હરિયાળી અને રસ્તો લાવે જીવનમાં બહાર

00:10



હવાના પ્રદૂષણ બાબતે આપણે સતત ફરિયાદો કરીએ છીએ. અખબારમાં અહેવાલો આવે કે પ્રદૂષણનું સ્તર સીમારેખાને પાર કરી ગયું. શહેરમાં અસ્થમા અને એલર્જીના દરદીઓ વધી જાય. પણ ક્યારેય તે અંગે આગોતરો વિચાર નથી કરતા. શહેરી સુખસુવિધા મેળવવામાં કુદરતથી દૂર થતો માનવી પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યો છે તેની જાણ થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. રોડ પહોળા કરવા માટે, મકાનો બાંધવાં કે પછી કાર પાર્કિંગ માટે વરસો જૂનાં વૃક્ષો કાપી નાખતા આપણને અફસોસ નથી થતો. અને હવે તો મેટ્રો બાંધવા આરે કોલોનીનું જંગલ સાફ કરવાનો ય વિચાર કરાઈ રહ્યા હતા. ભલું થજો કેટલાક પ્રકૃતિની કિંમત સમજનાર લોકોનું જેમણે વૃક્ષોને કપાતા બચાવવા માટે આરે બચાવો અભિયાન આદર્યું હતું. આરે કોલોનીમાં ૨૫૪ વૃક્ષો કાપવા પડે એમ હતા. મુંબઈમાં મકાનના રિડેવલપમેન્ટના અને વિકાસકાર્યોને લીધે માર્ચ મહિનામાં ૨૦૦ વૃક્ષો કાપી નાખવાનાં હતાં અને બીજાં ૬૭૧ વૃક્ષોને રિપ્લાન્ટ કરવાના હતા. જો કે રિપ્લાન્ટ કરેલાં કેટલાં વૃક્ષો ખરેખર જીવંત રહે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. અને આ આંકડા ફક્ત કાગળ ઉપરના છે, હકીકતે તો અનેકગણા વૃક્ષો કપાઈ ગયા છે અને કપાઈ રહ્યા છે. ઉપરાંત અનેક વૃક્ષો કુદરતી આફતમાં ધરાશાયી થાય છે એ અલગ. વૃક્ષો આપણને છાંયો આપે કે કુદરતી વાતાવરણ જાળવી રાખે તે સામાન્ય બાબતો આપણે જાણીએ છીએ પણ હાલમાં જ વૈજ્ઞાનિકોએ સંશોધન અને અભ્યાસ દ્વારા સાબિત કર્યું કે વૃક્ષની નજીક રહેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, આવક પણ વધે છે. 

પ્રકૃતિની આસપાસ રહેનાર વ્યક્તિને તાણ ઓછી લાગે છે એ હકીકતની જાણ હોવા છતાં એ વૈજ્ઞાનિક અભ્યાસમાં અત્યાર સુધી સાબિત નહોતું થયું. શિકાગો યુનિવર્સિટીના સાયકોલોજીસ્ટ ઓમિદ કારદાને એક અભ્યાસ આ અંગે કર્યો. શહેરમાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય તો શું લાભ થાય ? બસ એટલા પૂરતો જ એમણે અભ્યાસ મર્યાદિત રાખ્યો. કેનેડાના ટોરન્ટો શહેરમાં નાનાં મોટાં મળીને કુલ ૫ લાખ ૩૦ હજાર જેટલા વૃક્ષો છે. ત્યાંના ૩૧૦૦૦ પુખ્ત વ્યક્તિઓના શારીરિક-માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ કર્યો. તેમાં વ્યક્તિઓની કાર્ડિઓ મેટાબોલિક કન્ડિશન્સ, ઘરની આવક, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો, અભ્યાસ અને તેમનું પોતાના સ્વાસ્થય વિશેનું શું માનવું છે તે અંગેે ઝીણવટભર્યું સંશોધન કર્યું.

