અસહિષ્ણુતાનો દંભ ખુલ્લો પડી રહ્યો છે 26-11-15

01:05છેલ્લા મહિના દરિમિયાન વિશ્વમાં અને દેશમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા. તે અંગે લોકોમાં સતત ચર્ચાઓ પણ ચાલતી રહી. તેમાંય ખાસ કરીને અસહિષ્ણુતાને મુદ્દે લોકો પોતાના એવોર્ડ પાછા આપી રહ્યા છે. ધર્મ અને જાતિના મુદ્દાઓ, સાહિત્ય અને ખાનપાનના મુદ્દાઓ એટલા મહત્ત્વના બની ગયા કે પ્રસિદ્ધિ ઈચ્છતા લોકો પણ પોતાનો વિરોધ કે ટેકો આપવાને બહાને બયાનબાજી કરવા લાગ્યા. પણ નવાઈ ત્યારે લાગે કે જ્યારે કેટલાક મુદ્દાઓ વિશે સમાજમાં કોઈ અસહિષ્ણુતા જાહેર નથી કરતું. ખાસ કરીને નારીને થતા અન્યાય અંગે કોઈ મોટી ચર્ચા કે એવોર્ડ વાપસી જાહેર નથી થતી. નારી વિશ્ર્વમાં આ મહિને બે દુખદ અને એક સારી ઘટના બની તેની વાત કરવી છે. 

સૌ પ્રથમ સારી ઘટના- જે લક્ષ્મી પર એસિડ ફેંકીને ચહેરો બગાડી દેવામાં આવ્યો હતો તે લક્ષ્મી આખરે બાળકીને જન્મ આપીને રાજી થાય છે. દરેક મીડિયાએ તેની નોંધ લીધી. પુરુષના અત્યાચારનો ભોગ બનેલી દિલ્હીની લક્ષ્મીએ પોતાના વિકૃત થઈ ગયેલા ચહેરા સાથે જીવનની લડાઈ ચાલુ રાખી અને એસિડના છૂટથી થતાં વેચાણ પર સુપ્રીમ કોર્ટનું નિયમન લાવવામાં સફળ રહી. એસિડ એટેકનો ભોગ બનેલી નારીઓ માટે તે કામ કરી રહી છે. તેણે સામાજિક કાર્યકર આલોક દિક્ષિત સાથે લગ્ન કર્યા સિવાય સાથે રહેવાનું શરૂ કર્યું અને નવેમ્બરમાં તેણે દીકરીના જન્મની ખુશાલી ઉજવી. 

દુખદ ઘટના એ છે પર્યાવરણવાદી વૈજ્ઞાનિક પચૌરીની તેના વિરુદ્ધ જાતિય સતામણીની ફરિયાદ કરનાર સ્ત્રીએ રાજીનામું આપી દેવું પડ્યું તેના સમાચાર એકાદ કોલમમાં અખબારોમાં સૂવડાવી દેવામાં આવ્યા. સ્ત્રી માટે જેટલા પણ કાયદા બને પણ સમાજમાં તે વ્યક્તિત્વ જાળવીને સ્વમાનભેર જીવી શકતી નથી, એ આ ધટના પરથી સાબિત થાય છે. એ સ્ત્રી પોતે હાઈલી ક્વોલિફાઈડ છે. જો તે ખોટી હોત તો પચૌરીને ટેરીના તેમના પદ પરથી હટાવવાની જરૂર નહોતી. અને જો એ સ્ત્રીની ફરિયાદ સાચી હતી તો એને તેના હોદ્દા પરથી બીજા હોદ્દા પર બદલી કરીને તેને અપરાધ ભાવ મહેસૂસ કરાવવાની જરૂર નહોતી. બન્યું એવું કે તે સ્ત્રીને માનસિક સધિયારો સમાજ આપી ન શક્યો. જો આવું આટલા ઉચ્ચ હોદ્દા પર બને તો નાની કંપનીઓ અને સામાન્ય સ્ત્રીની તકલીફોનું તો પૂછવું જ શું ? 

બીજી ઘટના ૨૨ નવેમ્બરે ચીનમાં છેલ્લી કમ્ફર્ટ વિમેનનું મૃત્યુ થયું. કમ્ફર્ટ વિમેન એટલે કે બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જાપાનીઝ લશ્કરના મનોરંજન માટે કોરિયન, પેનિસ્યુએલા, ચીન અને દક્ષિણપૂર્વ દેશોની ૨૦ હજાર સ્ત્રીઓને જબરદસ્તીથી લાવવામાં આવી હતી. ઝેંગ અન્ટુ નામની આ ચીની સ્ત્રીએ જાપાનીઝ સરકાર વિરુદ્ધ જુલ્મ કરવા અંગે કેસ દાખલ કર્યો હતો. તેણે ૮૯ વરસની ઉંમરે છેલ્લો શ્ર્વાસ લીધો ત્યાં સુધી લડત ચાલુ રાખી. તેને આશા હતી છેલ્લા શ્ર્વાસ સુધી કે તેને કેસ લડવા માટે મદદ મળશે. ઝેંગ અન્ટુ ફક્ત સોળ વરસની હતી અને તે થોડા મહિના પહેલાં જ પરણી હતી ત્યારે જ તેને જબરદસ્તીથી જાપાનીઝ સૈનિક ઉઠાવીને લઈ ગયો અને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દીધી. તેના પર સતત વીસ દિવસ સુધી બળાત્કાર કરવામાં આવ્યો. ૧૯૯૫માં તેણે અન્ય કમ્ફર્ટ વિમેન (પીડીતાઓ) સાથે કેસ કર્યો હતો કે જાપાનીઝ સરકાર તેમની માફી માગે અને વળતર ચૂકવે. જો કે ૨૦૦૯માં જાપાનીઝ સરકારે ગુનો કબૂલ કર્યો પણ વળતર ચૂકવવાની ના પાડી દીધી. એની વે, આ સામાન્ય સ્ત્રીએ જાપાન સરકાર વિરુદ્ધ કેસ કરવાની હિંમત કરી એ માટે તેને સલામ કરી અલવિદા કહીએ. ભગવાન તેના આત્માને શાંતિ આપે. 

You Might Also Like

0 comments