‘મુંબઈ સમાચાર’ વાંચીને ગુજરાતી શીખી નેપાળી કન્યા

03:00



પાતળો બાંધો, ઓછી ઊંચાઈ , સલવાર કમીઝ , સાદગી આખાય વ્યક્તિત્વમાં. કપાળ પરનો પીળો ચાંદલો જોઈ જય જિનેન્દ્ર કહી અમે વાતે વળગ્યા. મુંબઈ સમાચારનું નામ સાંભળીને તરત જ ઉત્સાહથી કહે અરે હું તો મુંબઈ સમાચાર જ વાંચું છું. મારા ઘરમાં બીજાં ઘણાં છાપાં આવે છે પણ મુંબઈ સમાચાર આખે આખું ન વાંચુ ત્યાં સુધી મને ચેન ન પડે. આપણે જ્યાં કામ કરતાં હોઈએ તેના વિશે સાંભળીને સારું જ લાગે એટલે વાતચીતમાં રસ પડતાં સૌ પ્રથમ નામ પૂછ્યું. તો કહ,ે મારું નામ ભૂમિકલા. વાહ સુંદર નામ પણ જૈન ગુજરાતીમાં આવું નામ હોય? 

પ્રશ્ર્ન સાંભળીને હસી પડતાં કહે, હું નેપાળી છું. ગુજરાતી જૈનને પરણી છું. સાંભળીને તરત જ પ્રશ્ર્ન થયો કે તો આટલું સરસ ગુજરાતી કેવી રીતે બોલી શકે છે? અને ગુજરાતી સાથે પ્રેમ કેવી રીતે થયો? વળી જૈન ધર્મ કેવી રીતે ગમવા લાગ્યો? એકસાથે સવાલો તો પૂછી લીધા પણ તેના જવાબ શુદ્ધ ગુજરાતીમાં જ આપતાં ભૂમિકલા કહે, આમ તો મારો જન્મ થયો ત્યારે મારા માતાપિતા સુરત પાસેના કોસાડ ગામમાં કામ કરતા હતા ત્યારે કોસાડમાં જ થયો, પરંતુ મારો ઉછેર નેપાળમાં થયો. કારણ કે મારા જન્મ બાદ તરત જ માતાપિતા પાછા નેપાળ શિફ્ટ થઈ ગયાં. નેપાળમાં પોખરાથી બે કલાક દૂર આવેલા સેન્જા ગામમાં અમે ખેતી કરતા હતા. દશમા ધોરણ સુધી ભણી પછી ગરીબીને કારણે ભારત આવવાનો વિચાર થયો. એ પહેલાં મારી એક સખી સાથે સુરત ફરવા આવી. ત્યાંથી અમે મુંબઈ આવ્યા. અમારી સાથે મારી સખીનો ભાઈ હતો. અહીં મારી સખી ઘરકામ કરવા લાગી. અને હું પણ કામ શોધી રહી હતી. મુંબઈમાં મારી સખીના ભાઈના ફ્રેન્ડ શરદ સાથે ઓળખાણ થઈ. તેમની સાથે ઓળખાણ થતાં ને વાત કરતાં જ અમને બન્નેને એકબીજા માટે લાગણી થઈ. એમ કહો કે પહેલી નજરનો પ્રેમ.(કહેતાં ભૂમિકલા આછું મલકે છે) 

તે સમયે હું ઓગણીસ વરસની હતી. પહેલીવાર ભારત આવી હતી, હિન્દી કે ગુજરાતી કશું જ આવડે નહીં. એટલે તેમની ભાષા ખાસ સમજાય નહીં. દોઢેક વરસ મારે અહીં રહીને કામ કરીને પૈસા કમાવવા હતા. નેપાળમાં તો ગરીબી ખૂબ. એટલે મારા પતિ મને મદદ કરી રહ્યા હતા. તેમણે મને જૈન ધર્મ વિશે કહ્યું તો શી ખબર એ ધર્મ પણ મને ગમવા લાગ્યો એટલે તેમને વધારે પ્રશ્ર્નો પૂછતી. થયું કેટલી સરસ વાત. મારા પતિના પહેલાં લગ્ન થયાં હતાં પણ તેમને કંઈક તકલીફ હતી અને છૂટાછેડા લેવાના હતા. એટલે તેમના છૂટાછેડા થતાં જ અમે લગ્ન કર્યાં. જો કે ન તો મારા માતાપિતાએ સરળતાથી અમારો સંબંધ સ્વીકાર્યો કે ન તો અહીં સાસરિયાંઓએ, પણ પછી હવે મને કોઈ કહી જ ન શકે કે હું જૈન ગુજરાતી નથી. આ સમાજમાં અને સાસરામાં ભળી જવા માટે મારે ભાષા શીખવી જરૂરી હતી. એટલે હું બારાખડી પહેલાં પતિ પાસેથી શીખી પછી ઘરમાં મુંબઈ સમાચાર આવતું હતું તે લઈને બેસતી. પહેલાં હેડલાઈન વાંચતા શીખી. ધીમે ધીમે નાના સમાચારો અને પછી હવે તો બાર વરસ થયા આખું ય છાપું અતથી ઈતિ વાંચુ તો જ સંતોષ થાય.આજે પણ મુંબઈ સમાચાર વધુ ગમે છે તેની સરળ ભાષાને લીધે. 

નેપાળમાં હું પહેલાં બધું જ ખાતી પણ હવે તો કાંદા, લસણ વગરનું જ ખાઉં છું. જૈન રસોઈ બનાવતાં પણ શીખી ગઈ છું. ધર્મ વિશે વધુ જાણવા માટે મેં પાઠશાળામાં જવા કરતાં પતિને કહીને શિક્ષકને ઘરે બોલાવીને ધર્મના ગ્રંથો ભણી. આજે તો હું પાંચ પ્રતિક્રમણ કરી શકું છું. અઠ્ઠાઈ કરું છું. કલ્યાણક તપ કરું છું. સારું ગાઈ શકું છું તે જૈન સ્તવનો ગાઉં તો લોકોને ખૂબ ગમે છે. હવે મને નેપાળની યાદ નથી આવતી. ખરું કહું તો નેપાળી ભાષા જ ભૂલી ગઈ છું કારણ કે કોઈની સાથે વાત ન કરવાની હોય ને. 

આજે તો ભૂમિકલા એકદમ પાક્કી ગુજરાતી જૈન ગૃહિણી જ બની ગઈ છે. તેમને આઠ વરસનો દીકરો પણ છે તેને પણ પોતાની મમ્મી ગુજરાતી નથી તે માનવાનું મન નથી થતું.

You Might Also Like

0 comments