છે. આગળ તે કહે છે કે સંપૂર્ણ મુક્તિનો અહેસાસ થાય છે કારણ કે અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓને ઘર બહાર જઈને કામ કરવાનો પણ અધિકાર નથી એવું મનાય છે. એટલે જ જ્યારે ૧૮ વરસની ઉંમરે તેણે રેડિયો પર સાંભળ્યું કે અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓને સમાન તક આપવાની શરૂઆત થઈ રહી છે અને જેમને લશ્કરમાં જોડાવું હોય તેઓ અરજી કરી શકે છે. 

બસ, નીલોફરના સપનાને પાંખો મળી તેણે અરજી કરી અને ઍર ફોર્સમાં ટ્રેઈનિંગ માટે પસંદ કરવામાં આવી.તેના એન્જિનયર પિતાને પણ એક સમયે પાયલટ બનવાની ઈચ્છા હતી પણ અફઘાનિસ્તાનમાં પાયલટ બનવું સહેલું નથી. અફઘાનિસ્તાનમાં ખાનગી વિમાન સેવા નથી. ઍર ફોર્સમાં જ પાયલટ બની શકાય એમ હોય છે. ૧૯૯૦ની સાલમાં જ્યારે તે જન્મી પણ નહોતી ત્યારે તાલિબાનોના આતંકથી ત્રસ્ત થઈને તેના પિતા પાકિસ્તાનમાં શરણાર્થી બનીને રહ્યા હતા. ૧૯૯૨ની સાલમાં ત્યાં તેનો જન્મ થયો. તેહજી છએક વરસની હતી ત્યારે તેની માતા અને બહેન સાથે એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ગઈ હતી. ત્યાં માએ રોલર કોસ્ટરમાં બન્ને દીકરીઓને બેસાડી. રાઈડ પૂરી થતાં તેની બહેન ખૂબ ડરીને રડતી રડતી માના ખોળામાં લપાઈ ગઈ પણ નીલોફરને તો મોજ પડી ગઈ હતી તે એણે ફરી રાઈડ પર જવાની જીદ્દ કરી. એ દિવસો યાદ કરતાં નીલોફર કહે છે કે તે સમયે મને રાઈડ ઉપર હવામાં આનંદ અનુભવાયો હતો તે ઊડવાના આનંદ જેવો હતો. કાબૂલમાં સ્થિતિ ઠેકાણે પડતાં તેઓ વળી અફઘાનિસ્તાન પાછા ફર્યા. પણ જ્યાં તેમનું ઘર હતું ત્યાં હજી તાલિબાનોનું જોર હતું પણ તેના પિતાએ બન્ને દીકરીઓને ઘરે શિક્ષણ આપ્યું. ૨૦૦૧ની સાલમાં તાલિબાનોનો ખાત્મો થતાં તેમને શાળામાં શિક્ષણ આપવામાં આવ્યું. 

અફઘાનિસ્તાન અમેરિકાની સહાય વડે ઍર ફોર્સની ટ્રેઈનીંગ આપી રહ્યું હતું અને તેમની પહેલી શરત એ હતી કે જાતીય સમાનતા હોવી જોઈએ એટલે જ નીલોફર રહેમાનીને તક મળી. એ પહેલાં સ્ત્રીઓ લશ્કરમાં હતી પણ તેમને ટેબલ વર્ક જ આપવામાં આવતું હતું. આખાય અફઘાની લશ્કરમાં ફક્ત ૫૧ સ્ત્રીઓ જ છે. એક જમાનામાં એટલે કે આજથી ત્રીસ વરસ પહેલાં બે મહિલાઓ હેલિકૉપ્ટર ઊડાડતી હતી પણ તાલિબાની શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી તે સૌ કોઈ જાણે જ છે. ત્રીસ વરસ બાદ કોઈ મહિલા ઍર ફોર્સમાં આવી અને અફઘાનિસ્તાનના ઈતિહાસમાં ફાઈટર પ્લેન ઉડાડનાર પ્રથમ મહિલા બની. 

