રસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ank )

00:51



 

મુંબઈમાં ગરમીના આગમન સાથે વસંત રસ્તાઓ બની પથરાઈ જાય છે. જ‚રૂર હોય છે ફક્ત દૃષ્ટિકોણની.


મહાનગરોમાં મોસમનો બદલાવ પ્રદૂષણની વાસમાં ક્યારેય અનુભવાતો નથી. રેટ રેસની ભાગદોડમાં મહામૂલી કુદરતી સંપત્તિને ખોઇ બેઠેલો માણસ સંવેદનશીલ રહેતો નથી. એટલે જ કદાચ મહાનગરમાં મોસમ પણ બદલાતી નથી. મહાનગરમાં જન્મી અને ઉછરેલી મને પણ મોસમના બદલાવની આટલી મોટી અસર મુંબઈ શહેરમાં રહીને અનુભવાઈ ન હોત. પણ સંજોગવશાત પાંચેક વરસ પહેલાં પહેલીવાર  ફેબ્રુઆરી મહિનામાં ધરમપુર વિસ્તારમાં જવાનું થયું.
વલસાડ સ્ટેશનથી છ એક  કિલોમીટર વટાવીને ધરમપુરનો રસ્તો શ‚ થયો કે જરાક મીઠી મદમાતી સુગંધથી શ્ર્વાસ તરબતર થઈ ગયા. શિયાળો આ વરસનું પોતાનું કામ આટોપીને જવાની તૈયારીઓ કરતો હોય ત્યારે આંબાઓ પર મ્હોર બેસવાની શ‚આત થાય. આ મ્હોરની સુગંધ આખાય વાતાવરણને તરબતર કરે, એકાદ બે ક્ષણ નહીં પણ જ્યાં સુધી તેને મરવા એટલે કે ફુલ ખરીને ફળ લાગે ત્યાં સુધી. આસપાસ નજર કરી તો આંબાના વૃક્ષો ફુલોથી મ્હોરી રહ્યા હતા. ફળ આવે ત્યારે તેનો દબદબો કંઇ ઓર હોય છે તો કેરી લાગ્યા પહેલાંની તેની સુંદરતા અને સુગંધ શહેરમાં પૈસા ખર્ચતા પણ મળવા શક્ય નથી. કેટલાક વૃક્ષો પર તો એટલા મ્હોર ખીલ્યા છે કે પાંદડાઓ પણ થોડો સમય નમ્રભાવે પશ્ર્ચાદ્ભૂમાં રહેવાનું પસંદ કરે છે . ખેડૂતો એ વૃક્ષો જોઇને પછી આકાશ તરફ જોઇ કુદરતનો આભાર વ્યક્ત કરતા જોઇ શકાય છે. તે સમયે તેમની આંખમાં અનોખો આનંદ અને સંતોષ હોય છે.
ત્યારબાદ મુંબઈમાં પણ રસ્તા પર આંબા ને તેના પર મ્હોર જોતાં આંખ શીખી ગઈ. જોયાં વિના આંબાના મ્હોર તમારા હૃદયને સ્પર્શે એવું તો મુંબઈમાં શક્ય જ ન બને. શહેરમાં તો આંબાને પણ ખીલ્યાનો આનંદ નહીં મળતો હોય કદાચ. ખેર, પણ મુંબઈમાં પણ વસંતનું આગમન રંગેચંગે થાય છે. સંવેદનશીલ વ્યક્તિ હોય તેને રંગોની છોળ અડ્યા વિના ન રહે. બાકી દરરોજ એસી ગાડીમાં પસાર થઈ જાઓ કે આંખ મોબાઈલ ઉપર ચોંટાડીને દોડાદોડ પસાર થઈ જાઓ તો પણ ખીલેલા વૃક્ષો નજરે નહીં ચઢે. હા સુગંધ તો પ્રદૂષિત હવાને કારણે હૈયાને ન અડે પણ માર્ચથી મેના અંત સુધી મુંબઈના રસ્તાઓ રંગબેરંગી ફૂલોથી છવાઈ જાય છે. કોયલનો પંચમ સ્વર સૂરજના પહેલાં કિરણો સાથે વસંતના ગીતો ગાઈને તમારું ધ્યાન ખેંચે છે. પણ એસી ચાલુ કરીને સૂતાં મહાનગરવાસીને વૃક્ષ તરફ જોવાની ફુરસદ નથી કે ન તો વસંતને માણવાની ઉત્કંઠા.
મુંબઈમાં માર્ચ-એપ્રિલ-મે મહિનામાં ઉનાળાનો તડકો દાદાગીરીથી પથરાઈને પડ્યો હોય ત્યારે રસ્તાની બન્ને બાજુ પીળા ચટક પેલ્ટાફોરમ પગ પખાળતા વેરાયેલા પડ્યા હોય. પેલ્ટાફોરમના વૃક્ષને લોકો સોનમહોર તરીકે ઓળખે છે. તડકામાં તરબોળ થતી ડામરની  (હવે સિમેન્ટની)  કાળી  સડકો પર પીળા કલરની જાજમ પર ચાલતી વખતે રોમાંચ અનુભવાય. સાથે આછી મીઠી તુરી સુગંધ પણ આવે. ઉપર લાંબે જુઓ તો જ્યાં નજર પડે ત્યાં પેલ્ટાફોરમનો પીળો રંગ મસ્ત બનીને તડકાને હંફાવતો હસતો હોય તેવું લાગે. પેલ્ટાફોરમ આખાય મુંબઈમાં ઠેર ઠેર જોવા મળશે. જુહુના કૈફી આઝમી પાર્ક અને અમિતાભ બચ્ચનના નવા ઘર જલસાની નજીક આવેલ મ્યુનિસિપલ ગાર્ડનમાં તો પીળા ફૂલોનો ગાલીચો પથરાયેલો જ હોય.
મુંબઈમાં બાબુલનાથ પાસે લેબર્નમ રોડ આવેલો છે. એક જમાનામાં એ રોડ પર લેબર્નમના વૃક્ષો હોવા જોઈએ. પણ આજે તો નથી જ. જુહુ , માટુંગા ફાઈવ ગાર્ડન અને મુંબઈમાં અનેક જગ્યાએ લેબર્નમ એટલે ગુજરાતીમાં જેને ગરમાળો કહેવાય છે. નાજુક બહુ ઊંચા ન થતા એ વૃક્ષ પર પીળા રંગના ફૂલો સેરની જેમ ઝુમ્મર માફક લટકતાં દેખાય. તેની સુંદરતા માણવા એપ્રિલ મહિનામાં વહેલી સવારે કે ભરબપોરે જોવા જોઈએ. જો બોગનવેલ કોઈએ વાવ્યા હોય કે બાલ્કનીના કુંડામાં હોય તો ત્યાંથી પણ પોતાના વાયોલેટ, સફેદ કે કેસરી રંગોથી આકર્ષ્યા સિવાય ન રહે. આ બધામાં મહારાષ્ટ્ર રાજ્યનું ફૂલ તામણ તો કેમ ભુલાય. ઘાટા કે આછા પર્પલ, વાયોલટ રંગના તેના ફુલો લીલા પત્તા સાથે એટલા મનમોહક લાગે કે એકવાર જોયા બાદ તેને ભૂલવા અશક્ય છે.