સંશોધનમાં સાથ આપનાર સાયકોલોજીસ્ટ માર્ક બર્મનનું કહેવું છે કે, સ્ટ્રીટમાં રહેલા વૃક્ષને લીધે વ્યક્તિનું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. એવું નથી કે બીજાં વૃક્ષોની જેમકે કમ્પાઉન્ડનાં વૃક્ષોની અસર નથી થતી પરંતુ, ગલી કે રોડ પર જેટલાં વૃક્ષો વધુ તેટલું જ એ વિસ્તારમાં રહેતી વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહીં જો દર શહેરી ચોરસ વિસ્તારમાં દસ કે વધુ વૃક્ષ રોપવામાં આવે તો વિસ્તારમાં રહેતી વ્યક્તિઓની કાર્ડિઓ મેટાબોલીક સ્થિતિ સુધરે છે અને વ્યક્તિની વાર્ષિક આવકમાં પણ દશ હજાર ડૉલરનો વધારો થાય છે અથવા વ્યક્તિની ઉંમર ૭ વરસ નાની લાગવા માંડે છે. ટૂંકમાં એટલું સાબિત થાય છે કે જે વિસ્તારમાં રોડ પર વધુ વૃક્ષો હોય છે તે વિસ્તારમાં વસતા લોકોની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ સારી રહે છે. 

મેટ્રો રેલ માટે ચર્ચગેટ વિસ્તારનાં વૃક્ષો કાપવાની વાત ચાલી રહી હતી ત્યારે એ વિસ્તારના લોકોએ પ્રોફેશનલ માણસની સેવા લઈને ઈરોઝથી કામા રોડના વિસ્તારમાં કેટલાં વૃક્ષો છે તેની ગણતરી કરાવી હતી. લગભગ ૧૪૪ વૃક્ષ છે. તેમાંથી ૭૦ વૃક્ષો મેટ્રો માટે કાપી નાખવાની ગણતરી કરવામાં આવી હતી. સારી વાત એ છે કે આ વિસ્તારના લોકો વૃક્ષ કાપવાનો વિરોધ કરી રહ્યા છે. 

પ્રગતિ માટે જો વૃક્ષો કાપતા પહેલાં વિચારવું જોઈએ કે હકીકતમાં તો આપણે કશું જ મેળવીશું નહી પણ ગુમાવીશું જ. વૃક્ષો કાપી નાખવાથી આપણે હેલ્થ અને વેલ્થ તો ગુમાવીશું જ પણ પર્યાવરણનું નુકશાન કરીને કુદરતી વાતાવરણ પણ ગુમાવીશું. . જેમ વધુ વૃક્ષો હોય તેમ પ્રગતિ પણ વધુ જ હોય તે આ પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં સાબિત થયેલું છે. ત્યારે હવે તો જાગીએ અને શહેરના ગ્રીન કવરને કાપવાને બદલે તેમાં વધુ વૃક્ષો ઉગાડીશું તો પ્રગતિ થઈ શકે એમ છે. તન-મનનું સ્વાસ્થ્ય સારું રહે તો વ્યક્તિઓ વધુ પ્રોડકટીવ કામ કરી શકે છે. સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે પણ આપણે કોંક્રિટના જંગલની જગ્યાએ વૃક્ષની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનિવાર્ય પણે જો વૃક્ષ કાપવું પડે કે કુદરતી દુર્ઘટનામાં પડી જાય તો એની સામે બીજા પાંચ વૃક્ષ વાવીને તેનો તોટો પૂરો કરવો જોઈએ. ઘટાદાર- ફળ,ફૂલ ધરાવતા વૃક્ષો હશે તો ફક્ત રોડ પર જ નહીં જીવનમાં પણ હરિયાળી આવશે. અને સુંદર પક્ષીઓનો કલરવ વાતાવરણને મધુર બનાવશે.વધુમાં શહેરના તાપમાનને કન્ટ્રોલમાં રાખી શકે છે.

You Might Also Like

0 comments