જો કે પાયલટ તરીકે રહેમાનીની સફર ખૂબ મુશ્કેલ રહી. પુરુષોના ક્ષેત્રમાં કોઈ મહિલાનો પ્રવેશ સહેલાઈથી સ્વીકારી લેવાયો નહીં. નીલોફર રહેમાનીને એકલી પાડી દેવામાં આવતી. સાથે જ એવા પણ મેસેજ મળતા કે સ્ત્રીઓનું કામ નહીં વિમાન ઉડાડવાનું. તે જ્યારે પહેલી વખત વિમાન ઉડાડવાની ટેસ્ટ આપી રહી હતી ત્યારે અનેક જણાં ઈચ્છી રહ્યા હતા કે તે ફેઈલ થાય, રિજેક્ટ થાય. તેને આડકતરી રીતે મેસેજ પણ મળતાં કે ઘરે બેસીને રસોઈ કરે, બાળકો ઉછેરે. પણ નીલોફર રહેમાની દરેક પરીક્ષામાં પાસ થઈને પાયલટ બની. તેને કારગો વિમાન ઉડાડવાની ફરજ સોંપવામાં આવી. તે ક્યારેક ઘાયલ અને મૃત સૈનિકોને પણ હોસ્પિટલ પહોંચાડવાની ફરજ બજાવતી. તેને ૨૦૧૫ના માર્ચ મહિનામાં અમેરિકામાં ઈન્ટરનેશનલ વિમેન ઑફ કરેજ ઍવોર્ડ આપવામાં આવ્યો, પરંતુ અફઘાનિસ્તાનમાં તો તેને તાલિબાનો તરફથી સતત મારી નાખવાની ધમકીઓ મળતી રહી છે. તેના કુટુંબીઓને પણ ધમકી મળવા લાગતા તેઓ સતત ઘર બદલતા રહે છે. આજે પણ તેણે સતર્ક રહેવું પડે છે. તાલિબાનોએ તેને ધમકી આપી છે કે તેણે પાપકર્મ કરવાનું છોડીને ઘરે બેસવું જોઈએ નહીં તો તેના હાલ પણ મલાલા જેવા કરવામાં આવશે. તેના નજીકના સગાંઓ દ્વારા પણ તેમના કુટુંબને ધમકીઓ મળે છે કારણ કે ત્યાંના પુરુષો માને છે કે સ્ત્રીઓએ પોતાની મર્યાદાનો ભંગ કરવો ન જોઈએ. ક્યારેક નીલોફરને લાગતું કે તેણે મોટી ભૂલ કરી છે. તેને કારણે તેના પરિવારે પણ સહેવું પડે છે. જો કે તેનાં માતાપિતાનો તેને પૂરો સપોર્ટ છે. એટલે તેણે હાર માનીને પીછેહઠ ન કરવાનું નક્કી કર્યું. તે કહે છે કે કોઈ એક સ્ત્રીએ ચીલો ચાતરવાની જરૂર હોય છે. તો બીજી સ્ત્રીઓને માટે રસ્તો બની જાય છે. 

નીલોફર રહેમાની તાલિબાનોની ધમકીઓ મળવા છતાં હિંમતભેર કામ કરી રહી છે. ભવિષ્યમાં તે અફઘાની મહિલાઓને પાયલટની ટ્રેઈનિંગ આપવા માગે છે. તે ઈચ્છી રહી છે કે વધુને વધુ મહિલાઓ બહાર આવે. જો કે હાલમાંં તો બીજી જે મહિલાઓ લશ્કરમાં કામ કરી રહી છે તેઓ પોતાની ઓળખ જાહેર કરતાં રોકી રહી છે. નીલોફર રહેમાનીની પાયલટના વેશમાં ફોટાઓ સોશ્યલ મીડિયા પર ફરતાં તેના પર પણ અનેક પુરુષોએ અપશબ્દો દ્વારા વિરોધ કર્યો હતો.

You Might Also Like

0 comments