તેને અંગ્રેજીમાં જાકરેન્ડાના નામે ઓળખવામાં આવે છે. આ તામણ ક્યાંક ગુલાબી રંગના પણ હોય.  મંત્રાલય પાસે, અંધેરી, પાર્લા ઈસ્ટ, જુહુ, પ્રાણીબાગ, કોલાબા, ફાઈવ ગાર્ડન, વગેરે અનેક જગ્યાએ તમારું ધ્યાન ખેંચ્યા વિના નહીં રહે. વાયોલટ રંગના તામણ, પેલ્ટાફોરમ, શિમળો, ગરમાળો  ખીલ્યા હોય. પેલ્ટાફોરમના ફુલો  મે મહિના સુધી મુંબઈને રંગીન બનાવીને આછા થવા લાગે કે તરત જ કેસરી અને લાલ ચટ્ટક રંગના ગુલમહોર દેખા દેવા લાગે. મેટ્રો થિયેટરથી ચર્ચગેટ તરફ ક્રોસ મેદાનની ધારે ચાલીએ તો ગુલમહોરની આખી લાઈન છે. પહેલાં ત્યાં ફેશન સ્ટ્રીટ નહોતી ત્યારે આખી ફુટપાથ પર કેસરી  ફુલોની જાજમ પાથરી હોય તેવું લાગતું. એ જ રીતે ચર્ચગેટ સ્ટેશનથી મરિન લાઈન્સ તરફના ક્વિન્સ રોડ ઉપર પણ અનેક ગુલમહોર છે. પેલ્ટાફોરમની જેમ જ આખાય મુંબઈના રસ્તાઓ પર ગુલમહોરના વૃક્ષો છે. ઉનાળો તપીને લાલચોળ થયો હોય એવો તેનો વૈભવ. ગુલમહોર વિશે એક વખત નલિની માડગાંવકરે સરસ વાત કરી હતી. કેસરી અને લાલ રંગના ગુલમહોરને બંગાળીમાં કૃષ્ણ ચૂડા કહેવાય છે અને મુંબઈમાં પીળા રંગના ગુલમહોર નથી પણ બંગાળમાં કોલકાતામાં પીળા રંગના ગુલમહોર છે તેને રાધાચૂડા કહેવાય છે. રાતરાણીની મદમાતી સુગંધ રાત પડતાં જ વાતાવરણને મત્ત કરી દે છે. રાતરાણી કેટલાક લોકો કમ્પાઉન્ડમાં કે બાલ્કનીમાં  રોપે છે. આ રાતરાણીને બંગાળીમાં હાસ્નોહાના કહેવાય છે.
 એ સિવાય રેઈન ટ્રી એટલે કે શિરીષની ઘટા ઘેરી અને છાંયો અદ્ભુત ઠંડક તો આપે જ પણ તેના પર લીલા ઝીણા પાનની સાથે આછા ગુલાબી રંગના નાજુક ફુલો જાણે મીનાકારી કરી હોય તેવા દૂરથી દેખાય. વસંતના આગમનથી જ આછા વાયોલટ રંગના ફુલો ધરાવતાં  કાંચનારના વૃક્ષની શોભા અનેરી હોય છે. આ ફુલોની સુગંધ ખૂબ જ મીઠી અને મંદ હોય છે. ફેબ્રુઆરીથી છેક એપ્રિલ ને ક્યાંક તો મે સુધી કાંચનાર પર અઢળક ફુલો ખીલે છે.
 વસંતનું આગમન પણ શિયાળાની ટાઢને આવજો કહેતા જ થાય અને જેમ જેમ ઉનાળાનો તાપ આકરો થાય તેમ અનેક વૃક્ષો પર ફૂલોની મોસમ પણ શ‚રૂ થાય. અને એ ઉનાળાના આકરા તડકાનો વૈભવ માણવા માટે પરસેવે નીતરવું પડે. એટલે કે એસી ગાડીમાં નહીં પણ પગપાળા ચાલવું જોઈએ. ચાલતાં ચાલતાં ક્યારેય મત્ત કરી દે તેવી આછી સુગંધ આવે તો આજુબાજુ શોધજો તમને લટક ચમેલી અર્થાત કે બૂચનું વૃક્ષ દેખાશે. સફેદ રંગના આ ફુલ ઊંધા લટકતા હોય તેમ બૂચ પર ખીલે. અને તેની સુગંધ દૂર સુધી આવે. એ જ રીતે કૈલાશપતિના વૃક્ષો દાદર સિદ્ધિવિનાયક પાસે, વરલી, પ્રાણીબાગ, ફાઈવ ગાર્ડન, જુહુ, અંધેરી ભવન્સ, બાબુલનાથની પાછળથી હેંગિંગ ગાર્ડન જવાના રસ્તે પણ કૈલાશપતિ, ગુલમહોર જોવા મળશે. એ સિવાય પણ મુંબઈમાં અનેક જગ્યાએ જોવા મળી શકે. કૈલાશપતિનું વૃક્ષ જાડું સીધું થડ અને ઊંચું હોય. તેના પર લાલ પીળા રંગના મોટા શિવલિંગ પર નાગ હોય તે રીતના ફુલ ખીલ્યા હોય. તેની સુગંધ તીવ્ર અને મીઠી હોય છે. આ ફુલો શિવલિંગ પર ચઢાવાય છે. ઉનાળામાં સાંજે કે વહેલી સવારે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ચાલવા જાઓ તો આટલા વૃક્ષો તો તેમના રંગ‚પ અને સુગંધનો વૈભવ જોઈને સહજતાથી ઓળખી જ જશો. આટલું કુદરતી સૌંદર્ય જોતાં ઉનાળાનો તાપ એટલો આકરો નહીં લાગે. શક્ય છે કે તમે વસંતની અને ઉનાળાની રાહ જોવા લાગશો મારી જેમ. જો કે  કુદરતનો આનંદ મેળવવા આપણે ઉપભોક્તાવાદ છોડી નમ્ર બનીને કુદરત સાથે જીવતાં શીખવું પડે.


You Might Also Like

1 comments